ગુજરાતમાં ચોમાસા પહેલાં મિનિ વાવાઝોડા જેવો પવન કેમ ફૂંકાઈ રહ્યો છે?

ગુજરાતમાં ચોમાસું શરૂ થવાને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે, તે પહેલાં જ રાજ્યના હવામાનમાં પલટો આવ્યો છે. અનેક વરસાદની સાથે-સાથે અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે.

એક તરફ ચોમાસું બંગાળની ખાડીમાં પહોંચી ગયું છે અને બીજી તરફ ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. રાજસ્થાન, દિલ્હી, હરિયાણાના અનેક વિસ્તારોમાં હાલ આંધી-તોફાન સાથે વરસાદ થઈ રહ્યો છે. એટલે કે ઝડપી પવન સાથે વરસાદી ગતિવિધિ થઈ રહી છે.

ગુજરાતમાં પવન એટલી ઝડપથી ફુંકાઈ રહ્યો છે કે વૃક્ષો ધરાશાયી થઈ ગયાં છે, મકાનનાં છાપરાં ઊડી ગયાં છે, ક્યાંક વીજળીના થાંભલા પડી ગયા છે તો ક્યાંક વીજળીના તાર તૂટવાની ઘટના ઘટી છે.

કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, બનાસકાંઠા, પાટણ, અરવલ્લી, અમદાવાદ, પાટણ, મહેસાણાના ઘણા વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસથી ભારે પવન ફુંકાઈ રહ્યો છે.

ગુજરાતમાં અરબી સમુદ્રની પાસે એક એન્ટિ સાયક્લૉન સિસ્ટમ બનેલી છે અને બીજી તરફ રાજસ્થાન ઉપર એક સાયક્લૉનિક સર્ક્યુલેશન બનેલું છે.

આ બંને સિસ્ટમો ગુજરાત પર અસર કરી રહી છે. સાયક્લૉનિક સર્ક્યુલેશનને અરબી સમુદ્રમાંથી ભેજ મળી રહ્યો છે એટલે તેના કારણે અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે.

ગુજરાત હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે, “હાઇ પ્રેશર વેરિયન્ટ સર્જાવાને કારણે હાલના દિવસોમાં ગુજરાતમાં ભારે પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સિવાય પણ ગુજરાતમાં સામાન્ય રીતે ચોમાસા પહેલાં ભારે પવનો ફૂંકાવાનો ટ્રેન્ડ રહ્યો છે.”

ગુજરાતમાં નવ લોકોનાં મૃત્યુ

સરકારી આંકડા અનુસાર મિની વાવાઝોડું અને ભારે વરસાદને કારણે ગુજરાતમાં નવ લોકોનાં મૃત્યુ થયાં છે.

ભારતીય હવામાન વિભાગના આંકડા પ્રમાણે ગુજરાતમાં આ ઉનાળામાં સરેરાશ 34.7 મીમી જેટલો વરસાદ પડ્યો છે. જે સામાન્ય સરેરાશ કરતાં દસ ગણું વધારે છે.

માર્ચ 1 થી 29 મે સુધીમાં અલગ-અલગ સાત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે ગુજરાતમાં સતત કમોસમી વરસાદ વરસ્યો છે.

પાટણ અને ખેડામાં બે-બે, જ્યારે બનાસકાંઠા, અમદાવાદ, ભાવનગર, બનાસકાંઠા, છોટા ઉદેપુર અને બોટાદ જિલ્લાઓમાં એક-એક વ્યક્તિનાં વીજળી પડવાની ઘટનાઓને કારણે મૃત્યુ થયાં છે.

હવામાન વિભાગના આંકડાઓ પ્રમાણે ગઈકાલે સૌથી વધુ અમદાવાદમાં 55.2 મીમી અને ગાંધીનગરમાં 23 મીમી જેટલો વરસાદ વરસ્યો છે.

ચોમાસું આગળ વધીને ક્યાં પહોંચ્યું?

19મેના રોજ હવામાન વિભાગે ચોમાસું બંગાળની ખાડી અને આંદામાન સમુદ્રના કેટલાક ભાગોમાં પહોંચ્યું હોવાની માહિતી આપી હતી. જે બાદ 29 મે સુધી ચોમાસું ત્યાંથી આગળ વધ્યું ન હતું.

જોકે, હવે સ્થિતિ અનુકૂળ બની છે અને ચોમાસું આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગની માહિતી અનુસાર બંગાળની ખાડીના કેટલાક વિસ્તારો તથા આંદામાન અને નિકોબારના ટાપુઓ સુધી ચોમાસું આગળ વધી ચૂક્યું છે.

કેરળ પર ચોમાસું પહોંચે ત્યારે ભારતમાં વિધિવત રીતે ચોમાસાની શરૂઆત ગણાય છે. જે બાદ ભારતના અન્ય વિસ્તારો સુધી ચોમાસું પહોંચે છે.

હવામાન વિભાગે જારી કરેલા પૂર્વાનુમાન અનુસાર આ વર્ષે 4 જૂનની આસપાસ ચોમાસું કેરળ પર પહોંચે તેવી શક્યતા છે. આવનારા બે-ત્રણ દિવસોમાં ચોમાસું આગળ વધીને શ્રીલંકા સુધી પહોંચે તેવી શક્યતા છે.

સામાન્ય રીતે ચોમાસું 8 જુલાઈ સુધીમાં ભારતના તમામ વિસ્તારો સુધી પહોંચી જાય છે. રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં ચોમાસું સૌથી છેલ્લે પહોંચે છે.

કેરળમાં ચોમાસું પહોંચે તેના 12 કે 15 દિવસ બાદ સામાન્ય રીતે ગુજરાતમાં ચોમાસાનું આગમન થતું હોય છે. સૌપ્રથમ દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ચોમાસું પહોંચે છે અને ત્યારબાદ લગભગ 15 દિવસ જેટલા સમયમાં તે સમગ્ર રાજ્યને આવરી લે છે.

આ વર્ષે ચોમાસું કેવું રહેશે?

હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર આ વર્ષે દેશમાં સરેરાશ સારો વરસાદ થવાની શક્યતા છે. લાંબાગાળના અનુમાન મુજબ ચોમાસાના ચાર મહિનાની સરેરાશના 96 ટકા વરસાદ થવાની શક્યતા છે.

જોકે, બીજી તરફ ખાનગી હવામાન 'એજન્સી સ્કાયમેટ' અને 'વૅધર ચેનલ'ના પૂર્વાનુમાન મુજબ દેશમાં ચોમાસું સામાન્ય કરતાં નબળું રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગનું પણ કહેવું છે કે આ વર્ષે ચોમાસા પર અલ નીનોની અસર વર્તાવાની શક્યતા છે. જ્યારે કેટલાક હવામાન નિષ્ણાતોના મતે પણ અલ નીનો ભારતના ચોમાસાને પ્રભાવિત કરે તેવી સંભાવના છે.

આ વર્ષે પ્રશાંત મહાસાગરમાં સર્જાઈ રહેલું અલ નીનો વિશ્વભરના હવામાન પર અસર કરે તેવી સંભાવના છે. સામાન્ય રીતે જ્યારે અલ નીનોની સ્થિતિ હોય ત્યારે ભારતમાં ચોમાસા દરમિયાન ઓછો વરસાદ થતો હોય છે.

જૂનથી સપ્ટેમ્બર સુધી ચાર મહિના દરમિયાન ઉત્તર અને પશ્ચિમ ભારતના વિસ્તારોમાં ચોમાસામાં સામાન્ય કરતાં ઓછો વરસાદ થવાની સંભાવના છે. જ્યારે દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારો અને પૂર્વોત્તર ભારતના કેટલાક વિસ્તારોમાં સામાન્ય અને તેના કરતાં વધારે વરસાદ થવાની સંભાવના છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ. મહિસાગર, દાહોદ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં હજુ પણ વરસાદની શક્યતાઓ રહેલી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતનાં ઘણા વિસ્તારોમાં હજી 31 મે સુધી છૂટોછવાયો વરસાદ પડી શકે છે.