ભારતની ભુલાઈ ગયેલી 10,000 હવેલી, કેટલીક ખંડેર બની, કેટલીક હોટલ

હવેલી

ઇમેજ સ્રોત, Soumya Gayatri

    • લેેખક, સૌમ્યા ગાયત્રી
    • પદ, બીબીસી ટ્રાવેલ

તામિલનાડુમાં એક સમયે નટ્ટુકોટ્ટાઈ ચેટ્ટિયાર સમુદાયની શક્તિ તથા સંપત્તિની પ્રતીક હતી એ હજારો વિશાળ અને આકર્ષક હવેલીઓ હવે ખંડેરની હાલતમાં છે.

દક્ષિણ ભારતના તામિલનાડુના ચેટ્ટીનાડ પ્રદેશના એક ગામ કરાઈકુડીમાં હું ટ્રેનમાંથી ઊતરી ત્યાં સુધીમાં સાંજ પડી ગઈ હતી.

ઝરમર વરસાદ પણ પડ્યો હતો. મારી ટેક્સી ભીની શેરીવાળા શાંત ગામડામાં પ્રવેશી રહી હતી, ત્યારે ગામની સાંકડી ગલીઓમાં સેંકડો, ભાંગી પડેલી વિશાળ હવેલીઓ જોવા મળી હતી.

ઘેરા નારંગી આકાશ સામે ચેટ્ટીનાડ મેન્શન તરીકે ઓળખાતી હવેલીઓ ખૂબ સુંદર દેખાતી હતી, પરંતુ તે નિર્જન હતી.

ચેટ્ટીનાડ પ્રદેશમાં 10,000થી વધારે હવેલીઓ આવેલી છે. એ પૈકીની ઘણી હજારો ચોરસ ફૂટ વિસ્તારમાં પથરાયેલી છે.

આ વિશાળ, આકર્ષક ઇમારતોનું નિર્માણ નટ્ટુકોટ્ટાઈ ચેટ્ટિયાર સમુદાયના સમૃદ્ધ વેપારીઓએ કરાવ્યું હતું. એ વેપારીઓએ દક્ષિણ-પૂર્વ એશિયામાં કિંમતી પથ્થરોનું વેચાણ કરીને અઢળક કમાણી કરી હતી.

તેઓ 19મી સદીના અંતમાં અને 20મી સદીના પ્રારંભે આર્થિક શક્તિના શિખરે પહોંચ્યા હતા. એ વખતે આ હવેલીઓનું નિર્માણ કરવામાં આવ્યુ હતું.

જોકે, 1939માં બીજા વિશ્વયુદ્ધની શરૂઆત થઈ ત્યારે વિદેશ વેપારને મોટો ફટકો પડ્યો હતો અને ચેટ્ટિયારોની સંપત્તિમાં ઝડપી ઘટાડો થયો હતો.

એ તેમના ઇતિહાસનો અંધકારમય કાલખંડ બન્યો હતો અને ચેટ્ટિયારોને ચેટ્ટીનાડની બહાર રોજગાર મેળવવા જવાની ફરજ પડી હતી. એ પૈકીના ઘણા લોકોએ તેમના ઘરનો ત્યાગ કરીને ભારત બહાર સ્થળાંતર કર્યુ હતું.

આજે ચેટ્ટીનાડ તેની તમતમતી ચિકન ચેટ્ટીનાડ ડિશ માટે અને કરાઈકુડીની પ્રાચીન વસ્તુઓ માટે પ્રખ્યાત છે, પરંતુ મોટા ભાગના પ્રવાસીઓ આ પ્રદેશના 73 ગામોમાં ફેલાયેલી વૈભવી હવેલીઓથી અજાણ છે.

ચેટ્ટિયાર વારસાને જીવંત રાખવાના પ્રયાસ કરતા કેટલાક ઉત્સાહી માલિકો દ્વારા એ હવેલીઓને હેરિટેજ હોટલ અને મ્યુઝિયમમાં રૂપાંતરિત કરવામાં આવી છે.

બીબીસી ગુજરાતી

100 વર્ષ જૂની હવેલી હોટલમાં પરિવર્તિત

હવેલી

ઇમેજ સ્રોત, Soumya Gayatri

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હું કરાઈકુડીથી 15 કિલોમીટર દૂર આવેલા કનાદુકથાન ગામે પહોંચી હતી અને ચેટ્ટીનાડુ હવેલીમાં ચેક-ઇન કર્યું હતું. આ 100 વર્ષ પુરાણી હવેલીને હવે હોટલમાં પરિવર્તિત કરવામાં આવી છે.

મારે ત્યાં બે દિવસ રહેવાનું હતું. એ હવેલીના વયોવૃદ્ધ માલિક એ ચંદ્રમૌલીએ સ્મિત સાથે મારું સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે હવેલીમાં ફરી પ્રાણ ફૂંકવા એ તેમનો નિવૃત્તિનો પ્રિય પ્રોજેક્ટ છે.

તેમણે કહ્યું હતું કે “મારા દાદાએ 1902-1912 દરમિયાન ચેટ્ટીનાડુ મેન્શનનું નિર્માણ કર્યું હતું. મારા અને મારા પરિવાર સહિતની ચાર પેઢીઓ આ હવેલીમાં રહી છે. મને મારા વારસાનું ગૌરવ છે અને એ કારણે તેની જાળવણી કરવી એ મારી જવાબદારી છે.”

43,000 ચોરસ ફૂટ વિસ્તારમાં ફેલાયેલી એ હવેલીના વિશાળ ઓરડાઓ અને બહુવિધ પરસાળો નિહાળ્યા ત્યારે દરેક ઘટકની સમૃદ્ધિથી હું આશ્ચર્યચકિત થઈ ગઈ હતી.

હવેલીમાં સુંદર, રંગીન કાચની બારીઓથી સુશોભિત એક વિશાળ રવેશ હતો. તેના ભવ્ય ફોયરમાં સુશોભિત સોનેરી છત, સ્ફટિકના ઝુમ્મર અને પરંપરાગત રાચરચીલું હતું. મારી નજર ઘેરા આસમાની રંગના ઊંચા થાંભલાઓથી ઘેરાયેલા ભવ્ય આંગણા ભણી ખેંચાઈ હતી.

એક સાંકડી, લાકડાની સીડી મને એક હૂંફાળા કોરિડોર ભણી લઈ ગઈ હતી, જ્યાં ફેન્સી ગેસ્ટરૂમમાં શ્વેતરંગી લોખંડની થાંભલીઓવાળી બાલ્કની હતી.

ચંદ્રમૌલીએ કહ્યું હતું કે, “લાકડું બર્માથી આવ્યું હતું, અરીસાઓ તથા ઝુમ્મર બેલ્જિયમથી લાવવામાં આવ્યાં હતાં અને ફ્લોર માટેનો આરસ ઇટાલીથી મંગાવવામાં આવ્યો હતો. મોટા હોલમાં કાળા ગ્રેનાઇટની કોલમ દેખાય છે તે સ્પેનની છે, જ્યારે વચ્ચેના આંગણામાંના વાદળી કાસ્ટ-આયર્નના સ્તંભો છેક ઇંગ્લૅન્ડના બર્મિંઘહામથી લાવવામાં આવ્યા હતા.”

મેં આશ્ચર્ય સાથે રાચરચીલું નિહાળ્યું હતું અને પછી મારા પોતાના રૂમમાં પ્રવેશી હતી. એ રૂમમાં પ્રાઇવેટ ટેરેસ હતો અને ઇલ્યુઝિવ ટ્રોમ્પ લ’ઓઈલ ટેક્નિક વડે સજાવવામાં આવેલી દીવાલો હતી.

હવેલીનું નિર્માણ ચેટ્ટિયારો માટે ગંભીર બાબત હતી. તેમણે તેમના સપનાનું ઘર પુષ્કળ પૈસા અને લાગણી સાથે બાંધ્યું હતું. યુરોપિયન સ્થાપત્ય તેમની પ્રેરણા હતું અને સમગ્ર વિશ્વમાંથી કાચો માલ મેળવીને તેમણે સ્થાનિક આર્કિટેક્ટ્સને કામ સોંપ્યું હતું.

પરિણામે ગોથિક શૈલીના રવેશ, માર્બલ ફ્લોર્સ, રંગીન કાચની બારીઓ અને દૂર પૂર્વના દેશોમાંથી લાવવામાં આવેલી ટાઈલ્સ દરેક ઘરની વિશિષ્ટતા બન્યાં હતાં.

જોકે, પહોળાં-ખુલ્લાં આંગણાં, વરંડાઓ, ઝીણવટભરી કોતરણી ધરાવતી લાકડાની ફ્રેમ્સ અને હિંદુ દેવીદેવતાઓને દર્શાવતી સાગોળ રેલિફ્સ જેવા સ્થાનિક તામિલ સ્થાપત્યના વિશિષ્ટ ઘટકો પણ અહીં હાઈલાઈટ કરવામાં આવ્યાં હતાં.

બીબીસી ગુજરાતી

મોટા ભાગની હવેલીઓ એક એકર કરતાં વધુ વિસ્તારમાં ફેલાયેલી

ચેટ્ટીનાડનાં 73 ગામોમાં આવેલી છે આ 10,000 ભવ્ય હવેલીઓ

ઇમેજ સ્રોત, Soumya Gayatri

તામિલનાડુની અધિયમાન કૉલેજ ઑફ એન્જિનિયરિંગના સ્થાપત્ય વિભાગના વડા ડૉ. સીતા રાજીવકુમારે કહ્યુ હતું કે, “સ્થાનિક સ્થાપત્ય બહારના પ્રભાવથી પ્રેરિત થઈ શકે અને તેમ છતાં પોતાની સંસ્કૃતિને કેવી રીતે પ્રતિબિંબિત કરી શકે તેની ઝલક ચેટ્ટીનાડની ઇમારતો મુલાકાતીઓને આપે છે. એ જ બાબત તેમને વિશિષ્ટ બનાવે છે.”

સીતા રાજીવકુમારે ચેટ્ટીનાડ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને ભારતના બિલ્ટ હેરિટેજના મૂલ્યના વિશ્લેષણ વિશે સંશોધન કર્યું છે.

દરેક હવેલીમાં સરેરાશ 50થી વધુ ઓરડા અને ત્રણથી ચાર કોર્ટયાર્ડ હોય છે. મોટા ભાગની હવેલીઓ એક એકર કરતાં વધુ વિસ્તારમાં ફેલાયેલી છે, જે આખી શેરીને આવરી લે છે.

તેથી જ સ્થાનિક લોકો તેમનો ઉલ્લેખ પેરિયા વેડુ અથવા મોટાં મકાનો તરીકે કરે છે.

ચંદ્રમૌલીએ ઉમેર્યું હતું કે, “અમારા વડવાઓએ સંયુક્ત પરિવાર સાથે રહી શકે તે માટે મોટાં મકાન બનાવ્યાં હતાં. પુરુષો મોટા ભાગે ઘરથી દૂર રહેતા હતા. તેથી મહિલાઓ અને બાળકો સાથે રહીને સલામતી અનુભવે તે મહત્ત્વનું હતું.”

જાહોજલાલીના જૂના દિવસોમાં આ ઘરમાં એકસાથે 70-80 લોકો રહેતા હતા.

એ પછીના બે દિવસમાં મેં કનાડુકથન, અથાનગુડી અને કરાઈકુડી ખાતેની હવેલીઓની મુલાકાત લેવાનું નક્કી કર્યું હતું. મેં ભાડે રિક્ષા કરીને હવે જર્જરિત એવી ડઝનેક વિલાની મુલાકાત લીધી હતી. એ દરેકનો પોતાનો અનન્ય ઇતિહાસ અને લાક્ષણિકતા છે.

એ પ્રવાસ દરમિયાન મારો પહેલો મુકામ અથાનગુડીના ઓછા જાણીતા ગામમાં આવેલી એક વૈભવી હવેલી હતી.

અથાનગુડી પૅલેસ તરીકે જાણીતી એ હવેલીને સંગ્રહાલયમાં પરિવર્તિત કરવામાં આવી છે. તેમાં પ્રવેશી ત્યારે મારો શ્વાસ થંભી ગયો હતો. તેના ભવ્ય સ્વાગત કક્ષમાં મેં પગ મૂક્યો ત્યારે હું સ્તબ્ધ થઈ ગઈ હતી.

ઇટાલિયન માર્બલની વિશાળ ચેકર્ડ ફ્લોર, સિંહના મસ્તકની કોતરણીવાળા સ્પેનિશ ગ્રેનાઈટના સ્તંભો, બેલ્જિયન સ્ટેઇન્ડ ગ્લાસની કમાનવાળી બારીઓ, મોગલ કમાનોને ટેકો આપતી રોટ આયર્નની બાલ્કની અને જાપાનની ફ્લોરલ ટાઈલ્સ ધરાવતી ઉત્કૃષ્ટ રીતે શણગારેલી છત. જાણે કે એ રાજા માટેનું ઘર હતું.

બીબીસી ગુજરાતી

હેરિટેજ હોટલમાં મહિલાઓના જવા પર પ્રતિબંધ

ચેટ્ટીનાડની 100 વર્ષ જૂની હવેલી

ઇમેજ સ્રોત, Soumya Gayatri

એ પછી મેં ચેટ્ટીનાડની સૌપ્રથમ હેરિટેજ હોટલ બંગાલા ભણી પ્રયાણ કર્યું હતું. તે કરાઈકુડીના મધ્યમાં આવેલી છે. ત્યાં મારે વિશિષ્ટ ચેટ્ટીનાડ કૂકિંગ ક્લાસ એટેન્ડ કરવાના હતા, પરંતુ હવેલીના ઇતિહાસથી મંત્રમુગ્ધ થઈ ગઈ હતી.

બંગાલાનો ભૂતકાળ રસપ્રદ છે. તે અન્ય હવેલીઓની જેમ પારિવારિક ઘર ક્યારેય ન હતી. ખરેખર તો તે એમએસએમએમ ચોકલિંગમ ચેટ્ટિયારના સમૃદ્ધ પરિવારની માલિકીનું મિજબાની સ્થળ હતું.

પરિવારના પુરુષો તેનો ઉપયોગ દોસ્તોના આતિથ્ય માટે કરતા હતા. તેમાં મહિલાઓને પ્રવેશવાની છૂટ ન હતી.

વિધિની વક્રતા એ છે કે બંગાલાનું સંચાલન હવે એમએસએમએમ પરિવારની પૌત્રી મીનાક્ષી મયપ્પન કરે છે. મીનાક્ષીએ કહ્યું હતું કે, “હાઉસકીપિંગની તમામ બાબતોનું ધ્યાન હું રાખું છું અને મહેમાનો માટેની તમામ વાનગીઓની પસંદગી પણ હું જ કરું છું.”

મીનાક્ષી હવે 89 વર્ષનાં થયાં છે અને દુનિયાભરમાંથી આવતા મહેમાનોની આગતાસ્વાગતા કરવાનું તેમને પસંદ છે.

રસોઈકળામાં પારંગત મીનાક્ષી મયપ્પન ‘બંગાલા ટેબલઃ ફ્લેવર્સ ઍન્ડ રેસિપીઝ ફ્રોમ ચેટ્ટીનાડ’ પુસ્તકનાં સહ-લેખિકા પણ છે. આ પુસ્તક માત્ર સ્થાનિક ભોજનની જ નહીં, પરંતુ આ પ્રદેશની સમૃદ્ધ સંસ્કૃતિ અને ઇતિહાસનો જયઘોષ કરે છે.

મારા પ્રવાસ દરમિયાન કેટલાંક ખાનગી મકાનોના મૈત્રીપૂર્ણ માલિકોએ પણ મને નોતરું આપ્યું હતું. તેઓ આજે પણ એ મકાનોમાં રહે છે.

કનાડકુથનના જાજરમાન ચેટ્ટીનાડ પૅલેસ સહિતની કેટલીક ઇમારતોના દરવાજા સાંકળ લગાવીને બંધ કરવામાં આવ્યા હતા. માલિકીના મુદ્દે વર્ષોથી ચાલતી કાયદાકીય લડાઈ અને રેસ્ટોરેશનના જંગી ખર્ચને કારણે કેટલીક હવેલીઓ ત્યજી દેવામાં આવી છે.

ચેટ્ટીનાડની હવેલી

ઇમેજ સ્રોત, Soumya Gayatri

ડૉ. સીતા રાજીવકુમારે કહ્યું હતું કે “ચેટ્ટીનાડના ઘરોના નવીનીકરણ માટે કરોડો રૂપિયા ખર્ચવા પડે તેમ છે અને એક વખત એ ખર્ચ કરવાથી વાત પૂરી થતી નથી.

આ ઇમારતોની નિયમિત જાળવણી અને સમારકામ જરૂરી છે. તેના અનેક માલિકોને રસ નથી અને તેનું સંરક્ષણ કપરું કામ છે.”

જોકે, મીનાક્ષી મય્યપન અને ચંદ્રમૌલી બંને આશાવાદી છે.

ચંદ્રમૌલીએ કહ્યું હતું કે, “ચેટ્ટીનાડની હવેલીઓમાંથી 10 ટકાને જ અત્યાર સુધીમાં પ્રવાસીઓને લાયક બનાવવામાં આવી છે, જ્યારે 30 ટકા સંપૂર્ણપણે નાશ પામી છે. એક સમુદાય તરીકે સાથે મળીને બાકીની 60 ટકા હવેલીઓને ફરી ધબકતી કરવાની જવાબદારી અમારી છે.”

મીનાક્ષી મય્યપને વાર્ષિક ચેટ્ટીનાડ હેરિટેજ એન્ડ કલ્ચરલ ફેસ્ટિવલની શરૂઆત તાજેતરમાં કરી છે. તેનો ઉદ્દેશ ચેટ્ટીનાડના ઇતિહાસ તથા સંસ્કૃતિમાં લોકોની રુચિ જાગૃત કરીને ખંડેર બનેલી આ હવેલીઓને નવજીવન આપવાનો છે.

મીનાક્ષી મય્યપને કહ્યું હતું કે,“સંરક્ષણના અમારા પ્રયાસ માટે લોકજાગૃતિ બહુ મહત્ત્વની છે અને દર વર્ષે ઑગસ્ટ-સપ્ટેમ્બરમાં યોજાનારો આ ફેસ્ટિવલ એ લક્ષ્યની પ્રાપ્તિ તરફનું અમારું પહેલું પગલું છે.”

ભારતમાં પણ ચેટ્ટીનાડ પ્રમાણમાં અજાણ્યું હોવા છતાં તેની વિસરાયેલી હવેલીઓનું, સ્થાનિક લોકોના પ્રયાસોને કારણે ધીમી ગતિએ પુનરોત્થાન થઈ રહ્યું છે.

તેમના દિમાગમાં લક્ષ્ય સ્પષ્ટ છેઃ ચેટ્ટિયાર વારસાની જાળવણી. મીનાક્ષી અને મય્યપન જેવા દૃઢનિશ્ચય અને હિંમતવાન લોકો હાર માનવાના નથી.

બીબીસી ગુજરાતી
બીબીસી ગુજરાતી