ગુજરાત: ચોમાસામાં સાપ કરડવાના કેસ કેમ વધી જાય છે અને શું કાળજી રાખવી જોઈએ?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી સંવાદદાતા

ચોમાસામાં ભારે વરસાદ અને તેના કારણે થતી તારાજીની સાથે સાથે સાપ કરડવાની ઘટનામાં પણ વધારો જોવા મળે છે. ભારત સરકારના આંકડા અનુસાર, દેશમાં દર વર્ષે 40 લાખ લોકોને સાપ કરડે છે, જેમાંથી 50 હજાર જેટલા દર્દીનાં મોત થાય છે.

સર્પદંશને કારણે દુનિયાભરમાં દર વર્ષે 81,410થી 1,37,880 જેટલા લોકોનાં મૃત્યુ થતાં હોવાનું વિશ્વ આરોગ્ય સંસ્થાનું અનુમાન છે.

સમગ્ર વિશ્વમાં સર્પદંશના કુલ કેસમાંથી લગભગ અડધોઅડધ ભારતમાં નોંધાય છે.

સાપના ડંખથી થતાં મૃત્યુ અને લાંબા ગાળાની અપંગતાને રોકવાનો, નિયંત્રણ કરવાનો તેમજ વર્ષ 2030 સુધીમાં સર્પદંશના કેસની સંખ્યા અડધી થાય, તે ઉદ્દેશ સાથે કેન્દ્ર સરકારે 12 માર્ચ, 2024ના રોજ નૅશનલ ઍક્શન પ્લાન ફૉર પ્રિવેન્શન ઍન્ડ કંટ્રૉલ ઑફ સ્નેક બાઇટ ઍન્વેનોમિંગ ઇન ઇન્ડિયા (NAPSE) કાર્યક્રમ અમલમાં મૂક્યો છે.

વિશ્વ આરોગ્ય સંસ્થાના જણાવ્યા પ્રમાણે, ખેતીમાં કામ કરતા લોકો અને બાળકો સર્પદંશનો વધારે ભોગ બને છે, જેમાં બાળકોને સાપના ઝેરની અસર સૌથી વધારે થાય છે.

અન્ય ઋતુઓની સરખામણીએ ચોમાસામાં સાપ કરડવાના કિસ્સા વધારે જોવા મળતા હોય છે.

રાજ્યસભામાં રજૂ કરવામાં આવેલા આંકડા, તેમજ ગુજરાત રાજ્યની 108 ઇમર્જન્સી ઍમ્બુલન્સ સર્વિસના આંકડા જોતાં ગુજરાતમાં સાપ કરડવાના કેસોમાં વધારો થતો હોવાનું જોવા મળે છે.

ચોમાસામાં સર્પદંશની વધતી ઘટનાઓ માટે નિષ્ણાતો વિવિધ કારણો આપે છે.

નિષ્ણાતો અનુસાર ચોમાસામાં સાપ શા માટે વધુ જોવા મળે છે તથા શા માટે વધારે ડંખ મારે છે, તેના માટે સાપની શારીરિક તથા ઋતુગત જરૂરિયાતો પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.

સરકારી વેબસાઇટ અનુસાર, ગુજરાત રાજ્યમાં જોવા મળતા સાપમાંંથી મુખ્યત્વે ચાર પ્રજાતિના સાપ જ ઝેરી હોય છે.

સાપ કરડવાના કેસોમાં વધારો

સેન્ટ્રલ બ્યૂરો ઑફ હેલ્થ ઇન્વેસ્ટિગેશન (CBHI)ના અહેવાલો (2016-2020) મુજબ, ભારતમાં સર્પદંશના સરેરાશ વાર્ષિક કેસોની સંખ્યા લગભગ ત્રણ લાખ છે અને લગભગ 2000 મૃત્યુ સર્પદંશના ઝેરને કારણે થાય છે.

રાજ્યસભા અને ઇમર્જન્સી આરોગ્યસેવા 108ના આંકડા જોતા દર વર્ષે સાપ કરડવાના કેસોમાં વધારો જોવા મળે છે.

રાજ્યસભામાં વર્ષ આપવામાં આવેલા આંકડા અનુસાર, ગુજરાતમાં વર્ષ 2017માં (6,209 કેસ અને 49 મૃત્યુ), વર્ષ 2018માં (7272 કેસ અને 50 મૃત્યુ). જ્યારે વર્ષ 2019માં 7391 લોકોને સાપ કરડ્યા હતા, જેમાંથી 56 લોકોનાં મૃત્યુ થયાં હતાં.

સાપના ડંખ બાદ લોકો મોટા ભાગે 108 ઇમર્જન્સી ઍમ્બુલન્સનો સંપર્ક કરે છે.

ગુજરાતની 108 ઇમર્જન્સી સર્વિસના ફંક્શનલ હેડ વિકાસ બિહાની તરફથી મળેલા આંકડા અનુસાર, છેલ્લા પાંચ વર્ષ દરમિયાન 108 ઇમર્જન્સી સર્વિસને સાપ કરડવા અંગે મળેલા કોલની સંખ્યામાં વધારો થયો છે.

ચોમાસામાં સાપ વધારે કરડે છે, નિષ્ણાતો શું કહે છે?

WHOએ જૂન-2017માં સર્પદંશના કેસોને નેગલેટેડ ટ્રોપિકલ ડિસીઝ (NTDs)ના પ્રાયૉરિટી લિસ્ટમાં મૂક્યા છે.

ભારત સરકારે એક પ્રેસ નિવેદનમાં આપેલી માહિતી અનુસાર, દેશમાં સાપ કરડ્યા બાદ થોડાક જ લોકો હૉસ્પિટલમાં રિપોર્ટ કરે છે, જેથી સાપ કરડવાના વાસ્તવિક આંકડા કરતાં ઓછા જોવા મળી રહ્યા છે.

ડૉ. ડી સી પટેલ છેલ્લા લગભગ ચાર દાયકાથી સાપ કરડવાના કેસ સંભાળે છે અને ધરમપુર ખાતે આવેલા રાજ્યના એકમાત્ર સ્નેક રિસર્ચ સેન્ટરમાં વાઇસ-ચૅરમૅન છે.

ડૉ. ડી સી પટેલનું કહેવું છે કે તેમણે છેલ્લાં 38 વર્ષમાં 21 હજાર કરતાં વધારે લોકોની સાપ કરડવા સંબંધિત સારવાર કરી છે.

રાજ્યમાં સાપ કરડવાના કેસમાં જોવા મળી રહેલા વધારા અંગે ડૉ. ડીસી પટેલ કહે છે, "પહેલાંના સમયમાં સાપ કરડે તો કેટલાક લોકો અંધશ્રદ્ધા રાખીને ભુવા પાસે લઈ જતા હતા. હવે જાગૃતિ આવવાને કારણે લોકો હૉસ્પિટલમાં જાય છે, એટલે આંકડામાં વધારો જોવા મળે છે."

'રાજ્યમાં ચાર જ સાપની પ્રજાતિ ઝેરી'

ભારતમાં સામાન્ય રીતે સાપની 250થી વધુ પ્રજાતિ જોવા મળે છે, જેમાંથી 52 સાપ ઝેરી હોય છે.

ભારતમાં મળી આવતા ઝેરી સાપોમાં મુખ્યત્વે: ક્રૅટ, કૉબ્રા, વાઇપર, દરિયાઈ સાપો અને રિયર ફેન્ગડ સ્નેકનો (rear fanged snake) સમાવેશ થાય છે.

ગુજરાતમાં જોવા મળતી લગભગ 60થી 62 જેટલી પ્રજાતિમાંથી માત્ર ચાર પ્રજાતિના સાપ મનુષ્યો માટે જોખમી છે.

સર્પદંશથી થતાં સૌથી વધુ મૃત્યુ પાછળ મુખ્યત્વે ચાર સાપ, નાગ (ઇન્ડિયન કોબ્રા), કાળોતરો (ઇન્ડિયન ક્રૅટ), ખડચીતળો (રસેલ્સ વાઇપર) અને ફૂરસો (સો સ્કેલ્ડ વાઇપર) કારણભૂત છે.

ડૉ. ડીસી પટેલે બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યું, "ગુજરાતમાં જોવા મળતા સાપમાં ચાર સાપની પ્રજાતિ ઝેરી છે. જોકે જે સાપ બિનઝેરી છે અને તેને કોઈ ઝેરી સાપ કરડ્યો હોય, તેવા કિસ્સામાં બિનઝેરી સાપ કરડે, તો પણ ઝેર ફેલાવાની શક્યતા જોવા મળે છે."

આ અંગેના કારણ અંગે વાત કરતા ડૉ. પટેલ કહે છે, "કાળોતરો (ઇન્ડિયન ક્રૅટ) સાપનો મુખ્ય ખોરાક જ બીજા સાપ છે. તે કોઈ બિનઝેરી સાપને ખાવા જાય અને ભાગતા પહેલાં તે સાપને કાળોતરાએ ડંખ માર્યો હોય તેવા કિસ્સામાં બિનઝેરી સાપનું ઝેર ચડી શકે છે."

ડૉ. ડીસી પટેલ કહે છે, "મારી પાસે એવા ઘણા કેસ આવે છે, જેમાં જે સાપ કરડ્યો હોય તેનો ફોટો લઈને આવ્યા હોય. ફોટો જોઈને ખબર પડે કે સાપ બિનઝેરી પ્રજાતિનો સાપ છે, પરંતુ દર્દીનાં લક્ષણો ઝેરી સાપનાં જોવાં મળતાં હોય છે."

ચોમાસામાં સાપ કરડવાના કિસ્સા કેમ વધી જાય છે?

ચોમાસામાં ખોરાકની શોધમાં તેમજ તેમના દરમાં પાણી ભરાઈ જવાને કારણે સાપ બહાર વધારે જોવા મળે છે.

અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનના હેલ્થ વિભાગના આંકડા અનુસાર, વર્ષ 2024માં સાપ કરડવાના 48 કેસ નોંધાયા હતા. જેમાંથી જૂન, જુલાઈ અને ઑગસ્ટ એમ ત્રણ મહિનામાં જ 30 કેસ નોંધાયા હતા.

જુલાઈ 2025 સુધી નોંધાયેલા 34 કેસમાંથી મે, જૂન અને જુલાઈ એમ ત્રણ મહિનામાં જ 32 કેસ નોંધાયા હતા.

અમદાવાદસ્થિત એલજી હૉસ્પિટલનાં સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. લીના ડાભી કહે છે, "સાપ કરડવાના કેસ સામાન્ય રીતે મે મહિનાથી વધારે જોવા મળે છે. ઉનાળામાં બહાર કે નીચે સૂતેલા લોકોને સાપ કરડવાના કેસ જોવા મળતા હોય છે."

"મે મહિનાથી ઑક્ટોબર માસમાં સાપ કરડવાના દર મહિને 15થી 17 કેસ જોવા મળતા હોય છે. જ્યારે અન્ય મહિનાઓમાં દર મહિને લગભગ પાંચ કેસ જોવા મળે છે."

છેલ્લાં લગભગ 38 વર્ષથી માનવવસાહતોમાં આવી ગયેલા સાપને બચાવવાનું અને સાપ વિશે લોકજાગૃતિનું કામ કરતા ગાંધીનગરના સર્પપ્રેમી કર્મશીલ ધર્મેન્દ્ર ત્રિવેદી કહે છે, "આપણે સાપથી ડરવાની જરૂર નથી, કારણ કે સાપ આપણાથી (મનુષ્યોથી) ડરતા હોય છે. સાવચેતી રાખવાથી અને સાપના વર્તનની સમજણ કેળવવાથી સર્પદંશથી બચી શકાય છે. સાપ દબાણમાં આવવાથી કે ડરને કારણે બચાવ માટે જ ડંખ મારે છે."

ચોમાસામાં સાપ કરડવાના કેસ કેમ વધી જાય છે તે અંગે વાત કરતાં ધર્મેન્દ્ર ત્રિવેદી કહે છે, "સાપ વગેરે સરિસૃપો ઠંડું લોહી ધરાવતા હોય છે. સાપના શરીરમાં તાપમાન જાળવી રાખવાની કોઈ વ્યવસ્થા હોતી નથી."

"શિયાળો સાપ માટે 'શીતનિદ્રા'નો સમયગાળો છે એ સમયે તેઓ દરમાં સૂતા જ રહે છે. ત્યાર બાદ એ ઉનાળામાં શીતનિદ્રામાંથી બહાર આવે છે અને એ સમયગાળો તેમના પ્રજનનનો અને ઈંડાં મૂકવાનો હોય છે."

ધર્મેન્દ્ર ત્રિવેદીએ ઉમેર્યું, "ચોમાસામાં એ ઈંડાંમાંથી સાપનાં બચ્ચાં જન્મે છે. ચોમાસું એ સાપ અને તેનાં બચ્ચાં માટે આગામી શિયાળાની શીતનિદ્રાની તૈયારી કરવાનો સમયગાળો છે."

"વળી, ચોમાસામાં જ દેડકાં, ઉંદર, જીવડાં, ગરોળી વગેરે જીવજંતુઓ અને પ્રાણીઓ મોટા પ્રમાણમાં મળે છે, જે સાપનો ખોરાક છે."

"તેઓ શીતનિદ્રામાં જતાં પહેલાં વધારે ખોરાક ખાઈને ઍનર્જી એકઠી કરે છે. જેથી તે ખૂબ જ સક્રિય હોય છે અને સતત ખોરાકની શોધમાં રહે છે."

ધર્મેન્દ્ર ત્રિવેદી પોતાના અનુભવ અંગે વાત કરતાં કહે છે, "સાપને રેસ્ક્યૂ કરીએ, તો તે શિકાર કરેલા ખોરાકને ઊલટી કરીને બહાર ફેંકી દે છે. મેં એક વાર એક ધામણને રેસ્ક્યૂ કરી હતી, જેણે ઊલટી કરી, તો તેમાંથી છ ઉંદર નીકળ્યા હતા."

અમદાવાદમાં છેલ્લાં 10 વર્ષ કરતાં વધારે સમયથી સાપ રેસ્ક્યૂઅર સંકેત મિસ્ત્રીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં જણાવ્યુ, "સાપ રેસ્ક્યૂ માટે સામાન્ય દિવસો કરતાં ચોમાસામાં ચારથી પાંચ ગણા ફોન વધારે આવે છે. રેલવે ટ્રૅકની આસપાસ તેમજ તળાવ કે સાબરમતીની આસપાસના વિસ્તારોમાં ચોમાસામાં વધારે ફોન આવે છે."

સંકેત મિસ્ત્રી વધુમાં જણાવે છે, "સાપ નીચેનાં ઘરોમાં કે દુકાનમાં ઘૂસી જવાના ફોન વધુ આવે છે. સાપ પગરખાંના કબાટમાં, વૉશિંગ મશીન, બહાર પડી રહેતી બાઇક કે ગાડીમાં તેમજ નીચેનાં ઘરો કે દુકાનમાં સાપ ઘૂસી આવવાના ફોન આવતા હોય છે. કાચાં મકાનોમાં છાપરા પર પણ સાપ જોવા મળે છે."

સાપ કરડે તો કેવાં લક્ષણો જોવાં મળે?

અમદાવાદ જિલ્લાના હેલ્થ ઍપિડેમિક ઑફિસર ડૉ. ચિંતન દેસાઈ કહે છે, "અમારા દરેક પ્રાથમિક હેલ્થ સેન્ટર પર ઍન્ટિવેનમ (સાપના ઝેરનું મારણ કરતી રસી) હોય છે. સર્પદંશ બાદ જે પણ દર્દી આવે તો સરકારની ગાઇડલાઇન મુજબ, પ્રાથમિક સારવાર કરાય છે અને બાદમાં દર્દીને મોટી હૉસ્પિટલમાં મોકલવામાં આવે છે."

ડૉ. ડીસી પટેલ જણાવે છે, "સાપ કરડવાના કિસ્સામાં લક્ષણો આધારે સારવાર કરવાની હોય છે. સાપનું ઝેર ફેલાવવાને કારણે શરીરમાં ન્યૂરો ટૉક્સિસિટી, હિમો ટૉક્સિસિટી તેમજ સાઇટો ટૉક્સિસિટી જેવાં લક્ષણો જોવાં મળે છે."

ડૉ. ડીસી પટેલે કહ્યું, "કોબ્રા અને કાળોતરા સાપનું ઝેર ન્યૂરોટૉક્સિક હોય છે અને ખડચીતળા અને ફૂરસાનું ઝેર હિમેટોટૉક્સિક હોય છે. ન્યૂરોટૉક્સિક ઝેર શરીરના ચેતાતંત્ર પર અસર કરે છે અને દર્દીમાં લકવાની અસર, તોતડાવું, શ્વાસ લેવામાં તકલીફ, આંખની પાંપણ ખૂલે નહીં, જેવાં લક્ષણો જોવાં મળે છે."

"જ્યારે હિમેટોટૉક્સિક ઝેરની અસર શરીરના રુધિરાભિસરણતંત્રમાં થાય છે એટલે કે આ ઝેર લોહીમાં ભળી જાય છે અને શરીરના આંતરિક ભાગોમાં હેમરેજ (લોહીની નળીઓ ફાટવી) થવા લાગે છે. જેથી પેશાબમાં, ઝાડામાં, નાકમાંથી, કાનમાંથી કે ઊલટીમાં કે અન્ય રીતે લોહી નીકળે છે."

"સાઇટો ટૉક્સિકમાં ઝડપથી સોજો આવે, શ્વાસ લેવામાં તકલીફ થાય, ડંખની જગ્યા પર ગૅંગ્રીન થવા જેવાં લક્ષણો દેખાય છે. જો સમયસર દવા કરાવવામાં ન આવે તો લાંબા ગાળાની અપંગતા આવવાની શક્યતા હોય છે."

ડૉ. ડીસી પટેલ કહે છે, "કેટલાક લોકો સર્પદંશ થયા પછી સાપનો ફોટો લેવા માટે રાહ જુએ છે. જો સાપનો ફોટો ન પણ હોય, તો પણ લક્ષણોને આધારે સારવાર થાય છે. જેથી ફોટો લેવા માટે સમય ન બગાડવો જોઈએ."

"ઘરે કોઈ હોય અને તે ફોટો મોકલે તો ફોટાને આધારે સારવારમાં મદદ ચોક્કસ થઈ શકે છે. તેમજ કેટલાક લોકો સાપ કરડે તે જગ્યા પર ચુસ્ત દોરી બાંધી દે છે, પણ દોરી ન બાંધવી જોઈએ."

સાપ કરડે ત્યારે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ?

ગુજરાત સરકારે જાહેર કરેલ ગાઇડલાઇન અનુસાર, સાપ કરડ્યા બાદ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને શું કરવું જોઈએ.

  • સર્પદંશવાળી જગ્યાથી ઝેર ચૂસીને કાઢવાનો પ્રયત્ન ન કરવો
  • ઝેર બહાર કાઢવા માટે સર્પદંશવાળી જગ્યામાં ચીરો ન કરવો
  • પરંપરાગત ઉપચાર કરનારી વ્યક્તિ પાસે જવું નહીં
  • સર્પદંશના દર્દીનો ક્યારેય પણ ઘરગથ્થુ ઉપચાર કરવો નહીં
  • જે જગ્યાએ સાપ કરડ્યો હોય તેની ઉપર પાટો બાંધવો નહીં
  • કરડેલો ભાગ સાફ ન કરો અને બરફ પણ ન લગાવવો
  • સાપને પકડવાની અથવા મારવાનો પ્રયાસ કરવો નહીં, સાપને મારી નાખવાથી ઝેર ઊતરી જતું નથી

સાપ કરડ્યા બાદ શું કરવું?

  • સાપ કરડે ત્યારે સૌથી પહેલાં એ ખાતરી કરી લો કે જેમને સાપ કરડ્યો છે તે અને બીજી વ્યક્તિ સાપથી દૂર છે કે નહીં. સાપને પકડવાનો પ્રયત્ન ન કરવો.
  • દૂરથી સાપને જોઈ લેવો અને કેવો દેખાય છે તે યાદ રાખવાનો પ્રયત્ન કરવો. જેથી હૉસ્પિટલ લઈ જવાય ત્યારે સારવાર કરવામાં સરળતા રહે.
  • સાપ કરડ્યો હોય તે ભાગમાંથી ઘરેણાં, ઘડિયાળ, વીટીં કે બીજી વસ્તુઓ પહેરેલી હોય તો તેને ઉતારી દેવી.
  • સાપ કરડ્યા બાદ દોડવું નહીં, બને તેટલું શાંત રહેવું અને શક્ય હોય તો જેમને સાપ કરડ્યો છે તેમને ચાલવા ન દેશો.
  • સમય ગુમાવ્યા વિના તાત્કાલિક હૉસ્પિટલ જવા માટે વાહનની વ્યવસ્થા કરો, જેથી વ્યક્તિનો જીવ બચાવી શકાય.
  • જો શક્ય હોય તો સાપ ક્યારે કરડ્યો અને તે બાદ કેવાં લક્ષણો દેખાવાં લાગ્યાં તે નોંધી લો.
  • હૉસ્પિટલ પહોંચો ત્યારે સૌપ્રથમ ડૉક્ટરને સાપ કેવો દેખાતો હતો અને આખી ઘટનામાં શું-શું થયું તેની વિગતો આપો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન