રતન તાતા- શાંતનુ નાયડુ : એક યુવાન દિગ્ગજ ઉદ્યોગપતિનો નિકટનો મિત્ર કેવી રીતે બની ગયો?

    • લેેખક, આકૃતિ થાપર
    • પદ, બીબીસી સંવાદદાતા

યુવાઓનું સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ માનવામાં આવતા ઇન્સ્ટાગ્રામ પર નેવું વર્ષની વયે પહોંચેલી વ્યક્તિ વાઇરલ થાય એ નવી વાત નથી, પરંતુ એ વ્યક્તિ પ્રસિદ્ધિના ઝળહળાટથી દૂર રહેતી અગ્રણી બિઝનેસમેન હોય તો આશ્ચર્ય થાય જ.

જોકે, વાત અહીં પૂરી થતી નથી. આનાથી પણ વધુ નવાઈની વાત આયુષ્યના નવમા દાયકાની નજીક પહોંચેલા વૃદ્ધ ઉદ્યોગપતિની એક યુવાન સાથેની ગાઢ દોસ્તી છે.

એ મિત્રતાએ જ રતન તાતાને ભારતના સૌથી સફળ ઉદ્યોગપતિ હોવાની સાથે સોશિયલ મીડિયા સ્ટાર બનાવ્યા.

રતન તાતાનો તેમના દોસ્ત શાંતનુ નાયડુએ સોશિયલ મીડિયાની દુનિયા સાથે પરિચય કરાવ્યો હતો. સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ અને હૅશટૅગ કેવી રીતે વાપરવા તે શીખવ્યું હતું.

પોતાના યુવાન દોસ્તના આગ્રહથી જ રતન તાતાએ તેમના જીવનનાં પાછલાં વર્ષોમાં સૌપ્રથમ વખત સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો અને યુવાઓમાં લોકપ્રિય બની ગયા હતા.

રતન તાતાની સોશિયલ મીડિયા એક્ટિવિટી ઇન્ટરનેટ યુઝર્સમાં રસનો વિષય બની હતી.

રતન તાતા તેમના સોશિયલ મીડિયા પેજ પર ક્યારેક પોતાના જૂના ફોટા, ક્યારેક તેમના કૂતરાઓના ફોટા તો ક્યારેક પોતાના પરિવારના ફોટોગ્રાફ્સ પોસ્ટ કરતા હતા.

એ ફોટોગ્રાફ્સ સાથેનાં કૅપ્શન પણ એટલું જ મનોરંજક અને રમૂજી હતાં. રતન તાતા સોશિયલ મીડિયાનો અસરકારક ઉપયોગ કરતા થયા તેમાં શાંતનુની ભૂમિકા હતી.

શાંતનુ કહે છે, "છેલ્લા પાંચ દાયકાથી ભારતીયોને મન પર પ્રભુત્વ જમાવનાર અને વિવિધ ઉદ્યોગોમાં પ્રતિષ્ઠા પ્રાપ્ત કરનાર આ ઉદ્યોગપતિનું અંગત જીવન કેવું છે તેની ઝલક તેમના ચાહકોને મળવી જોઈએ. એ હેતુસર મેં તેમને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી."

કેવી રીતે થઈ દોસ્તી?

પ્રત્યેક ભારતીય તેના રોજિંદા જીવનમાં તાતા કંપનીની કોઈને કોઈ પ્રોડક્ટ વાપરે છે. દરેક ભારતીય તાતાનો ગ્રાહક છે.

મીઠાથી માંડીને સૉફ્ટવેર ડેવલપમેન્ટ સુધીના દરેક ક્ષેત્રમાં રતન તાતાએ પ્રતિષ્ઠા સ્થાપિત કરી હતી. થોડાં વર્ષોથી તેઓ યુવાઓના મિત્ર બની ગયા હતા અને સોશિયલ મીડિયા મારફત તેમની સાથે સમરસ થવા લાગ્યા હતા. શાંતનુએ ઉદ્યોગપતિ રતન તાતાને એક અર્થમાં નવી ઓળખ આપી હતી.

એકદમ ગાઢ દોસ્ત બની ગયેલા શાંતનુ અને રતન તાતા વાળ કપાવવાથી માંડીને ફિલ્મો જોવા સુધીનું બધું સાથે કરતા હતા. શાંતનુના કહેવા મુજબ, એ દોસ્તી લોકો માટે જેટલી આશ્ચર્યજનક હતી એટલી જ તેમના માટે કિંમતી હતી.

શાંતનુએ રતન તાતાના સહાયક તરીકે પણ કામ કર્યું છે. શાંતનુના જણાવ્યા મુજબ, રતન તાતા કડક શિસ્તબદ્ધ બૉસ, દૂરદર્શી માર્ગદર્શનક અને સમોવડિયા મજેદાર મિત્ર હતા.

સવાલ એ થાય કે મોટી આંખો અને વાંકડિયા વાળ ધરાવતો 25 વર્ષનો આ યુવાન વિશ્વના સૌથી સફળ ઉદ્યોગપતિઓ પૈકીના એક રતન તાતાનો આટલો નજીકનો સહયોગી અને દોસ્ત કેવી રીતે બન્યો?

શાંતનુ નાયડુ તાતા કંપનીમાં કામ કરતા હતા એટલું જ નહીં, તેમનો તાતા કંપની સાથેનો સંબંધ ઘણો જૂનો છે.

તેમની અગાઉની ચાર પેઢીએ તાતા કંપનીમાં કામ કર્યું હતું. એ અર્થમાં શાંતનુ નાયડુનો પરિવાર તાતા જૂથ સાથે ગાઢ રીતે જોડાયેલો છે, પરંતુ તાતા ગ્રૂપના વડા સાથે પોતાને આ રીતે સંબંધ બંધાશે તેનો શાંતનુને જરાય ખ્યાલ ન હતો.

રતન તાતા અને શાંતનુ નાયડુની મુલાકાત અકસ્માતે થઈ હતી. કૂતરાઓ પ્રત્યેનો પ્રેમ બન્નેની મુલાકાતનું કારણ બન્યો હતો.

સમાન શ્વાનપ્રેમી

શાંતનુ પુણેમાં તાતા જૂથની એક કંપનીમાં કામ કરતા હતા ત્યારે તેમની પ્રથમ મુલાકાત રતન તાતા સાથે થઈ હતી.

તાતા કંપનીમાં કામ કરતી વખતે શાંતનુ મોટોપૉ નામનો એક સામાજિક ઉપક્રમ પણ ચલાવતા હતા.

મોટોપૉ પહેલ હેઠળ શાંતનુ રખડતાં કૂતરાંને શોધીને તેમના ગળામાં ગ્લોઇંગ બૅન્ડ (ચળકતો પટ્ટો) પહેરાવતા હતા, જેથી રાતના સમયે પણ વાહનચાલકો શ્વાનોને જોઈ શકે. અંધારામાં શ્વાન કારની સામે આવી જવાને કારણે અવારનવાર અકસ્માતો સર્જાતા હતા. આવા અકસ્માતોમાં ઘણાં શ્વાન ગંભીર રીતે ઘાયલ થાય છે અથવા મૃત્યુ પામે છે. આવા અકસ્માતો રોકવા માટે શાંતનુએ મોટોપૉ શરૂ કર્યું હતું.

તાતા કંપનીના કર્મચારીઓ માટેના ન્યૂઝલેટરમાં શાંતનુ દ્વારા ચલાવવામાં આવતી પહેલનો ઉલ્લેખ એકવાર કરવામાં આવ્યો હતો. શ્વાનપ્રેમી રતન તાતાને આ વાતની ખબર પડી ત્યારે તેમણે શાંતનુને પત્ર લખીને મુંબઈ મળવા આવવા આમંત્રણ આપ્યું હતું.

રતન તાતાએ બીબીસી સાથે વાત કરતાં કહ્યું હતું, "રખડતા કૂતરાંની કાળજી અને શ્વાન પ્રત્યેનો પ્રેમ અમને જોડનારો સમાન તાંતણો હતો. રખડતાં કૂતરાંનો પણ એક વાલી હોવો જોઈએ. તેમને આહાર, આશ્રય અને પ્રેમ મળે એ માટે કૉલેજના વિદ્યાર્થીઓ સાથે મળીને શાંતનુએ એક ઉપક્રમ શરૂ કર્યો હતો. તેનાથી હું ખૂબ પ્રભાવિત થયો હતો. એ નિમિત્તે અમે પહેલીવાર મળ્યા હતા."

એ પ્રથમ મુલાકાતે ગાઢ દોસ્તીનો પાયો નાખ્યો હતો.

રતન તાતા સાથેની મૈત્રીની શરૂઆત કેવી રીતે થઈ તેની વાત કરતાં શાંતનુ કહે છે, "રતન તાતાના સમર્થનથી મોટોપૉ ઉપક્રમ ઝડપથી આગળ વધ્યો હતો. કામના કારણે શરૂ થયેલો સંપર્ક ધીમે ધીમે વધતો ગયો. ઓળખાણ દોસ્તીમાં ફેરવાઈ ગઈ. પછી કામ સિવાયની બાબતો વિશે બન્ને વચ્ચે વાતચીત શરૂ થઈ."

શાંતનુના પદવીદાન સમારંભ માટે અમેરિકા ગયા

રતન તાતા અને શાંતનુની દોસ્તી ખીલી રહી હતી ત્યારે શાંતનુએ ભારત છોડીને વધુ અભ્યાસ માટે અમેરિકા જવું પડ્યું, પરંતુ એ અંતર તેમને અલગ કરવાને બદલે વધારે નજીક લાવ્યું હતું.

યોગાનુયોગે, શાંતનુ અમેરિકાની એ જ કૉર્નેલ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા ગયા હતા, જ્યાં રતન તાતા ભણ્યા હતા.

અભ્યાસ દરમિયાન શાંતનુ અને રતન તાતા ફોન તથા ઇમેલ દ્વારા એકમેકના સંપર્કમાં સતત રહેતા હતા. શાંતનુ સ્નાતક થયા પછી તેમના પદવીદાન સમારંભમાં પણ રતન તાતાએ હાજરી આપી હતી.

શાંતનુ કહે છે, "એક વખત ફોન પર વાત કરતી વખતે મેં આકસ્મિક રીતે તેમને પદવીદાન સમારંભમાં હાજરી આપવા કહ્યું હતું. તેમણે હા પાડી, પછી મેં વિચાર્યું કે તેમના માટે માત્ર પદવીદાન સમારંભ માટે અહીં આવવાનું શક્ય નથી, પરંતુ તેઓ આવ્યા હતા. મને શરૂઆતમાં તો વિશ્વાસ જ થયો ન હતો."

શિક્ષણ પૂર્ણ કર્યા પછી શાંતનુ ભારત પાછા ફર્યા અને રતન તાતાને સહાયક તરીકે કામ કરવા લાગ્યા. રતન તાતાનું સપનું મુંબઈમાં ખાસ પ્રાણીઓ માટેની એક હૉસ્પિટલ બનાવવાનું હતું.

શાંતનુએ તરત જ આ પ્રોજેક્ટ માટે કામ શરૂ કર્યું હતું. એ હૉસ્પિટલનું લોકાર્પણ થોડા દિવસ પહેલાં જ કરવામાં આવ્યું હતું.

બંનેને એકમેકની કંપની ગમતી હતી. શાંતનુ માને છે કે રતન તાતા સાથે કામ કરવું એ તેના જીવનની સૌથી મોટી તક હતી. રતન તાતા કહેતા હતા કે શાંતનુ જેવા યુવાન અને મહેનતુ લોકો સાથે કામ કરવાથી આપણને નવી ઊર્જા મળે છે. કામ કરવાનો સંતોષ મળે છે.

રતન તાતાએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આજે આવા મહેનતુ અને સંવેદનશીલ યુવાનોની જરૂર છે.

અમે શાંતનુને ઑફિસમાં રતન તાતાના સહાયક તરીકે કામ કરવાના અનુભવ વિશે પૂછ્યું.

શાંતનુ કહે છે, "રતન તાતા કડક શિસ્તના આગ્રહી હતા. ઑફિસમાં યોજાતી તેમની મીટિંગ્ઝની નોંધ હું એક નોટબુકમાં કરતો હતો અને તેમની ભાવિ યોજનાઓનું નિયોજન કરતો હતો."

"દિવસની શરૂઆતમાં હું તેમની સાથે વાત કરતો હતો અને એ દિવસ દરમિયાન કરવાના કામની યાદી બનાવતો હતો. પછી અમે સાથે મળીને બધાં કામ કરતા હતા."

"કામની બાબતમાં તેમને શિથિલતા જરાય ગમતી ન હતી. કામ ગમે તેટલું મોટું હોય, પરંતુ મેં તેમને કામ પૂર્ણ ન થાય ત્યાં સુધી વિરામ લેતા જોયા નથી."

તાતા ઉદ્યોગ જૂથ ઉપરાંત રતન તાતાએ 73 ભારતીય સ્ટાર્ટઅપ્સમાં પણ રોકાણ કર્યું હતું. તેઓ ઓલા કંપનીમાં શરૂઆતથી જ ભરોસો કરનાર જૂજ રોકાણકારો પૈકીના એક હતા. આજે ઓલા બહુ સફળ સાબિત થઈ છે.

રતન તાતા પાસે ઉદ્યોગસાહસિકતા અને ઉદ્યોગને નાણવાની તથા તેને પ્રોત્સાહન આપવાની દૂરંદેશી પણ હતી.

રતન તાતાએ શાંતનુની મદદથી પોતાનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ શરૂ કર્યું હતું. પોતાના ખાનગી અને અંગત જીવવના પાસાઓ પ્રશંસકો સામે રજૂ કરવા ઉપરાંત રતન તાતા ઇન્સ્ટાગ્રામ પરની કેટલીક પોસ્ટ્સ દ્વારા બિઝનેસ કરવા અને ઉદ્યોગ આદરવા માર્ગદર્શન પણ આપતા હતા.

આજની પેઢી ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કેવી રીતે કરે છે, તે શાંતનુએ રતન તાતાને શીખવ્યું હતું. તેથી #ThrowbackThursday હેશટેગનો ઉપયોગ કરીને તેઓ દર ગુરુવારે પોતાની યુવાનીના ફોટોગ્રાફ્સ પોસ્ટ કરતા હતા.

રતન તાતા લગભગ 90 વર્ષના હોવા છતાં યુવાઓને એવું લાગતું હતું કે રતન તાતા તેમના પૈકીના એક છે. તેથી રતન તાતાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ્સ, ફોટો કૅપ્શન્શ અને હૅશટેગ્ઝ ખૂબ જ લોકપ્રિય થયાં હતાં.

ફિલ્મોના એકસરખા રસિયા

ઑફિસમાં સહાયક હોવાની સાથે બંને ખૂબ જ ગાઢ દોસ્ત બની ગયા હતા.

શાંતનુના કહેવા મુજબ, બંનેને ઍક્શન કૉમેડી ફિલ્મો પસંદ હતી. બંનેએ ‘ધ અધર ગાય્ઝ’ અને ‘લોન રેન્જર’ જેવી ફિલ્મોનો આનંદ સાથે મળીને માણ્યો હતો.

નેટફ્લિક્સ પર પ્રસારિત ઇઝરાયલી સૈન્ય વિશેની ‘ફૌદા’ સીરિઝ પણ રતન તાતાને પસંદ પડી હતી.

જે મોટોપૉ પ્રોજેક્ટને લીધે બંને વચ્ચે પહેલી મુલાકાત થઈ હતી તે હવે છોડમાંથી વટવૃક્ષ સુધી વિસ્તર્યો છે.

તેમણે મુંબઈમાં ખાસ પ્રાણીઓ માટે સુસજ્જ હૉસ્પિટલ સ્થાપી છે. એ ઉપરાંત ભારતમાં અને વિવિધ અન્ય દેશોમાં આ સંગઠનનો વિસ્તાર કર્યો છે. આ એક સખાવતી સંસ્થા હોવા છતાં તેનું વિસ્તરણ આશ્ચર્યજનક છે.

શાંતનુ કહે છે, "અમારી વચ્ચેનો સંબંધ એટલો મજબૂત હતો કે કોઈ વાત મને ખટકે કે હું નારાજ થાઉં ત્યારે સૌથી પહેલાં તેમને ફોન કરતો હતો. તેઓ પણ તેમની મુશ્કેલીની કે આનંદની ક્ષણો વિશે મને આગ્રહપૂર્વક જણાવતા હતા."

"રતન તાતા કાયમ મારી પડખે ઊભા રહ્યા. હું પણ તેમના માટે એટલો જ આધારરૂપ બન્યો હોઈશ એવી મને આશા છે."

રતન તાતાએ મુંબઈની બ્રીચ કૅન્ડી હૉસ્પિટલમાં બુધવાર નવમી ઑક્ટોબરે 86 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા.

શાંતનુ કહે છે, "રતન તાતાના નિધનથી મેં મને અંધકારમાંથી પ્રકાશ તરફ દોરી લાવેલો એક માર્ગદર્શક ગુમાવ્યો છે."

"રતન તાતાના અવસાનથી મેં એક ખૂબ જ નજીકનો દોસ્ત ગુમાવ્યો છે. તેમના મૃત્યુથી સર્જાયેલા શૂન્યાવકાશને ભરવાનું મારા માટે સરળ નહીં હોય."

શાંતનુ અને રતન તાતા વચ્ચેનો આ અનોખો સંબંધ દર્શાવે છે કે દોસ્તીની કોઈ સીમા હોતી નથી, ઉંમરની પણ નહીં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.