તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યા છો? જાણો કે શું બદલાશે

ઇમેજ સ્રોત, ANI
- લેેખક, જ્હાનવી મૂળે
- પદ, બીબીસી મરાઠી સંવાદદાતા
શું તમારી પાસે સોનાનાં ઘરેણાં છે? કે પછી તમે સોનું ખરીદવાનું વિચારી રહ્યાં છો? તો આ અહેવાલ ધ્યાનપૂર્વક વાંચો.
કારણ કે સોના પરનાં હૉલમાર્ક સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે, જેનાંથી સોનાનાં ખરીદ-વેચાણ પર અસર પડી શકે છે.
આ નિયમ પ્રમાણે એક એપ્રિલ 2023થી સોનું વેચનાર દુકાનદાર છ આંકડાના હૉલમાર્ક વગર જ્વૅલરી વેચી શકશે નહીં.
આપણે જાણીશું હૉલમાર્ક શું છે, જ્વૅલરી મામલે તેનું શું મહત્ત્વ છે અને હૉલમાર્ક સિસ્ટમમાં શું ફેરફાર થવા જઈ રહ્યા છે.

હૉલમાર્ક શું છે?

ઇમેજ સ્રોત, ANI
જ્યારે તમે સોનાનાં ઘરેણાં ખરીદો છો તો તેના પર કેટલાક આંકડા અને અક્ષરો બારીકાઈથી લખેલા હોય છે.
તેને ઘરેણાંની એક વિશિષ્ટ ઓળખ સંખ્યા એટલે કે યુઆઈડી અથવા તો એચયુઆઈડી કહેવાય છે.
સોનાને ગરમ કરીને તેને ગમે તે આકારમાં ઢાળી શકાય છે અને ઘરેણાં બનાવી શકાય છે. જોકે, આ ધાતુ ઘણી નાજુક હોય છે. જેથી ઘરેણાં તૂટવાનો પણ ડર રહે છે.
તેથી તેને બનાવતી વખતે સોનામાં થોડુંક તાંબુ ઉમેરવામાં આવે છે અને તેનું પ્રમાણ પણ નક્કી હોય છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તાંબાનું પ્રમાણ જેટલું વધારે હશે, સોનાનું કૅરેટ એટલું જ ઓછું હશે.
જોકે, ઘણી વખત ઘરેણાંમાં ભેળવેલા તાંબા વિશે ઉત્પાદકો જૂઠ્ઠું બોલતા હોય છે. એવામાં હૉલમાર્ક સોનાનાં ઘરેણામાં ઉમેરેલા તાંબાનું પ્રમાણ જાણવામાં મદદ કરી શકે છે.

જ્વૅલરી પર હૉલમાર્ક કેમ જરૂરી છે?
હૉલમાર્ક એક પ્રકારનું સર્ટિફિકેટ છે. એ દર્શાવે છે કે સોનું કેટલું શુદ્ધ છે અને તેને પ્રમાણિત કરનાર કોણ છે.
હૉલમાર્ક એ સુનિશ્ચિત કરે છે કે સોનાનાં ઘરેણાં ખરીદનાર લોકો છેતરાય નહીં અને તેઓ જે શુદ્ધતા માટે ખર્ચો કરે છે, તેમને એ જ સોનું મળે.
ભારતમાં ભારતીય માનક બ્યૂરો એટલે કે બીઆઈએસે વર્ષ 2000માં સોનાનાં ઘરેણાં માટે એક હૉલમાર્કિંગ યોજના શરૂ કરી હતી.
બીઆઈએસ દેશભરમાં કોઈ પણ સામાન, ઉત્પાદન કે સેવાઓની સાતત્યતા પારખવાનું કામ કરે છે.
હૉલમાર્કિંગ સ્કીમ અંતર્ગત સોનું વેચનારા દુકાનદારોએ હૉલમાર્કવાળાં ઘરેણાં વેચવા માટે રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે.
સોની સરકારના સત્તાવાર હૉલમાર્કિંગ કેન્દ્ર પર હૉલમાર્કવાળાં ઘરેણાં બનાવે છે.
હૉલમાર્ક ગ્રાહકો સાથે થતી છેતરપિંડીની શક્યતા ઘટાડે છે અને છેતરપિંડીનું નિવારણ સરળ બનાવે છે.

ઇમેજ સ્રોત, BIS
છ અંકોનો હૉલમાર્ક શું છે?
પહેલાં ભારતમાં ચાર અંકોના હૉલમાર્કનો ઉપયોગ થતો હતો. તેમાં બીઆઈએસનો લોગો, ઘરેણાંની શુદ્ધતા એટલે કે કૅરેટ, શુદ્ધતા પરીક્ષણ કેન્દ્રનો લોગો અને સોનીનો ખુદનો લોગો સામેલ હતો.
જોકે, જુલાઈ 2021થી બીઆઈએસે હૉલમાર્કની નવી છ ડિજિટ સિસ્ટમ શરૂ કરી હતી.
આ નિયમ તરત લાગુ કરવો શક્ય ન હતો. તે માટે જ્વૅલર્સને બે વર્ષનો સમય આપવામાં આવ્યો હતો. જોકે, આ સમય દરમિયાન કેટલાક સોની છ તો કેટલાક સોની ચાર અંકોના હૉલમાર્કવાળાં ઘરેણાં વેચતાં હતાં, જેના લીધે ગ્રાહકોમાં મૂંઝવણની સ્થિતિ પેદા થઈ હતી.
તેથી એક એપ્રિલ 2023થી નવો હૉલમાર્ક અનિવાર્ય કરી દેવામાં આવ્યો છે. કોઈ પણ સોની હૉલમાર્ક વગરનાં કે ચાર અંકોનો હૉલમાર્ક ધરાવતાં ઘરેણાં વેચી શકશે નહીં.
નવો હૉલમાર્ક, જે એચયુઆઈડી નામથી ઓળખાય છે, તેમાં બીઆઈએસ લોગો, ઘરેણાંની પ્રામાણિકતાની જાણકારી અને પ્રત્યેક ઘરેણાં માટે એક અલાયદો છ અંકોનો કૉડ સામેલ છે.
તમે આ એચયુઆઈડીને બીઆઈએસ કૅર ઍપ્લિકેશન પર ચકાસી શકો છો. સંક્ષેપમાં, હવેથી ભારતમાં નિર્મિત પ્રત્યેક સોનાનાં ઘરેણાં અને વસ્તુઓની સાતત્યતા કરવી શક્ય હશે.

હૉલમાર્ક વગરનાં જૂનાં ઘરેણાંનું શું થશે?

ઇમેજ સ્રોત, Getty Images
જો તમારી પાસે હૉલમાર્ક વગરનાં કે પછી ચાર અંકોના હૉલમાર્કવાળી જ્વૅલરી છે, તો ચિંતા ન કરો. કારણ કે બીઆઈએસે જાહેરાત કરી છે કે ચાર અંકોવાળા હૉલમાર્ક ધરાવતા ઘરેણાંની શુદ્ધતાને પણ ધ્યાનમાં લેવામાં આવશે.
જો તમારી પાસે હૉલમાર્ક વગરનાં ઘરેણાં હોય તો તમારી પાસે બે વિકલ્પ હશે.
ઘરેણાંનાં હૉલમાર્કિંગ માટે બીઆઈએસ અધિકૃત સોની પાસે જઈને કે પછી વૈકલ્પિક રીતે બીઆઈએસ અધિકૃત કેન્દ્ર પર જઈને હૉલમાર્કિંગ કરાવી શકાશે. આ કેન્દ્રોની યાદી બીઆઈએસની વેબસાઇટ પર આપવામાં આવી છે.
બીઆઈએસે આ અંગે દિશાનિર્દેશ જાહેર કર્યા છે. જે મુજબ, ગ્રાહક એક સમયે હૉલમાર્કિંગ માટે માત્ર 10 ઘરેણાં લઈ જઈ શકશે. તેને ગ્રાહકની ઉપસ્થિતિમાં તોલવામાં આવશે અને એક સિરિયલ નંબર આપવામાં આવશે.
સોનાની શુદ્ધતા તપાસવાની બે રીત છે. એક્સઆરએફ અને સોનું ઓગાળવાની રીત.
એક્સઆરએફમાં એક્સ-રે મશીન દ્વારા સોનાની તપાસ કરવામાં આવે છે, પરંતુ એ આધાર પર પ્રમાણિત કરી શકાય તેમ નથી.














