22 છગ્ગા, 433 રન, સિઝનની પહેલી સદી, દિલધડક મૅચનો છેલ્લી ઘડીનો રોમાંચ કેવો હતો?

    • લેેખક, અભિજિત શ્રીવાસ્તવ
    • પદ, બીબીસી સંવાદદાતા

આ મૅચમાં તે બધું હતું જે ક્રિકેટના ચાહકો ટી20 મૅચમાં જોવા માગે છે. આઈપીએલના નવા સ્ટાર રિંકુસિંહની ધમાકેદાર બેટિંગ, 22 છગ્ગા પડ્યા અને 433 રન થયા, સિઝનની પ્રથમ સદી બની અને વધુ ત્રણ બૅટ્સમૅનોએ 50થી વધુ રન બનાવ્યા.

પ્રથમ બેટિંગ કરતા સનરાઇઝર્સ હૈદરાબાદે 228 રનનો વિશાળ સ્કોર બનાવ્યો, જે આ સિઝનમાં અત્યાર સુધીનો સૌથી મોટો સ્કોર છે. તેના બૅટ્સમૅન હૅરી બ્રૂકે આઈપીએલની આ સિઝનની પ્રથમ સદી બનાવી.

સૌથી મોટી વાત એ છે કે ક્રિકેટના નવા ચાહક બની ગયેલા રિંકુસિંહનું બેટ ફરી એક વાર આ મૅચમાં ચાલ્યું.

જ્યારે રિંકુસિંહ કપ્તાન નીતીશ રાણા સાથે પીચ પર જામેલા હતા, ત્યારે એવું લાગી રહ્યું હતું કે કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ આઈપીએલના ઇતિહાસનો સૌથી વધુ રન ચેઝ કરી લેશે.

ઉલ્લેખનીય છે કે આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ રન ચેઝનો રેકૉર્ડ રાજસ્થાન રૉયલ્સના નામે છે. જેણે 2020માં પંજાબ કિંગ્સ સામે 223 રનનો પીછો કરતા જીત મેળવી હતી.

જોકે મૅચ બાદ કપ્તાન નીતીશ રાણાએ કહ્યું હતું કે, "(પાંચ છગ્ગાની ઇનિંગ્સ) દરરોજ કરવી મુશ્કેલ હોય છે."

ગત મૅચમાં ગુજરાત ટાઇટન્સ સામેની છેલ્લી ઓવરમાં જીત માટે 29 રન બનાવવાના હતા અને રિંકુસિંહે સતત પાંચ બૉલમાં છગ્ગા ફટકારીને જીત અપાવી હતી.

રિંકુસિંહના કપ્તાને શું કહ્યું?

રિંકુસિંહે ચાર ચોગ્ગા, ચાર છગ્ગા ફટકારીને તેમની આઈપીએલની કારકિર્દીની પ્રથમ અડધી સદી પણ ફટકારી હતી. જોરદાર રમત હોવા છતાં તેઓ કોલકાતાને જીતાડી શક્યા ન હતા. કોલકાતાની ટીમે 205 રન બનાવ્યા હતા અને 23 રનથી મૅચ હારી ગઈ.

છેલ્લી ઓવરમાં 32 રન બનાવવાના હતા, પરંતુ આ વખતે રિંકુસિંહ છેલ્લી મૅચ જેવું કારનામું ફરી ન કરી શક્યા.

મૅચ બાદ રિંકુસિંહની વધુ એક જોરદાર ઇનિંગ્સ અંગે કપ્તાન નીતીશ રાણાએ કહ્યું, “રિંકુસિંહે તે દિવસે જે ઇનિંગ્સ રમી, તે દરરોજ ઘણી મુશ્કેલ છે, એ અમે પણ જાણીએ છીએ, પરંતુ રિંકુસિંહ અને મેં જેવી રીતે બેટિંગ કરી તેનાથી હું ખુશ છું.”

તેઓએ કહ્યું, "આ મારો પ્લાન હતો અને મેં પણ રિંકુસિંહને મૅચને અંત સુધી લઈ જવા કહ્યું હતું. કોને ખબર હતી કે અંતિમ મૅચમાં આવું થશે."

રિંકુસિંહ સામે પોતાનું ફૉર્મ જાળવી રાખવાનો પડકાર હતો અને તેઓએ સારી રીતે નિભાવ્યો. આ ઇનિંગ બાદ પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણે પણ તેમની પ્રશંસા કરી હતી.

બેમિસાલ રિંકુસિંહ

રિંકુસિંહ ભલે મૅચ જીતાડી ન શક્યા, પરંતુ કોલકાતા નાઇટ રાઇડર્સના અન્ય બૅટ્સમૅનની સરખામણીએ તેઓ ઘણું ઝડપી રમ્યા હતા. તેઓ અણનમ રહ્યા અને 187.09ના સ્ટ્રાઇક રેટથી 31 બૉલમાં 58 રન બનાવ્યા હતા.

રિંકુએ આઈપીએલની તેમની અગાઉની પાંચ ઇનિંગ્સમાં 40 (15), 4 (4), 46 (33), 48*(21) અને 58*(31)નો સ્કોર બનાવ્યો છે. એટલે કે તેઓએ છેલ્લી પાંચ ઇનિંગ્સમાં 65.33ની એવરેજ અને 188ના સ્ટ્રાઇક રેટથી તેમના બેટથી 196 રન ફટકાર્યા છે.

આ આઈપીએલમાં તેઓ 89 બૉલમાં 156 રન બનાવી ચૂક્યા છે. તેઓએ તેમના બેટથી અત્યાર સુધીમાં કુલ 13 છગ્ગા અને સાત ચોગ્ગા માર્યા છે.

કેકેઆરને રસેલ, નરેનનું દુખ

કોલકાતા રાઇડર્સ તરફથી નીતીશ રાણાએ પણ ગજબની બેટિંગ કરી અને માત્ર 41 બૉલમાં પાંચ ચોગ્ગા, છ છગ્ગાની મદદથી 75 રનની કપ્તાની ઇનિંગ રમી.

નારાયણ જગદીશને 21 બૉલમાં 36 રન બનાવ્યા હતા. જોકે, આ આઈપીએલમાં આન્દ્રે રસેલ (3, 1, 0, 35) અને સુનીલ નરેન (0, 0, 0*, 7*) જેવા મોટા હિટર્સનું ન ચાલવું કોલકાતા માટે ચિંતાનું કારણ બની રહ્યું.

જોકે રસેલે મૅચમાં ત્રણ મહત્ત્વની વિકેટ લીધી હતી અને નરેન પણ અત્યાર સુધી ચાર મૅચમાં છ વિકેટ લઈ ચૂક્યા છે.

રિંકુસિંહની આ ઇનિંગ પર ક્રિકેટના ચાહકો એ પણ કહી રહ્યા છે કે આ યુવાન કેકેઆર માટે ઘણી મૅચ જીતશે.

આઈપીએલ 2023ની પ્રથમ સદી

હવે વાત કરીએ એ ક્રિકેટરની જેમના ફૉર્મને લઈને આ મૅચ પહેલાં સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચાઈ રહી હતી.

18 મૅચ સુધી આ આઈપીએલમાં કોઈ સદી જોવા મળી ન હતી, પરંતુ સનરાઈઝર હૈદરાબાદના હૅરી બ્રૂકે તે સન્નાટો ખતમ કરતા (આઈપીએલમાં પોતાની પણ) પ્રથમ સદી બનાવી દીધી હતી, તેઓએ 55 બૉલમાં અણનમ 100 રન બનાવ્યા હતા.

બ્રૂકની આ સદી સનરાઈઝર્સ હૈદરાબાદ માટે કેટલી ખાસ હતી, તે એ વાત પરથી સમજી શકાય છે કે આ ટીમ તરફથી આઈપીએલમાં અત્યાર સુધી તેમની પહેલા માત્ર બે બૅટ્સમૅને આ મુકામ હાંસલ કર્યું છે.

ડેવિડ વૉર્નરે (બે વખત), જ્યારે જૉની બેયરેસ્ટોએ એક વાર સદી બનાવી છે.

મૅચ બાદ હૅરી બ્રૂક માત્ર 'પ્લેયર ઑફ ધ મૅચ' જ નહીં, પરંતુ વધુમાં વધુ 12 ચોગ્ગા ફટકારવા બદલ 'ઑન ધ ગો ફોર', 'ગેમ ચેન્જર ઑફ ધ મૅચ' અને 'મોસ્ટ વૅલ્યુએબલ એસેટ' પણ બન્યા છે.

બ્રૂક પાસે ઇનિંગ શરૂ કરાવવાનો નિર્ણય હિટ થયો

મૅચ બાદ પોતાની સદી અંગે બ્રૂકે કહ્યું, "તે એક ખાસ ઇનિંગ હતી. આ મારી સર્વશ્રેષ્ઠ ઇનિંગ્સમાંની એક હતી."

ઈનિંગની શરૂઆત કરવા પર બ્રૂકે કહ્યું, "ઘણા લોકો કહે છે કે ઓપનિંગ કરવી સૌથી શ્રેષ્ઠ છે, કારણ કે માત્ર બે ફિલ્ડર જ બહાર ઊભા રહી શકે છે. આજે ઓપનિંગ કરવી ઘણી સારી રહી હતી. હું ટીમની જરૂરિયાત મુજબ કોઈ પણ નંબર પર બેટિંગ કરી શકું છું. "

બ્રૂકની ઈનિંગની પ્રશંસા ઈંગ્લૅન્ડની ટીમમાં તેમના સાથી જોફ્રા આર્ચરે ટ્વીટ કરીને કરી હતી.

આટલા મોંઘા કેમ વેચાયા બ્રૂક?

આઈપીએલમાં ઇંગ્લૅન્ડના હૅરી બ્રૂકને સનરાઇઝર્સ હૈદરાબાદે ગયા ડિસેમ્બરમાં યોજાયેલી મિની ઑક્શનમાં 13.25 કરોડ રૂપિયામાં ખરીદ્યા હતા.

આ સિઝનની શરૂઆતની બે મૅચમાં તેમના બેટથી માત્ર 13 અને 3નો સ્કોર થયો હતો, પરંતુ અણનમ સદીની આ ઇનિંગે જણાવી દીધું કે આખરે સનરાઇઝર્સે તેમના પર આટલો મોટો દાવ કેમ લગાવ્યો હતો.

મૅચ બાદ પ્રેઝન્ટેશન દરમિયાન જ્યારે બ્રૂકને તેમની પર લાગેલા રૂપિયાના કારણે તેમની પર દબાણ અને સોશિયલ મીડિયા પર થતી ચર્ચા વિશે પૂછવામાં આવ્યું, ત્યારે તેઓએ કહ્યું કે, “સોશિયલ મીડિયા પર લોકો કંઈ પણ લખે છે, જેનાથી તમને ખરાબ લાગે છે, પરંતુ આજે હું એ તમામ વસ્તુઓની ચિંતા કર્યા વગર આજે મેદાનમાં હતો અને તે સારું રહ્યું. થોડા દિવસો પહેલાં તેઓ ખરાબ લખી રહ્યા હતા, પરંતુ આજે તેઓ 'વેલ ડન' લખી રહ્યા છે."

બ્રૂક સ્પિન રમવા માટે સહજ ન હતા

બ્રૂકની બેટિંગના કાયલ ઇરફાન પઠાણ પણ રહ્યા છે. તેઓએ મૅચ બાદ કહ્યું કે, "પુલ, કટ, લૅપ શૉટ હોય કે સ્ટ્રેટ ડ્રાઈવ. હૅરી બ્રૂકની બેટિંગમાં બધું જ છે."

તેઓએ ટ્વિટ પણ કર્યું કે બ્રૂક આઈપીએલના સ્ટાર હશે.

ભારતીય ક્રિકેટમાં સૂર્યકુમાર યાદવને મિસ્ટર 360 કહેવામાં આવે છે. તેઓ મેદાનના કોઈ પણ ખૂણામાં બૉલ મારવાની ક્ષમતા ધરાવે છે અને તેઓ ગમે ત્યાં જબરદસ્ત વરસે છે.

બ્રૂકે બરાબર એવી જ બેટિંગ કરી અને સાથે એ પણ બતાવ્યું કે, તેમની પાસે ક્રિકેટના તમામ શૉટ્સ છે. મૅચમાં બ્રૂક પોતાના કાંડાના આધારે પાવર હિટિંગ કરતા જોવા મળ્યા હતા.

જોકે, મૅચમાં સ્પિન પર બ્રૂક એટલા સંતુલિત દેખાઈ રહ્યા ન હતા. તે દરમિયાન કપ્તાન એડન માર્કરમે સ્પિનર્સને રમવાની જવાબદારી ખૂબ સારી રીતે નિભાવી હતી.

માર્કરામે માત્ર 26 બૉલમાં 50 રનની ઈનિંગ રમી હતી અને આ દરમિયાન તેઓએ નાઈટ રાઈડર્સની સ્પિન ત્રિપુટી સુનીલ નરેન, વરુણ ચક્રવર્તી અને સુયશ શર્માના 22 બૉલમાં 42 રન ફટકાર્યા હતા.

બ્રૂકે 55 બૉલમાં અણનમ 100 રન બનાવ્યા, તેઓ સ્પિનર્સના 19 બૉલમાં માત્ર 20 રન જ બનાવી શક્યા હતા.

કોલકાતાને બૉલરોએ નિરાશ કર્યા

કોલકાતા નાઈટ રાઈડર્સના બૉલરો આ મૅચમાં ઘણા મોંઘા સાબિત થયા હતા. લૉકી ફર્ગ્યૂસને બે ઓવરમાં 18.50ની એવરેજથી 37 રન આપ્યા, જ્યારે શાર્દૂલ ઠાકુરે માત્ર પાંચ બૉલમાં 14 રન ખર્ચ્યા.

ઉમેશ યાદવ પણ પાછળ રહ્યા નહીં. તેઓએ 3 ઓવરમાં 42 રન આપ્યા હતા. સાથે સ્પિન ત્રિપુટી સુનીલ નરેન, વરુણ ચક્રવર્તી અને સુયશ શર્માએ પણ 12 ઓવરમાં કુલ 107 રન આપ્યા હતા.

મૅચ બાદ ભારતીય ટીમના પૂર્વ સ્ટાર સ્પિનર હરભજન સિંહે કોલકાતા નાઈટ રાઈડર્સની સ્પિન બૉલિંગ પર કહ્યું કે, "તેઓ વિકેટની વચ્ચે બૉલ નાખવામાં સફળ રહ્યા ન હતા, જે આ મૅચમાં નાઈટ રાઈડર્સના બૉલરોની મોટી ભૂલ હતી."

નાઈટ રાઈડર્સના કપ્તાન નીતીશે કહ્યું કે, “યોજના અનુસાર બૉલિંગ ન થઈ.”

તેઓએ કહ્યું, "જે યોજનાઓ હતી, તે અનુસાર બૉલિંગ થઈ ન હતી. વિકેટ ગમે તે હોય, 230ની આસપાસનો સ્કોર ઘણો વધારે છે. અમે વધુ સારી બૉલિંગ કરી શકતા હતા."

સ્પિન બૉલરો સચોટ બૉલિંગ ન કરી શક્યા, તે કોલકાતા માટે માથાનો દુખાવો બની ગયો હતો, જ્યારે જાણીતા વિદેશી ક્રિકેટર આન્દ્રે રસેલ અને સુનીલ નરેનના બેટથી સતત રન ન બનવા પણ ચિંતાજનક છે.

કૅચ વિન મૅચ

ક્રિકેટમાં 'કૅચ વિન મૅચ' એ પરંપરાગત રૂઢિપ્રયોગ છે. સામાન્ય રીતે તેનો ખાસ ઉપયોગ ત્યારે થાય છે, જ્યારે મૅચ દરમિયાન એક શાનદાર કૅચ બાજી પલટી શકે છે.

જ્યારે મૅચમાં સનરાઈઝર્સ હૈદરાબાદે બેટિંગ કરી ધમાલ મચાવી હતી અને બૉલરોએ પણ સારો દેખાવ કર્યો હતો, ત્યારે આ ટીમનો મેદાનમાં સારો દિવસ રહ્યો નહોતો. પાંચ કૅચ છૂટ્યા, પરંતુ તેની અસર ટીમ પર પડી ન હતી. આગળ જતા તેઓએ તેની પર વધુ ધ્યાન આપવું પડશે.

બીજી તરફ કોલકાતા નાઇટ રાઇડર્સ માટે કૅચ છોડવો ભારે પડી ગયો હતો.

કપ્તાન નીતીશ રાણાએ મૅચની 10મી ઓવર સુયશ શર્માને આપી હતી.

સુયશ શર્માને આ ઓવરના બીજા બૉલ પર હૅરી બ્રૂકને આઉટ કરવાનો મોકો મળ્યો હતો, પરંતુ પોતાના જ બૉલ પર તેઓ કૅચ પકડી શક્યા નહતા. ત્યારે બ્રૂક માત્ર 45 રન બનાવીને રમી રહ્યા હતા. આ પછી બ્રૂકે અણનમ સદી બનાવી અને બંને ટીમ વચ્ચે સૌથી મોટું અંતર સાબિત થયું.

સુયેશના બૉલ પર જ 14મી ઓવરના બીજા બૉલમાં અભિષેક વર્માનો કૅચ પણ શાર્દૂલ ઠાકુરે છોડ્યો હતો. ત્યારે અભિષેકે માત્ર એક રન બનાવ્યો હતો. આ પછી અભિષેક 17 બૉલમાં 32 રન બનાવીને આઉટ થયા હતા.

તેથી આ બે કૅચ છોડવા કોલકાતા માટે ખૂબ મોંઘા સાબિત થયા.