મોંઘવારીમાં ઘર ચલાવવા દિવસે ક્લાર્ક, રાત્રે રિક્ષા અને રવિવારે કપડાં વેચતા યુવકની કહાણી

    • લેેખક, ભાર્ગવ પરીખ
    • પદ, બીબીસી ગુજરાતી માટે
  • સોહનલાલના મોટા પુત્ર કિશોર એક ખાનગી પેઢીમાં ક્લાર્ક તરીકે કામ કરે છે
  • નાનો ભાઈ દિલીપ પણ ભણીને કામે લાગ્યો એટલે એનાં લગ્ન કરાવ્યાં
  • ઘરમાં ત્રણ જણા કમાતા હતા એટલે તેમણે લોન લઇને બાપુનગરમાં ઘર ખરીદ્યું
  • બહેનનું અચાનક બીમારીથી અવસાન થયું
  • દોઢ વર્ષની ભાણી નંદિનીની જવાબદારી ઉપાડી
  • આ આઘાતમાંથી બહાર આવે એ પહેલાં તેમના પિતાની રિક્ષાને અકસ્માત થયો
  • કલાર્ક તરીકે 18 હજારનો પગાર છે અને મહિને લગભગ 6થી 7 હજાર રૂપિયા રિક્ષા ચલાવીને કમાઈ લે છે

“હું ઘરમાં સૌથી મોટો છું, અમે લોનથી ઘર લીધું અને ભાઈનાં લગ્ન કરાવ્યાં. એવામાં મારી બહેનનું મૃત્યું થયું, મારા પિતાનો અકસ્માત થયો. એક સાંધો ને તેર તૂટે એવો ઘાટ હતો એટલે મેં દિવસે મારી કલાર્કની નોકરી અને રાત્રે રિક્ષા ચલાવવાનું શરૂ કર્યું છે.”

આ શબ્દો છે અમદાવાદના બાપુનગર વિસ્તારમાં રહેતા કિશોર પ્રજાપતિના.

મૂળ ખેડબ્રહ્માના રહેવાસી કિશોર પ્રજાપતિના પિતા સોહનલાલ પ્રજાપતિ વર્ષો પહેલાં કામની શોધમાં બે દીકરા અને એક દીકરી સાથે અમદાવાદ આવ્યા હતા.

સોહનલાલને અમદાવાદમાં ધાર્યા મુજબનું કામ ન મળ્યું એટલે તેમણે રિક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવ્યું. સંતાનોને ભણાવ્યા અને બે પુત્રોનાં લગ્ન કર્યાં.

સોહનલાલના મોટા પુત્ર કિશોર એક ખાનગી પેઢીમાં ક્લાર્ક તરીકે કામ કરે છે.

આફતના ઓળા વચ્ચે...

બીબીસી સાથે વાત કરતા કિશોર કહે છે, "મારો નાનો ભાઈ દિલીપ પણ ભણીને કામે લાગ્યો એટલે એનાં લગ્ન કરાવ્યાં. અમદાવાદમાં પોતાનું ઘર હોય એવી મારા પિતાની ઇચ્છા હતી."

"ઘરમાં ત્રણ જણા કમાતા હતા એટલે અમે લોન લઈને બાપુનગરમાં ઘર ખરીદ્યું. પણ અચાનક અમારા ઉપર આફત આવી. મારી બહેનનું અચાનક બીમારીથી અવસાન થયું. દોઢ વર્ષની ભાણી નંદિનીની જવાબદારી મેં ઉપાડી. હજુ આ આઘાતમાંથી અમે બહાર આવીએ એ પહેલાં મારા પિતાની રિક્ષાને અકસ્માત થયો."

"ઘરમાં પહેલાં અવસાન અને પછી બીમારી એટલે પૈસા ઘરમાંથી પગ કરવા લાગ્યા. અમારા માટે મહિનો પૂરો કરવો અઘરો થઈ જતો હતો."

તેઓ કહે છે કે અમે બંને ભાઈઓ ખાનગી કંપનીમાં નોકરી કરીએ છીએ. વધુ રજા પડે તો પગાર કપાઈ જાય.

પિતાની તબિયત સારી થઈ પછી બંને ભાઈઓ કિશોર અને દિલીપે વિચારવિમર્શ કરીને નક્કી કર્યું કે એક ભાઈનો પગાર મકાન અને લગ્ન માટે લીધેલી લોનની ચુકવણીમાં વાપરવો અને બીજા ભાઈએ ઘર ચલાવવાની જવાબદારી નિભાવવી.

નાના ભાઈ દિલીપના તાજેતરમાં લગ્ન થયાં હોવાથી ઘરની જવાબદારી મોટા ભાઈ કિશોરે ઉપાડી.

‘રિક્ષા ચલાવું છું એવી ઘરમાં ખબર ન પડવી જોઈએ’

કિશોર અમદાવાદની ન્યુ ક્લૉથ માર્કેટમાં ક્લાર્કનું કામ કરે છે.

તેઓ કહે છે, "મારો પગાર 18 હજાર છે. એમાં મારે ઘરખર્ચ કાઢવાનો છે અને મારા બે દીકરા અંશ અને આયુષ ઉપરાંત ભાણી નંદિનીને ભણાવવાનાં છે. એટલે નાણાભીડ રહેવા લાગી."

તેઓ ઉમેરે છે, "મેં ઉપાય વિચાર્યો. મારી પત્ની જ્યોત્સ્નાને જણાવ્યો અને અનુમતિ મેળવી કે વધારાની આવક માટે હું રાત્રે પિતાની જેમ રિક્ષા ચલાવીશ. મારા માતાપિતા, ભાઈ અને બાળકોને મારા રિક્ષા ચલાવવા વિશે ખબર પડી જાય તો તેમને આઘાત લાગે એટલે અમે નક્કી કર્યું કે રાત્રે હું રિક્ષા ચલાવું છું એ વાતની કોઈને ખબર ન પડવી જોઈએ."

કિશોરભાઈનાં પત્ની જ્યોત્સ્નાબહેન બીબીસી સાથે વાત કરતા કહે છે, "મારા પતિ રાત્રે રિક્ષા ચલાવે છે એવી મારા સસરાને ખબર પડી જાય તો તેઓ ખરાબ તબિયતમાં પણ કામ કરવા લાગી જાય એટલે અમે એમને કહ્યું નથી."

વાતમાં સૂર પૂરાવતા કિશોરભાઈ કહે છે, "મારા પિતાની તબિયત સારી રહેતી નથી. તેમને ખબર પડી કે ઘરમાં પૈસાની તંગી છે તો તેમણે રિક્ષા ચલાવવાનું શરૂ કરી દીધું હતું."

રિક્ષા ચલાવવાના ગુપ્ત ક્રમ વિશે વાત કરતા જ્યોત્સ્નાબહેન કહે છે, "મારા પતિ સાંજે ઘરે આવે એટલે થોડી વાર બાળકો સાથે રમે છે, પછી એમની સાથે જમે છે. જમ્યા પછી બાળકો અને મારાં સાસુસસરા સૂઈ જાય એટલે રાત્રે 11 વાગ્યે રિક્ષા ચલાવવા જાય છે અને સવારે પાંચ વાગ્યે પરત આવી જાય છે."

વધારાની આવક માટે તેમણે ત્રીજો વિકલ્પ પણ વિચારી રાખ્યો છે. રવિવારે પતિ-પત્ની બહાર ફરવા જવાનું કહીને જાય છે અને રાણીપ વિસ્તારમાં ભરાતી બજારમાં તૈયાર કપડાં વેચે છે.

રાત્રે રિક્ષા ચલાવીને ઓળખીતા લોકોની નજરથી બચવાના ઉપાય વિશે વાત કરતા કિશોરભાઈ કહે છે, "હું મોટે ભાગે મણિનગર રેલવે સ્ટેશન વિસ્તારમાં રિક્ષા ચલાવું છું જેથી અમારા બાપુનગર વિસ્તારના કોઈ લોકો મળે નહીં."

"રિક્ષામાલિક પાસેથી 8 કલાક માટે રિક્ષા ચલાવવા લઉં છું. જેનું રોજનું ભાડું 300 રૂપિયા રિક્ષામાલિકને આપવાનું થાય છે. આ રીતે હું મહિને લગભગ 6થી 7 હજાર રૂપિયા રિક્ષા ચલાવીને કમાઈ લઉં છું."

‘કપડાં વેચીને 4 હજાર કમાઈ લઈએ’

રાણીપની રવિવારી બજારમાં કપડાં વેચવાના ઉપાય વિશે તેઓ કહે છે, "હું ન્યુ ક્લૉથ માર્કેટમાં નોકરી કરું છું જ્યાંથી પરિચિત હોલસેલર પાસેથી તૈયાર લેડીઝ ડ્રેસ શનિવારે રાત્રે લઈ લઉં છું અને વાડજમાં રહેતા મારા મિત્રને ઘરે મૂકી દઉં છું. કપડાં વેચવાના ઉપાયથી અમે મહિને ચાર હજાર રૂપિયા જેટલી કમાણી કરી લઈએ છીએ."

આશાવાદી કિશોરભાઈ શ્રદ્ધાના સૂરમાં કહે છે, "ભગવાન કસોટી લે છે પણ અમારું કામ ક્યાંય અટકવા દેતા નથી, મારી કામનિષ્ઠા જોઈને વેપારીઓ મને વગર નફાએ કપડાં ઉધારીમાં આપે છે જેથી મને બે પૈસાની વધુ કમાણી થાય."

"હું મુશ્કેલીઓથી નથી ડરતો, ડરું છું, બેઈમાનીથી. ભગવાનને પ્રાર્થના કરું છું કે મારી કમાણીમાં બેઈમાની ના ભળવા દેજો."