શશિ થરૂરનું નામ વિદેશ જઈ 'ચરમપંથ સામે વલણ' સ્પષ્ટ કરવાના દળમાં સામેલ કરાતાં કેમ વિવાદ થયો?

ઇમેજ સ્રોત, Getty Images
'ઑપરેશન સિંદૂર' અને 'સીમાપાર આતંકવાદ વિરુદ્ધ ભારતની નિરંતર જંગના સંદર્ભે' સંસદીય કાર્ય મામલાના મંત્રાલયે પ્રતિનિધિમંડળની જાહેરાત કરી છે.
આ પ્રતિનિધિમંડળનો હેતુ ભારતના પ્રમુખ ભાગીદાર દેશો અને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય દેશોની મુલાકાત લેવાનો છે, જ્યાં તેઓ ઉગ્રવાદ અંગે ભારતના વલણને સ્પષ્ટ કરશે.
સાત પ્રતિનિધિમંડળોમાં પૈકી એકની આગેવાની કૉંગ્રેસના સાંસદ શશિ થરૂર કરશે અને આ જાહેરાત મામલે વિવાદ પેદા થઈ ગયો છે.
તિરુવનંતપુરમના સાંસદ શશિ થરૂરને એક પ્રતિનિધિમંડળના અધ્યક્ષ બનાવાતાં કૉંગ્રેસે કહ્યું છે કે તેમણે શશિ થરૂરનું નામ મંત્રાલયને નહોતું આપ્યું.
બીજી તરફ ભાજપે કૉંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીને પ્રશ્ન કર્યો છે કે તેમણે શશિ થરૂર જેવી 'વાકપટુતા'વાળી વ્યક્તિનું નામ કેમ ન આપ્યું.
શું છે સમગ્ર મામલો?

ઇમેજ સ્રોત, ANI
ભારત અને પાકિસ્તાન વચ્ચે સંઘર્ષ અને બાદમાં સીઝફાયર થયા બાદ એવા સમાચારો વહેતા થયા હતા કે આતંકવાદ વિરુદ્ધ ઝીરો-ટૉલરેન્સ અંગે ભારત સરકારની નીતિને વિદેશમાં લઈ જવા માટે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળનું ગઠન થઈ શકે છે.
એ બાદ એવા પણ રિપોર્ટો આવ્યા હતા કે એક પ્રતિનિધિમંડળની અધ્યક્ષતા કૉંગ્રેસ સાંસદ શશિ થરૂ સંભાળી શકે છે.
શનિવારે સવારે આ પ્રતિનિધિમંડળનાં નામોની ત્યારે પુષ્ટિ થઈ ગઈ જ્યારે પીઆઇબી તરફથી એક પ્રેસ રિલીઝ જાહેર કરાઈને આ વાતની જાણકારી અપાઈ.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
નિવેદન અનુસાર, "ઑપરેશન સિંદૂર અને સીમાપાર આતંકવાદ વિરુદ્ધ ભારતની નિરંતર લડાઈ સંદર્ભે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળોનું ગઠન કરાયું છે, જે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદના સભ્ય દેશો સહિત ભારતના સહયોગી દેશોની મુલાકાત લેશે."
પીઆઇબી પ્રમાણે સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ ભારતની રાષ્ટ્રીય એકતા અને આતંકવાદ વિરુદ્ધ પોતાના ઝીરો ટૉલરન્સના વલણને આંતરરાષ્ટ્રીય મોરચે સામે મૂકશે.
પીઆઇબી અનુસાર, "સાત પ્રતિનિધિમંડળના અધ્યક્ષોમાં કૉંગ્રેસના વરિષ્ઠ નેતા શશિ થરૂર, ભારતીય જનતા પાર્ટીના લોકસભા સાંસદ રવિશંકર પ્રસાદ, જનતા દળ યુનાઇટેડના સંજયકુમાર ઝા, ભાજપ સાંસદ બૈજયંત પાંડા, ડીએમકે પાર્ટીથી કનિમોજી કરુણાનિધિ, એનસીપી (શરદ પવાર જૂથ)નાં સુપ્રિયા સુલે અને શિવસેના (શિંદે જૂથ)ના શ્રીકાંત શિંદેનું નામ સામેલ છે."
કૉંગ્રેસે શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANI
આ સમાચાર સામે આવ્યા બાદ કૉંગ્રેસ નેતા જયરામ રમેશે ઍક્સ પર એક પોસ્ટ કરી. તેમાં તેમણે કહ્યું કે કૉંગ્રેસ તરફથી પ્રતિનિધિમંડળ સમૂહ માટે અપાયેલાં નામોમાં શશિ થરૂરનું નામ નહોતું.
જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "કાલે સવારે સંસદીય કાર્યમંત્રી કિરેન રિજિજૂએ કૉંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી સાથે વાત કરી અને પાકિસ્તાનમાંથી આતંકવાદ અંગે ભારતનું વલણ સ્પષ્ટ કરવા માટે વિદેશ મોકલાઈ રહેલાં પ્રતિનિધિમંડળો માટે ચાર સાંસદોનાં નામ આપવા કહ્યું."
જયરામ રમેશ પ્રમાણે, શુક્રવાર બપોર સુધી ચાર નામ અપાયાં. જેમાં આનંદ શર્મા, ગૌરવ ગોગોઈ, ડૉ. સૈયદ નાસીર હુસૈન અને રાજા બરાર સામેલ હતા.
બીજી તરફ શશિ થરૂરે પોતાનું નામ લિસ્ટમાં સામેલ કરાયું એ અંગે ઍક્સ પર લખ્યું, "હાલની ઘટના અંગે પોતાના દેશનું વલણ મૂકવા માટે ભારત સરકાર દ્વારા મળેલા નિમંત્રણથી સન્માનિત મહેસૂસ કરી રહ્યો છું."
તેમણે કહ્યું, "જ્યારે વાત રાષ્ટ્રીય હિતની હોય અને મારી સેવાની જરૂર હોય, તો હું ક્યારે પીછેહેઠ નહીં કરું."
ભાજપનો સવાલ

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જયરામ રમેશની આ પોસ્ટ બાદ ભાજપના આઇટી સેલના પ્રમુખ અમિત માલવીયે ઍક્સ પર પોસ્ટ કરીને કૉંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું.
તેમણે લખ્યું, "શશિ થરૂરની વાકપટુતા, સંયુક્ત રાષ્ટ્રમાં કામ કરવાનો લાંબો અનુભવ અને વિદેશ મામલામાં તેમના ઊંડા જ્ઞાનને કોઈ ખારિજ ન કરી શકે."
"તો પછી કૉંગ્રેસ પાર્ટી અને ખાસ કરીને રાહુલ ગાંધીએ આ પ્રમુખ મુદ્દા પર ભારતની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે વિદેશ મોકલાઈ રહેલા સર્વપક્ષીય પ્રતિનિધિમંડળ માટે તેમનું નામ કેમ ન આપ્યું?"
એ બાદ અમિત માલવીયે સવાલ કર્યો કે, "શું આ અસુરક્ષા છે? બળતરા છે? કે પછી આ માત્ર એવા લોકો પ્રત્યે અસહિષ્ણુતા છે જેઓ 'હાઇકમાન'થી બહેતર છે."
બીજી તરફ ભાજપના નેતા અને આસામના મુખ્ય મંત્રી હિમંતા બિસ્વા સરમાએ ઍક્સ પર કૉંગ્રેસના નેતા ગૌરવ ગોગોઈનું નામ લીધા વિના તેમના પર નિશાન સાધ્યું.
તેમણે જયરામ રમેશની પોસ્ટને રિપોસ્ટ કરતાં લખ્યું, "આ લિસ્ટમાં (આસામથી) એ સાંસદનું નામ સામેલ છે, જેમણે પાકિસ્તાનમાં લાંબા સમય સુધી કથિતપણે બે અઠવાડિયાં સુધી રહેવાની વાતને ખારિજ નથી કરી."
"રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં અને પાર્ટી પૉલિટિક્સને અલગ રાખતાં હું વિપક્ષના નેતા રાહુલ ગાંધીને નિવેદન કરું છું કે તેઓ આ વ્યક્તિને સંવેદનશીલ અને વ્યૂહરચનાત્મક કામોમાં સામેલ ન કરો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












