માલદીવ સાવ નાનો દેશ છતાં ભારત તેની આક્રમકતા સામે શાંત કેમ?

ઇમેજ સ્રોત, Getty Images
માલદીવ એક નાનો ટાપુ ધરાવતો દેશ છે. વિસ્તાર માત્ર 300 ચોરસ કિલોમીટર.
જો આપણે વિસ્તારની દૃષ્ટિએ સરખામણી કરીએ તો દિલ્હી માલદીવ કરતાં લગભગ પાંચ ગણું મોટું છે.
માલદીવ લગભગ 1200 નાના ટાપુનો સમૂહ છે. માલદીવની કુલ વસ્તી 5.21 લાખ છે.
એવું કહેવાય છે કે માલદીવ વિશ્વનો સૌથી ભૌગોલિક રીતે વિખરાયેલો દેશ છે.
માલદીવમાં પણ પાણીનાં જહાજ દ્વારા બીજા ટાપુ પર પહોંચી શકાય છે.
ઘણા લોકો આ તથ્યોને ટાંકીને કહી રહ્યા છે કે આમ છતાં માલદીવ ભારતને પડકાર આપી રહ્યું છે.
ભારતના જાણીતા વ્યૂહાત્મક બાબતોના નિષ્ણાત બ્રહ્મા ચેલાણીએ ટ્વિટર પર લખ્યું છે કે, "હિંદ મહાસાગરના દેશ માલદીવમાં ભાગ્યે જ સાડા પાંચ લાખ લોકો રહે છે. પરંતુ તેના નવા ચીન તરફી ઇસ્લામિક ઝુકાવ ધરાવતા રાષ્ટ્રપતિ તેમની બીજિંગ મુલાકાતથી એટલી હિંમત ભેગી કરી શક્યા છે કે તેઓ ભારતને સમયમર્યાદા આપી રહ્યા છે અને ભારતને લઈને આક્રમક નિવેદનો આપી રહ્યા છે, જેથી માલદીવને જે હેલિકૉપ્ટર ભેટમાં આપ્યાં હતાં તેની જાળવણી માટે હજારો સૈનિકો ગયા હતા તેને પરત ભારત મોકલી શકાય."

શા માટે માલદીવ આટલું મહત્ત્વનું છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગયા અઠવાડિયે જ માલદીવના નવા રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુ ચીનની પાંચ દિવસની મુલાકાતેથી પરત ફર્યા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરત ફર્યા બાદ મોહમ્મદ મુઇઝ્ઝુએ રાજધાની માલેમાં કહ્યું કે, માલદીવ ભલે નાનું હોય પણ તેનાથી કોઈ દેશને ધમકી આપવાનું લાઇસન્સ મળી જતું નથી.
એવું કહેવાઈ રહ્યું છે કે મુઇઝ્ઝુએ ભલે ભારતનું નામ ન લીધું, પરંતુ તેનો સંદર્ભ ફક્ત ભારત તરફ હતો.
માલદીવના જવાબમાં ભારત સરકાર તરફથી કોઈ મજબૂત જાહેર પ્રતિક્રિયા નથી. પરંતુ મુઇઝ્ઝુ સરકાર પોતાના અંદાજમાં છે.
માલદીવે ભારતને 15 માર્ચ સુધીમાં સૈનિકો પાછા ખેંચવાનો સમય આપ્યો છે. આવી સ્થિતિમાં સવાલ એ થાય છે કે ભારત માલદીવના ગુસ્સાને આટલી શાંતિથી કેમ સાંભળી રહ્યું છે?
શું માલદીવ ભારત માટે એટલું મહત્ત્વનું છે કે તેનાં આક્રમક નિવેદનોને પણ સહન કરવાં સમજદારી છે?
જ્યાં માલદીવ વસેલું છે તે તેને ખાસ બનાવે છે. માલદીવ હિંદ મહાસાગરના મુખ્ય દરિયાઈ માર્ગોની નજીક આવેલું છે.

ઇમેજ સ્રોત, Getty Images
હિંદ મહાસાગરમાં આ માર્ગો દ્વારા આંતરરાષ્ટ્રીય વેપાર થાય છે. આ માર્ગ દ્વારા ખાડી દેશોમાંથી ભારતને ઍનર્જી સપ્લાય કરવામાં આવે છે. આવી સ્થિતિમાં માલદીવ સાથે ભારતના નબળા સંબંધો કોઈ પણ રીતે યોગ્ય માનવામાં આવતા નથી.
એવું કહેવાઈ રહ્યું છે કે, અત્યારે માલદીવનો વિરોધ પક્ષ ભારતની સાથે છે, પરંતુ જો ત્યાંની સામાન્ય જનતા ભારતના આક્રમક નિવેદનથી નારાજ છે, તો વિપક્ષને પણ શાંત પાડવું આસાન નહીં હોય.
આવી સ્થિતિમાં સરકાર અને વિપક્ષ બંનેમાં ચીનની હાજરી વધશે.
માલદીવ મુસ્લિમ બહુમતી ધરાવતો દેશ છે. ભારતમાં સાંપ્રદાયિક વિવાદોની અસર ત્યાં પણ જોવા મળે છે. નૂપુર શર્મા કેસમાં માલદીવમાંથી પણ પ્રતિક્રિયા આવી હતી. ઇન્ટરનેટના યુગમાં ઘરેલુ રાજકીય વિવાદો સરહદોની બહાર પણ પ્રસરી જાય છે.

હિંદ મહાસાગરમાં વધી રહેલી સ્પર્ધા

ઇમેજ સ્રોત, ANI
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તાજેતરના દાયકાઓમાં હિંદ મહાસાગરમાં આર્થિક અને સૈન્ય ગતિવિધિઓ પર સ્પર્ધા વધી છે.
ચીન હિંદ મહાસાગરમાં પોતાની હાજરી વધારી રહ્યું છે. આવી સ્થિતિમાં જો માલદીવ તેની સાથે આવશે તો તેને પગ જમાવવામાં વધુ મદદ મળશે.
એવું કહેવાઈ રહ્યું છે કે, માલદીવની વર્તમાન મુઇઝ્ઝુ સરકાર ખુલ્લેઆમ ચીનની સાથે છે. જ્યારે મુઇઝ્ઝુએ ચૂંટણી જીતી ત્યારે હેડલાઇન હતી કે માલદીવમાં ચીન તરફી ઉમેદવાર જીત્યા.
માલદીવે જુલાઈ 2015માં તેના બંધારણમાં સુધારો કર્યો હતો. આ અંતર્ગત વિદેશી માલિકીની જમીન અધિગ્રહણ કરવાની પરવાનગી આપવામાં આવી હતી. પછી એવી અટકળોએ જોર પકડ્યું કે ચીન માલદીવમાં વ્યૂહાત્મક મથકો વિકસાવશે.
ભારતના વિદેશમંત્રી એસ જયશંકર ગયા અઠવાડિયે શનિવારે નાગપુરના મંથન ટાઉનહૉલમાં બોલતા હતા.
દરમિયાન તેમને માલદીવ સાથે બગડતા સંબંધો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે, "રાજનીતિ એ રાજનીતિ છે. હું ખાતરી આપી શકતો નથી કે દરેક દેશ, દરરોજ, દરેક વ્યક્તિ અમને ટેકો આપશે અથવા અમારી સાથે સંમત થશે."
તેમણે કહ્યું, "અમે વધુ સારું કરવાનો પ્રયાસ કરીએ છીએ અને છેલ્લાં 10 વર્ષોમાં અમે સફળ રહ્યા છીએ. અમે ઘણા કિસ્સામાં મજબૂત સંપર્કો સ્થાપિત કર્યા છે. રાજનીતિમાં ઊથલપાથલ છે પરંતુ ત્યાંના સામાન્ય લોકોનો ભારત વિશે સારો અભિપ્રાય છે અને તેઓ ભારત સાથે સારા સંબંધોનું મહત્ત્વ જાણે છે."

શું કહે છે નિષ્ણાતો?

ઇમેજ સ્રોત, PRESIDENCY.GOV.MV
ભારતના ભૂતપૂર્વ રાજદ્વારીઓ પણ મુઇઝ્ઝુ સરકારના ગુસ્સાનો જવાબ આક્રમકતાથી આપવાને બદલે સમજદારીથી કામ લેવાની સલાહ આપી રહ્યા છે.
ભૂતપૂર્વ ભારતીય રાજદ્વારી રાકેશ સુદે અંગ્રેજી અખબાર ધ હિંદુને જણાવ્યું હતું કે, "મુઇઝ્ઝુ પોતાની રાજનીતિ કરી રહ્યા છે અને તેનો લાભ પણ લેવા માગે છે. તેઓ જાણી જોઈને ઉશ્કેરણીજનક નિવેદનો કરી રહ્યા છે પણ ટિટ ફોર ટેટ જવાબ આપવાની સ્થિતિ ભારત માટે સારી નથી. માલદીવને સામાજિક-આર્થિક દૃષ્ટિકોણથી ભારતના મહત્ત્વનો અહેસાસ કરાવવો ભારત માટે યોગ્ય રહેશે."
મુઇઝ્ઝુ માને છે કે, ઇબ્રાહીમ સોલિહની સરકાર હેઠળ માલદીવની સાર્વભૌમત્વ અને સ્વતંત્રતા સાથે બાંધછોડ કરાઈ હતી.
ઇબ્રાહીમ સોલિહની સરકારને ભારત સમર્થક કહેવાતી હતી. મુઇઝ્ઝુ માલદીવમાં ભારતીય સૈનિકોની હાજરી વિરુદ્ધ બોલતા રહ્યા છે અને હવે રાષ્ટ્રપતિ બન્યા બાદ તેમને હટાવવાની સમયમર્યાદા આપી છે. ચૂંટણીપ્રચારમાં તેમણે ઇન્ડિયા આઉટ અભિયાન પણ ચલાવ્યું હતું.
મુઇઝ્ઝુ જે પ્રોગ્રેસિવ ઍલાયન્સના નેતા છે, તેનું માનવું કે ઇબ્રાહીમ સોલિહની સરકાર દરમિયાન ભારત સાથે કરવામાં આવેલા ત્રણ સંરક્ષણ કરાર માલદીવની સાર્વભૌમત્વની વિરુદ્ધ હતા.
મુઇઝ્ઝુ સરકારે માલદીવને આ ત્રણ કરારોથી અલગ કરી દીધા છે. જ્યારે સોલિહ સરકારે 2021માં ભારત સાથે ઉથુરુ થિલા ફલાહુ (UTF) કરાર પર હસ્તાક્ષર કર્યા ત્યારે વિપક્ષ વધુ આક્રમક બન્યો હતો. આ એક સંરક્ષણ સમજૂતી હતી, જેના હેઠળ રાષ્ટ્રીય સંરક્ષણ દળ કોસ્ટ ગાર્ડ હાર્પરને સંયુક્ત રીતે બનાવવાની હતી.

રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ભારત વિરોધી અભિયાન

ઇમેજ સ્રોત, PRESIDENCY.GOV.MV
ગયા વર્ષે માલદીવમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી અને ભારત વિરોધી ઝુંબેશ લોકપ્રિય મુદ્દો બની ગઈ હતી.
થોડા મહિનામાં મોહમ્મદ મુઇઝ્ઝુ વિપક્ષના સંયુક્ત ઉમેદવાર તરીકે ઊભરી આવ્યા, કારણ કે પૂર્વ રાષ્ટ્રપતિ યામીન અનેક મુદ્દાઓને કારણે ચૂંટણીમાં ભાગ લઈ શક્યા ન હતા.
રાષ્ટ્રપતિ બનતા પહેલાં મુઇઝ્ઝુ માલદીવની રાજધાની માલેના મેયર હતા. ઇબ્રાહીમ સોલિહે પોતાની વિદેશનીતિમાં ભારતને મહત્ત્વ આપતાં 'ઇન્ડિયા ફર્સ્ટ'ની નીતિ અપનાવી હતી. સોલિહના નેતૃત્વમાં માલદીવ અને ભારત વચ્ચે ઘણા સંરક્ષણ અને આર્થિક કરારો થયા હતા.
મુઇઝ્ઝુ રાષ્ટ્રપતિ બન્યા કે તરત જ તેમણે સંકેત આપ્યો કે ભારતથી અંતર રાખવું તેમની વિદેશનીતિમાં પ્રાથમિકતા છે. તેમનો પ્રથમ વિદેશપ્રવાસ તુર્કીનો હતો. મુઇઝ્ઝુએ એક પરંપરા તોડી, કારણ કે આ પહેલાં માલદીવના નવા રાષ્ટ્રપતિની પ્રથમ વિદેશયાત્રા ભારતની કરતા હતા.
તુર્કી પછી મુઇઝ્ઝુ યુએઈ ગયા અને તાજેતરમાં ચીનથી માલદીવ પાછા ફર્યા છે. મુઇઝ્ઝુએ ચીનને મહત્ત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યું છે અને ઘણા મહત્ત્વપૂર્ણ કરારો પર હસ્તાક્ષર કર્યા છે.
શપથ લીધા બાદ રાષ્ટ્રને પોતાના પ્રથમ સંબોધનમાં મુઇઝ્ઝુએ માલદીવમાંથી ભારતીય સૈનિકો પાછા હટાવવાનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે કહ્યું કે, તેમની સરકાર માટે દેશની સ્વતંત્રતા અને સાર્વભૌમત્વ વધુ મહત્ત્વપૂર્ણ છે.
વર્ષ 2019માં માલદીવના દરિયાઈ વિસ્તારમાં સર્વેને લઈને ભારત સાથે સમજૂતી થઈ હતી, જેને મુઇઝ્ઝુ સરકારે સમાપ્ત કરી દીધી હતી. જ્યારે પીએમ મોદીએ ઇબ્રાહીમ સોલિહના પ્રમુખપદ દરમિયાન માલદીવની મુલાકાત લીધી ત્યારે હાઇડ્રોગ્રાફિક સર્વેક્ષણ અંગે એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા.
તેનો હેતુ દરિયાઈ સુરક્ષામાં સહયોગ વધારવાનો હતો. સોલિહ સરકાર પણ આ સમજૂતીને લઈને વિપક્ષના નિશાના પર હતી. ડિસેમ્બરમાં મુઇઝ્ઝુ સરકારે જાહેરાત કરી હતી કે કરાર હવે આગળ વધશે નહીં.
આ કરારોથી અલગ થવાની ઘટનાને મુઇઝ્ઝુની ચીન સાથેની વધતી નિકટતા તરીકે જોવામાં આવી રહી છે. એવું કહેવાઈ રહ્યું છે કે સોલિહ સરકાર દરમિયાન માલદીવમાં ભારતની જે સંરક્ષણ ધાર હતી તે હવે સંપૂર્ણપણે ચીન તરફ વળી ગઈ છે.














