ગુજરાતમાં ઉનાળાની શરૂઆતે જ હવામાન પલટાશે, ક્યા જિલ્લાઓમાં પડશે વરસાદ?

ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસોથી ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે ગરમી પડી રહી છે ત્યારે ઉનાળાની શરૂઆતમાં જ ગુજરાતમાં માવઠું થાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.

હવામાન વિભાગ પ્રમાણે સર્જાયેલી ટર્ફ રેખા અને મહારાષ્ટ્ર પાસે બંને દિશામાંથી આવેલા પવનો ભેગા થવાને કારણે દેશનાં અનેક રાજ્યોમાં વરસાદ પડી શકે છે.

આ પરિસ્થિતિને કારણે પશ્ચિમી મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, વિદર્ભ, પૂર્વ મધ્ય પ્રદેશ, ગુજરાત, કેરળ, આંધ્રપ્રદેશ, તેલંગણા અને કર્ણાટકમાં પણ વરસાદ પડી શકે છે.

ગુજરાતના અનેક વિસ્તારોમાં હાલમાં પણ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

ગુજરાતમાં આવનારા દિવસોમાં ક્યા જિલ્લાઓમાં વરસાદ પડશે અને કેટલા પ્રમાણમાં પડશે? જાણીએ આ અહેવાલમાં...

ગુજરાતમાં ક્યારે અને ક્યાં પડશે વરસાદ?

ભારતીય હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, 31મી માર્ચથી ત્રીજી એપ્રિલ સુધી ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ પડી શકે છે.

આ સાથે જ ગુજરાતમાં 30 માર્ચથી પહેલી એપ્રિલમાં તાપમાન પણ બેથી ત્રણ ડિગ્રી જેટલું વધી શકે છે જેના કારણ વિષમ હવામાનની શક્યતા છે.

ગુજરાતમાં 30 અને 31 માર્ચના રોજ પોરબંદર, ગીરસોમનાથ, અમરેલી, જૂનાગઢ જેવા જિલ્લાઓમાં અતિશય ભેજવાળું વાતાવરણ રહેવાની શક્યતા છે.

31 માર્ચના રોજ નર્મદા, તાપી અને ડાંગમાં છૂટાછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ થાય તેવી શક્યતા છે.

પહેલી એપ્રિલના રોજ અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, છોટા ઉદેપુર, ડાંગ, નવસારી અને વલસાડમાં છૂટાછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

તો બીજી એપ્રિલના રોજ ગુજરાતના અડધોઅડધ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ સિવાય અરવલ્લી, મહીસાગર, દાહોદ, ખેડા, પંચમહાલ અને આણંદ તથા ગીર સોમનાથ, અમરેલી, બોટાદ અને ભાવનગરમાં વરસાદની શક્યતા છે.

ત્રીજી એપ્રિલના રોજ વરસાદી વાતાવરણ થોડું નબળું પડે તેવી શક્યતા છે. પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર, નર્મદા અને તાપીમાં ગાજવીજ સાથે હળવો વરસાદ થઈ શકે છે.

ગુજરાતમાં બાકીના જિલ્લાઓમાં ગરમી વધશે

ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં વરસાદ દરમિયાન પવનની ઝડપ 30-60 કિમી/કલાક રહેવાની શક્યતા છે તથા સાથે ગાજવીજ, વીજળી પણ થવાની શક્યતા છે.

પરંતુ એ સાથે જ ગુજરાતના સૌરાષ્ટ્ર-કચ્છ વિસ્તારના અમુક જિલ્લાઓમાં ગરમી વધશે તેવી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર, સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં 30 અને 31 માર્ચના રોજ હિટવેવની આગાહી છે.

કચ્છ, ઉત્તર ગુજરાતના અન્ય જિલ્લાઓ બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણામાં અને સૌરાષ્ટ્રના અમુક જિલ્લાઓમાં ગરમી વધશે તેવી આગાહી કરવામાં આવી છે.

અનેક વિસ્તારોમાં વધુ ગરમીને કારણે હિટવેવ તથા લૂ લાગવાની સંભાવના પણ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.