તુર્કીમાં એક હોટલમાં આગ લાગતા 66 લોકોનાં મોત – ન્યૂઝ અપડેટ

તુર્કીની એક સ્કી રિસોર્ટમાં આગ લાગવાથી 66 લોકોનાં મોત થયાં છે, જ્યારે 51 લોકો દાઝ્યા છે.

એક અધિકારીએ જણાવ્યું કે બોલુમાં આવેલી 12 માળની ગ્રાન્ડ કાર્ટાલ હોટલમાં સ્થાનિક સમયાનુસાર 3.27 વાગ્યે આગ લાગી હતી. એ સમયે ત્યાં 234 લોકો રોકાયા હતા.

બોલુ રાજધાની અંકારાથી 170 કિમી દૂર ઉત્તર પશ્ચિમમાં આવેલું છે.

તુર્કીના સ્થાનિક મીડિયાના રિપોર્ટો પ્રમાણે લોકોનાં મોત બારીમાંથી કૂદવાને કારણે થયાં છે.

તુર્કીમાં એવા વીડિયો વાઇરલ થઈ રહ્યા છે, જેમાં એક હોટલની બારીમાં પડદા દેખાઈ રહ્યા છે, જેનો ઉપયોગ લોકોને બચાવવા માટે કર્યો હશે.

બોલુના ગવર્નર અબ્દુલઅઝીઝ અયદીને કહ્યું કે શરૂઆતની તપાસમાં ખબર પડી કે આગ ચોથા માળે આવેલા રસોડામાં લાગી હતી અને બાદમાં ઉપરના માળે ફેલાઈ હતી.

બોલુનો પહાડી વિસ્તાર સ્કીઇંગ માટે લોકપ્રિય છે અને ઇસ્તંબૂલ અને રાજધાની અંકારાથી ઘણા લોકો આ સિઝનમાં ત્યાં જાય છે. તેમજ બે દિવસ સ્કૂલમાં રજા પણ હતી.

સ્થાનિક રિપોર્ટ અનુસાર, ત્યાં તાપમાન નીચું હોવાથી ફાયરની ગાડીઓને પહોંચવામાં એક કલાકથી વધુ સમય લાગ્યો હતો.

આરજી કર મામલે પશ્ચિમ બંગાળ સરકારે હાઇકોર્ટમાં દાખલ કરી અરજી

પશ્ચિમ બંગાળ સરકારે આરજી કર હૉસ્પિટલના ટ્રેઇની મહિલા ડૉક્ટર સાથે રેપ અને ત્યારબાદ થયેલી હત્યાના મામલે નીચલી અદાલતના ચુકાદાને હાઇકોર્ટમાં પડકારવાનો નિર્ણય લીધો છે.

કોલકાતાની હાઇકોર્ટના જસ્ટિસ દેબાંગ્શુ બસક અને જસ્ટિસ મોહમ્મદ રશીદીની પીઠે રાજ્ય સરકારની અરજી દાખલ કરવાની મંજૂરી આપી છે. રાજ્ય સરકારે દોષિત સંજય રૉય માટે મૃત્યુદંડની માગ કરવાની અરજી કરી છે.

કોલકાતાની સિયાલદાહ કોર્ટે સોમવારે મુખ્ય આરોપી સંજય રૉયને ઉંમરકેદની સજા સંભળાવી હતી. જજે રાજ્ય સરકારને પીડિતાના પરિવારને 17 લાખ રૂપિયા વળતર આપવાનો આદેશ પણ આપ્યો હતો.

માલદાના એક કાર્યક્રમમાં મંગળવારે મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કહ્યું, "આ રેયર મામલો છે. ગંભીર અને અતિગંભીર અપરાધ છે. એક અપરાધીને બચાવાશે તો તે ફરી અપરાધ કરશે. અપરાધીઓની સુરક્ષા કરવી અમારું કામ નથી."

સિયાલદાહ કોર્ટના ચુકાદા પર પણ તેમણે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, "હું આ ચુકાદો સાંભળીને હેરાન છું કે કોર્ટે આ મામલાને રેયરેસ્ટ ઑફ રેયર કેમ નહીં ગણ્યો."

મમતા બેનરજીની સરકારે સિયાલદાહ કોર્ટના ચુકાદાને પડકારવાનું નક્કી કર્યું હતું અને હાઇકોર્ટમાં આરોપીને મૃત્યુદંડની સજા આપવાની અરજી કરી હતી.

ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનવા પર શું બોલ્યા ઝેલેન્સ્કી?

યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ ડોનાલ્ડ ટ્રમ્પને રાષ્ટ્રપતિ બનવા પર અભિનંદન પાઠવ્યા છે.

તેમણે કહ્યું, "તેઓ શક્તિશાળી શખસ છે. હું રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને અમેરિકાને સફળતાની શુભકામનાઓ પાઠવું છું."

તેમનું કહેવું છે, "શાંતિ સુધી પહોંચવા માટે યુક્રેનના લોકો અમેરિકા સાથે કામ કરવા તૈયાર છે. આ એક એવી તક છે જેનો આપણે લાભ ઉઠાવવો જોઈએ."

આ પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પ ઘણી વખત રશિયા-યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવા મામલે દાવાઓ કરી ચૂક્યા છે.

છત્તીસગઢમાં સુરક્ષાદળોએ 14 માઓવાદીઓ માર્યા ગયા હોવાનો કર્યો દાવો

છત્તીસગઢના ગરિયાબંદ જિલ્લામાં સંદિગ્ધ માઓવાદીઓ સાથેની અથડામણમાં સુરક્ષાદળોએ 14 માઓવાદીઓને મારી નાખ્યા હોવાનો દાવો કર્યો છે.

ગરિયાબંદના જે કુલ્હાડીઘાટના ભાલુડિગી અને તારઝરનાં જંગલોમાં આ અથડામણ થઈ તે ઓડિશાના નુઆપાડા જિલ્લાની સરહદ સાથે લાગેલાં છે.

પોલીસના એક અધિકારીએ જણાવ્યું કે ઓડિશા પોલીસના સ્પેશિયલ ઑપરેશન ગ્રૂપ, સીઆરપીએફની 'કોબરા બટાલિયન' અને છત્તીસગઢ પોલીસના જવાનોએ રવિવારે આ ઑપરેશન માટે કાર્યવાહી શરૂ કરી હતી.

આ અથડામણ મોડી રાત સુધી ચાલતી રહી અને સોમવારની સવારે તેમને બે સંદિગ્ધ માઓવાદીઓના મૃતદેહો મળી આવ્યા. મંગળવારની સવારે તેમને અન્ય 12 માઓવાદીઓના મૃતદેહો પ્રાપ્ત થયા હતા.

એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ બીબીસીને કહ્યું, "અમને ઘણાં અત્યાધુનિક હથિયારો મળ્યાં છે. સર્ચિંગ ઑપરેશન ચાલુ છે. માર્યા ગયેલા માઓવાદીઓની સંખ્યા વધી શકે છે.

માર્યા ગયેલા માઓવાદીઓની ઓળખ ઓડિશાના સક્રિય માઓવાદી સંગઠનના વરિષ્ઠ સભ્યો તરીકે થઈ છે. જોકે, પોલીસે આ મામલાની પુષ્ટિ નથી કરી.

વર્ષ 2024માં સુરક્ષાદળોએ રાજ્યમાં 219 માઓવાદીઓને મારવાનો દાવો કર્યો.

'ગલીઓમાં મળી રહ્યા છે મૃતદેહો', ગાઝામાં થયેલી તબાહી પર શું કહી રહ્યા છે રાહત અને બચાવકર્મી

ઇઝરાયલ અને હમાસ વચ્ચે લાગુ થયેલા યુદ્ધવિરામ બાદ સોમવારે પહેલો દિવસ હતો જ્યારે રાહત અને બચાવકર્મીઓ તથા સામાન્ય લોકોને વ્યાપક વિનાશ મામલે જાણવા મળ્યું છે.

ગાઝાના સિવિલ ડિફેન્સ એજન્સી પાસે ગાઝા પટ્ટીમાં ઇમર્જન્સી સેવાઓની જવાબદારી છે. તેનું કહેવું છે કે તેને ડર છે કે કાટમાળમાં હજારો મૃતદેહો દબાયેલા હોય શકે છે.

આ પહેલાં સંયુક્ત રાષ્ટ્રએ અનુમાન લગાવ્યું હતું કે ગાઝામાં 60 ટકા આંતરમાળખાકિય સવલતો નષ્ટ થઈ ચૂકી છે કે તેને નુકસાન થયું છે.

યુદ્ધવિરામ લાગુ થયા બાદ ગાઝામાં જે તસવીરો આવી રહી છે જેમાં ગત 15 મહિનામાં ઇઝરાયલી હુમલામાં જે વિનાશ થયો તે દેખી શકાય છે.

ડોનાલ્ડ ટ્રમ્પે રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલા જ દિવસે રશિયા-યુક્રેન યુદ્ધ બંધ કરાવવાના દાવા પર શું કહ્યું?

ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પહેલાંના દાવા પર પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે રાષ્ટ્રપતિ બન્યા બાદ પહેલા જ દિવસે રશિયા અને યુક્રેનનું યુદ્ધ બંધ કરાવવાની વાત કરી હતી.

રાષ્ટ્રપતિ કાર્યાલયમાં ટ્રમ્પ જ્યારે પત્રકારોને આ મુદ્દે જવાબ આપતા કહ્યું, "હજુ તો અડધો દિવસ જ થયો છે. મારી પાસે અડધો દિવસ બાકી છે. જોઈએ કે શું થાય છે."

ટ્રમ્પે સંવાદદાતાઓને કહ્યું, "મને સમજણ છે કે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કી રશિયા સાથેનું યુદ્ધ સમાપ્ત કરવા માટે સમજૂતી કરવા માગે છે."

તેમણે કહ્યું, "મોટાભાગના લોકો સમજે છે કે રશિયા-યુક્રેનનું યુદ્ધ એક સપ્તાહમાં સમાપ્ત થઈ જશે. મારું માનવું છે કે આ યુદ્ધ સમાપ્ત થવાથી ઝેલેન્સ્કી માટે રાહત રહેશે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.