ટ્રમ્પ-પુતિનની મુલાકાતથી ભારત પર અમેરિકી ટેરિફ વધશે કે ઘટશે, જાણકારો શું કહે છે?

ઇમેજ સ્રોત, Getty/ANI
અલાસ્કામાં જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે બેઠક થઈ રહી હતી, ત્યારે ભારત સહિત સમગ્ર વિશ્વની નજર આ મુલાકાત પર હતી.
આ બેઠક પહેલાં અપેક્ષા હતી કે રશિયા-યુક્રેન યુદ્ધ અંગે કોઈ ઠોસ સમજૂતી થશે, પરંતુ એવું થયું નહીં. ન તો યુદ્ધવિરામ અંગે કોઈ નિર્ણય લેવાયો અને ન જ કોઈ ડીલનો ઉલ્લેખ થયો.
મુલાકાતના થોડા દિવસો પહેલાં જ અમેરિકા તરફથી ભારતને ચેતવણી આપવામાં આવી હતી કે જો ટ્રમ્પ-પુતિન વાર્તા નિષ્ફળ રહી, તો અમેરિકા ભારત પર વધુ ટેરિફ લગાવી શકે છે.
અલાસ્કામાં થયેલી સમિટનું ભારતે સ્વાગત કર્યું અને રશિયા-યુક્રેન યુદ્ધના વહેલા અંતની આશા વ્યક્ત કરી.
પુતિન અને ટ્રમ્પની મુલાકાત કોઈ ચોક્કસ પરિણામ પર પહોંચી નહીં, અને તેથી ભારતના ઘણા લોકોના મનમાં પ્રશ્ન છે કે હવે ટ્રમ્પનું ભારત પ્રત્યે ટેરિફ અંગે શું વલણ રહેશે?
ટેરિફની જાહેરાત પછી રશિયન ઑઇલની ખરીદી વધી?

ઇમેજ સ્રોત, ANI
ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પુતિન અને ટ્રમ્પ વચ્ચે થયેલી બેઠક પર અધિકૃત પ્રતિક્રિયા આપી છે.
તેમણે જણાવ્યું કે "ભારત અલાસ્કામાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન વચ્ચે થયેલી શિખર બેઠકનું સ્વાગત કરે છે. શાંતિ તરફ તેમના નેતૃત્વની પ્રશંસા કરવી યોગ્ય છે."
"ભારત શિખર બેઠકમાં થયેલી પ્રગતિની પ્રશંસા કરે છે. આગળનો માર્ગ માત્ર સંવાદ અને રાજનૈતિક પ્રયાસોથી જ નીકળી શકે છે. સમગ્ર વિશ્વ યુક્રેનમાં સંઘર્ષના વહેલા અંતની રાહ જોઈ રહ્યું છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
બેઠક પહેલાં ટ્રમ્પે પોતાના વિમાન સાથે મુસાફરી કરતાં પત્રકારો સાથે વાતચીત કરી હતી.
ફૉક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં ટ્રમ્પે દાવો કર્યો કે તેમના ટેરિફના દબાણને કારણે ભારતે રશિયા પાસેથી ઑઇલ ખરીદવાનું બંધ કરવા માટે મજબૂર થવું પડ્યું.
ટ્રમ્પે કહ્યું, "રશિયાએ તેના ઑઇલ માટે એક મુખ્ય ગ્રાહક ગુમાવ્યો, જે ભારત દેશ હતો. ભારત ઑઇલ વેપારનો 40 ટકા હિસ્સો ખરીદી રહ્યો હતો. જો હું હવે બીજા વધારાના પ્રતિબંધો લગાવું, તો તે તેમના માટે વિનાશક સાબિત થઈ શક્યું હોત."
ભારતે ટ્રમ્પના આ નિવેદન પર કોઈ પ્રતિક્રિયા આપી નથી.
ટ્રમ્પના ટેરિફની જાહેરાત છતાં એવા રિપોર્ટ્સ સામે આવી રહ્યા છે કે ભારત તરફથી રશિયન ઑઇલની ખરીદી વધીને 2 મિલિયન બેરલ પ્રતિદિન (BPD) થઈ ગઈ છે.
વિશ્વવ્યાપી રિયલ-ટાઇમ ડેટા અને ઍનાલિટિક્સ કંપની કૅપ્લરના જણાવ્યા અનુસાર, ઑગસ્ટના પહેલા પખવાડિયામાં ભારતે વિદેશથી આયાત કરેલા અંદાજિત 5.2 મિલિયન BPD કાચા તેલમાંથી 38 ટકા રશિયા પાસેથી આવ્યું.
રશિયાથી આયાત 20 લાખ BPD રહી, જે જુલાઈમાં 16 લાખ BPD હતી.
ટ્રમ્પ-પુતિનની મુલાકાત પછી ભારત પર ટેરિફનું ભવિષ્ય

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50 ટકા ટેરિફ લગાવ્યો છે, જે એશિયા વિસ્તારમાં કોઈપણ દેશ પર લાગુ થતા સૌથી ઊંચા ટેરિફ દર છે. આ ટેરિફ 27 ઑગસ્ટથી લાગુ થશે.
ભારત આ ટેરિફ દર પર જાહેર રીતે વિરોધ નોંધાવી ચૂક્યું છે. ભારતે કહ્યું હતું કે અમેરિકા અને યુરોપ પોતે રશિયા પાસેથી યુરેનિયમ અને ખાતર ખરીદે છે, તો પછી ભારત સામે બેવડાં ધોરણો કેમ?
હવે પ્રશ્ન છે કે અલાસ્કા સમિટ પછી ભારત પર લાગેલા અમેરિકી ટેરિફનું ભવિષ્ય શું હશે?
સામરિક વિષયોના નિષ્ણાત બ્રહ્મા ચેલાની માને છે કે અલાસ્કા સમિટ પછી ભારતને રાહત મળી શકે છે.
તેમણે ઍક્સ પર લખ્યું, "અલાસ્કાની વાતચીત પછી ટ્રમ્પ કદાચ રશિયા પાસેથી ઊર્જા ખરીદવા પર લગાવેલી સેકન્ડરી પ્રતિબંધો પર ફરી વિચાર કરે. ચીન પર ટેરિફ લગાવવાના પ્રશ્ન પર તેમણે કહ્યું કે 'આજે જે થયું છે, તેના પછી મને લાગે છે કે હવે આ અંગે વિચારવાની જરૂર નથી.' એ જ રીતે ભારત પર લાગેલા સેકન્ડરી પ્રતિબંધો પણ ટળી શકે છે. તેમાં 25 ટકા વધારાનો ટેરિફ પણ સામેલ છે, જે 27 ઑગસ્ટથી લાગુ થવાનો છે."
ચેલાની કહે છે, "ભારત અને અમેરિકા વચ્ચે 25મી ઑગસ્ટે વેપાર અંગેની વાતચીત ફરી શરૂ થવાની છે, જે ડેડલાઇનથી માત્ર બે દિવસ પહેલા છે. એવા સંજોગોમાં ટ્રમ્પે કદાચ પોતાના નિર્ણયને પાછો ઠેલવાની જગ્યા બનાવી લીધી છે."
વૉશિંગ્ટન ડી.સી. સ્થિત વિલ્સન સેન્ટરના ડિરેક્ટર માઇકલ કુગલમૅન માને છે કે અલાસ્કાની બેઠક પછી ભારત અને અમેરિકા વચ્ચે સંબંધોમાં કદાચ વધુ કડવાશ આવી શકે છે.
તેમણે ઍક્સ પર લખ્યું, "કોઈ સમજૂતીની જાહેરાત ન થવાથી એવું લાગે છે કે બેઠક સારી રહી નહીં. હવે અમેરિકા-ભારત વચ્ચે વધુ તણાવ વધી શકે છે."
પુતિન સાથે મુલાકાત પછી ટ્રમ્પે ફૉક્સ ન્યૂઝને ઇન્ટરવ્યૂ આપ્યો હતો.
આ ઇન્ટરવ્યૂમાં ટ્રમ્પને ચીન અને ભારત પર ટેરિફ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે કહ્યું, "હવે કદાચ મને બે કે ત્રણ અઠવાડિયા કે થોડા સમય પછી આ અંગે વિચારવું પડશે, પણ હાલમાં તો એ અંગે વિચારવાની જરૂર નથી."
અનુરાધા ચિનૉય, કે જેઓ જેએનયુનાં સ્કૂલ ઑફ ઇન્ટરનૅશનલ સ્ટડીઝનાં પૂર્વ ડીન અને નિવૃત્ત પ્રોફેસર છે. હાલમાં તેઓ જિંદલ ગ્લોબલ યુનિવર્સિટી સાથે ફેકલ્ટી તરીકે જોડાયેલાં છે.
બીબીસી સાથે વાતચીતમાં તેઓ કહે છે, "છેલ્લાં કેટલાંક વર્ષોમાં ભારતે અમેરિકા સાથે સંબંધો મજબૂત કરવા માટે લગભગ દરેક શક્ય પ્રયાસ કર્યો છે — મોટી કંપનીઓને પ્રોત્સાહન આપવું, એનઆરઆઈ સંબંધો મજબૂત કરવા અને વ્યૂહાત્મક ભાગીદારી વધારવી. પરંતુ હાલની અમેરિકી વિદેશ નીતિ દક્ષિણ એશિયામાં પોતાનાં સામ્રાજ્યવાદી હિતો લાદવા માટે અડગ દેખાય છે. હવે જ્યારે ભારત સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને તે રશિયા સહિત ગ્લોબલ સાઉથ સાથે મોટો અને સસ્તો વેપાર કરી રહ્યું છે, ત્યારે તેને આ મામલે સાવચેત રહેવું પડશે."
ભારતની રશિયન તેલ પર નિર્ભરતા

યુક્રેન યુદ્ધ પછી ભારતે રશિયા પાસેથી તેલ આયાત ઝડપથી વધાર્યું.
વર્ષ 2025માં ભારતે કુલ 35% ઑઇલ રશિયા પાસેથી આયાત કર્યું, જ્યારે 2018માં આ ફક્ત 1.3% હતું.
સેન્ટર ઑફ રિસર્ચ ઑન ઍનર્જી ઍન્ડ ક્લીન ઍરના વિશ્લેષણ મુજબ, જૂન 2025 સુધી ચીન, ભારત અને તુર્કી રશિયન તેલના ત્રણ સૌથી મોટા ખરીદદારો હતા. છતાં, સૌથી વધુ ટેરિફ ભારત પર લાગુ કરવામાં આવ્યો છે.
ચીન પર 30% અને તુર્કી પર 15% અમેરિકી ટેરિફ છે. અમેરિકી બજાર ભારત માટે સૌથી મોટું નિકાસ બજાર છે.
2024માં ભારતની કુલ નિકાસમાંથી 18% નિકાસ અમેરિકા માટે હતી. પરંતુ 50% ટેરિફના કારણે ભારત અમેરિકી બજારમાં પોતાના સ્પર્ધકો સામે પાછળ રહી શકે છે.
ઉદાહરણ તરીકે, વિયેતનામ અને બાંગ્લાદેશનો અમેરિકી વેપારમાં મહત્ત્વનો હિસ્સો છે, પરંતુ તેમના પર ફક્ત 20% ટેરિફ લાગુ છે.
ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો કાચા ઑઇલનો આયાતક દેશ છે. દેશની લગભગ 85% તેલની જરૂરિયાત આયાતથી પૂરી થાય છે.
યુક્રેન યુદ્ધ પહેલાં ભારત મધ્ય-પૂર્વના દેશો પર વધુ નિર્ભર હતો.
2017-18માં ભારતની ઑઇલ ખરીદીમાં રશિયાની ભાગીદારી માત્ર 1.3% હતી. પરંતુ યુદ્ધ પછી સ્થિતિ બદલાઈ ગઈ.
રશિયન તેલની કિંમત ઘટતાં ભારતે રશિયા પાસેથી આયાત ઝડપથી વધાર્યું. 2024-25 સુધીમાં ભારતના કાચા તેલના આયાતમાં રશિયાની ભાગીદારી 35% થઈ ગઈ.
સસ્તું તેલ મળતાં છતાં દિલ્હીમાં પેટ્રોલનો સરેરાશ રિટેલ ભાવ છેલ્લા 17 મહિનાથી 94.7 રૂપિયા પ્રતિ લિટર પર સ્થિર છે. એટલે કે, ઓછી કિંમતનો લાભ ગ્રાહકો સુધી પહોંચ્યો નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












