સોનાને કાટ કેમ નથી લાગતો અને તેને ન વાપરીએ તો તે ઘસાઈ જાય?

    • લેેખક, ઇતિકલા ભવાની
    • પદ, બીબીસી સંવાદદાતા

ગેરકાયદેસર ખાણકામના આરોપી જનાર્દન રેડ્ડીએ તેલંગણા હાઇકોર્ટમાં અરજી દાખલ કરીને માગ કરી હતી કે તેમના ઘરમાંથી સીબીઆઈ દ્વારા જપ્ત કરવામાં આવેલાં ઘરેણાં તેમને પરત આપવામાં આવે.

અરજીમાં વિનંતી કરવામાં આવી હતી કે જો આ ઘરેણાંનો ઉપયોગ નહીં થાય તો તેને કાટ ચઢી જશે અને તેની કિંમતમાં ઘટાડો થશે.

જનાર્દન રેડ્ડીની વર્ષ 2011માં ગેરકાયદેસર ખાણકામના કેસમાં ધરપકડ કરવામાં આવી હતી અને વર્ષ 2015માં તેઓ જામીન ઉપર બહાર આવ્યા હતા.

સીબીઆઈએ ઓબુલાપુરમ્ માઇનિંગ કંપનીના માલિક જનાર્દન રેડ્ડી પાસેથી 53 કિલોગ્રામ વજનના લગભગ 105 સોનાનાં ઘરેણાં જપ્ત કર્યાં હતાં.

રેડ્ડીની અરજીને અદાલતે નકારી દીધી છે. ત્યારે કાટ એટલે શું? શું સોનાને કાટ લાગે? જો તમે સોનાનાં ઘરેણાંનો ઉપયોગ ન કરો અને તેને તિજોરીમાં રાખી મૂકો, તો શું થાય?

ધાતુવિદ્યા મુજબ વાત કરીએ તો આયર્ન ઑક્સાઇડ એટલે કાટ. જે લોખંડ કે તેના અલગ-અલગ ધાતુસ્વરૂપોને લાગે છે. જ્યારે લોખંડને વાતાવરણમાં રાખવામાં આવે, ત્યારે તે હવામાં રહેલા ભેજ અને ઑક્સિજનની સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે.

જે લોખંડ (કે તેની ચીજવસ્તુ ઉપર) લાલ રંગનું આવરણ સર્જે છે, જે કાટ તરીકે ઓળખાય છે અને આ પ્રક્રિયા એટલે 'કાટ લાગવો.'

રસાયણશાસ્ત્રના લૅકચરર વેંકટેશના કહેવા પ્રમાણે, આવું લાલ પડ બને એ પછી પણ જો પૂરતી કાળજી લેવામાં ન આવે તો ધાતુ તેનું કુદરતી સ્વરૂપ ગુમાવે છે અન તે નબળું પડે છે.

નટ, બૉલ્ટ, ચેઇન તથા ઑટોમોબાઇલના પાર્ટ્સ એમ અલગ-અલગ રીતે લોખંડ કે તેનાં અન્ય મિશ્રિત સ્વરૂપોનો ઉપયોગ થાય છે.

પેઇન્ટ, ગ્રીસ કે તેલ ચઢાવીને કાટ લાગવાની પ્રક્રિયાને ધીમી કરી શકાય છે.

સોનાને 'ઉમરાવોની ધાતુ' તરીકે ઓળખવામાં આવે છે. તેને નીચા તાપમાને ઓગાળીને તેમાંથી ઘરેણાં ઘડી શકાય છે.

સોનું સામાન્ય પ્રકારના ઍસિડ સાથે પ્રતિક્રિયા નથી કરતું, તે નાઇટ્રિક ઍસિડ તથા હાઇડ્રોક્લૉરિક ઍસિડના મિશ્રણની સાથે જ પ્રતિક્રિયા કરે છે.

ચાંદી હવાની સાથે પ્રતિક્રિયા કરે છે. તે હવામાં રહેલાં બહુ થોડા એવા સલ્ફર સાથે પ્રતિક્રિયા કરે છે.

ઝિંક અને કૉપર મળીને બ્રાસ બને છે. તે મોંઘા ઝવેરાત બનાવવા માટે કામમાં આવતી ધાતુ જેવું જ દેખાય છે. આથી, શિલ્પકારો ભવ્ય પ્રતિમાઓ અને મૂર્તીઓ બનાવવા માટે બ્રાસનો ઉપયોગ કરે છે.

જો આ મિશ્રધાતુમાં કૉપરનું પ્રમાણ વધારે હોય તો તે ડાર્ક કલર ધારણ કરે છે અને જો ઝિંકનું પ્રમાણ વધારી દેવામાં આવે તો મિશ્રધાતુની મજબૂતીમાં વધારો થાય છે. બ્રાસ લગભગ તમામ પ્રકારના ઍસિડ સાથે પ્રતિક્રિયા કરે છે.

હજુ પણ અનેક ઘરોમાં કૉપરનાં વાસણોનો ઉપયોગ ખાવાપીવા માટે થાય છે. કૉપરને સહેલાઈથી કાટ નથી લાગતો, પરંતુ લાંબા સમયના વપરાશ બાદ તેના ઉપર લીલા રંગના ડાઘ જોવા મલે છે. પિત્તળ જલદ પ્રકારના ઍસિડ સાથે પણ પ્રતિક્રિયા નથી કરતું.

સોનાની શુદ્ધતા કૅરેટમાં માપવામાં આવે છે. ભારતમાં 14,18, 20, 22, 23 તથા 24 એમ અલગ-અલગ કૅરેટમાં સોનું ઉપલબ્ધ હોય છે. જેમાંથી દાગીના બનાવવા માટે 22, 18 તથા 14 કૅરેટના સોનાનો ઉપયોગ થાય છે. જેમ કૅરેટનો આંક વધુ, તેમ તેની શુદ્ધતા વધુ તથા તેનો ભાવ વધુ હોય છે.

બ્યૂરો ઑફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ્સનાં અધિકારી વનાજાએ બીબીસી સાથે વાત કરતા જણાવ્યું કે "સોનાને ક્યારેય કાટ ન લાગે."

વનાજાનાં કહેવા પ્રમાણે, જો સોનું 14 કૅરેટની શુદ્ધતા ધરાવતું હોય, તો પણ તેને કાટ નથી લગાતો. તેઓ ઉમેરે છે :

"સોનાના દાગીનાને પહેરવામાં આવે કે સંગ્રહી રાખવામાં આવે, પરંતુ તેની ઉપર કાટ નથી લાગતો. સોનાનાં ઘરેણાંને જો લાંબા સમય સુધી પહેરવામાં આવે, તો તેની ઉપર પીળાશ પડતી લીલી ઝાંય જોવા મળશે, પરંતુ તે કટાશે નહીં."

સોનું ઘાટ લઈ શકે અને ઘરેણાં ટકાઉ બને તે માટે સોનાની સાથે કૉપર જેવી ધાતુઓ ઉમેરવામાં આવે છે, જેના કારણે દાગીના ઉપર આવું આવરણ સર્જાય છે અને તેના માટે સોનું કારણભૂત નથી હોતું.

સોનાના અણુઓ એકદમ સ્થિર હોય છે આથી જ હવા, પાણી કે ઉચ્ચ તાપમાન દરમિયાન પણ તેના રાસાયણિક ગુણધર્મોમાં ફેરફાર નથી થતો.

પ્રો. વેંકટેશના કહેવા પ્રમાણે, એટલે જ ઇલૅક્ટ્રૉનિક ઉપકરણો અને વિશેષ કરીને સર્કિટ બોર્ડમાં સોનું વાપરવામાં આવે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.