You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વિજય રૂપાણીની અંતિમ વિદાય : પૂર્વ સીએમના આજે અંતિમસંસ્કાર, રાજકોટમાં ચાલી રહી છે તૈયારી
અમદાવાદમાં 12મી જૂને ઍર ઇન્ડિયાનું લંડન જઈ રહેલું AI171 વિમાન મેઘાણીનગરમાં ક્રૅશ થયું હતું. આ દુર્ઘટનામાં 241 મુસાફરનાં મોત થયાં છે. તેમાં ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણી પણ સામેલ હતા.
બીબીસી સંવાદદાતા ગોપાલ કટેશિયાએ આપેલી જાણકારી પ્રમાણે વિજય રૂપાણીના અંતિમ સંસ્કાર સોમવારે રાજકોટ ખાતે સાંજે છ વાગ્યે થશે.
સોમવારે સવારે 11-30 કલાકે તેમના મૃતદેહનો અમદાવાદની સિવિલ હૉસ્પિટલ ખાતેથી સ્વીકાર કરવામાં આવ્યો હતો. ત્યાર પછી વિજય રૂપાણીના મૃતદેહને અમદાવાદના ઍરપૉર્ટ ખાતે લઈ જવાયો અને ત્યાંથી હવાઈ માર્ગે રાજકોટ લઈ જવાયો હતો. રાજકોટમાં તેમના નિવાસસ્થાને તેમના મૃતદેહને અંતિમદર્શન માટે મૂકવામાં આવશે.
સાંજે પાંચ કલાકે તેમની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનેથી નીકળીને રામનાથપરા સ્મશાન ખાતે જશે.
તેમને શ્રદ્ધાંજલિ આપવા માટે મંગળવારે રાજકોટના રેસકોર્સ મેદાનમાં પ્રાર્થના સભા યોજવામાં આવી છે. ગાંધીનગરમાં ગુરુવારે પ્રાર્થનાસભા આયોજિત કરવામાં આવી છે. જ્યારે કે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદેશ કાર્યાલય કમલમ્ ખાતે શુક્રવારના રોજ પ્રાર્થનાસભા આયોજિત કરવામાં આવી છે.
અગાઉ ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું કે "પૂર્વ મુખ્ય મંત્રી વિજય રૂપાણીનો ડીએનએ ટેસ્ટ મૅચ થઈ ગયો છે."
ગુજરાત સરકારે 12 જૂનના રોજ અમદાવાદ શહેરમાં બનેલી વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના નિધન પર 16 જૂન સોમવારના રોજ એક દિવસીય રાજકીય શોક જાહેર કર્યો છે. "
મુખ્ય મંત્રી સહિત મંત્રીઓએ આપી શ્રદ્ધાંજલિ
સિવિલ હૉસ્પિટલના સર્જરી વિભાગના પ્રાધ્યાપક ડૉ. રજનીશ પટેલે સવારે મીડિયા બ્રીફિંગમાં માહિતી આપી છે કે "અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 99 મૃતકોનાં ડીએનએ સૅમ્પલ મૅચ થયાં છે. અત્યાર સુધીમાં કુલ 64 મૃતદેહ પરિવારજનો સોંપાયા છે"
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે તેમના પરિવારની સાથે સાથે ગુજરાતના મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુજરાતના ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી, સ્વાસ્થ્ય મંત્રી ઋષિકેશ પટેલ,પૂર્વ મંત્રી નીતિન પટેલ સહિત ભાજપના નેતાઓએ તેમના પાર્થિવ શરીરને પુષ્પાંજલિ આપી હતી.
ત્યારબાદ તેમના પાર્થિવદેહને અમદાવાદથી રાજકોટ ખાતે મોકવી દેવામાં આવ્યો છે.
બીબીસી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન