ચૂંટણીપંચે અધિકારીઓને ધમકાવવાના આરોપ અંગે જયરામ રમેશ પાસે માંગ્યો જવાબ, વધુ સમય નહીં મળે - ઇલેક્શન અપડેટ

ચૂંટણીપંચે કૉંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશને નોટિસ મોકલીને મતગણતરી પ્રક્રિયાને પ્રભાવિત કરવાના આરોપો અંગે આજે સાંજે સાત વાગ્યા પહેલાં જવાબ આપવા જણાવ્યું છે.

જયરામ રમેશે આરોપ લગાવ્યો હતો કે જિલ્લા મૅજિસ્ટ્રેટને ધમકી આપવામાં આવી રહી છે.

આ મુદ્દે ચૂંટણીપંચે રવિવારે તેમને નોટિસ મોકલી હતી, જેના જવાબમાં જયરામ રમેશે એક સપ્તાહનો સમય માંગ્યો હતો.

પરંતુ ચૂંટણી પંચે આજે જયરામ રમેશની અપીલને ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે 'તેમણે પોતાના આરોપોના સમર્થનમાં પુરાવા અથવા આંકડા રજૂ કરવા જોઈએ અને આજે 3 જૂન સાંજે સાત વાગ્યા સુધીમાં જવાબ આપવો જોઈએ.'

કમિશનના જણાવ્યા અનુસાર, "જો કોઈ જવાબ ન મળે તો એવું માની લેવામાં આવશે કે તમારી પાસે આ મામલે કહેવા માટે કંઈ નક્કર નથી અને કમિશન યોગ્ય પગલાં લેવા માટે આગળની કાર્યવાહી કરશે."

ચૂંટણીપંચે જયરામ રમેશના આરોપોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે અને કહ્યું છે કે કોઈ પણ કલેક્ટર પર અયોગ્ય દબાણ લાવવાનો પ્રયાસ ધ્યાનમાં આવ્યો નથી.

એ પહેલાં રાજીવકુમારે પણ કરેલી પ્રેસ કૉન્ફરન્સમાં આ આરોપો અંગે જવાબ આપ્યો હતો.

રાજીવકુમારે કહ્યું, “મતગણતરી પહેલાં એ જણાવવું જોઈએ કે કયા કલેક્ટર પર દબાણ કરવામાં આવ્યું છે. તમે આ રીતે અફવા ફેલાવો એ ન ચાલે.”

રાજીવકુમારે એમ પણ કહ્યું હતું કે મતગણતરી દરમિયાન કોઈ પ્રકારની ભૂલ થઈ ન શકે. તમામ પ્રક્રિયા પહેલેથી જ નક્કી હોય છે. દરેક તબક્કે ઉમેદવારની સક્રિયતા અને હાજરી હોય છે.

ચૂંટણીપંચે પરિણામો પહેલાં કહ્યું -'64 કરોડ મતદાતાઓએ મતદાન કર્યું, આ વિશ્વ રેકૉર્ડ છે'

ચૂંટણીપંચે લોકસભાની ચૂંટણીના પરિણામના એક દિવસ પહેલાં પ્રેસવાર્તા કરી હતી.

મુખ્ય ચૂંટણી અધિકારી રાજીવ કુમારે કહ્યું કે 64 કરોડ મતદાતાઓએ મતદાન કર્યું છે. આ વિશ્વ રેકૉર્ડ છે. 31 કરોડ મહિલાઓએ આ ચૂંટણીમાં મતદાન કર્યું છે.

ત્યારબાદ તેમણે ઊભા થઈને મહિલા મતદારોને તાળીઓથી વધાવ્યા હતા.

ચૂંટણી પ્રક્રિયામાં સામેલ કર્મચારીઓના વખાણ કરતાં રાજીવ કુમારે કહ્યું કે જ્યારે નકારાત્મક વલણ બને ત્યારે આ લોકોને કેટલી તકલીફ થતી હશે.

જયરામ રમેશે આરોપ લગાવ્યો હતો કે જિલ્લા અધિકારીઓની ધમકીઓ આપવામાં આવી રહી છે.

રાજીવ કુમારે આ વિશે કહ્યું, "મતગણના પહેલાં જણાવવું જોઈએ કે ડીએમને પ્રભાવિત કરવામાં આવ્યા છે. એવું ન બની શકે કે તમે અફવા ફેલાવી દો. કેટલાંક રાજકીય દળોએ અમારી સામે માંગણીઓ કરી હતી. અમે તે માંગણીઓ માની લીધી અને કેટલાક અમારી નિયમવાળા પુસ્તકમાં છે."

રાજીવ કુમારે કહ્યું કે મતગણના સમયે કોઈ પ્રકારની ભૂલ થઈ ન શકે. બધી જ પ્રક્રિયા પહેલાંથી જ નક્કી છે. દરેક તબક્કામાં ઉમેદવારની ભાગેદારી રહે છે.

ચૂંટણી અધિકારીએ બીજું શું કહ્યું?

2019માં 540ની તુલનામાં 2024માં 39 જગ્યાએ ફરીથી ચૂંટણી કરાવવામાં આવી હતી.

આ ચૂંટણીમાં કોઈ પણ પ્રકારની હિંસાની ઘટના થઈ નથી.

આ દેશમાં એવું કોઈ નથી, જેનું હેલિકૉપ્ટરની તપાસ ન થઈ હોય.

આચાર સંહિતાના ઉલ્લંઘનની 495 ફરિયાદો આવી, જેમાંથી લગભગ 90 ટકા ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો હતો.

મેક્સિકોનાં પહેલાં મહિલા રાષ્ટ્રપતિ બન્યાં ક્લૉડિયા શીનબૉમ

મેક્સિકોમાં ક્લૉડિયા શીનબૉમ પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયાં છે. ક્લૉડિયાને ચૂંટણીમાં મોટી જીત મળી છે.

મેક્સિકોના ચૂંટણીપંચ અનુસાર 61 વર્ષીય ક્લૉડિયા 58થી 60 ટકા મત મેળવીને જીત્યાં છે.

મેક્સિકોમાં રવિવારે ચૂંટણી યોજાઈ હતી.

ક્લૉડિયાની સામે આ ચૂંટણીમાં એક મહિલા ઉમેદવાર શોર્ચિલ ગાલવેસે હતી.

મેક્સિકોમાં રવિવારે યોજાયેલી ચૂંટણીમાં ક્લૉડિયા પોતાનાં પ્રતિસ્પર્ધી શોર્ચિલ ગોલવેસથી 30 ટકા વધારે મત મેળવીને જીત્યાં છે.

શોર્ચિલ વેપારી છે અને મેક્સિકો સિટીનાં મેયર પણ રહ્યાં હતાં.

ક્લૉડિયા પોતાના મેન્ટર અને મેક્સિકોના રાષ્ટ્રપતિ આંદ્રેસ મૅન્યુઅલ લોપેજ ઓબ્રેડોરની જગ્યા લેશે. તેઓ એક ઑક્ટોબર સુધી આ પદ પર રહેશે.

ભારતમાં ગરમીને કારણે ત્રણ દિવસમાં 50થી વધારે લોકોનાં મૃત્યુ

ભારતમાં ભયંકર ગરમીને કારણે છેલ્લા ત્રણ દિવસોમાં 50થી વધારે લોકોના મૃત્યુ થયાં હતાં.

હીટ સ્ટ્રોકના કારણે કેટલાક લોકોનું મૃત્યુ પહેલી જૂને થયું હતું, જ્યારે લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન થઈ રહ્યું હતું.

ઉત્તર પ્રદેશમાં ગરમીને કારણે લગભગ 33 લોકોનું મૃત્યું થયું હતું. ઉત્તર પ્રદેશમાં હીટ સ્ટ્રોકને કારણે પોલિંગ ઑફિસર, પોલીસકર્મીઓ, હોમગાર્ડ અને સફાઈ કર્મચારીઓનું મૃત્યુ થયું હતું.

એક અધિકારીએ સમાચાર એજન્સી એએનઆઈને આપેલી જાણકારી પ્રમાણે, ઓડિશામાં લગભગ 20 લોકોનાં મોત હીટ સ્ટ્રોકનાં કારણે થયાં હતાં.

મધ્ય પ્રદેશ, બિહાર અને ઝારખંડમાં પણ ગરમીને લગતાં મૃત્યુ નોંધાયાં હતાં.

કેન્દ્રિય સ્વાસ્થય મંત્રાલયે કહ્યું છે કે ભારતમાં માર્ચ 1 થી મે 30 સુધીમાં હીટ સ્ટ્રોકને કારણે લગભગ 56 લોકોનાં મૃત્યુ થયાં છે. આ સમય દરમિયાન હીટ સ્ટ્રોકના 24,849 કેસ નોંધાયા હતા.

જોકે, રાજ્યોએ જાહેર કરેલા સત્તાવાર આંકડાઓ દર્શાવે છે કે સાંચો આંકડો કદાચ વધારે હોઈ શકે.

ઉત્તર અને મધ્ય ભારતનાં રાજ્યોમાં છેલ્લાં બે અઠવાડિયાંથી તાપમાન લગભગ 45 ડિગ્રી આસપાસ રહ્યું હતું અને કેટલાક વિસ્તારોમાં તાપમાનનો પારો 50 ડિગ્રી સુધી પહોંચી ગયો હતો.

જોકે, ભારતના હવામાન વિભાગે કહ્યું કે આવનાર દિવસોમાં તાપમાનમાં ઘટાડો થશે.

લોકસભા ચૂંટણીનાં પરિણામ પહેલાં ઍક્ઝિટ પોલમાં ભાજપની જીતના અનુમાન બાદ શેયર માર્કેટમાં જબરદસ્ત તેજી

શેયર માર્કેટ સોમવારે સવારે જબરદસ્ત ઉછાળા સાથે ખુલ્યું હતું.

સેન્સેક્સ લગભગ બે હજાર પોઇન્ટના ઉછાળા સાથે ખૂલ્યું હતું. નિફ્ટી પ્રિ-ઓપનિંગ એક હજાર પોઇન્ટના ઉછાળા સાથે ખૂલ્યું હતું.

શેયર માર્કેટમાં આ તેજી ઍક્ઝિટ પોલના આંકલનને કારણે જોવા મળી રહી છે.

લોકસભાની ચૂંટણીના મોટા ભાગના ઍક્ઝિટ પોલમાં નરેન્દ્ર મોદી ત્રીજી વખત સરકાર બનાવશે તેવાં અનુમાન કરવામાં આવ્યાં છે.

જોકે, વિપક્ષી દળોના ઇન્ડિયા ગઠબંધને આ ઍક્ઝિટ પોલને ખોટા ગણાવ્યા છે અને 295 બેઠકો જીતવાની આશા વ્યકત કરી છે.

અમૂલે દૂધનો ભાવ વધાર્યો, કેટલું મોંઘું થશે દૂધ?

ગુજરાત કૉઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને અમૂલ દૂધની કિંમત વધારવાનો નિર્ણય કર્યો છે.

નવી કિંમતો પ્રમાણે એક લિટર દૂધનો ભાવ બે રૂપિયા વધારી દેવામાં આવ્યો છે. નવી કિંમતો આજથી લાગુ થશે.

અમૂલ ગોલ્ડની કિંમત આજથી 66 રૂપિયા પ્રતિ લિટર રહેશે. જોકે, અમૂલ સ્કિમ્ડ મિલ્કના ભાવમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ પ્રમાણે, કંપનીએ જણાવ્યું કે ફેબ્રુઆરી 2023 પછી દૂધની કિંમતમાં વધારો કરવામાં આવ્યો ન હતો.

કંપનીએ કહ્યું કે આ ભાવ વધારો ખાવા-પીવાની વસ્તુઓ સાથે જોડાયેલી મોંઘવારીના સરેરાશ કરતા ઓછો છે.

આ ભાવ વધારે એવા સમયે કરવામાં આવ્યો છે જ્યારે હાલમાં જ લોકસભાની ચૂંટણીના છેલ્લા તબક્કાનું મતદાન થયું હતું. ચૂંટણીનાં પરિણામો મંગળવારે આવશે.

ચૂંટણી પરિણામો જાહેર થાય તે પહેલાં ચૂંટણીપંચ આજે પ્રેસવાર્તા કરશે

ચૂંટણીપંચ આજે પ્રેસવાર્તા કરશે.

ચૂંટણીપંચ આજે 12:30 વાગ્યે એક પ્રેસવાર્તાનું આયોજન કરશે.

કાલે એટલે કે ચાર જૂને ભારતની લોકસભા ચૂંટણીનાં પરિણામો આવશે.

સમાચાર એજન્સી પીટીઆઈના એક અહેવાલ પ્રમાણે, આ કદાચ પહેલી વખત છે કે ચૂંટણી પૂર્ણ થયા પછી ચૂંટણીપંચ એક પ્રેસવાર્તા કરી રહ્યું છે.

આ પહેલાં 2019ની લોકસભા ચૂંટણી સુધી લોકસભાની ચૂંટણીના દરેક તબક્કા પછી ચૂંટણી અધિકારી મીડિયા બ્રીફિંગ કરતા હતા. જોકે, આ બ્રીફિંગ પછી બંધ થઈ ગઈ હતી.

ચૂંટણીપંચની આ પ્રેસવાર્તા ઍક્ઝિટ પોલ જાહેર થયા પછી થઈ રહી છે. મોટા ભાગના ઍક્ઝિટ પોલનાં અનુમાનો પ્રમાણે, ભાજપના નેતૃત્વવાળા એનડીએ ગઠબંધનની જીત થશે.

જોકે, વિપક્ષે આ ઍક્ઝિટ પોલને ખોટા ગણાવ્યા છે. અને ઇન્ડિયા ગઠબંધને 295 બેઠકો જીતવાની આશા વ્યક્ત કરી હતી.

વિપક્ષના કેટલાય નેતાઓએ પોતાના કાર્યકર્તાઓ અને પોલિંગ એજન્ટોને ચાર જૂને મતગણતરી દરમિયાન સતર્ક રહેવા માટે સૂચના આપી હતી.