હરિયાણા સરકાર ઇઝરાયલ માટે 10 હજાર લોકોની ભરતી કેમ કરવા જઈ રહી છે?

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, અભિનવ ગોયલ
- પદ, બીબીસી સંવાદદાતા
ઇઝરાયલમાં નોકરી કરવા માટે હરિયાણા સરકારે 10 હજાર લોકોની ભરતી શરૂ કરી છે.
આ પહેલીવાર છે કે જ્યારે રાજ્ય સરકારની કંપની ‘હરિયાણા કૌશલ રોજગાર નિગમ’ લોકોને વિદેશમાં કામ કરવાની તક પૂરી પાડશે.
કંપનીએ તેની વેબસાઇટ પર દુબઈમાં સિક્યૉરિટી ગાર્ડ, યૂકેમાં સ્ટાફ નર્સ અને ઇઝરાયલમાં બાંધકામ ક્ષેત્રમાં નોકરીઓ માટે અરજીઓ મગાવી છે.
આ ત્રણ દેશોમાં સૌથી ખાસ છે ઇઝરાયલ. કારણ કે આ જગ્યા માટે ‘હરિયાણા કૌશલ રોજગાર નિગમ’એ 10 હજાર ભરતીઓ દર્શાવી છે. જ્યારે બાકી દેશોમાં નોકરી માટે માત્ર 170 લોકોને પસંદ કરાશે.
ઇઝરાયલમાં નોકરી કરવા માટે કંપનીએ બાંધકામ ક્ષેત્રમાં ચાર અલગ-અલગ પ્રકારનાં કામ પર ભરતીની વાત કરી છે.
7 ઑક્ટોબરે ઇઝરાયલ પર હમાસે હુમલો કર્યો હતો. ત્યાર બાદ ગાઝા ઇઝરાયલના નિશાને છે. હમાસ સંચાલિત ગાઝાના આરોગ્યવિભાગ અનુસાર આ યુદ્ધમાં ગાઝામાં મૃતકોની સંખ્યા 18,000થી પણ વધારે છે. જોકે યુદ્ધ ક્યારે રોકાશે એ હાલની સ્થિતિમાં કોઈને પણ ખબર નથી.
છેલ્લા બે મહિનાથી ચાલી રહેલા આ યુદ્ધની શરૂઆતમાં જ ઇઝરાયલે પોતાને ત્યાં કામ કરતા પૅલેસ્ટાઇનવાસીઓની વર્ક પરમિટ રદ કરી દીધી હતી. જેના કારણે ઇઝરાયલમાં (માનવ શ્રમ) કામદારોની અછત સર્જાઈ છે.
એક અંદાજ પ્રમાણે ઇઝરાયલને આશરે એક લાખ શ્રમિકોની જરૂર છે જેને પહોંચી વળવા માટે તેણે ભારત તરફ નજર નાખી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઇઝરાયલમાં શ્રમિકોની જરૂરિયાતને પૂરી કરવા હરિયાણા કૌશલ રોજગાર નિગમ બાંધકામ ક્ષેત્રમાં અનુભવી લોકો પાસે અરજીઓ મગાવી રહ્યું છે. પણ તેમાં કેટલીક જરૂરી શરતો પણ છે.
કૉન્ટ્રાક્ટ કેટલા સમયનો હશે? રહેવાની વ્યવસ્થા કેવી હશે? મૅડિકલ ઇન્શ્યૉરન્સ મળશે કે નહીં? હરિયાણા બહારની વ્યક્તિ શું આ નોકરીઓ માટે અરજી કરી શકે? આવા અનેક સવાલોના જવાબો જાણવા જરૂરી છે.
આ નોકરીઓમાં પગાર કેટલો મળશે? આ વિશે વાત કરતા પહેલાં ઇઝરાયલમાં જઈને કામ શું કરવાનું હશે? તેની વાત કરીએ.
ઇઝરાયલમાં કામ શું કરવાનું હશે?

ઇમેજ સ્રોત, Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
હરિયાણા કૌશલ રોજગાર નિગમ અનુસાર ચાર પ્રકારની નોકરીઓ માટે કોઈ વ્યક્તિ અરજી કરી શકે છે.
તેમાં ફ્રેમવર્ક, શટરિંગ કારપેન્ટર, આયર્ન બૅન્ડિંગ, સિરામિક ટાઇલ અ પ્લાસ્ટરિંગ સામેલ છે.
જાહેરાત અનુસાર ફ્રેમવર્ક, શટરિંગ કારપેન્ટર અને આયર્ન બૅન્ડિંગ માટે ત્રણ - ત્રણ હજાર, સિરામિક ટાઇલ અને પ્લાસ્ટિરિંગના કામ માટે બે – બે હજાર લોકોની જરૂર છે.
નોકરી માટે આવેદન કરનારી વ્યક્તિ પાસે ઓછામાં ઓછો ત્રણ વર્ષનો અનુભવ અને દસમા ધોરણ સુધીનો અભ્યાસ કરેલો હોવો જરૂરી છે.
આ નોકરીઓ માટે ઉંમરની મર્યાદા 25 થી 45 વર્ષની રખાઈ છે. આ ઉપરાંત પસંદ કરાયેલ વ્યક્તિ વધારેમાં વધારે પાંચ વર્ષ સુધી ઇઝરાયલમાં કામ કરી શકે છે. જોકે દર વર્ષે તેમના વર્ક વિઝાની સમયસીમા વધારવામાં આવશે.
ખાસ વાત એ છે કે જાહેરાતમાં આ નોકરી કરનારાઓ માટે અંગ્રેજી ભાષા આવડતી હોવી જરૂરી નથી.
હરિયાણા કૌશલ રોજગાર નિગમનાં સચિવ પલ્લવી સંધીર પાસે કંપનીમાં ખાનગી અને ઓવરસીઝ નોકરીઓની જવાબદારી છે.
બીબીસી સાથે વાતચીતમાં તેમણે કહ્યું, "આ પહેલીવાર છે કે જ્યારે અમે વિદેશમાં નોકરી કરવા માટે લોકો પાસે અરજી મગાવી છે. અત્યાર સુધી અમારી પાસે ઇઝરાયલમાં નોકરી માટે 800, યૂકે માટે 300 અને દુબઈમાં સિક્યૉરિટી ગાર્ડનું કામ કરવા માટે 700 અરજીઓ મળી છે."
ઇઝરાયલમાં નોકરી માટે અરજી કરવાની અંતિમ તારીખ 20 ડિસેમ્બર છે.
કેટલા રૂપિયા મળશે?

ઇમેજ સ્રોત, HKRNL.ITIHARYANA.GOV.IN
હરિયાણા કૌશલ રોજગાર નિગમ મુજબ ઑફલાઇન ઇન્ટરવ્યૂના આધારે આ નોકરીઓ માટે લોકોને પંસદ કરાશે.
જાહેરત અનુસાર ઇઝરાયલમાં નોકરી મેળવનારી વ્યક્તિએ દિવસમાં નવ કલાક અને મહિનામાં 26 દિવસ કામ કરવું પડશે. કોઈ શ્રમિકે કામમાંથી કોઈ દિવસ રજા લેવી હોય તો તે તેને ઇઝરાયલના શ્રમિક કાયદાઓ અનુસાર ત્યાંની કંપની તેને આપશે.
નોકરી કરનારા શ્રમિકને દર મહિને 6,100 ઇઝરાયલી ન્યૂ શૅકેલ મળશે. જેનું ભારતીય ચલણમાં મૂલ્ય થાય છે આશરે એક લાખ આડત્રીસ હજાર રૂપિયા.
આ સિવાય નોકરી કરવા જનારા શ્રમિકને મેડિકલ ઇન્શ્યૉરન્સ અને રહેવાની વ્યવસ્થા પણ કરી અપાશે પણ તેનો ખર્ચો શ્રમિકે પોતાના ખિસ્સામાંથી ચૂકવવો પડશે.
જાહેરાત અનુસાર મેડિકલ ઇનશ્યૉરન્સ માટે આશરે ત્રણ હજાર અને રહેવાના સ્થળ માટે દર મહિને આશરે 10 હજાર રૂપિયા સુધી ચૂકવવા પડી શકે છે.
ધ્યાન દેવા જેવી વાત અહીં એ છે કે દર મહિને મળનારું મહેનતાણું તેના બૅન્ક અકાઉન્ટમાં જમા થશે અને આ રકમ તેને એકસાથે વ્યાજ સહિત ત્યારે જ ચૂકવાશે જ્યારે તે કૉન્ટ્રાક્ટ પૂરો થયા પછી ઇઝરાયલ છોડી દેશે.
એનો અર્થ એ છે કે ઇઝરાયલમાં નોકરી કરનાર શ્રમિકને દર મહિને રૂપિયા નહીં મળે. આ ઉપરાંત નોકરી કરનારા શ્રમિકે પોતાની ખાન-પાનનું ધ્યાન પોતે જ રાખવું પડશે.
માત્ર હરિયાણાના લોકો માટે આ નોકરી

ઇમેજ સ્રોત, ANI
13 ઑક્ટોબર, 2021 ના દિવસે હરિયાણા સરકારે કંપની અધિનિયમ 2013 હેઠળ હરિયાણા કૌશલ રોજગાર નિગમ બનાવ્યું હતું.
જે રાજ્ય સરકાર જ નહીં પણ ખાનગી કંપનીઓને પારદર્શક રીતે શ્રમિકો (માનવશ્રમ) પૂરા પાડે છે.
કંપનીના સેક્રેટરી પલ્લવી સંધીર કહે છે, "માની લો કે સરકાર કે કોઈ ખાનગી કંપનીને 100 કૉમ્પ્યૂટર ઑપરેટર કે સિક્યૉરિટી ગાર્ડની જરૂર છે. એવામાં તેઓ તેમની જરૂરિયાત વિશે અમને જણાવે છે અને એ પ્રમાણે અમે અમારા પોર્ટલ પર નોકરીઓની જાહેરાત કરીએ છીએ."
તેઓ કહે છે, "ફરક માત્ર એ છે કે હવે કોઈ કૉન્ટ્રાક્ટર નથી. કામ કરવા માગતા લોકો અરજી કરી શકે છે અને પારદર્શક રીતે યોગ્યતાના આધારે એક યાદી બનાવી અમે તેના નામને આગળ મોકલી આપીએ છીએ."
પલ્લવી સંધીર કહે છે કે ઇઝરાયલમાં નોકરી માટે અરજી કરનારી વ્યક્તિ પાસે હરિયાણાનું ‘કુંટુંબ ઓળખ પત્ર’ હોવું જરૂરી છે. કારણ કે આ પછી જ તે વેબસાઇટ પર અરજી કરી શકશે.
તેઓ કહે છે, "ડિપ્લૉયમેન્ટ ઑફ કૉન્ટ્રેક્ચ્યુઅલ પર્સન પૉલિસી હેઠળ ઉમેદવારોની મેરિટ યાદી બનાવાય છે. તેમાં વાર્ષિક આવક, ઉમેદવારની ઉંમર, સામાજીક – આર્થિક માપદંડ, કામનો અનુભવ, અગાઉનો રાજ્ય સરકાર સાથે કામ કર્યાનો અનુભવ જેવા માપદંડોને ધ્યાનમાં રખાય છે. તેમાં દરેક માપદંડના અલગ અલગ નંબર છે. જેના આધારે કોઈ પણ ઉમેદવારનું નામ મેરિય યાદીમાં સ્થાન મેળવી શકે છે."
હરિયાણા સ્કિલ ઍમ્પ્લૉયમેન્ટ કૉર્પોરેશનની મદદથી રાજ્ય સરકાર બેરોજગારી ઘટાડવાનો પ્રયાસ કરી રહી છે.
હરિયાણામાં બેરોજગારી

ઇમેજ સ્રોત, Getty Images
હરિયાણામાં 2014થી ભારતીય જનતા પાર્ટીના નેતા મનોહરલાલ ખટ્ટર મુખ્યમંત્રી પદ પર રહ્યા છે.
ઑગસ્ટ 2023માં વિધાનસભામાં બેરોજગારી વિશે પૂછાયેલા પ્રશ્નના જવાબમાં તેમણે જાણકારી આપી હતી કે 2015થી 2022 દરમ્યાન આશરે એક લાખ 69 હજાર લોકોએ નોકરી માટે રોજગાર કચેરીઓમાં નામ નોંધાવ્યું હતું.
આ ઉપરાંત, ભારત સરકારના આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય દર ત્રણ મહિને લેબર ફોર્સ સરવે કરે છે, જે રાજ્યોમાં બેરોજગારીનો દર દર્શાવે છે.
આ સરવે અનુસાર (જાન્યુઆરી-માર્ચ 2023) દેશમાં બેરોજગારીનો દર 6.8 ટકા હતો અને હરિયાણામાં તે 8.8 ટકા હતો.
હરિયાણા સરકાર અનુસાર 31 જુલાઈ, 2023 સુધી રાજ્યમાં 1 લાખ 3 હજાર 265 સ્નાતકો, 29,988 અનુસ્નાતક અને 21,569 વ્યાવસાયિક ડિગ્રી ધારકોએ રોજગાર માટે નોંધણી કરાવી છે.
રાજ્ય સરકાર સક્ષમ યુવા યોજના હેઠળ બેરોજગારી ભથ્થું પણ આપે છે. આ અંતર્ગત અનુસ્નાતક બેરોજગારને 3,000 રૂપિયા, સ્નાતક બેરોજગારને 1500 રૂપિયા અને 12 પાસ બેરોજગારને 900 રૂપિયાનું બેરોજગારી ભથ્થું આપવામાં આવે છે.














