પીએમ મનમોહનસિંહથી લઈને નરેન્દ્ર મોદીના અંગત સચિવ રહેલા વિક્રમ મિસરી કોણ છે?

વિક્રમ મિસરી ભારતના વિદેશ સચિવ કોણ છે, સોશિયલ મીડિયા ઉપર વિક્રમ મિસરીનું ટ્રોલિંગ, ભારત પાકિસ્તાન સંઘર્ષવિરામ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

શનિવારે ભારત અને પાકિસ્તાનની વચ્ચે ગોળીબાર તથા સૈન્યકાર્યવાહી અટકાવવા માટે સહમતિ સધાઈ હતી, એ પછી રવિવારે ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીનું ઍક્સ સોશિયલ હેન્ડલ 'પ્રોટેક્ટેડ મોડ'માં જોવા મળ્યું હતું, મતલબ કે તેમની ઍક્સ પોસ્ટ પર કોઈ યૂઝર કૉમેન્ટ ન કરી શકે.

ભારત અને પાકિસ્તાનની વચ્ચેના સંઘર્ષ દરમિયાન વિક્રમ મિસરીએ સરકારનો પક્ષ સતત મીડિયા સમક્ષ રજૂ કર્યો હતો.

ભારત તરફથી સૈન્યકાર્યવાહી અટકાવવા માટે કેટલાક લોકો વિક્રમ મિસરી પર નિશાન સાધી રહ્યા હતા, તો કેટલાક લોકો મિસરીની તરફેણમાં પોસ્ટ કરતા જણાયા હતા.

વિક્રમ મિસરીના સમર્થનમાં લોકો

વિક્રમ મિસરી ભારતના વિદેશ સચિવ કોણ છે, સોશિયલ મીડિયા ઉપર વિક્રમ મિસરીનું ટ્રોલિંગ, ભારત પાકિસ્તાન સંઘર્ષવિરામ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

સંયુક્ત આરબ અમિરાત ખાતે ભારતના પૂર્વ રાજદૂત નવદીપ સૂરીએ લખ્યું, "ટ્રોલ્સ વિદેશ સચિવ વિક્રમ મિસરી અને તેમના પરિવારને ટાર્ગેટ કરી રહ્યા હતા. અને એ બધું ખૂબ જ ખૂબ જ જુગુપ્સાપ્રેરક હતું. તેઓ પ્રોફેશનલ, શાંત, સંતુલિત અને સ્પષ્ટવક્તા છે."

નવદીપસિંહ સૂરીએ લખ્યું, "પરંતુ એમના આ ગુણ આપણા સમાજના કેટલાક લોકો માટે પૂરતા નથી, તે શરમજનક છે."

વિદેશનીતિ વિશેષજ્ઞ ઇંદ્રાણી બાગચીએ લખ્યું, "વિક્રમ મિસરી પ્રતિષ્ઠિત રાજદ્વારી છે. તેઓ વિદેશ મંત્રાલયનું નેતૃત્વ કરે છે, કારણ કે તમે તમારી કલ્પના, ભારત-પાકિસ્તાન અલગ જ વીડિયો ગેમ રમી રહ્યા છો."

"આ માટે તેમના પરિવારને ટ્રોલ કરવો ન કેવળ હલકાંપણું છે, પરંતુ તે એવી ગંદી માનસિકતા દેખાડે છે, જેના વગર પણ આ દેશ ચાલી શકે છે."

વરિષ્ઠ પત્રકાર વીર સંઘવીએ લખ્યું, "જે લોકો આ સંઘર્ષના સમયે સારું કામ કરનારા વિદેશ સચિવ વિક્રમ મિસરીને ટ્રોલ કરી રહ્યા છે, તે વ્યક્તિ તરીકે કચરો છે."

એઆઇએમઆઇએમના વડા અસદુદ્દીન ઓવૈસીએ પણ વિક્રમ મિસરી અંગે સોશિયલ મીડિયા પર પોસ્ટ મૂકી અને લખ્યું, "વિક્રમ મિસરી શાલીન અને ઇમાનદાર છે. તેઓ સઘન પરિશ્રમ કરનારા રાજદ્વારી છે, તેઓ થાક્યા વગર કાર્યરત્ છે."

ઓવૈસીએ લખ્યું, "આપણે એ યાદ રાખવું જોઈએ કે આપણા સનદી અધિકારીઓ કાર્યપાલિકાને (સરકાર) અધીન રહીને કામ કરે છે અને દેશની કાર્યપાલિકા કે રાજકીય નેતૃત્વે જે નિર્ણય લીધા હોય, એના માટે તેમની (અધિકારીઓ) ઉપર નિશાન ન સાધવું જોઈએ."

કૉંગ્રેસ પાર્ટીના કેરળ એકમે આ મુદ્દે ઍક્સ પર એક પોસ્ટ મૂકી હતી, જેમાં આરોપ મૂક્યો હતો કે ગત અઠવાડિયે 'નફરત ન ફેલાવવા અને હિંસા ન આચરવા'ની અપીલ કરવા બદલ એક સૈનિકનાં પત્ની હિમાંશી નરવાલને સોશિયલ મીડિયા ઉપર ટાર્ગેટ કરવામાં આવ્યાં હતાં.

કેરળ કૉંગ્રેસે લખ્યું, "હવે આ લોકો વિક્રમ મિસરી ઉપર નિશાન સાધી રહ્યા છે, જાણે કે તેમણે એકલાએ સીઝફાયરનો નિર્ણય લીધો હોય, નહીં કે મોદી, અમિત શાહ, રાજનાથસિંહ અને જયશંકરે."

વિક્રમ મિસરી કોણ છે?

વિક્રમ મિસરી ભારતના વિદેશ સચિવ કોણ છે, સોશિયલ મીડિયા ઉપર વિક્રમ મિસરીનું ટ્રોલિંગ, ભારત પાકિસ્તાન સંઘર્ષવિરામ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય વિદેશ મંત્રાલયની વેબસાઇટ પર આપવામાં આવેલી વિગતો પ્રમાણે, વિક્રમ મિસરીએ 15 જુલાઈ, 2024ના રોજ વિદેશ સચિવ તરીકે પદભાર સંભાળ્યો. તેઓ 1989ની બેચના વિદેશ સેવા અધિકારી છે.

તેમણે વિદેશ મંત્રાલયમાં રાજદ્વારી તરીકે અલગ-અલગ પદો પર કામ કર્યું છે અને તેમણે યુરોપ, એશિયા, અને ઉત્તર અમેરિકામાં ભારતનાં અલગ-અલગ મિશનોમાં ફરજ બજાવી છે.

વિક્રમ મિસરીએ વિદેશ મંત્રાલયમાં પાકિસ્તાન ડેસ્ક પર કામ કર્યું છે. આ સિવાય તેઓ ઇન્દ્રકુમાર ગુજરાલ અને પ્રણવ મુખરજી એમ બે વિદેશમંત્રીઓની ટીમમાં પણ સામેલ હતા.

વિક્રમ મિસરીએ વડા પ્રધાન કાર્યાલયમાં સંયુક્ત સચિવ તરીકે પણ સેવાઓ આપી છે.

વિક્રમ મિસરીએ આઇ.કે. ગુજરાલ, મનમોહનસિંહ તથા નરેન્દ્ર મોદીના અંગત સચિવ તરીકે પણ કામ કર્યું છે.

વીડિયો કૅપ્શન, સંઘર્ષવિરામને લઈને ભારત પાકિસ્તાનની જનતાએ શું કહ્યું?
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વિક્રમ મિસરીએ બ્રસેલ્સ, ટ્યૂનિસ, ઇસ્લામાબાદ તથા વૉશિંગ્ટન ડીસીમાં પણ ફરજ બજાવી છે. તેઓ શ્રીલંકા ખાતે ભારતના ઉપઉચ્ચાયુક્ત અને મ્યૂનિખ ખાતે ભારતના કૉન્સ્યુલર જનરલપદે પણ રહ્યા છે.

મિસરી વર્ષ 2014માં સ્પેન, વર્ષ 2016માં મ્યાનમાર તથા જાન્યુઆરી-2019માં ચીન ખાતે ભારતના રાજદૂત રહ્યા. ચીનમાં તેમણે વર્ષ 2021 સુધી કામ કર્યું.

વિક્રમ મિસરી જાન્યુઆરી-2022થી જૂન-2024 સુધી ભારતના નાયબ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારપદે હતા.

વિક્રમ મિસરીનો જન્મ શ્રીનગરમાં થયો હતો અને તેમણે શ્રીનગર તથા ઉધમપુરમાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યું. એ પછી વિક્રમ મિસરીએ ગ્વાલિયરસ્થિત સિંધિયા સ્કૂલમાં શાળાકીય શિક્ષણ મેળવ્યું. તેમણે દિલ્હી યુનિવર્સિટીની હિંદુ કૉલેજમાંથી ઇતિહાસમાં ઑનર્સ સાથે ગ્રૅજ્યુએશન કર્યું.

એ પછી વિક્રમ મિસરીએ જમશેદપુરસ્થિત પ્રતિષ્ઠિત ઍક્સએલઆરઆઇમાંથી એમ.બી.એ. કર્યું અને સરકારી સેવામાં જોડાતા પહેલાં જાહેરાત અને ઍડ ફિલ્મના નિર્માણકાર્યમાં સક્રિય હતા.

વિક્રમ મિસરી હિંદી, અંગ્રેજી અને કાશ્મીરી બોલી શકે છે તથા ફ્રેન્ચ ભાષાની જાણકારી ધરાવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન