હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી: કોની સરકાર બનશે?

હરિયાણામાં કોની સરકાર બનશે

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં 68 ટકા જેટલું મતદાન થયું હતું.

આ ઇન્ટરેક્ટિવ જોવા માટે મૉર્ડન બ્રાઉઝર અને સારી ઇન્ટરનેટ કનેક્ટિવિટી જરૂરી છે

હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણી માટે આજે મતગણતરી થશે.

હરિયાણાની નેંવુ બેઠક માટે શનિવારે મતદાન યોજાયું, જેમાં સરેરાશ 68 ટકા જેટલું મતદાન નોંધાયું હતું.

હરિયાણામાં ગત બે ટર્મથી ભાજપ સત્તા ઉપર છે. અહીં ભાજપ, કૉંગ્રેસ, આમ આદમી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, ઇન્ડિયન નૅશનલ લોકદળ તથા જનનાયક જનતા પાર્ટીની વચ્ચે મુખ્ય બહુપાંખિયો જંગ છે.

જમ્મુ-કાશ્મીરમાં લગભગ 10 વર્ષ પછી વિધાનસભા ચૂંટણી યોજાઈ. સુરક્ષાના કારણોસર ત્રણ તબક્કામાં 90 બેઠક ઉપર મતદાન યોજાયું હતું.

ઑગસ્ટ-2019માં રાજ્યને વિશેષરાજ્યનો દરજ્જો આપતા અનુચ્છેદ 370 અને 35-અ નિરસ્ત કરી દેવાયા હતા, એ પછી આ પ્રથમ વિધાનસભા ચૂંટણી છે. આ સિવાય પુનઃસીમાંકન અને લદ્દાખને અલગ કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવામાં આવ્યું, એ પછી પણ આ પ્રથમ ચૂંટણી છે.

ઍક્ઝિટ પોલ મુજબ બંને રાજ્યમાં ભાજપ સત્તાથી વિમુખ રહેશે અને આંકડાની દૃષ્ટિએ ઇન્ડિયા બ્લૉક સત્તાથી નજીક રહેશે.

બંને રાજ્યની ચૂંટણીને દિલ્હી અને મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીના ટ્રૅલર તરીકે જોવામાં આવે છે. જેની જાહેરાત આગામી અઠવાડિયાંમાં થઈ શકે છે.

હરિયાણામાં સત્તાપરિવર્તન કે પુનરાવર્તન?

મહિલા મતદાતાની તસવીર

હરિયાણાની 90 બેઠક વચ્ચે સત્તારૂઢ ભાજપ, ઉપરાંત કૉંગ્રેસ, આપ, જેજેપી, ઇનલોદ જેવી પાર્ટીઓ વચ્ચે બહુપાંખિયો જંગ છે. આ ચૂંટણીમાં રાષ્ટ્રીય અને પ્રાદેશિક પક્ષો અને અપક્ષ સહિત લગભગ એક હજાર ઉમેદવાર તેમનું નસીબ અજમાવી રહ્યા છે.

હરિયાણામાં અનુસૂચિત જાતિ માટે 17 બેઠક અનામત છે, જ્યારે અનુસૂચિત જનજાતિ માટે એકપણ બેઠક અનામત નથી.

ભાજપે રાજ્યના મુખ્ય મંત્રી નાયબ સૈનીને રિપીટ કરવાની જાહેરાત કરી છે. લગભગ સાડા નવ વર્ષથી સત્તા ઉપર રહેલા મનોહરલાલ ખટ્ટરને હઠાવીને સૈનીને મુખ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા.

લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ અને જનનાયક જનતા પાર્ટીનું ગઠબંધન તૂટી ગયું હતું, આમ છતાં ભાજપ તેની ટકાવી રાખવામાં સફળ રહ્યો હતો. ગત લોકસભાની ચૂંટણી દરમિયાન તમામ 10 બેઠક જીતનારા ભાજપે આ વખતે માત્ર પાંચ બેઠકથી સંતોષ માનવો પડ્યો હતો.

મુખ્ય વિપક્ષ કૉંગ્રેસે મુખ્ય મંત્રીનો ચહેરો જાહેર નથી કર્યો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અહીં દલિત નેતા કુમારી શૈલજા અને જાટ નેતા ભૂપેન્દ્રસિંહ હુડ્ડા વચ્ચે સર્વોચ્ચ પદ માટે સ્પર્ધા છે.

ઇનલોદ અને બસપાએ ચૂંટણી પહેલાં ગઠબંધન કર્યું હતું. તેમણે અભયસિંહ ચૌટાલાને મુખ્ય મંત્રીપદના ઉમેદવાર જાહેર કર્યા છે.

  • હરિયાણામાં કુલ બેઠકો – 90. બહુમતી માટે 46 બેઠકોની જરૂર
  • ચૂંટણીપંચ અનુસાર, હરિયાણામાં કુલ 2.01 કરોડ મતદારો, જેમાં 95 લાખ મહિલા મતદાતા
  • 40.95 લાખ યુવા મતદાર, જેમાંથી લગભગ ચાર લાખ 70 હજાર 18-19 વર્ષના છે
  • કુલ 20629 મતદાનમથકો પર હરિયાણામાં ચૂંટણી યોજાઈ

જમ્મુ કાશ્મીરમાં કોની સરકાર બનશે?

મતદાનની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

જમ્મુ-કાશ્મીરમાં કઈ પાર્ટી કે ગઠબંધનના શિરે તાજ જશે તેના ઉપર નજર રહેશે.

અહીં ભાજપે માત્ર જમ્મુ પ્રદેશ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ખીણપ્રદેશમાં પીપલ્સ ડેમોક્રેટિક પાર્ટીની સામે નૅશનલ કૉન્ફરન્સ અને કૉંગ્રેસનું ગઠબંધન છે. લાંબા સમય બાદ આ વખતે કોઈપણ રાજકીયપક્ષે ચૂંટણીના બહિષ્કારની જાહેરાત નહોતી કરી.

પુનઃસીમાંકન પછી જમ્મુ-કાશ્મીરમાં અનુસૂચિત જાતિ માટે સાત તથા અનુસૂચિત જનજાતિ માટે નવ બેઠક અનામત રાખવામાં આવી છે.

ચારેય મુખ્ય પક્ષોએ તેમના ચૂંટણીઢંઢેરામાં કાશ્મીરી પંડિતોનો ઉલ્લેખ કર્યો છે. કાશ્મીરી પંડિતોને ખીણપ્રદેશમાં પુનઃસ્થાપિત કરવાનો પડકાર નવી સરકારની સામે હશે.

કાશ્મીરમાં તા. 18મી સપ્ટેમ્બરથી પહેલી ઑક્ટોબરની વચ્ચે ત્રણ તબક્કામાં મતદાન યોજાયું હતું. આ પહેલાં જમ્મુ-કાશ્મીરમાં ઍપ્રિલ-મે મહિના દરમિયાન લોકસભા ચૂંટણી યોજાઈ હતી.

-જમ્મુ કાશ્મીરમાં કુલ 90 બેઠક, બહુમતી માટે 46 બેઠકની જરૂર

-જમ્મુ કાશ્મીરમાં 88 લાખ 77 હજાર મતદાર, લગભગ ચાર લાખ 18 હજાર મતદાતા 18-19 વર્ષના

-11 હજાર 838 મતદાનમથક ઉપર ચૂંટણી યોજાઈ

-જમ્મુ-કાશ્મીરમાં 43 મહિલાઓ સહિત 873 ઉમેદવારો મેદાનમાં

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.