You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વૉટ્સઍપ પર ચૂંટણીપ્રચાર: ગ્રૂપ ઍડમિને શું કરવું અને શું ન કરવું?
- લેેખક, ભાનુપ્રકાશ કરનાતી
- પદ, બીબીસી સંવાદદાતા
"ઇન્ડિયા: ધી વૉટ્સઍપ ઇલેક્શન”
આ કેટલીક હેડલાઇન છે જે 2019ની લોકસભાની ચૂંટણીટાણે અનેક સમાચારોમાં છવાઈ હતી. તે દર્શાવે છે કે સોશિયલ મીડિયાની ચૂંટણી પર કેટલી મોટી અને પ્રભાવક અસર છે.
છેલ્લા કેટલાક વર્ષોમાં સોશિયલ મીડિયાનો ચૂંટણીમાં પ્રભાવ અનેકગણો વધ્યો છે. ચૂંટણીપ્રચારથી માંડીને મતદારોને પ્રભાવિત કરવા સુધી સોશિયલ મીડિયાનો ઉપયોગ રાજકીય પક્ષો અને નેતાઓ દ્વારા થતો રહે છે.
ભારતમાં 2024ની લોકસભા ચૂંટણી અને અમુક રાજ્યોની વિધાનસભાની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર થઈ ગયો છે અને આચારસંહિતા પણ લાગુ છે. ઑક્ટોબર 2013માં ચૂંટણીપંચે રાજકીય પક્ષો અને માટે ચૂંટણીપ્રચારમાં સોશિયલ મીડિયાનો કઈ રીતે ઉપયોગ કરવો હતો તેની ગાઇડલાઇન જાહેર કરી હતી.
તેના ભાગરૂપે ઉમેદવારે પોતાનું નૉમિનેશન ફાઇલ કરતા સમયે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સની વિગતો ફૉર્મ નં.26માં આપવાની હોય છે.
ભારતના ચૂંટણીપંચે લોકોને પણ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરતી વખતે સાવધ રહેવાનો નિર્દેશ કર્યો છે. દેશના રાજકીય પક્ષો માસ કમ્યૂનિકેશન ટૂલ વૉટ્સઍપના માધ્યમથી પોતાનો પ્રચાર કરી રહ્યા છે. વૉટ્સઍપના ભારતમાં 40 કરોડથી વધુ ઍક્ટિવ યૂઝર્સ છે અને વૉટ્સઍપનો ઉપયોગ મતદારોને ખોટી માહિતી આપવા અને ફેક ન્યૂઝ ફેલાવવા માટે થતો રહ્યો છે.
ભારતના રાજકીય પરિદૃશ્યમાં પક્ષો વધુને વધુ લોકોના અભિપ્રાય સાથે ચેડાં કરવાનો પ્રયાસ કરી રહ્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વૉટ્સઍપ પણ સમયાંતરે તેની પહોંચ વિસ્તારી રહ્યું છે અને નવી ટેકનૉલૉજીનો ઉમેરો કરી રહ્યું છે. તેણે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં જ ‘વૉટ્સઍપ ચેનલ’ લૉન્ચ કરી હતી. તેના વપરાશકર્તાઓના ફોન પર ખાનગી વૉટ્સઍપ ચૅનલોના સમાચાર સીધા પહોંચે છે અને પોતાની રુચિ અનુસાર કોઈ વ્યક્તિ અથવા સંસ્થા વિશે અપડેટ મેળવી શકે છે. આ પ્રયોગ સફળ પણ રહ્યો.
હવે આ સુવિધા ચૂંટણીપ્રચારમાં પણ એક સાધન બની ગઈ છે. દેશના મુખ્ય રાષ્ટ્રીય પક્ષો ભાજપ અને કૉંગ્રેસે પણ વૉટ્સઍપ ચેનલો શરૂ કરી છે. હાલમાં ભાજપની સત્તાવાર વૉટ્સઍપ ચેનલના 7.11 લાખ ફૉલોઅર્સ છે જ્યારે કૉંગ્રેસ પાર્ટીની સત્તાવાર વૉટ્સઍપ ચેનલના 5.02 લાખ ફૉલોઅર્સ છે.
ચૂંટણીપંચ શું કહી રહ્યું છે?
ચૂંટણીપંચે ચૂંટણીપ્રચારમાં સોશિયલ મીડિયાની ભૂમિકા અંગે સ્પષ્ટ સૂચનાઓ જાહેર કરી છે અને પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક, રેડિયો અને કેબલ ટીવી જેવા મીડિયા ઝુંબેશની જેમ સોશિયલ મીડિયા પર પણ નિયમો લાગુ કર્યા છે.
રાજ્ય અને જિલ્લાસ્તરની મીડિયા સર્ટિફિકેશન ઍન્ડ મૉનિટરિંગ કમિટી (MCMC) એ સંબંધિત રાજ્યોનો હવાલો સંભાળશે. સોશિયલ મીડિયા પર તમામ પ્રકારની રાજકીય જાહેરાતો પ્રસારિત કરતા પહેલાં આ કમિટીની પરવાનગી મેળવવી આવશ્યક છે.
પરવાનગી મેળવ્યા પછી અને આદર્શ આચારસંહિતાનું પાલન કર્યા પછી જ આ જાહેરાતોનો અભિયાનમાં ઉપયોગ થવો જોઈએ. આ નિયમોના ભંગ બદલ જવાબદારો સામે ચૂંટણીપંચ કાર્યવાહી કરશે.
તાજેતરમાં, 'વિકસિત ભારત સંપર્ક'ના નામેથી જ વૉટ્સઍપ વપરાશકર્તાઓને પીડીએફ સાથે સરકારી યોજનાઓ અને કામગીરી પર પ્રતિસાદ માગતા સંદેશા મળી રહ્યા હતા. જોકે, ચૂંટણી આચારસંહિતા અમલમાં હોવા છતાં તે સંદેશાઓ આવતા હોવાની ફરિયાદો ચૂંટણીપંચને મળી હતી. ચૂંટણીપંચે આ અંગે ઇલેક્ટ્રોનિક્સ અને ઈન્ફૉર્મેશન ટેકનૉલૉજી મંત્રાલયને નિર્દેશ જાહેર કર્યા હતા અને આ ઝુંબેશ તાત્કાલિક બંધ કરી દેવાનું સૂચન કર્યું હતું.
મંત્રાલય તરફથી પણ જવાબ મળ્યો હતો કે, "ચૂંટણી આચારસંહિતા લાગુ થયા પહેલાં આ સંદેશાઓ મોકલવામાં આવ્યા હતા અને તે અમલમાં આવ્યા પછી ઝુંબેશ બંધ કરી દેવામાં આવી હતી. કેટલાક સંદેશાઓ ટૅકનિકલ અને નેટવર્ક અવરોધોને કારણે મોડા પહોંચી રહ્યા હતા."
ચૂંટણીમાં વૉટ્સઍપનો ઉપયોગ
વૉટ્સઍપે એમ પણ કહ્યું છે કે તે ફૅક ન્યૂઝના ફેલાવાને રોકવા માટે પણ પગલાં લઈ રહ્યું છે.
વૉટ્સઍપે કહ્યું કે તેણે ખોટી માહિતીની તેના યૂઝર્સને જાણ કરવા માટે ઇન્ટરનેશનલ ફૅક્ટ ચેકિંગ સિસ્ટમ સાથે પાર્ટનરશિપ કરી છે.
વાંધાજનક સામગ્રી, ખોટી માહિતી, ખોટા સમાચાર અથવા ભારતમાં ચૂંટણી સંબંધિત અન્ય કોઈપણ માહિતીની AFFને જાણ કરી શકાય છે.
તેમાં જણાવવામાં આવ્યું હતું કે, "વૉટ્સઍપ પર મોકલવામાં આવેલા સંદેશાઓ ઍન્ડ-ટુ-ઍન્ડ ઍન્ક્રિપ્ટેડ હોય છે. તેનો અર્થ એ થાય છે કે આ સંદેશાઓ કોઈ વાંચી શકતું નથી. રાજકીય ભાષણો, ઉમેદવારોના ચૂંટણીપ્રચાર અને ઉમેદવારોએ મોકલેલા સંદેશાઓ પણ જાણી શકાતા નથી. ઇલેક્શન ઍક્સપર્ટ્સ સાથે પણ આ મુદ્દે ચર્ચા થઈ છે."
કંપનીની વેબસાઇટ તેના માટે લેવામાં આવેલા પગલાં અને નીતિઓનો ઉલ્લેખ કરે છે.
ફૉરવર્ડ લિમિટ: એક સમયે પાંચથી વધુ સંપર્કોને સંદેશા અને ચૅનલ અપડેટ્સ ફૉરવર્ડ કરવાનું શક્ય નથી. વૉટ્સઍપે કહ્યું કે આ પ્રતિબંધ લાગુ થયા બાદ ફૉરવર્ડ કરાયેલા મૅસેજની સંખ્યામાં 25 ટકાથી વધુનો ઘટાડો થયો છે.
એડિશનલ લિમિટેશન: લેબલિંગ: આ સિવાય સંદેશ પર ચિહ્ન પ્રદર્શિત કરવામાં આવે છે કે તે અતિશય વધુ વખત ફૉરવર્ડ કરાયેલો છે. તેનો અર્થ છે કે તમે જાણી શકો છો કે આ બાહ્ય માહિતી છે અને તેને મોકલનાર વ્યક્તિએ પોતે લખી નથી.
કંપનીએ જણાવ્યું હતું, "જો રાજકીય પક્ષો અથવા રાજકીય ઉમેદવારો ઑટોમેશન સિસ્ટમથી મૅસેજ મોકલે છે અથવા વૉટ્સઍપ વપરાશકર્તાઓને પરવાનગી વિના સંદેશા મોકલે છે, તો તેમના અકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકવામાં આવે તેવી શક્યતા પણ છે. વૉટ્સઍપ બિઝનેસ ફીચરનો રાજકીય પ્રચાર માટે ઉપયોગ કરવાની પરવાનગી નથી."
તે કહે છે, "ઘણા દેશોમાં, ખાસ કરીને મોટી ચૂંટણીઓ દરમિયાન અમે સુરક્ષા અંગેની અમારી નીતિઓ વિશે અમે જે-તે દેશની રાજકીય સંસ્થાઓ સાથે વધુ સ્પષ્ટ થઈશું."
શું વૉટ્સઍપ પર ચાલતાં અભિયાનો પર નિરીક્ષણ રાખવું શક્ય છે?
અસોસિયેશન ફૉર ડેમોક્રેટિક રિફૉર્મ્સના રાકેશ ડુબુડ્ડુ કહે છે, "વૉટ્સઍપ અને ટેલિગ્રામ જેવી સોશિયલ મીડિયા ઍપ્સ પર ફેસબુક અને ટ્વિટરની સરખામણીમાં નિયંત્રણ રાખવું અઘરું છે કારણ કે ફેસબુક અને ટ્વિટર એ ઓપન સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ્સ છે. જ્યારે વૉટ્સઍપમાં જે-તે ગ્રૂપના સભ્યો સિવાય કોઈ જાણી ન કોઈ જાણી શકતું નથી કે કોણ શું મૅસેજ કરે છે. ગ્રૂપનો કોઈ સભ્ય માહિતી જાહેર કરે નહીં ત્યાં સુધી કોઈ જાણી ન શકે. આથી વૉટ્સઍપમાં મૉનિટરિંગ કઈ રીતે શક્ય છે?"
"ભારત જેવા વિશાળ લોકશાહી દેશમાં સોશિયલ મીડિયા મૉનિટરિંગ માટે એક અલગ સિસ્ટમની જરૂર છે."
તેઓ કહે છે, "ખાસ કરીને સોશિયલ મીડિયા સંસ્થાઓ સાથે છ મહિના અગાઉ મીટિંગ યોજવી જોઈએ અને સોશિયલ મીડિયા પર ફેક ન્યૂઝ ફેલાવવા અંગે, કોઈ વિભાગને ઇરાદાપૂર્વક અથવા પ્રતિકૂળ અસર પહોંચાડતા વીડિયોના નિયમન માટે અને મૉનિટરિંગ માટે જરૂરી ટેકનિકલ સજ્જતા કેળવાય તેવા પ્રયત્નો કરવા જોઈએ."
"ચૂંટણીપંચે મુખ્યત્વે ચૂંટણીપ્રક્રિયા, ખોટી માહિતી અને મતદારોને સીધી અસર કરતા મુદ્દાઓ પર ખૂબ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. જ્યારે સોશિયલ મીડિયા પર સંપૂર્ણ દેખરેખ રાખવાની કોઈ અલગ સિસ્ટમ નથી."
2019ની સામાન્ય ચૂંટણીઓ દરમિયાન ચૂંટણીપંચે અનેક સોશિયલ મીડિયા સંસ્થાઓ અને ઇન્ટરનેટ ઍન્ડ મોબાઇલ અસોસિયેશન ઑફ ઇન્ડિયાના પ્રતિનિધિઓ સાથે બેઠક યોજી હતી અને એ સંસ્થાઓના પ્રતિનિધિઓને ચૂંટણીના મુક્ત અને ન્યાયી આચારને સુનિશ્ચિત કરવા માટે ચૂંટણીપંચના તમામ પ્લૅટફૉર્મ્સને સહકાર આપવા જણાવ્યું હતું.
IAMAI અને સોશિયલ મીડિયા સંસ્થાઓના પ્રતિનિધિઓએ કમિશનને કહ્યું છે કે તેઓ ચૂંટણી આચારસંહિતાની જોગવાઈઓ અનુસાર 'સ્વૈચ્છિક નૈતિક સંહિતા' ઘડશે અને તે નિયમોનો અમલ થાય તેની ખાતરી કરશે.
વૉટ્સઍપ ગ્રૂપ ઍડમિને શું કરવું અને શું ન કરવું?
- વૉટ્સઍપ ગ્રૂપ્સ મૅનેજ કરતા ઍડમિને પણ ચૂંટણી આચારસંહિતાનું પાલન કરવું અને ગ્રૂપમાં શેર કરવામાં આવતી માહિતીનું ધ્યાન રાખવું. ખાસ કરીને ગ્રૂપમાં આવતી જાહેરાતો અને ચૂંટણીપ્રચારને લગતી માહિતી પર નજર રાખવી.
- વૉટ્સઍપે આ અંગેની સ્પષ્ટ સૂચનાઓ જાહેર કરી છે.
- માત્ર સાચી માહિતી જ ગ્રૂપમાં શેર કરવી અને ખોટા મૅસેજને રિપોર્ટ કરવા.
- વૉટ્સૅએપ ગ્રૂપના એડમિને આ અંગે સતર્ક રહેવું જોઈએ નહીંતર તેમની સામે કાયદાકીય પગલાં પણ લેવામાં આવી શકે છે.
- દેશવિરોધી, ધર્મવિરોધી અને જાતિવિરોધી સંદેશાઓ શેર ન કરવા.
- ખોટા પ્રચાર અને વેરિફાઈ ન કરેલા હોય તેવા સમાચારો ન ફેલાવવા.
- કોઈની પરવાનગી વગર તેમની નિજતાનું ઉલ્લંઘન થાય એ રીતે ફોટો કે વીડિયો શેર ન કરવા.
- હિંસા માટે ઉશ્કેરતું હોય તેવું કન્ટેન્ટ અને પોર્નોગ્રાફિક કન્ટેન્ટ શેર ન કરવું.
- આ ગાઇડલાઇન્સ ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવેલી છે પરંતુ આ જ ગાઇડલાઇન અન્ય કેસોમાં પણ લાગુ થશે.