You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરત : 'બાળકોને તું સાચવજે, હું સારો પિતા ન બની શક્યો', વીડિયો બનાવી પિતાનો પત્ની, બે બાળકો સાથે આપઘાત
- લેેખક, ટીમ બીબીસી ગુજરાતી
- પદ, નવી દિલ્હી
સુરતમાં છ સભ્યના પરિવારમાંથી ચાર સભ્યોએ સાત જૂન મંગળવારે ઝેરી દવા પીને સામૂહિક આત્મહત્યા કરી લીધી છે. ચારેયને 108 મારફતે હૉસ્પિટલ ખસેડાયાં હતાં, જ્યાં સારવાર દરમિયાન તમામનાં મૃત્યુ થયાં છે.
સરથાણા પોલીસ સ્ટેશનના PI કુલદીપસિંહ ચાવડાએ બીબીસીના સહયોગી પત્રકાર રૂપેશ સોનવણને જણાવ્યા મુજબ, મંગળવારે સાંજ પોણા આઠ વાગ્યે સુરતના સરથાણા વિસ્તારમાં કૅનાલ સીમાડા રોડ ઉપરથી વીનુભાઈ મોરડિયાએ તેમના પિતરાઈ પ્રવીણભાઈને ફોન કર્યો. અને કહ્યું – ‘ઘરે રહેલા મારા દીકરા અને દીકરીને હવે તમે સાચવજો, હું પત્ની અને બે બાળકો કૅનાલ રોડ પર છીએ, હવે ફોન કરતા નહીં’. આટલી વાત બાદ ફોન અચાનક કટ થઈ ગયો.
પરિવારના ચાર સભ્યોએ જ્યારે આત્મહત્યા માટે દવા ખાધી ત્યારે ભાઈ અને બહેન ઘરે હતાં.
ફોન બાદ પ્રવીણભાઈને કંઈક અજુગતું લાગ્યું હતું. તેમણે વારંવાર ફોન પર તેમનો સંપર્ક સાધવાનો પ્રયાસ કર્યો. પણ વાત થઈ શકી નહીં. તેઓ કૅનાલ રોડ પર પહોંચ્યા તો ત્યાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું.
આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની 'જિંદગી હેલ્પલાઈન 1096' પર કે ભારત સરકારની 'જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330' પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.
એસીપી પી.કે. પટેલે મીડિયા સાથેની વાતમાં જણાવ્યું કે "પ્રવીણભાઈ ત્યાં તેમના મિત્ર સાથે પહોંચ્યા તો તેમના ભાઈ વીનુભાઈ, તેમનાં પત્ની શારદાબહેન, પુત્ર ક્રિશ અને પુત્રી સેનિતા રસ્તા પર જ પડ્યાં હતાં. તેમની બાજુમાં ઝેરી દવા અને પાણીની બૉટલ પણ પડી હતી."
પ્રવીણભાઈએ પરિવારના ચારેય સભ્યોને તેમને સારવાર માટે સુરતના સીમાડા નાકા વિસ્તારમાં આવેલા એઈમ્સ હૉસ્પિટલ ખસેડ્યાં હતાં. જ્યાં સારવાર દરમિયાન પહેલા વીનુભાઈનાં પત્ની અને તેમની પુત્રી અને પુત્રનું મૃત્યુ થયું. અને છેલ્લે વીનુભાઈનું પણ મૃત્યુ થયું.
'દવા પીતાં પહેલાં વીડિયો બનાવ્યો'
એસીપી પી.કે. પટેલે મીડિયા સાથેની વાતમાં ઉમેર્યું કે "પોલીસ તપાસમાં આત્મહત્યાનો પ્રયાસ કરનારા વીનુભાઈનો મોબાઈલ મળ્યો હતો. જેમાં પોતે પોતાની જાતે જ પગલું ભરે છે. અને એના માટે કોઈ જવાબદાર નથી. પોતે સારા પિતા ન બની શક્યા. તેવું વીડિયોમાં જણાવે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરથાણા પોલીસ સ્ટેશન PI કુલદીપસિંહ ચાવડાએ બીબીસીના સહયોગી પત્રકાર રૂપેશ સોનવણે સાથેની વાતમાં જણાવ્યું કે "વીનુભાઈએ આ વીડિયો બનાવીને પોતાના મોબાઈલમાં જ રાખ્યો હતો. કોઈને મોકલ્યો ન હતો."
પરિવારના સભ્યોનો વ્યવસાય શું હતો?
ઝેરી દવા પીતા પહેલાં વીનુભાઈએ જેમને ફોન કર્યો હતો તે પ્રવીણભાઈ મોરડિયા પરિવારે આ પગલું કેમ ભર્યું તેના કારણોથી તદ્દન અજાણ હોવાનું જણાવે છે.
તેમણે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે "આત્મહત્યાના પ્રયાસનું કારણ અમને પણ નથી સમજાતું, પણ મંદીના માહોલના હિસાબે કંટાળી ગયા હોય એવુ લાગે છે. તો જ આ પગલું ભરે ને."
કેસના તપાસકર્તા અધિકારી સરથાણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ બી.એમ. જોગડાએ બીબીસીના સહયોગી પત્રકાર સાથેની વાતચીતમાં જણાવ્યું કે પરિવારના સભ્યોએ ‘સેલ્ફોસ’ નામની દવા ખાધી હતી. વીનુભાઈ હીરા ઘસવાનું કામ કરતા હતા. અને તેમની નોકરી ચાલુ જ હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, પરિવારની 20 વર્ષીય સેનિકાનું મોત થયું છે. વીનુભાઈની બંને દીકરી ઘરે રહીને સિલાઈકામ કરતી હતી. (24 વર્ષીય ઋષિતા જીવિત છે). તો જે પુત્રનું મૃત્યુ થયું છે તે 17 વર્ષીય ક્રિશે હાલ જ ધોરણ 12ની પરીક્ષા આપી હતી. જ્યારે અન્ય એક પુત્ર (જે જીવિત છે) 21 વર્ષીય પાથ કૉલેજમાં અભ્યાસ કરે છે.
પરિવાર મૂળ ક્યાંનો હતો?
મળતી માહિતી પ્રમાણે આ પરિવાર મૂળ ભાવનગરના સિહોરના પાડાપણ ગામનો વતની હતો.
પ્રવીણભાઈના જણાવ્યા મુજબ, તેઓ પાંચ કે છ વર્ષથી સુરતમાં આવીને વસ્યા હતા.
તપાસ અધિકારી બી.એમ. જોગડાએ જણાવ્યું કે હાલ જ્યાં પરિવાર નિવાસ કરે છે ત્યાં તેઓ ત્રણ વર્ષથી રહેતા હતા. સમગ્ર કેસ અંગે પોલીસે અકસ્માતે મૃત્યુનો ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.