'મારી માતાનું નામ જ મારી ઓળખ છે', સંતાનના નામમાંથી પુરુષનું નામ હઠાવવાનો મહિલાનો સંઘર્ષ

- લેેખક, અનઘા પાઠક
- પદ, બીબીસી સંવાદદાતા
શું કોઈ ભારતીય પોતાને પિતાની અટકથી ઓળખાવાનું પસંદ ન કરે તો? આમ તો આવું કરવા પર કોઈ પ્રતિબંધ નથી. આમ કરવું બધી રીતે મંજૂર છે. પરંતુ મુક્તા વંદના ખરેએ જાણ્યું કે આમ કરવામાં સામાજિક કલંક અને ઉપહાસનો સામનો કરવો પડે છે.
ખૂબ જ નાની ઉંમરે, મુંબઈસ્થિત પટકથા લેખિકા ખરેએ તેમના પિતાની અટક છોડી દેવાનું નક્કી કર્યું હતું.
તેઓ કહે છે, "જ્યારે મેં શાળા શરૂ કરી, ત્યારે મારા જૈવિક પિતા અમને છોડીને જઈ ચૂક્યા હતા. તેઓ ક્યારેય અમારા જીવનનો ભાગ નહોતા. અમારો તેમની સાથે કોઈ સંપર્ક નહોતો."
18 વર્ષનાં થયાં પછી તરત જ ખરેએ સત્તાવાર રેકૉર્ડમાંથી તેમના પિતાનું છેલ્લું નામ કાઢી નાખવા અને તેમનાં માતાનું નામ અને પહેલી અટકનો સમાવેશ કરવા માટે અરજી દાખલ કરી. પરંતુ સરકારી અધિકારીઓ દ્વારા તેમની અરજી પર સતત અવરોધો આવતા રહ્યા.
તેઓ કહે છે, "તેઓ મને વારંવાર પાછા જવાનું કહેતા. ક્યારેક તેઓ મારા કાગળો સ્વીકારતા નહોતા, ક્યારેક તેઓ કોઈ રેન્ડમ નિયમ ટાંકતા હતા."
ખરેએ યાદ કર્યું કે "એક મહિલાએ તો મારા પર બૂમ પાડીને કહ્યું કે, હું સમાજનાં ધોરણો વિરુદ્ધ કંઈક કરી રહી છું અને આ ગાંડપણ છે."

લગભગ બે વર્ષની કંટાળાજનક લડાઈ અને અધિકારીઓ સામે કાનૂની કાર્યવાહીની ધમકી આપ્યા પછી, ખરે આખરે પોતાનું નામ બદલવામાં સફળ રહ્યાં.
તેઓ કહે છે, "જ્યારે મેં મારા નવા નામ સાથેનાં સરકારી ઓળખપત્રો જોયાં, ત્યારે મને ખુશીની અનુભવાઈ. હું જીતી ગઈ હતી. તે ક્ષણથી હું મુક્તા વંદના ખરે બની ગઈ."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરંતુ ખરેની વાર્તા સત્તાવાર રેકૉર્ડમાં પિતાની જગ્યાએ માતાની અટકનો ઉપયોગ કરવામાં લોકોને પડતી અડચણોને વર્ણવે છે.
ભારતમાં, વ્યક્તિનું નામ બદલવાની પ્રક્રિયામાં એક સોગંદનામું દાખલ કરવું પડે છે જેમાં અરજદારે અન્ય બાબતોની સાથે, નિર્ણયનું કારણ પણ જણાવવું પડે છે.
કાયદાકીય નિષ્ણાતો અને આ પ્રક્રિયામાંથી પસાર થયેલા લોકોએ જણાવ્યું હતું કે પિતૃસત્તાક માનસિકતાને કારણે અધિકારીઓ ઘણી વાર એ સ્વીકારવાનો ઇનકાર કરે છે કે પિતાની અટક ન રાખવી એ એક પૂરતું માન્ય કારણ છે.
ખરેએ કહ્યું, "તેઓ સ્વીકારી શક્યા નહીં કે કોઈ છોકરી તેના પિતાનું કે પુરુષનું નામ નકારી શકે."
ભારતીય સમાજમાં અટકનું મહત્ત્વ કેટલું છે?

ભારતમાં પિતા કે પતિની અટકનો ઉપયોગ કરવો એ સામાન્ય બાબત છે, પરંતુ તે પ્રમાણમાં નવી સામાજિક ઘટના છે.
2005ના એક પેપરમાં સમાજશાસ્ત્રી રાજા જયરામે નોંધ્યું હતું કે ભારતમાં નામકરણ પ્રથાઓ "જટિલ" અને "વૈવિધ્યસભર" હતી, પરંતુ બ્રિટિશ શાસન દરમિયાન તે પ્રમાણિત બની ગઈ. "બ્રિટિશ વસાહતી પ્રણાલી ભારતીયો પાસેથી તેમની પોતાની નામકરણ પ્રણાલીને અનુરૂપ વ્યક્તિગત નામ અને અટક બંને રાખવાની અપેક્ષા રાખતી હતી..." એવું અખબારમાં નોંધવામાં આવ્યું હતું.
જોકે, પિતાની અટકનો ઉપયોગ કરવાની કે લગ્ન પછી મહિલાઓને તેમની અટક બદલવાની કોઈ કાનૂની જરૂરિયાત નથી.
હકીકતમાં ઘણી ભારતીય અદાલતોએ જો કોઈ વ્યક્તિ માતાની અટકનો ઉપયોગ કરવા માગે છે તો તેની તરફેણમાં ચુકાદો આપ્યો છે.
1999માં સુપ્રીમ કોર્ટના એક સીમાચિહ્નરૂપ ચુકાદા દ્વારા આ દાખલો બેસાડવામાં આવ્યો હતો જેમાં માતાને પણ કુદરતી વાલી તરીકે માન્યતા આપવામાં આવી હતી. આ પહેલાં હિન્દુ લઘુમતી અને વાલીપણાના કાયદામાં ફક્ત પિતાને કુદરતી વાલી તરીકે માન્યતા આપવામાં આવી હતી.
જોકે, જમીની દૃષ્ટિએ ચુકાદાઓ નિરર્થક હોઈ શકે છે.

મુંબઈની બહાર એકલાં રહેતાં માતા સ્વાતિ આ વાતની ખાતરી આપશે. પતિથી અલગ થયાં પછી સ્વાતિ તેમની પુત્રીના નામમાંથી અટક કાઢી નાખવા માગતાં હતાં.
તેઓ કહે છે, "હું ઇચ્છતી હતી કે મારું નામ મારી દીકરીના નામનો ભાગ બને. મને તેના પિતાનું નામ રાખવામાં પણ કોઈ વાંધો નહોતો."
"તો, આમાં મારી પુત્રીનું નામ, તેના પિતાનું પ્રથમ નામ અને મારું પ્રથમ નામ રહેશે."
પરંતુ અસંખ્ય સરકારી અધિકારીઓએ તેમને કહ્યું કે "સ્વાતિ" અટક તરીકે વાપરી શકાય નહીં.
"મારી ફાઇલ એવી ટિપ્પણીઓથી ભરેલી હતી જેમાં કહેવામાં આવ્યું હતું કે માતાપિતાને કાઉન્સેલિંગની જરૂર છે."
સ્વાતિએ કહ્યું કે તેમણે પોતાની મુશ્કેલીઓ માટે "સિસ્ટમમાં મૂળ રહેલા પિતૃસત્તા"ને જવાબદાર ઠેરવી.
"આવી પિતૃસત્તાક માનસિકતામાં એક સમજ છે કે બાળકો તેમની માતાના નામથી ઓળખાશે નહીં. સિસ્ટમ તમને તે કરવાથી રોકવા માટે શક્તિમાં હોય તેટલું બધું જ કરે છે," એમ તેમણે ઉમેર્યું.

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સ્વાતિના ઘરથી થોડા કિલોમીટર દૂર સુરેખા પૈઠાણે રહે છે, તેઓ સિંગલ મધર છે જે પોતાના પુત્રને ઓળખ આપવા માટે સંઘર્ષ કરી રહ્યાં છે. ઘરેલુ હિંસાનો ભોગ બન્યાં બાદ પૈઢાણેએ તેમના પતિ સાથે છૂટાછેડા લીધા. તેમણે કહ્યું કે તે તેના પુત્રને અપમાનજનક વાતાવરણમાંથી ઉછેરવા માગતાં નહોતાં.
પૈઠાણે તેમના પુત્રને પોતાની અટક આપી શક્યાં, પરંતુ અધિકારીઓએ તેમના નિર્ણય પર પ્રશ્ન ઉઠાવ્યો.
તેઓ કહે છે, "તેઓ કહેશે કે ભલે તમે અલગ થઈ ગયાં હોવ, પણ તેના પિતા તો તે જ રહેવાના, તો પછી તેનું નામ રાખવામાં શું વાંધો છે."
તેઓ હવે ફરીથી પોતાના દીકરાને ઓળખ આપવા માટે અગ્નિપરીક્ષામાંથી પસાર થઈ રહ્યાં છે. ભારતીય સમાજમાં જાતિ એ સામાજિક વંશવેલોનું સૂચક છે, અને બાળકોને તેમના પિતાની જાતિ દ્વારા ઓળખવામાં આવે છે.
પૈઠાણેએ જણાવ્યું હતું કે પુત્રની જાતિ ઓળખ બદલવા માટેની તેમની અરજી બે વર્ષથી સરકારી કચેરીમાં પડી રહી છે.
"અધિકારી કહે છે કે તે મારા કેસનો અભ્યાસ કરી રહ્યો છે," એમ તેમણે કહ્યું.
પૈઠાણેએ ઉમેર્યું કે તેઓ પછાત જૂથો માટે હકારાત્મક કાર્યવાહીના લાભો મેળવવા માટે તેમના પુત્રની જાતિ બદલવા માગતા ન હતાં.
"હું ફક્ત એટલું જ ઇચ્છું છું કે તેના જાતિ પ્રમાણપત્રમાં મારો વારસો રહે," તેમણે કહ્યું.
'ચાલો આપણે આપણી ઓળખને વ્યાખ્યાયિત કરીએ'

ભારતમાં નામ બદલવાની પ્રક્રિયા કોઈ ચોક્કસ કાયદા દ્વારા નિયંત્રિત નથી. તેના બદલે તે વ્યક્તિની પોતાની ઓળખ પસંદ કરવાના અધિકાર પર આધાર રાખે છે, જે બંધારણના કલમ 19 હેઠળ સુરક્ષિત છે જે અભિવ્યક્તિની સ્વતંત્રતાની ખાતરી આપે છે અને કલમ 21 જે જીવન અને સ્વતંત્રતાનો અધિકાર આપે છે.
પુણેસ્થિત વકીલ રમા સરોદેએ જણાવ્યું હતું કે બંધારણીય ગૅરંટી અને બાળકોને અટક આપવા માગતી મહિલાઓની તરફેણમાં અનેક ચુકાદાઓ હોવા છતાં, આ પ્રક્રિયા હજુ પણ મુશ્કેલ છે.
તેમણે કહ્યું કે જો સરકાર નામ બદલવા માટે સ્વીકાર્ય "માન્ય કારણો"ની યાદી જારી કરે તો આમાં મદદ મળશે, પરંતુ આ મામલો અધિકારીઓની માનસિકતાનો વધુ હતો.
સરોદેએ જણાવ્યું કે "નોકરશાહીમાં પુરુષો અને સ્ત્રીઓ બંનેને લિંગ પ્રત્યે સંવેદનશીલ બનાવવાની જરૂર છે."
બીબીસીએ ફેડરલ મહિલા અને બાળવિકાસ મંત્રાલયને પત્ર લખીને પૂછ્યું છે કે શું તેઓ આ બાબતમાં રહેલી સમસ્યાઓથી વાકેફ છે, અને શું કોઈ સંવેદનશીલતા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે. મંત્રાલયે હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી.
સુપ્રીમ કોર્ટે માતાને કુદરતી વાલી તરીકે માન્યતા આપતો કેસ જીતનાર લેખિકા ગીતા હરિહરને બીબીસીને જણાવ્યું હતું કે અધિકારોની માગણી કરવાના સતત પ્રયાસો આખરે માનસિકતામાં પરિવર્તન લાવશે.
તેમણે કહ્યું હતું, "આ દલીલ સરળ છે - ચાલો આપણે આપણી પોતાની ઓળખ વ્યાખ્યાયિત કરીએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












