ચૅમ્પિયન્સ ટ્રૉફી: 'ક્રિકેટના કિંગ' મનાતા વિરાટ કોહલીએ કેવી રીતે પાકિસ્તાનની ક્રિકેટ ટીમને ઘૂંટણિયે પાડી દીધી

ઇમેજ સ્રોત, ANI
રવિવારે ચૅમ્પિયન્સ ટ્રૉફીના રસપ્રદ મુકાબલામાં ભારતીય ટીમ છ વિકેટે જીત હાંસલ કરી છે.
આમ, ડિફેન્ડિંગ ચૅમ્પિયન પાકિસ્તાન અને ગુરુવારના મુકાબલામાં બાંગ્લાદેશ સામે જીત હાંસલ કરીને ભારતીય ટીમ હવે ટુર્નામેન્ટમાં મજબૂત સ્થિતિમાં છે.
ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઊતરેલી પાકિસ્તાની ટીમ, પ્રથમ બેટિંગ કરવાની તકનો પૂરેપૂરો લાભ ઉઠાવી શકી નહોતી અને ભારતીય બૉલરોની નિયંત્રિત બૉલિંગને કારણે મોટો સ્કોર ઊભો કરી શકી નહોતી.
242 રનના ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલી ભારતીય ટીમ માટે જીતના હીરો વિરાટ કોહલી સાબિત થયા. જેમણે 111 બૉલમાં સાત ચોગ્ગાની મદદથી સદી ફટકારી અને છેક સુધી અણનમ રહી ટીમને જીત અપાવી. આ તેમની વન-ડે કૅરિયરમાં 51મી સદી છે. આ જ મૅચમાં કોહલીએ વન-ડે કૅરિયરમાં સૌથી ઝડપી 14 હજાર રન પૂરા કરવાનો રેકૉર્ડ પણ બનાવ્યો હતો.
નોંધનીય છે કે આ હાર સાથે પાકિસ્તાન માટે આ ટુર્નામેન્ટમાં આગળની રાહ પણ મુશ્કેલ બની જશે. અગાઉ ન્યૂઝીલૅન્ડ સામે પ્રથમ મૅચ હાર્યા બાદ પાકિસ્તાની ટીમ માટે આ મૅચ જીતવાનું લગભગ અનિવાર્ય હતું.
ભારતીય બેટ્સમૅનોએ દેખાડ્યો દમ

ઇમેજ સ્રોત, Getty Images
242 રનનો પીછો કરવા માટે મેદાને ઊતરેલી ભારતીય ટીમની વાત કરીએ તો કપ્તાન રોહિત શર્મા ટીમને તાબડતોડ શરૂઆત અપાવી પાકિસ્તાનની હિંમત તોડી નાખવાના ઇરાદેથી રમવા ઊતર્યા હોય એવું દેખાઈ રહ્યું હતું.
જોકે, શરૂઆતની અમુક ઓવરોમાં ફટકાબાજી કર્યા બાદ કપ્તાન રોહિત શર્મા શાહીન આફ્રીદીના ઇનસ્વિંગિંગ યૉર્કર સામે માત ખાઈ ગયા અને બોલ્ડ થઈ ગયા.
રોહિત શર્મા 15 બૉલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 20 રન બનાવીને આઉટ થયા હતા. આ સમયે ભારતનો સ્કોર 31 રન હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
જોકે, રોહિત શર્માની વિકેટ પડ્યા બાદ મેદાન પર આવેલા ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કપ્તાન વિરાટ કોહલી અને શુભમન ગિલની જોડીએ એક પ્રકારે બાજી સંભાળી લીધી હતી.
બંને બૅટ્સમૅનો જરૂર પડે ત્યારે આક્રમક દેખાઈ રહ્યા હતા, જ્યારે આ જોડી સાચવીને પણ રમતી જોવા મળી.
આ મૅચ વિરાટ કોહીલ માટે વધુ એક અવસર લઈને પણ આવી. ક્રિકેટના 'કિંગ' મનાતા કોહલીએ 13મી ઓવરમાં હરીસ રઉફના બીજા બૉલમાં કવરમાં પંચ શૉટ રમીને ઇન્ટરનૅશનલ વનડે ક્રિકેટમાં પોતાના 14 હજાર રન પૂરા કર્યા હતા. તેઓ આ મુકામ હાંસલ કરનાર સૌથી ઝડપી ખેલાડી બન્યા હતા. તેમણે 287 ઇનિંગમાં 14 હજાર રન બનાવી સચીન (350) અને સાંગાકારા (378)નો રેકૉર્ડ તોડ્યો હતો.
સામેની બાજુએ કોહલીની સાથોસાથ પાછલા અમુક સમયથી ફૉર્મમાં રહેલા ઓપનર શુભમન ગિલે પણ ફટકાબાજી ચાલુ રાખી પાકિસ્તાન પર દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે, ગિલ-કોહલીની આ પાર્ટનરશિપ 18મી ઓવરમાં અબરાર અહમદે તોડી હતી. તેમણે ગિલને 46 રનના સ્કોરે અબરારની ફિરકીનો શિકાર બની ગયા. એ ક્ષણે ભારતનો સ્કોર બે વિકેટના નુકસાને 100 રનનો હતો.
ગિલ વિકેટ ગુમાવ્યા બાદ ક્રીઝ પર આવેલા શ્રેયસ અય્યર અને વિરાટ કોહલીની અનુભવી જોડીએ બાજી સંભાળી લીધી હતી.
નસીમ શાહની ઓવરની પ્રથમ બૉલે ચોગ્ગો ફટકારી વિરાટ કોહલીએ અર્ધ સદી નોંધાવી દીધી હતી અને આ સાથે મહત્ત્વપૂર્ણ મૅચોમાં પોતાની ભૂમિકા ફરી એક વાર યાદ કરાવી હતી.

ઇમેજ સ્રોત, Getty Images
અય્યર અને કોહલી બંને સામસામા છેડેથી રન ફટકારી ડિફેન્ડિંગ ચૅમ્પિયન પાકિસ્તાન પર દબાણ વધારતા જઈ રહ્યા હતા.
33 ઓવરના અંત સુધી ભારતનો સ્કોર બે વિકેટના નુકસાને 179 થઈ ગયો હતો અને હવે ભારતીય ટીમને જીત માટે 17 ઓવરમાં માત્ર 63 રનની દરકાર હતી. આમ, ભારતીય ટીમ મજબૂત સ્થિતિમાં દેખાઈ રહી હતી.
37મી ઓવરમાં લૉન્ગ ઑફ પર શોટ ફટકારીને એક રન મેળવી શ્રેયસ અય્યરે પણ પોતાની અર્ધ સદી પૂરી કરી અને ટીમને ખૂબ નિયંત્રિત સ્થિતિમાં લાવીને ઊભી કરી દીધી હતી.
જોકે, 39મી ઓવરમાં ખુશદીલ શાહના બૉલ પર કવર ડ્રાઇવ મારવા જતાં કવરમાં ઊભેલા ઇમામ ઉલ હકે શ્રેયસ અય્યરનો જોરદાર કૅચ પકડ્યો હતો. અને કોહલી અને અય્યરની 114 રનની પાર્ટનરશિપનો અંત આણ્યો હતો.
શ્રેયસ અય્યર 67 બૉલમાં પાંચ ચોગ્ગા અને એક છગ્ગાના બળે 56 રન બનાવી શક્યા હતા.
શ્રેયસને સ્થાને ક્રીઝ પર આવેલા હાર્દિક પંડ્યા ઝાઝી કમાલ બતાવી શક્યા નહોતા અને શાહીન આફ્રિદીના બૉલ પર મોહમ્મદ રિઝવાનના હાથે કૅચઆઉટ થયા હતા. તેઓ માત્ર આઠ જ રન બનાવી શક્યા હતા.
હાર્દિકને સ્થાને ક્રીઝ પર ઑલરાઉન્ડર અક્ષર પટેલ આવ્યા હતા. તેમણે એક છેડેથી વિરાટ કોહલીનો સાથ આપ્યો અને તેમને રમવા માટે સ્ટ્રાઇક પૂરી પાડતા રહ્યા.
ભારતની જીતની સાથોસાથ હવે પ્રશંસકોમાં કોહલીની સદી માટે પણ માગ ઊઠી રહી હતી.
42મી ઓવરમાં સ્ટ્રાઇક રોટેટ કરીને કોહલી 95 રનના વ્યક્તિગત સ્કોર સુધી પહોંચી ગયા હતા. હવે કોહલીને સદી માટે પાંચ રન અને ભારતને જીત માટે ચાર રનની આવશ્યકતા હતી. બસ, પછી શું હતું, મેદાનમાં ડીજેના તાલે 'વી વૉન્ટ સિક્સર'ના નારા સંભળાવા લાગ્યા.
43મી ઓવર ફેંકવા ઊતરેલા ખુશદીલની ઓવરના ત્રીજા બૉલમાં વિરાટ કોહલીએ ચોગ્ગો ફટકારીને પોતાની સદી પૂરી કરી અને સાથોસાથ ભારતને જીત પણ અપાવી.
ભારતીય ટીમ છ વિકેટે આ મૅચ જીતી ગઈ હતી, અને એ પણ 45 બૉલ બાકી રાખીને.
પાકિસ્તાનની બેટિંગ અને ભારતની બૉલિંગ કેવી રહી?

ઇમેજ સ્રોત, Getty Images
આઇસીસી ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં ભારત વિરુદ્ધ ઝડપથી શરૂઆતની બે વિકેટ ગુમાવ્યા બાદ કપ્તાન મોહમ્મદ રિઝવાન અને સાઉદ શકીલે પાકિસ્તાનની ઇનિંગ સંભાળી લીધી હતી. પાકિસ્તાને 30 ઓવરમાં બે વિકેટના નુકસાન પર 129 રન બનાવી લીધા હતા.
આ પહેલાં બાબર આઝમને હાર્દિક પંડ્યાએ વિકેટકીપર કેએલ રાહુલના હાથે કૅચઆઉટ કરાવીને પાકિસ્તાનને પ્રથમ ઝટકો આપ્યો હતો. બાબરે 23 રન બનાવ્યા. એ બાદ ઇમામ ઉલ હક દસ રન બનાવીને આઉટ થઈ ગયા.
એક સમયે મુશ્કેલીમાં દેખાઈ રહેલી પાકિસ્તાનની ઇનિંગને મોહમ્મદ રિઝવાન અને સાઉદ શકીલની જોડીએ સંભાળી લીધી હતી.
બંને વચ્ચે 104 રનની ભાગીદાર થઈ હતી. જોકે, 34મી ઓવરમાં આ ભાગીદારી ગુજરતી બૉલર અક્ષર પટેલે તોડી હતી. તેમણે પીચ પર જામી ગયેલા પાકિસ્તાની કપ્તાન મોહમ્મદ રિઝવાનને 46 રનના વ્યક્તિગત સ્કોરે પેવેલિયન પરત મોકલ્યા હતા.
આ વિકેટ બાદ થોડા થોડા રનના અંતરે પાકિસ્તાનની વિકેટો પડવાનું ચાલુ રહ્યું.
35મી ઓવરમાં ફરી એક વાર હાર્દિક પટેલે અર્ધ સદી કરી ચૂકેલા અને ખતરનાક જણાઈ રહેલા સાઉદ શકીલને અક્ષર પટેલના હાથે કૅચઆઉટ કરાવ્યા. તેમણે 76 બૉલ રમીને પાંચ ચોગ્ગાની મદદથી 62 રન બનાવ્યા હતા.
એ બાદ તૈય્યબ તાહિર, સલમાન અલી આગાને અનુક્રમે રવીન્દ્ર જાડેજા અને કુલદીપ યાદવે પેવેલિયનભેગા કર્યા હતા. બંને અનુક્રમે છ અને 19 રન બનાવી શક્યા હતા.
આ બાદ પાકિસ્તાનની ઇનિંગ લથડી પડી હતી, ટીમે શાહીન આફ્રિદીના સ્વરૂપમાં સાતમી અને નસીમ શાહના સ્વરૂપમાં આઠમી વિકેટ ગુમાવી હતી.
બાદમાં હરીસ રઉફ અને ખુશદીલ શાહ પણ ઝાઝું ટકી શક્યા નહોતા, હરીશ રઉફ આઠ રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થયા હતા, જ્યારે એક છેડો સાચવીને રમી રહેલા ખુશદીલ શાહ 38 રનના વ્યક્તિગત સ્કોરે આઉટ થઈ ગયા. આ સાથે જ પાકિસ્તાનની આખી ટીમ 241 રનના સ્કોરે ઑલઆઉટ થઈ ગઈ હતી.
ભારતની બૉલિંગની વાત કરીએ તો બૉલરોએ પ્રમાણસર સારું પ્રદર્શન કર્યું હતું. કુલદીપ યાદવને ત્રણ, હાર્દિક પંડ્યાને બે વિકેટ મળી હતી, જ્યારે અક્ષર પટેલ, હર્ષિત રાણા અને રવીન્દ્ર જાડેજાને એકેક વિકેટ પ્રાપ્ત થઈ હતી.
ભારત-પાકિસ્તાન મૅચ : પાકિસ્તાને ટૉસ જીત્યો, પ્રથમ બેટિંગ પસંદ કરી

ઇમેજ સ્રોત, Getty Images
પાકિસ્તાનના કૅપ્ટન મોહમ્મદ રિઝવાને ટૉસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. જોકે, પ્રથમ બેટિંગ મેળવીને ટીમ ધાર્યા પ્રમાણેનો મોટો સ્કોર ખડકીને ભારતને પરેશાનીમાં મૂકવામાં સફળ રહી નહોતી.
ભારતીય ટીમના પ્લેઇંગ ઇલેવનની વાત કરીએ તો ભારતીય ટીમના 11 ખેલાડીઓની યાદીમાં રોહિત શર્મા (કપ્તાન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, અક્ષર પટેલ, કેએલ રાહુલ (વિકેટકકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, હર્ષિત રાણા, મોહમ્મદ શમી અને કુલદીપ યાદવને જગ્યા મળી હતી.
તેમજ પાકિસ્તાની ટીમના પ્લેઇંગ ઇલેવનમાં ઇમામ-ઉલ-હક, બાબર આઝમ, સાઉદ શકીલ, મોહમ્મદ રિઝવાન (કપ્તાન અને વિકેટકીપર), સલમાન અલી આગા, તૈય્યબ તાહિર, ખુશદિલ શાહ, શાહીન આફ્રીદી, નસીમ શાહ, હૈરિસ રઉફ અને અબરાર અહમદને જગ્યા અપાઈ હતી.
આ વખતની ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં કેવી રહી ભારત-પાકિસ્તાનની સફર?
વર્ષ 2025ની ચૅમ્પિયન્સ ટ્રૉફીમાં મેજબાન અને ડિફેન્ડિંગ ચૅમ્પિયન પાકિસ્તાનની આ મૅચ અગાઉ સુધીની સફરની વાત કરીએ તો ટીમ માટે ટુર્નામેન્ટની શરૂઆત ઉત્સાહવર્ધક નહોતી રહી.
ન્યૂઝીલૅન્ડ સામેની મૅચમાં પાકિસ્તાને ટૉસ જીતીને બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. જે નુકસાનકારક સાબિત થયો હતો. ન્યૂઝીલૅન્ડની ટીમે પાંચ વિકેટના નુકસાને 320 રન ખડકી દીધા, જેના જવાબમાં પાકિસ્તાની ટીમ 260 રનના સ્કોરે જ ઑલઆઉટ થઈ ગઈ હતી.
આમ, પાકિસ્તાનની શરૂઆત લગભગ વર્ષ 2017ની ચૅમ્પિયન્સ ટ્રૉફી જેવી જ રહી હતી, જેમાં તેમણે ટુર્નામેન્ટની પ્રથમ જ મૅચ ભારત સામે 124 રને ગુમાવી દીધી હતી. જોકે, બાદમાં ટીમે એવી તો વાપસી કરી હતી કે જેની ચર્ચા આજ દિન સુધી થાય છે. ભારત સામે પ્રથમ જ મૅચ હારનાર પાકિસ્તાનની ટીમમાં એ હાર બાદ કંઈક એવું થયું કે તે ભારત સામેની ફાઇનલ સહિતની કોઈ મૅચ પછીથી હારી નહોતી અને ચૅમ્પિયન્સ ટ્રૉફીની ચૅમ્પિયન બની હતી.
જ્યારે ભારતની વર્ષ 2025માં આ ટુર્નામેન્ટની શરૂઆત પ્રમાણસર સારી રહી હતી.
બાંગ્લાદેશ સામેની મૅચમાં ગત ગુરુવારે ભારતીય ટીમને છ વિકેટથી વિજય મળ્યો હતો.
દુબઈ ઇન્ટરનૅશનલ સ્ટેડિયમ ખાતે રમાયેલી આ મૅચમાં બાંગ્લાદેશે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે બાદ બાંગ્લાદેશ ધીમી ગતિએ 228 રન જ કરી શક્યું હતું.
229 રનના પડકારો સામનો કરવા ઊતરેલી ભારતીય ટીમે 21 બૉલ બાકી રાખીને ચાર વિકેટના નુકસાને 231 ફટકારીને જીત હાંસલ કરી હતી.
આ મૅચના હીરો શુભમન ગિલ રહ્યા હતા. ઓપનર શુભમન ગિલે 129 બૉલમાં 101 અણનમ 101 રન ફટકાર્યા હતા. તેમની ઇનિંગમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગા સામેલ હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












