ભીમા કોરેગાંવ-ઍલ્ગાર પરિષદ કેસ : રોના વિલ્સન અને સુધીર ધવલેને જામીન મળ્યા- ન્યૂઝ અપડેટ

ભીમા કોરેગાંવ-ઍલ્ગાર પરિષદ કેસમાં વર્ષ 2018થી જેલમાં બંધ રિસર્ચર રોના વિલ્સન અને ઍક્ટિવિસ્ટ સુધીર ધવલેને બૉમ્બે હાઈકોર્ટે બુધવારે જામીન આપ્યા છે.

કાયદાના મામલાની વેબસાઇટ લાઇવ લૉ અનુસાર, જસ્ટિસ અજય ગડકરી અને જસ્ટિસ કમલ ખટ્ટાની બેન્ચે બંનેને જામીન આપ્યા છે.

બેન્ચે કહ્યું કે બંનેને 'લાંબા સમયથી કારાવાસ'માં રાખેલા છે અને આ કેસમાં હજુ પણ આરોપ ઘડાયા નથી.

રોના વિલ્સનની દિલ્હીથી અને સુધીર ધવલેની મુંબઈથી 2018માં ધરપકડ કરાઈ હતી.

પુણે પોલીસે વર્ષ 2018માં ઍલ્ગાર પરિષદ-માઓવાદી લિંક કેસ નોંધ્યો હતો.

પુણે પોલીસે દાવો કર્યો હતો કે ભીમા કોરેગાંવમાં પહેલી જાન્યુઆરી, 2018માં જે હિંસા થઈ, તેના માટે ઍલ્ગાર પરિષદ જવાબદાર છે.

પોલીસ અનુસાર, આ સંગઠને હિંસાના એક દિવસ અગાઉ પુણેના શનિવારવાડામાં એક બેઠક બોલાવી હતી. બેઠક પછીના દિવસે જે હિંસા થઈ એના તાર આ બેઠક સાથે મળે છે. આની પાછળ એક મોટું નક્સલ કાવતરું હતું.

હિંસાના કેસમાં જેને આરોપી બનાવાયા તેમના પર દેશદ્રોહનો કેસ નોંધાયો હતો. યુએપીએ જેવા સખત કાયદા હેઠળ આરોપ ઘડાયા હતા.

બે વર્ષ જાન્યુઆરી 2020માં આખા કેસની તપાસ એનઆઈએને સોંપી દેવાઈ હતી.

આમ આદમી પાર્ટીના નેતાઓને દિલ્હી સીએમ આવાસમાં ઘૂસતા રોકવામાં આવ્યા

આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંહ અને દિલ્હી સરકારના મંત્રી સૌરભ ભારદ્વાજ દિલ્હીમાં 6 ફ્લૅગ રોડ પર આવેલા સીએમ આવાસની બહાર ધરણા પર બેઠા છે.

દિલ્હી પોલીસે તેમને અંદર જતા રોક્યા છે. પોલીસની આ કાર્યવાહી બાદ આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓ ધરણા પર બેઠા છે.

આમ આદમી પાર્ટીના આ નેતાઓ મીડિયાકર્મીઓને લઈને અરવિંદ કેજરીવાલના પૂર્વ સરકારી આવાસ દેખાડવા માટે ગયા હતા.

આમ આદમી પાર્ટીનું કહેવું છે, "બીજેપી નેતા મીડિયા સાથે કેજરીવાલના પૂર્વ સીએમ આવાસ પર આવે અને તેમને દેખાડે કે સોનાનું ટૉયલેટ તથા સ્વિમિંગ પૂલ ક્યાં છે? મીડિયા પોતે ભાજપનું અસત્ય જુએ ત્યારબાદ ભાજપ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો રાજમહેલ જોવા જાય."

આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે પીએમ મોદી 2700 કરોડના 'રાજમહેલ'માં રહે છે.

અમેરિકાના લૉસ એંજલસનાં જંગલોમાં ભયંકર દાવાનળ, હજારો લોકો ઘર છોડીને ભાગ્યા, તસવીરોમાં જુઓ

અમેરિકાના લૉસ એંજલસમાં જંગલોમાં ભયંકર આગ લાગી છે. આ આગ ફેલાઈ રહી છે. 20 એકરમાં ફેલાયેલી આ આગ હવે 1200 એકર જમીન પર ફેલાઈ ગઈ છે.

ફાયર ડિપાર્ટમૅન્ટના ચીફ ક્રિસ્ટિન ક્રૉલેનું કહેવું છે કે ત્રીસ હજાર લોકોને અહીંથી બહાર કાઢવાના આદેશ આપી દેવામાં આવ્યા છે.

આ આગને કારણે 13 હજાર ઇમારતોને જોખમ હોવાનું માનવામાં આવે છે.

કેટલાક વીડિયોમાં દેખાય છે કે પેસિફિક પેલિસાડેસ વિસ્તારની નજીકમાં બનેલાં ઘરોમાંથી આગનો ધુમાડો દેખાય છે. અહીં રહેનારા લોકો પોતાનાં ઘરો છોડીને ભાગી રહ્યા છે.

કૅલિફોર્નિયાના લાખો લોકોને ચેતવણી આપવામાં આવી છે કે આ આગ વધુ ફેલાવવાની શક્યતા છે.

તિબેટમાં ભૂકંપને કારણે મરનારાની સંખ્યા વધીને 126 થઈ, 188 લોકો ઘાયલ

તિબેટના શિગાત્સેમાં આવેલા ભૂકંપને કારણે મરનારાની સંખ્યા વધીને 126 થઈ છે અને ઘાયલોની સંખ્યા 188 ગણાવાય છે.

ભૂકંપ પ્રભાવિત વિસ્તારમાં રાહત અને બચાવ અભિયાન શરૂ કરી દેવાયું છે. જોકે, રાત્રે અહીં માઇનસ 18 ડિગ્રી તાપમાન નીચું રહેવાની સંભાવના છે.

અહિં 1000થી વધારે મકાનો પડી ગયાં છે કે ક્ષતિગ્રસ્ત થયા છે.

આ ભૂકંપના આંચકા ભારત અને નેપાળમાં પણ અનુભવાયા હતા. શિગાત્સેને તિબેટનું સૌથી પવિત્ર પૈકીનું એક સ્થળ માનવામાં આવે છે. જે દુર્ગમ વિસ્તારોમાં આવેલું છે. આ વિસ્તારમાં વારંવાર ભૂકંપના આંચકા અનુભવાય છે. મંગળવારે 7.1ની તીવ્રતાથી આવેલો ભૂકંપ હાલનાં વર્ષોમાં આવેલા ભૂકંપો પૈકીનો સૌથી ભીષણ માનવામાં આવે છે.

રૉકેટ સાયન્ટિસ્ટ વી. નારાયણન બનશે ઈસરોના નવા ચીફ

રૉકેટ સાયન્ટિસ્ટ વી. નારાયણન ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન એટલે કે ઈસરોના નવા ચૅરમૅન બનશે.

નારાયણનને મંગળવારે અંતરિક્ષ વિભાગના સચિવ નિયુક્ત કરવામાં આવ્યા. નારાયણન હાલના ઈસરોના પ્રમુખ એસ. સોમનાથની જગ્યા લેશે. સોમનાથનો કાર્યકાળ આવતા સપ્તાહે સમાપ્ત થઈ રહ્યો છે.

ભારત સરકારના એક આદેશમાં કહેવાયું છે, "કૅબિનેટની નિયુક્તિ કમિટીએ લિક્વિડ પ્રોપલ્શન સિસ્ટમ સેન્ટર, વાલિમાલાના ડાયરેક્ટરને અંતરિક્ષ વિભાગ અને અંતરિક્ષ આયોગના સચિવ તરીકે નિયુક્ત કરવાની મંજૂરી આપી છે. તેમનો કાર્યકાળ બે વર્ષનો રહેશે."

અંતરિક્ષ વિભાગના સચિવ જ ઈસરોના ચૅરમૅન હોય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.