ભારત સરકારના મોંઘવારી રોકવાના નિર્ણયોની અસર બાકીની દુનિયા પર શું થઈ રહી છે?

    • લેેખક, નિખિલ ઇનામદાર
    • પદ, બીબીસી ન્યૂઝ, મુંબઈ

વૈશ્વિક કૃષિ વ્યાપારમાં મુખ્ય ખેલાડી ગણાતા ભારતમાં આબોહવાની વિચિત્ર પરિસ્થિતિને લીધે ખાદ્યપદાર્થોના ભાવમાં 11 ટકાથી વધુનો વધારો થયો છે.

ટામેટાનાં ભાવ ઘટવાની સાથે જ સ્થાનિક બજારમાં જૂનથી ડુંગળીના ભાવમાં વધારો થયો છે, જ્યારે દાળ વર્ષની શરૂઆતમાં હતી તેના કરતાં લગભગ 20 ટકા મોંઘી થઈ છે.

કેટલાક અર્થશાસ્ત્રીઓ કહે છે કે ભારતમાં ખાદ્યચીજો મોંઘી થઈ રહી છે. માત્ર જુલાઈમાં જ સામાન્ય શાકાહારી ભોજનની કિંમતમાં એક તૃતિયાંશ વધારો થયો છે.

આ વર્ષે કેટલાંક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી અને આગામી ઉનાળામાં લોકસભાની ચૂંટણી યોજાવાની હોવાથી ભારત સરકાર ખાદ્ય સામગ્રીના ફુગાવાને અંકુશમાં લેવા માટે ઘણા પગલાં લઈ રહી છે.

મે, 2022માં ઘઉંની નિકાસ પરના પ્રતિબંધ બાદ ભારત સરકારે બિન-બાસમતી સફેદ ચોખાની નિકાસ બંધ કરવાની જાહેરાત ગયા મહિને અચાનક જ કરી હતી.

નિકાસને ઓછી કરવા અને સ્થાનિક પુરવઠાની સ્થિતિને વધુ સારી બનાવવા નાણાં મંત્રાલયે તાજેતરમાં જ ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યુટી લાદી હતી.

સરકાર શું પગલાં ભરી શકે છે?

કેરએજ ગ્રુપના વડા અર્થશાસ્ત્રી રજની સિન્હાના જણાવ્યા મુજબ, આ વર્ષે ખાંડનું ઉત્પાદન ઓછું રહેવાની ધારણા હોવાથી “ખાંડની નિકાસ પર પ્રતિબંધની સંભાવના પણ વધી છે.”

વિશ્લેષકો કહે છે કે આગળ જતાં સરકાર આવાં વધુ પગલાં લઈ શકે છે. દાખલા તરીકે ચોખાની નિકાસ પર સતત પ્રતિબંધ છતાં પણ ચોખાના સ્થાનિક ભાવમાં હજુ ઘટાડો થયો નથી. તેથી સરકાર ‘વધુ વ્યાપક’ પ્રતિબંધ બાબતે વિચારી શકે છે. એમ વૈશ્વિક બ્રૉકરેજ નોમુરાએ તાજેતરની એક નોંધમાં જણાવ્યું હતું.

આ પરિસ્થિતિમાં સવાલ એ થાય કે ભારત ઘરઆંગણે ભાવને અંકુશમાં રાખવાના આક્રમક વલણ સાથે વિશ્વમાં ખાદ્યસામગ્રીના ફુગાવાની નિકાસનું જોખમ ઉઠાવી રહ્યું છે?

ઇન્ટરનેશનલ ફૂડ પોલિસી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (આઈએફપીઆરઆઈ) માને છે કે ખાસ કરીને ચોખા, ખાંડ અને ડુંગળીની બાબતમાં ભારત આ પ્રકારના પગલાં ભરી રહ્યું છે. ભારત છેલ્લા એક દાયકામાં ચોખાના વિશ્વના સૌથી મોટા નિકાસકાર તરીકે ઊભરી આવ્યું છે. તેમાં ભારતનો 40 ટકા માર્કેટ શેર છે. ખાંડ અને ડુંગળીના સંદર્ભમાં ભારત વિશ્વનો બીજા ક્રમનો સૌથી મોટો નિકાસકાર દેશ છે.

સંયુક્ત રાષ્ટ્રસંઘના ફૂડ એન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઈઝેશન(એફએઓ)ના ચોખાના ભાવ સૂચકાંકમાં જુલાઈમાં 2.8 ટકા ઉછાળો નોંધાયો હતો. તે સપ્ટેમ્બર, 2011 પછીનું સર્વોચ્ચ સ્તર છે. મોટાભાગે ચોખાની ઇન્ડિકા વેરાઇટીના ભાવમાં વધારાને કારણે એવું થયું હતું. ઇન્ડિકા વેરાઇટીની નિકાસ પર ભારતે પ્રતિબંધ મૂક્યો હતો. તેનાથી અન્ય પ્રદેશોમાં ચોખાના ભાવ પરનું દબાણ વધ્યું હોવાનું એફએઓએ જણાવ્યું હતું.

ભારતના નિર્ણયોની વિશ્વ પર કેટલી અસર થઈ?

આઈએફપીઆરઆઈના વરિષ્ઠ રિસર્ચ ફેલો જૉસેફ ડબલ્યુ ગ્લાબરે બીબીસીને કહ્યું હતું, “ગયા મહિનાના અંતમાં પ્રતિબંધની જાહેરાત કરવામાં આવી ત્યારથી થાઈલૅન્ડના ચોખાના ભાવમાં 20 ટકા વધારો થયો છે.”

એફએઓ તથા સંયુક્ત રાષ્ટ્રસંઘના વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ દ્વારા 18 હંગર હોટસ્પોટ્સમાં ખાદ્ય સલામતીની સ્થિતિ કથળી રહી છે ત્યારે ખાસ કરીને વિશ્વના ગરીબો પર ચોખાની નિકાસ પરના પ્રતિબંધની માઠી અસર થશે.

ચોખા એ મુખ્ય આહારનો એક ભાગ છે, જે સમગ્ર એશિયા તથા આફ્રિકામાં લાખો લોકોના કૅલેરી કન્ઝમ્પ્શનનો એક મોટો હિસ્સો છે અને ભારત એ માર્કેટ્સમાં એક મોટું સપ્લાયર છે.

એશિયા અને સબ-સહારન આફ્રિકાના 42 દેશો તેમની કુલ આયાતનો 50 ટકા હિસ્સો ભારતમાંથી મેળવે છે. આઈએફપીઆરઆઈના જણાવ્યા અનુસાર, કેટલાક દેશોમાં તેનું પ્રમાણ 80 ટકા સુધીનું છે. ભારતના નિકાસ પ્રતિબંધને લીધે જે ઘટ સર્જાશે તેની આપૂર્તિ વિયેતનામ, થાઈલૅન્ડ કે પાકિસ્તાન જેવા ચોખાના મોટા પ્રમાણમાં નિકાસ કરતા અન્ય દેશો આસાનીથી કરી શકે તેમ નથી.”

ખાદ્ય સામગ્રીની ઊંચી વૈશ્વિક કિંમતની આ દેશોમાં અન્ય અસરો પણ થશે. જેમ કે ખાદ્ય સામગ્રીની આયાત માટે તેમણે વધારે ખર્ચ કરવો પડશે અને એ માટે કિંમતી વિદેશી હુંડિયામણનો ઉપયોગ કરવો પડશે. “આ રીતે ચુકવણીની સમતુલાની સમસ્યા સર્જાશે અને ફુગાવામાં વધારો થશે,” તેમ એફએઓના માર્કેટ્સ તથા ટ્રેડ ડિવિઝનના વરિષ્ઠ અર્થશાસ્ત્રી ઉપલી ગલકેટીએ કહ્યું હતું.

શું વૈશ્વિક ભાવવધારા માટે ભારત જ જવાબદાર?

જોકે, ખાદ્ય સામગ્રીના વૈશ્વિક ભાવવધારા માટે માત્ર ભારતનાં પગલાંઓને જ દોષી ઠેરવી શકાય નહીં. તેમાં યુક્રેન પર રશિયાના આક્રમણ પછી બ્લૅક સી ગ્રેઇન ઇનિશિયેટિવની સમાપ્તિ અને સમગ્ર વિશ્વમાં પ્રવર્તતી આબોહવાની આત્યંતિક પરિસ્થિતિનો ફાળો પણ છે.

અલબત, માર્કેટના આ બધાં પરિબળોના સંયોજનના પરિણામે “ખાદ્ય સામગ્રીની કિંમતમાં ગયા વર્ષની મધ્યથી ઘટાડાનો જે ટ્રૅન્ડ જોવા મળ્યો હતો તે રિવર્સ થઈ રહ્યો છે,” એમ ઉપલી ગલકોટીએ બીબીસીને કહ્યું હતું.

ચીન જેવા વિશ્વના ઘણા ભાગોમાં મંદી હોવા છતાં ખાદ્ય સામગ્રીના વૈશ્વિક ભાવ ઐતિહાસિક ઊંચાઈ પર છે. એ પ્રદેશોમાં ઓછી માગને લીધે ખાદ્ય સામગ્રીના આંતરરાષ્ટ્રીય ભાવ પર તેનો પ્રભાવ જોવા મળી રહ્યો છે.

વિશ્વ બૅન્કને આશા છે કે તેલ અને અનાજના નીચા ભાવને કારણે 2022ની સરખામણીએ 2023માં તેનો ખાદ્ય સામગ્રી ભાવ સૂચકાંક સરેરાશ નીચો રહેશે, પરંતુ વિશ્લેષકો કહે છે કે ભવિષ્યમાં કિંમત હવામાનના અલ નીનો પરિબળ પર નિર્ભર રહેશે. તેની અસર દૂરોગામી હોઈ શકે છે અને તેનાથી ફૂડ માર્કેટ્સ પર પણ વધુ દબાણ આવી શકે છે.

સરકાર પાસે શું વિકલ્પો?

આ બધી અનિશ્ચિતતા વચ્ચે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ સહિતના વિવિધ પક્ષકારો દ્વારા ભારતને મહત્ત્વની ચીજવસ્તુઓની નિકાસ પરના પ્રતિબંધને પાછો ખેંચવાની અપીલ કરવામાં આવી છે.

નોમુરાના વિશ્લેષકોના જણાવ્યા મુજબ, “વૈશ્વિક ખાદ્ય ફુગાવામાં યોગદાન આપવા ઉપરાંત નિકાસ પરના આ પ્રતિબંધ સાથે કેટલીક નકારાત્મક બાબતો પણ સંકળાયેલી છે. જેમ કે, તેનાથી વિશ્વસનીય સપ્લાયર તરીકેની ભારતની પ્રતિષ્ઠાને નુકસાન થશે અને વૈશ્વિક સ્તરના લાભકારી ભાવનો ફાયદો ખેડૂતોને નહીં થાય.”

તેમના કહેવા મુજબ, “આ વ્યાપાર પ્રતિબંધ તેજી-મંદીના ભાવ ચક્રને વધુ પેચીદો બનાવી શકે છે. ઉદાહરણ તરીકે, 2015-16માં કઠોળના ભાવ વધવાને કારણે ભારતે આયાતમાં નોંધપાત્ર વધારો કર્યો હતો, પરંતુ સામાન્ય ચોમાસા અને વધારે સારા સ્થાનિક ઉત્પાદનને કારણે પૂરવઠામાં જોરદાર વધારો થયો હતો અને 2017-18 દરમિયાન કિંમતમાં ઘટાડાની પરિસ્થિતિ સર્જાઈ હતી.”

જૉસેફ ડબલ્યુ ગ્લાબેર જેવા અન્ય લોકો ચેતવણી આપે છે કે “આયાતકારોમાં વૈવિધ્યકરણનો લાભ મૂલ્ય સંબંધી ગણતરી કરતાં વધારે હશે તો આયાતકર્તાઓ વધારે વિશ્વસનીય ભાગીદારોની શોધ કરી શકે છે.”

એફએઓના જણાવ્યા મુજબ, સૌથી મોટો ખતરો વધુ દેશો દ્વારા નિકાસ પ્રતિબંધ લાદવાની સંભાવનાનો છે. તે વૈશ્વિક વ્યાપાર પ્રણાલી પરના ભરોસાને નબળો પાડશે.”

અલબત્ત, કેટલાક લોકો એવું કહે છે કે ખાસ કરીને રાજકીય રીતે સંવેદનશીલ સમયગાળામાં ભારત વાસ્તવિક રાજનીતિ અને ખાદ્ય આત્મનિર્ભરતા વધારવાના સંકલ્પને વધારે મહત્ત્વ આપશે. ભૂતકાળમાં ડુંગળી જેવા પાકના ઊંચા ભાવ ભારતમાં ચૂંટણીમાં પરાજયનું પણ કારણ બન્યા હતા. ખાદ્યસામગ્રીની ઊંચી કિંમત સરેરાશ ભારતીયના ખર્ચનો મોટો હિસ્સો છે. તે તહેવારોની આગામી મોસમમાં સમસ્યારૂપ બની શકે છે અને રિકવરીની ગાડી પાટા પરથી ઉતારી શકે છે.

ભારતીય રિઝર્વ બૅન્ક વ્યાજદરમાં પહેલેથી જ છ વખત વધારો કરી ચૂકી છે અને પૂરવઠા સંબંધી સમસ્યાને લીધે ખાદ્ય સામગ્રીના ફુગાવાને નિયંત્રિત કરવા માટે તે વધારે પગલાં લઈ શકે છે.

તેથી સરકાર પાસે વ્યાપાર પ્રતિબંધ લાદવા સિવાયના બહુ ઓછા વિકલ્પ બચ્યા છે.

રજની સિન્હાએ કહ્યું હતું, “તમામ દેશો પોતપોતાની અર્થવ્યવસ્થામાં ફુગાવાને અંકુશમાં રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. હું એમ કહીશ કે ભારતે વૈશ્વિક ફુગાવાની ચિંતા કરતા પહેલાં તેના પોતાના હિતનું ધ્યાન પણ રાખવું પડશે.”