You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
MIvsDC : મૅચનો છેલ્લો બૉલ જેણે મુંબઈ ઇન્ડિયન્સની જીત પહેલાં ચાહકોના શ્વાસ ઊંચા કરી દીધા
ઇન્ડિયન પ્રીમિયર લીગમાં સતત ત્રીજા દિવસે એક રોમાંચક ટક્કર જોવા મળી. મૅચનું પરિણામ છેલ્લા બૉલે નક્કી કર્યું.
રોહિત શર્માની કપ્તાનીમાં મુંબઈ ઇન્ડ઼િયન્સની ટીમ આ સિઝનમાં પોતાની પ્રથમ મૅચ જીતવામાં સફળ રહી, જ્યારે ડેવિડ વોર્નરની કપ્તાનીમાં રમી રહેલી દિલ્હી કૅપિટલની ટીમને સતત ચોથી વાર હારનો સામનો કરવો પડ્યો.
બંને ટીમોના પ્રદર્શનમાં કેટલીક સમાનતા જરૂર જોવા મળી, જેમકે દિલ્હીના કપ્તાન અને મુંબઈ ઇન્ડિયન્સના કપ્તાન રોહિત શર્મા બંનેએ અર્ધસદી ફટકારી.
દિલ્હી તરફથી અક્ષર પટેલે એક વિસ્ફોટક ઇનિંગ રમી તો મુંબઈના યુવા બૅટ્સમૅન તિલક વર્માએ પણ આક્રમક બેટિંગ કરી.
બંને ટીમો માટે હારજીતનું સૌથી મોટું પરિબળ 19મી ઑવર રહી. જેને સમજવા માટે બંને ટીમોની ઇનિંગમાં 19મી ઑવરની રમત જાણવી મહત્ત્વની છે.
દિલ્હી કૅપિટલ્સની ટીમે જ્યારે 19મી ઓવરમાં બેટિંગ શરૂ કરી ત્યારે ટીમનો સ્કૉર 5 વિકેટ પર 165 રન હતો. અક્ષર પટેેલ 54 રન અને ડેવિડ વૉર્નર 51 રન પર રમી રહ્યા હતા.
દિલ્હીની ઇનિંગમાં 19મી ઑવર - 1 રન થયો અને 4 વિકેટ પડી
મુંબઈ ઇન્ડિયન્સ તરફથી જૅસન બેહરનડૉર્ફ 19મી ઑવર નાખવા આવ્યા. તે આ પહેલા 2 ઑવરમાં 22 રન આપી ચૂક્યા હતા.
પરંતુ પહેલી બૉલ પર તેમણે અક્ષર પટેલની વિકેટ ખેરવી લીધી. પટેલ 25 ઑવરમાં 4 ચોગ્ગા અને 5 સિક્સરની મદદથી 54 રન ફટકારી ચૂક્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમના બીજા બૉલ પર એક રન બન્યો. ત્રીજા બૉલ પર ડેવિડ વોર્નરની વિકેટ પડી. આમ, પહેલા ત્રણ બૉલ પર જે બે જામી ગયેલા બૅટ્સમૅન હતા તે પેવેલિયન પરત ફર્યાં.
4થા બૉલ પર કુલદીપ યાદવ રન આઉટ થયા. 5મા બૉલે પર કોઈ રન ન થયો અને છઠ્ઠા બૉલ પર અભિષેક પોરેલની વિકેટ પડી.
એટલે કે દિલ્હીની ઇનિંગ 19મી ઓવરમાં 4 વિકેટ ગુમાવી ચૂકી હતી અને માત્ર એક રન બનાવી શકી હતી એનાથી દિલ્હીને જે મોટા સ્કૉરની આશા હતી એને ફટકો પડ્યો.
મુંબઈ ઇન્ડિયન્સની ઇનિંગની 19મી ઑવર, 2 સિક્સર, 15 રન
મુંબઈ ઇન્ડિયન્સની ઇનિંગની જ્યારે 19મી ઓવર શરૂ થઈ ત્યારે મુંબઈએ 12 બૉલ પર 20 રન કર્યાં હતા અને આ લક્ષ્ય ઘણું મુશ્કેલ દેખાઈ રહ્યું હતું.
બાંગ્લાદેશના ડાબોડી ફાસ્ટબૉલર મુસ્તફિઝુર રહમાનના પ્રથમ બૉલ પર કૅમરૂન ગ્રીને એક રન બનાવ્યો.
બીજા બૉલ પર ટિમ ડેવિડથી કોઈ રન ન થયો. ત્રીજા બૉલ પર ડેવિડે એક રન લીધો. હવે મુંબઈએ 9 બૉલ પર 18 રન બનાવ્યા હતા.
એવા સમયે કેમરૂન ગ્રીને ડીપ મિડવિકેટ પર 4થા બૉલ પર સિક્સર ફટકારી દીધી. 5મા બૉલ પર તેમણે એક રન લીધો. છઠ્ઠા બૉલ પર ટિમ ડેવિડે લૉન્ગ ઑન પર સિક્સર ફટકારી.
19મી ઑવરમાં મુંબઈ ઇન્ડિયન્સને બે સિક્સરની મદદથી 15 રન મળ્યા અને ટીમ વિજયની નજીક પહોંચી ગઈ.
જોકે એના પછી પણ મુંબઈ ઇન્ડિયન્સ માટે વિજય એટલો સરળ ન રહ્યો. 6 બૉલ પર 5 રન કરવાની લડ઼ાઈ છેલ્લા બૉલ પર 3 રન બનાવવા સાથે ખતમ થઈ.
એક રોમાંચક મુકાબલામાં બાજી દિલ્હીના નામે થઈ શકતી હતી. પરંતુ એનરિક નોર્ત્જેની ઑવરમાં કેમરૂન ગ્રીન અને ટિમ ડેવિડે ઑસ્ટ્રેલિયાની ટીમ સ્પિરિટથી મુંબઈ ઇન્ડિયન્સને વિજય અપાવીને જ જંપ લીધો.
મુંબઈની પહેલી જીતના હીરો
મુંબઈ ઇન્ડિયન્સને વિજય અપાવવામાં કપ્તાન રોહિત શર્માની ઇનિંગનું મહત્ત્વનું યોગદાન રહ્યું. તેમણે 45 બૉલ રમીને 65 રન બનાવ્યા. રોહિતે પોતાની ઇનિંગમાં 6 ચોગ્ગા અને 4 છગ્ગા ફટકાર્યા. તેઓ જ્યાં સુધી વિકેટ પર અડીખમ હતા ત્યાં સુધી મુંબઈ ઇન્ડિયન્સની જીત ઘણી સરળ લાગી રહી હતી.
જોકે, વિકેટકીપરને થાપ આપીને શૉટ રમવાની કોશિશમાં તેઓ આઉટ થયા. અભિષેક પોરેલે વિકેટ પાછળ એક બેમિસાલ કૅચ ઝડપી લીધો. રોહિત સાથે યુવા બૅટ્સમૅન તિલક વર્માએ માત્ર 29 બૉલ પર 41 રન કર્યાં. તેમણે પોતાની ઇનિંગમાં 4 છગ્ગા ફટકાર્યા.
જ્યારે મુંબઈ ઇન્ડિયન્સની બૉલિંગમાં પીયૂષ ચાવલાએ માત્ર 22 રન આપીને ત્રણ વિકેટ લીધી. ઇશાન કિશને પણ 32 બૉલ પર 31 રન બનાવ્યા.
તો વળી, ટીમના સ્ટાર બૅટ્સમૅન સૂર્ય કુમાર યાદવની નિષ્ફળતાનો સિલસિલો યથાવત રહ્યો. તેઓ આ મૅચમાં પણ પોતાનું ખાતું ન ખોલાવી શક્યા.
મુંબઈ તરફથી બૉલિંગમાં જૈસેન બેહરનડૉર્ફ સિવાય પીયૂષ ચાવલાએ પણ શાનદાર બૉલિંગ કરી. બંનેએ મૅચમાં 3-3 વિકેટ લીધી.
દિલ્હીના હીરો રહ્યા અક્ષર પટેલ
દિલ્હી તરફથી અક્ષર પટેલે શાનદાર ઑલરાઉન્ડરની ભૂમિકા નિભાવી. પહેલા તો તેમણે બેટિંગ કરીને 25 બૉલમાં 54 રન કર્યાં અને પછી બૉલિંગ કરીને 4 ઓવરમાં માત્ર 20 રન જ કર્યાં.
પટેલ જ્યારે બેટિંગ કરવા ઊતર્યાં ત્યારે 12.3 ઑવરમાં દિલ્હીના 5 વિકેટ પર 98 રન હતા.
ત્યાર પછી 19મી ઓવરના પ્રથમ બૉલે અક્ષર પટેલ જ્યારે આઉટ થયા ત્યારે ટીમનો સ્કૉર 6 વિકેટે 165 રન હતો. એટલે એ દરમિયાન ટીમે કુલ 76 રન ફટકાર્યા.
આ 67 રનમાં અક્ષર પટેલે 25 બૉલમાં 54 રન ફટકાર્યાં. તેમણે પોતાની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા. તેમની સામે ડેવિડ વૉર્નર કોઈ સામાન્ય બૅટ્સમૅનની જેમ સંઘર્ષ કરતા જોવા મળ્યા અને એ દરમિયાન માત્ર 9 રન જ જોડી શક્યા.