આઈપીએલમાં આ વખતે ધૂમ મચાવશે આ ગુજરાતી ખેલાડીઓ

ગુજરાત ટાઈટન્સ આઈપીએલ 2022

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, ગુજરાત ટાઈટન્સ આઈપીએલ 2022
બીબીસી ગુજરાતી
  • ક્રિકેટ લીગમાં ગુજરાતના ઉર્વિલ પટેલ ઉપરાંત સૌરાષ્ટ્રના પ્રેરક માંકડ અને સમર્થ વ્યાસ પણ રમવાના છે
  • ઉર્વીલે 2018માં પોતાની કારકિર્દીનો પ્રારંભ બરોડા માટે કર્યો હતો
  • સમર્થ વ્યાસ પણ ઉર્વિલની માફક આક્રમક વલણ માટે જાણીતા છે
  • કૅપ્ટન જયદેવ ઉનડકટની સાથે પ્રેરક માંકડ લખનૌ સુપર જાયન્ટ્સ માટે રમવાના છે
બીબીસી ગુજરાતી

હજુ બે મહિના પહેલાંની વાત છે. ગુજરાતની ટીમ 'ઇન્દૌરમાં સૈયદ મુસ્તાકઅલી ટી20 ક્રિકેટ' ટૂર્નામેન્ટમાં રમી રહી હતી અને 22મી ઑક્ટોબરની એ મૅચમાં બિહાર સામે ગુજરાતે અત્યંત ખતરનાક બેટિંગ કરી હતી અને માત્ર 37 બૉલમાં જ 84 રન ફટકારી દીધા હતા. આ બૅટ્સમૅન એટલે ઉર્વીલ પટેલ.

મૂળ મહેસાણાના હોવાના કારણે ઉર્વીલને પ્રથમ તો બરોડાની ટીમ માટે રમવાનું થયું અને એક સિઝન બાદ તે ગુજરાતની ટીમમાં રમવા લાગ્યા હતા. અગાઉ તેઓ બરોડા માટે રમતા હતા ત્યારે ઉત્તર પ્રદેશ સામે ફાંકડા 96 રન ફટકારી દીધા હતા. એ વખતે તેમનો સ્ટ્રાઇક રેટ 177.77નો રહ્યો હતો.

આવા ધરખમ સ્ટ્રાઇક રેટ સાથે તેઓ કારકિર્દીમાં પણ 147ની આસપાસનો સ્ટ્રાઇક રેટ ધરાવે છે. કદાચ આ જ કારણે તેઓ હવે આ સિઝનમાં ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં રમી રહ્યા છે.

વાત આઈપીએલની થઈ રહી છે તો આ સિઝનમાં માત્ર ભારતની જ નહીં, પરંતુ વિશ્વની સૌથી લોકપ્રિય અને ધનાઢ્ય ક્રિકેટ લીગમાં ઘણા ગુજરાતી ખેલાડીઓએ તક સાંપડી છે. જેમાં ગુજરાતના ઉર્વીલ પટેલ ઉપરાંત સૌરાષ્ટ્રના પ્રેરક માંકડ અને સમર્થ વ્યાસ પણ રમવાના છે.

આઈપીએલ અંગે એવી માન્યતા છે કે જે-તે ખેલાડીને હરાજી દરમિયાન જ ખરીદવામાં આવે છે. આ વાત સાવ ખોટી પણ નથી, કેમ કે ખેલાડીને પોતાની ફ્રેન્ચાઇઝીમાં સામેલ કરવા માટે હરાજી જ એકમાત્ર માધ્યમ છે.

વિવિધ ફ્રેન્ચાઇઝી માત્ર હરાજીના સમયે જ નહીં, પરંતુ આખા વર્ષ દરમિયાન આ માટેની કવાયત કરતી હોય અને તેમાં પણ દરેક ફ્રેન્ચાઇઝી આ માટે પોતાના પ્રતિભાશોધ (ટેલેન્ટ હન્ટ) વિભાગ અને તેના સદસ્યો પર આધાર રાખે છે.

આ પ્રતિભાશોધ ટીમ (જેમાં મોટા ભાગના પૂર્વ ક્રિકટેર હોય છે) સમગ્ર વર્ષ દરમિયાન ભારતમાં તથા વિદેશમાં રમાતી વિવિધ ટી20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ખેલાડીએ કરેલા પ્રદર્શનની સમીક્ષા કરે છે.

માત્ર તેમણે ફટકારેલા રન કે જંગી સ્કોર કે ટીમ જ નહીં, પરંતુ કટોકટીના સમયે રમવાની તેમની કાબેલિયત પર પણ ભાર મુકાતો હોય છે અને એ પ્રતિભાશોધનું પરિણામ એટલે ઉર્વીલ પટેલ, સમર્થ વ્યાસ અને પ્રેરક માંકડ.

આ ત્રણ ગુજરાતીઓ તો આ વખતે રમવાના જ છે, પરંતુ તે ઉપરાંત સ્થાપિત થઈ ગયેલા હાર્દિક પંડ્યા, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા, જયદેવ ઉનડકટ, ચેતન સાકરિયા અને કૃણાલ પંડ્યા તો ખરાં જ.

બીબીસી ગુજરાતી

33 મૅચમાં 683 રન કરનાર ઉર્વીલ પટેલ

ઉર્વિલ પટેલ

ઇમેજ સ્રોત, URVIL_PATEL_37

ઇમેજ કૅપ્શન, ઉર્વિલ પટેલ
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અગાઉ બરોડા અને હવે ગુજરાત માટે રમી રહેલા ઉર્વીલ આમ તો 2018ની ટી20માં રમી રહ્યા હતા. તેમાં પણ પ્રારંભમાં બરોડા માટે ઝંઝાવાત સર્જનારા 24 વર્ષીય ઉર્વીલ ગુજરાત માટે રમ્યા હતા, ત્યારબાદ વધારે ખીલ્યા હતા.

33 મૅચમાં 683 રન ફટકારનારા ઉર્વીલ માટે એમ કહી શકાય કે, તે ટી20માં જરૂરી એવા 100ના સ્ટ્રાઇક રેટથી ઓછામાં ક્યારેય આઉટ થયા નથી.

તેમની કારકિર્દી પર નજર કરીએ તો તેઓએ તમામ મૅચમાં જેટલા રન કર્યા છે, તેથી ઓછા બૉલ રમ્યા છે. જે એક ટી20 ખેલાડી માટે કદાચ આવશ્યક બાબત છે. તેમાંય અડધો અડધ ઇનિંગ્સમાં તેઓ તેમનો સ્ટ્રાઇક રેટ 150ને પાર કરી ગયા છે.

ઉર્વીલે 2018માં પોતાની કારકિર્દીનો પ્રારંભ બરોડા માટે કર્યો અને તેઓને પહેલી જ મૅચમાં મુંબઈ સામે રમવાનું આવ્યું.

ભારતીય ડૉમેસ્ટિક ક્રિકેટમાં મુંબઈનું સ્થાન અવલ છે. ધવલ કુલકર્ણી, શાર્દૂલ ઠાકુર અને શિવમ દૂબે જેવા આઈપીએલના નીવડેલા બૉલર સામે ઉર્વીલે ઝંઝાવાત સર્જ્યો હતો. તેઓએ સાત ચોગ્ગા ઉપરાંત બે સિક્સર સાથે 28 બોલમાં અડધી સદી ફટકારી દીધી હતી.

ઉર્વીલને ગુજરાત જાયન્ટ્સની ટીમે 20 લાખ રૂપિયામાં ખરીદી લીધા છે. ગઈ સિઝનની ચૅમ્પિયન ટીમ પાસેથી આ વખતે પણ એવા જ શાનદાર દેખાવની અપેક્ષા રખાય છે, ત્યારે કૅપ્ટન હાર્દિક પંડ્યા તેમના એક સમયના સાથી એવા ઉર્વીલ એક આક્રમક બૅટ્સમૅન તરીકે મજબૂત પ્રદર્શન કરે તેવી અપેક્ષા રાખે તેમાં કાંઈ નવાઈ નથી.

છેલ્લા કેટલાક સમયથી સૌરાષ્ટ્રની ટીમ ભારતીય ડૉમેસ્ટિક ક્રિકેટમાં તમામ પ્રકારની ટૂર્નામેન્ટમાં ધૂમ મચાવી રહી છે. પછી તે સૈયદ મુસ્તાકઅલી ટી20 હોય કે વિજય હઝારે વન-ડે હોય કે રણજી ટ્રૉફીની સિનિયર ટીમ હોય.

આ તમામ પાસાંના ક્રિકેટમાં સૌરાષ્ટ્રની ટીમનું અનિવાર્ય અંગ કોઈ હોય, તો તે સમર્થ વ્યાસ અને પ્રેરક માંકડ છે.

બીબીસી ગુજરાતી

તોફાની બેટિંગ માટે જાણીતા સમર્થ વ્યાસ

સમર્થ વ્યાસ

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, સમર્થ વ્યાસ

1995ની 28મી નવેમ્બરે રાજકોટમાં જન્મેલા સમર્થ વ્યાસ પણ ઉર્વીલની માફક આક્રમક વલણ માટે જાણીતા છે.

વર્તમાન સિઝનમાં તો સમર્થ વ્યાસ અત્યંત ફોર્મમાં રમી રહ્યા છે અને તેમની આકર્ષક રમતે જ સનરાઇઝર્સ હૈદરાબાદના મૅનેજમૅન્ટે તેમને ખરીદવા પડ્યા છે.

20 લાખ રૂપિયામાં ખરીદાયેલા સમર્થ પણ ગમે તેવા બૉલિંગ આક્રમણને સામાન્ય બનાવી દેવા માટે સમર્થ છે. તેઓએ મુસ્તાકઅલી ટ્રૉફીની આ સિઝનમાં પહેલી મૅચમાં બરોડા સામે વેગીલા 97 રન ફટકાર્યા હતા. જેમાં એક બે નહીં, પરંતુ નવનવ સિક્સરનો સમાવેશ થતો હતો. આ માટે તેઓ 52 બૉલ રમ્યા હતા.

જોકે, 52 બૉલ તેમને વધારે લાગ્યા હોય તેમ બે દિવસ બાદ તેઓ નાગાલૅન્ડ સામે રમ્યા, ત્યારે તેઓએ 51 બૉલમાં અણનમ 97 રન ફટકારી દીધા હતા. આ વખતે તેમણે સાત સિક્સર ફટકારી હતી.

સમર્થ તેની તોફાની બેટિંગ માટે જાણીતા છે, પરંતુ તેઓએ અગાઉ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં પણ સૌરાષ્ટ્ર માટે આસાનીથી રન ફટકારીને ટીમમાં કાયમી સ્થાન બનાવી દીધું હતું.

આમ તો સમર્થ 2015ની ટી20માં રમી રહ્યા હતા, પરંતુ તેઓએ ખરું ટી20 ફોર્મ છેલ્લી બે સિઝનથી દાખવ્યું છે. આઈપીએલના અનુભવી એવા રવીન્દ્ર જાડેજા, જયદેવ ઉનડકટ અને ચેતન સાકરિયા પાસેથી સમર્થે સારી એવી ટિપ્સ મેળવી હશે, તેઓ તેમના બદલાયેલા ફોર્મની ચાડી ખાય છે.

બીબીસી ગુજરાતી

હોનહાર ઑલરાઉન્ડર પ્રેરક માંકડ

પ્રેરક માંકડ

ઇમેજ સ્રોત, prerakmankad/INSTAGRAM

ઇમેજ કૅપ્શન, પ્રેરક માંકડ

1994માં જન્મેલા પ્રેરક માંકડ રાજકોટમાં આકાશવાણીના અધિકારી અને વર્ષોથી સૌરાષ્ટ્રના ક્રિકેટ સાથે સંકળાયેલા નિલેશ માંકડના પુત્ર છે.તેઓએ પોતાના આગમનની જાણ જાણે સમગ્ર વિશ્વને કરવાની હોય તે રીતે તેઓએ કારકિર્દીના પ્રારંભે જ મહારાષ્ટ્ર સામે આક્રમક 72 રન ફટકારી દીધા હતા.

આ વર્ષે કોલકાતામાં મુંબઈ સામેની મુસ્તાકઅલી ટી20 મૅચમાં તેઓએ લગભગ કેર જ વર્તાવ્યો હતો અને 25 બૉલમાં જ 61 રન ફટકારી દીધા હતા.

સૌરાષ્ટ્રની ટીમના કૅપ્ટન જયદેવ ઉનડકટની સાથે પ્રેરક પણ આ વખતે લખનૌ સુપર જાયન્ટ્સ માટે રમવાના છે. જોકે, પ્રેરક માટે આઈપીએલ સાવ નવો અનુભવ નથી. કારણ કે ગયા વર્ષે તેઓ પંજાબ કિંગ્સની ટીમમાં હતા.

જોકે, તેને એક જ મૅચ રમવાની આવી હતી. જેમાં ટીમ જીતવાને આરે હતી, ત્યારે તેમની બેટિંગ આવી અને પહેલા બૉલે જ ચોગ્ગો ફટકારીને તેઓએ ટીમને વિજયી રન બનાવવામાં મદદ કરી હતી.

આ સિવાય તેમને એકેય મૅચ રમવા મળી ન હતી, પરંતુ છેલ્લી બે ડૉમેસ્ટિક સિઝનથી તેઓ ઉમદા ઑલરાઉન્ડર તરીકે દેખાવ કરી રહ્યા છે અને આ વખતે સુપર જાયન્ટ્સ તેમને વધારે તક આપે તેવી અપેક્ષા રખાય છે.

એપ્રિલ 1994માં જન્મેલા આ મિડલ ઑર્ડર ઑલરાઉન્ડર બૉલિંગમાં પણ કમાલ કરી શકે છે. આઈપીએલ જેવી ટૂર્નામેન્ટમાં ઓલરાઉન્ડરની ભૂમિકા અગત્યની હોય છે, ત્યારે પ્રેરક બેટિંગ અને બૉલિંગ બંનેમાં ઘણા ઉપયોગી બની શકે છે.

આઈપીએલમાં આ વખતે હાર્દિક પંડ્યા (ગુજરાત જાયન્ટ્સ), જસપ્રીત બુમરાહ (મુંબઈ ઇન્ડિયન્સ) અને રવીન્દ્ર જાડેજા (ચેન્નાઈ સુપર કિંગ્સ) ઉપરાંત આ નવોદિતો પણ રમશે.

તેમાં બુમરાહ અને જાડેજાએ હજુ તેમનો ફિટનેસ ટેસ્ટ આપવાનો રહેશે, પરંતુ તેમની ગેરહાજરીમાં અન્ય ગુજરાતી ખેલાડીઓ રમશે.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી