એક ખેડૂત દંપતીની કહાણી, જેમણે ફૂલો અને ફૂલોનાં બીજ વેચીને 11 દેશોનો પ્રવાસ કર્યો

    • લેેખક, ગુરમિંદરસિંહ ગ્રેવાલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ગુલાબી, લાલ અને શ્વેત ફૂલોની વચ્ચે ટહેલતાં આ દંપતીને પ્રકૃતિના ચમત્કારો અને પોતાના વ્યવસાયથી સલામતીનો અનુભવ થાય છે.

પંજાબના ફતેહગઢ સાહિબ જિલ્લાના નાનોવાલ ગામના ગુરવિંદરસિંહ સોહી અને તેમનાં પત્ની સુખવિંદર કૌર ફૂલોની ખેતી કરે છે. બન્ને માટે આ વ્યવસાય માત્ર ખુશીનું કારણ જ નહીં, બલકે આર્થિક રીતે લાભદાયક પણ છે.

ગુરવિંદરસિંહે પ્રયોગાત્મક ધોરણે ફૂલોની ખેતી શરૂ કરી હતી. આજે ખમાણો તાલુકામાં અનેક એકર જમીન રંગબેરંગી ફૂલોથી મહેકી રહી છે એ તેમની મહેનત અને લગનનું પરિણામ છે.

ગુરવિંદર ફૂલો અને તેના બીજ વેંચે છે. તેમના મોટાભાગના ગ્રાહકો વિદેશમાં રહે છે.

પતિના વ્યવસાયને વિસ્તારમાં પત્ની સુખવિંદર કૌરે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. હવે આ વિસ્તારના 25 ખેડૂતો તેમની સાથે જોડાયેલા છે અને ફૂલોની ખેતી કરી રહ્યા છે.

ગુરવિંદરસિંહે તેમના આ વ્યવસાયની, તેની શરૂઆતની, સામાજિક દબાણની, નિષ્ફળતાની અને સફળતાની વાતો બીબીસી સાથે શેર કરી હતી.

'ખેતીમાં મારે કંઈક નવીન કરવું હતું'

ગુરવિંદરસિંહ કહે છે, "હું એક તેજસ્વી વિદ્યાર્થી હતો, પરંતુ મને ભણવામાં રસ ન હતો. હું ખેતીના ક્ષેત્રે કશુંક કરવા ઇચ્છતો હતો."

બારમા ધોરણ સુધી અભ્યાસ કર્યા બાદ તેમણે ખેતી શરૂ કરી દીધી. તેની સાથે પ્રયોગોનો દોર શરૂ થયો, જેથી નફો વધે અને ઘઉં-ધાન્ય પર જ નિર્ભર ન રહેવું પડે.

ગુરવિંદરસિંહને પંજાબના બાગાયત વિભાગની કેટલીક યોજનાઓ વિશે ખબર પડી પછી 2008માં તેમણે બાગાયત વિભાગના ખુમાનો કેન્દ્રમાંથી ફૂલોનાં બીજ ખરીદ્યાં અને ફૂલોના વાવેતર માટે ખેતરમાં એક નાનકડો ખૂણો તૈયાર કર્યો.

ગુરવિંદર કહે છે, "પહેલાં મેં તે નાનકડા ખૂણાનો દોઢ એકર સુધી વિસ્તાર કર્યો. પછી પાંચ એકરમાં ફૂલોની ખેતી શરૂ કરી દીધી. આ રીતે ધીમે-ધીમે વ્યાપ વધતો ગયો."

ગુરવિંદરસિંહ હવે તેમના નિર્ણયથી સંતુષ્ટ છે. તેઓ કહે છે, "આ વ્યવસાય મારા માટે વરદાન સાબિત થયો છે. લોકો વિદેશ જવા માટે પૈસા ખર્ચે છે અને હું માત્ર ફૂલોના વેપાર માટે 11 દેશોની યાત્રા કરી ચૂક્યો છું."

કોણ ખરીદે છે ફૂલો અને ફૂલોનાં બીજ?

ગુરવિંદરે શરૂઆતમાં ભારતમાં જ પોતાનાં ઉત્પાદનોનું માર્કેટિંગ કર્યું હતું. એ ઉપરાંત તેઓ વિદેશમાં પણ મર્યાદિત પ્રમાણમાં ફૂલો મોકલતા હતા, પરંતુ તેમણે અગાઉથી મળેલા ઑર્ડર પર આધાર રાખવો પડતો હતો.

તેઓ કહે છે, "ભારતીય વ્યાપારીઓ વિદેશોમાં ફૂલોની સપ્લાય કરતા હતા અને હું તેમની માંગ મુજબ લગભગ પાંચ એકર જમીનમાં ફૂલો ઉગાડતો હતો."

"કોવિડ દરમિયાન ફૂલોની માંગમાં ઘટાડો થયો હતો, કારણ કે હું ઘઉં-ધાન્યના પાકના ચક્કરમાં ફસાવા ઈચ્છતો ન હતો. તેથી એ સમયગાળામાં મેં ફૂલોનાં બીજો તૈયાર કરવાનું શરૂ કર્યું હતું."

ગુરવિંદરસિંહ હાલ લગભગ 75 એકર જમીનમાં ફૂલો તથા ફૂલોનાં બીજ ઉગાડે છે.

તેમાંથી લગભગ આઠ એકર જમીન તેમની માલિકીની છે, જ્યારે 20 એકર જમીન પટ્ટા પર છે. તેઓ તેમનો બાકીનો વેપાર કૉન્ટ્રાક્ટ ફાર્મિંગના માધ્યમથી કરે છે. કૉન્ટ્રાક્ટ ફાર્મિંગ દ્વારા 25 ખેડૂતો તેમની સાથે જોડાયેલા છે.

ગુરવિંદરની પેઢી ચાર અલગ-અલગ દેશમાં બીજની નિકાસ કરે છે.

તેઓ કહે છે, "માર્કેટિંગ સંબંધે ક્યારેય કોઈ સમસ્યા સર્જાઈ નથી, કારણ કે ફૂલોનું વાવેતર કરીએ તે પહેલાં જ વેચાઈ જાય છે. વિદેશી કંપનીઓ તેમની માંગ અમને અગાઉથી જ જણાવી દે છે અને અમે એ હિસાબે ફૂલનું વાવેતર કરીએ છીએ તથા બીજ તૈયાર કરીએ છીએ."

અન્ય ખેડૂતો માટે પ્રેરણાસ્રોત

ગુરવિંદરસિંહની ફર્મ હાલ અમૃતસર, હોશિયારપુર, બઠિંડા, માનસા અને સંગરૂર સહિતના પંજાબના અનેક જિલ્લામાં ખેડૂતો સાથે કામ કરે છે.

કૉન્ટ્રાક્ટ ફાર્મિંગ માત્ર ગુરવિંદરસિંહ માટે જ નહીં, પરંતુ તેમની સાથે જોડાયેલા ખેડૂતો માટે પણ ફાયદાકારક સાબિત થયું છે.

ગુરવિંદર કહે છે, "અમે ખેડૂતોને બીજ પણ ઉપલબ્ધ કરાવીએ છીએ અને ખેડૂતોની જરૂરિયાત અનુસાર ફૂલોના છોડ પણ ઉપલબ્ધ કરાવીએ છીએ."

એ ઉપરાંત ખેડૂતોને સંપૂર્ણ તાલીમ આપવામાં આવે છે અને તકનીકની જાણકારી પણ આપવામાં આવે છે. તેઓ સમયાંતરે ખેડૂતોને પ્રોત્સાહિત પણ કરે છે.

"અમે જે ખેડૂતો સાથે કામ કરીએ છીએ, તેમના ખેતરની લગભગ સાત વખત મુલાકાત લઈએ છીએ, જેથી અમને પાકની ગુણવત્તાના માપદંડ બાબતે સતત માહિતી મળી શકે અને અમે ખેતર પર નજર પણ રાખી શકીએ."

પત્નીનો સહકાર

આ પ્રયાસમાં ગુરવિંદરને તેમનાં જીવનસંગિની સુખવિંદર કૌરનો ભરપૂર સહકાર મળ્યો છે.

સુખવિંદર કહે છે, "હું ગ્રેજ્યુએટ હતી અને કોઈ બિઝનેસ કરવા કાયમ વિચારતી હતી. મને ખબર હતી કે હું નોકરી નહીં કરું, પરંતુ પોતાનો બિઝનેસ જ કરીશ."

સુખવિંદરના કહેવા મુજબ, "અમારા ખેત મજૂરો સવારે આઠ વાગ્યે આવી જાય છે અને હું પણ તેમની સાથે જ ખેતરે પહોંચી જાઉં છું. ઘરનું કામ હું સવારે વહેલું આટોપી લઉં છું, જેથી મજૂરો આવે તે પહેલાં તૈયાર થઈ જાઉં."

"મારું કામ ભલે ખેતરોની દેખરેખનું હોય, પરંતુ એ કામ હૂં સંપૂર્ણ લગન સાથે કરું છું. મને આદત પડી ગઈ છે કે હું સવારે જાઉં છું, બપોરે લગભગ એક કલાકનો બ્રેક લઉં છું અને પછી સાંજે છ વાગ્યા સુધી ફરી કામ કરું છું."

સુખવિંદર કહે છે, "નોકરી કરતી મહિલાઓ જે રીતે પોતપોતાના કામ પર જાય છે એવી જ રીતે હું મારા ખેતરમાં કામ કરું છું."

તેમને બે સંતાન છે. દીકરી લુધિયાણાની કૃષિ યુનિવર્સિટીમાં સ્નાતકનો અભ્યાસ કરી રહી છે અને દીકરો હાલ દસમા ધોરણમાં છે.

તેઓ ગામમાં શ્રમિકોની અછતને મોટી સમસ્યા ગણે છે.

સુખવિંદર કહે છે, "ખેતરમાં કામ કરી શકે તેવી અનેક મહિલાઓ અને પુરુષો ગામમાં છે, પરંતુ તેઓ એવું કરતાં નથી. તેથી અમારે પરપ્રાંતિય શ્રમિકો પર નિર્ભર રહેવું પડે છે."

બાગાયત વિભાગ શું કહે છે?

બાગાયત વિભાગના સબ-ઇન્સપેક્ટર અમરજીતસિંહ ખુમાનો ફતેહગઢ સાહિબ જિલ્લામાં ફરજરત છે.

તેઓ કહે છે, "ફૂલોની ખેતીને પ્રોત્સાહિત કરવા માટે બાગાયત વિભાગ ખેડૂતોને બીજ ઉપલબ્ધ કરાવે છે. અમે 2008માં ગુરવિંદરસિંહને બે કનાલ જમીન માટે બીજ આપ્યાં હતાં. તેઓ પાક બાબતે બહુ આશાવાદી હતા."

"એ પછી તેઓ ફૂલોની ખેતી અને બીજ ઉત્પાદન તરફ વળ્યા હતા."

અમરજીતસિંહનું કહેવું છે કે આ વ્યવસાય ઘઉં અને ધાન્યની ખેતી કરતાં પણ વધારે લાભદાયક છે. આમાં વધારે દેખરેખની જરૂર પડે છે અને કપરું કામ છે.

તેમણે કહ્યું હતું, "ઘઉં અને ધાન્યને ચારા તરીકે ન જોઈએ તો પણ કોઈ ફરક નથી પડતો. પાણી આપવામાં વિલંબ થાય તો પણ તેના ઉત્પાદન પર ખાસ ફરક પડતો નથી, પરંતુ ફૂલોની ખેતીમાં એવું નથી."

"ફૂલોનાં ખેતરોની રોજેરોજ સંભાળ લેવી પડે છે. ક્યાં ફૂલ ક્યારે ઉગાડવા અને ક્યા ફૂલ ક્યારે તોડવા તેની માહિતી માટે પહેલાં ખેડૂતોએ પોતે તાલીમ લેવી પડે છે."

અમરજીતસિંહના કહેવા મુજબ, "હું ખેડૂતોને આ વ્યવસાયમાં જોડાવાની અપીલ કરું છું. અમે તેમની મદદના શક્ય હોય તેટલા તમામ પ્રયાસ કરીશું."

તેઓ ઉમેરે છે, "સામાન્ય રીતે કોઈને સફળતા મળે તો એ પોતાનું કૌશલ્ય બીજા સાથે શેર કરવામાં સંકોચ અનુભવે છે, પરંતુ ગુરવિંદરનું એવું નથી. તેમણે પોતે કૌશલ્ય હાંસલ કર્યું છે અને અન્ય ખેડૂતોને તાલીમ આપવા પણ તેઓ ઇચ્છુક છે."

ગુરવિંદરસિંહ પોતાની સફળતાની કથા બધા સાથે શેર કરવા તૈયાર છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર, Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.