'દવા લઈને પણ બ્લડ પ્રેશર કાબૂમાં નહોતું આવતું' એ બીમારી જેને કારણે ગર્ભવતીનું મૃત્યુ પણ થઈ શકે, તેનાથી કેવી રીતે બચવું?

    • લેેખક, લક્ષ્મી પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે

"29 વર્ષની ઉંમરે હું પહેલી વખત ગર્ભવતી બની. રૂટિન ચૅકઅપમાં મારું બ્લડપ્રેશર વધારે આવતું હતું."

"તેથી મેં વિવિધ ટેસ્ટ કરાવ્યા. જેમાં પ્રિ-અક્લૅમ્પસિયાનું નિદાન થયું. નિદાન થતાં જ મેં સારવાર શરૂ કરી, પણ બ્લડ પ્રેશર કાબૂમાં રહેતું નહોતું. જેથી આઠમા મહિને પ્રિમૅચ્યોર ડિલિવરી કરાવવી પડી."

"પાંચ વર્ષ પછી ફરી વખત ગર્ભવતી થઈ ત્યારે સાતમા મહિનામાં પ્રિ-અક્લૅમ્પસિયાનું નિદાન થયું. આ વખતે પૂરતી તકેદારી રાખી તો સમયસર ડિલિવરી થઈ."

આ શબ્દો છે સુરતનાં ગાયનૅકોલોજિસ્ટ ડૉ. શ્રદ્ધા અગ્રવાલનાં.

તેઓ શહેરની સ્મીમેર હૉસ્પિટલના ગાયનૅક વિભાગમાં પ્રૅક્ટિસ કરે છે અને મેડિકલ કૉલેજમાં આસિસ્ટન્ટ પ્રોફૅસર તરીકે કાર્યરત છે.

તેમણે પોતાની કારકિર્દીમાં અક્લૅમ્પસિયાના ઘણાં દર્દીઓની સારવાર કરી છે. તેમને ખુદને બંને પ્રસૂતિ દરમિયાન પ્રિ-અક્લૅમ્પસિયાનું નિદાન થયું હતું.

ડૉ. શ્રદ્ધા અગ્રવાલ વર્ષ 2003માં જ્યારે પ્રથમ વખત ગર્ભવતી બન્યાં ત્યારે તેમની ઉંમર 29 વર્ષ હતી.

તે સમયની વાત કરતાં તેઓ કહે છે, "એ વખતે પ્રૅગ્નેન્સીમાં મને બીજી કોઈ સમસ્યા ન હતી, પણ મારું વજન અને બ્લડપ્રેશર વધવા લાગ્યું હતું. જેથી મેં ચૅકઅપ કરાવ્યું."

તેમણે આગળ કહ્યું, "ચૅકઅપમાં પ્રિ-અક્લૅમ્પસિયાનું નિદાન થયું. નિદાન થતાં જ દવાઓ શરૂ કરી."

"જેમજેમ સમય ગયો મારું બ્લડપ્રેશર કાબૂ બહાર જતું રહ્યું. પ્રૅગ્નેન્સીના આઠમા મહિના સુધીમાં તો મારું બ્લડપ્રેશર દવાઓથી પણ કાબૂમાં નહોતું રહેતું. આ સ્થિતિમાં મારે પ્રિમૅચ્યોર ડિલિવરી થઈ."

આ પ્રિમૅચ્યોર ડિલિવરીના થોડાક સમય બાદ તેમનું બ્લડપ્રેશર સામાન્ય થઈ ગયું હતું.

પ્રથમ સંતાનનાં પાંચ વર્ષ બાદ તેઓ ફરીથી ગર્ભવતી થયાં.

અગાઉ પ્રિ-અક્લૅમ્પસિયા થયો હોવાથી આ વખતે તેમણે શરૂઆતથી જ દવા ચાલુ રાખી હતી. આ વખતે ગર્ભાવસ્થાના સાતમા મહિને તેમને પ્રિ-અક્લૅમ્પસિયાનું નિદાન થયું.

આ વિશે ડૉ. શ્રદ્ધા કહે છે, "શરૂઆતથી દવાઓ લેવાનું ચાલુ કર્યું હોવાથી આ વખતે મારું બ્લડપ્રેશર કાબૂમાં હતું. જેથી બીજી પ્રૅગ્નેન્સી વખતે સમયસર ડિલિવરી થઈ. ડિલિવરી બાદ મારું બ્લડપ્રેશર સામાન્ય થઈ ગયું, પરંતુ પાંચ વર્ષ બાદ ફરી વખત બ્લડપ્રેશરની તકલીફ શરૂ થઈ. જેની મારે હાલ પણ દવા લેવી પડે છે. "

શું છે અક્લૅમ્પસિયા અને તેનાં લક્ષણો?

ગર્ભવતી મહિલાઓ માટે અક્લૅમ્પસિયા એક ગંભીર બીમારી છે. તેને લઈને જાગૃતિના અભાવે મુક્તપણે ચર્ચા પણ થતી નથી.

અમદાવાદ સિવિલ હૉસ્પિટલના ગાયનૅક વિભાગના વડા ડૉ. એ. યુ. મહેતા અનુસાર વિશ્વભરમાં અક્લૅમ્પસિયા પર અલગઅલગ રિસર્ચ કરાયા હોવાં છતાં તેની પાછળના ચોક્કસ કારણો જાણી શકાયાં નથી, પરંતુ જો તેનું સમયસર નિદાન ન થાય તો એ જીવલેણ સાબિત થઈ શકે છે.

આ બીમારીના બે તબક્કા છે. પ્રથમ છે, 'પ્રિ-અક્લૅમ્પસિયા' અને બીજો છે, 'અક્લૅમ્પસિયા'.

ડૉ. મહેતા મુજબ, "બંને તબક્કામાં સૌથી સામાન્ય લક્ષણ છે 'બ્લડપ્રેશર વધી જવું'. આ ઉપરાંત સતત માથાનો દુખાવો, જોવામાં તકલીફ પડવી, શ્વાસ લેવામાં તકલીફ પડવી, હાથ-પગ પર સોજો આવવા જેવાં લક્ષણો પણ જોવા મળે છે. આ લક્ષણોની અસર સામાન્યપણે મહિલાઓનાં કિડની, હાર્ટ, ફેફસાં, લીવર જેવાં અંગો પર જોવા મળે છે."

તેમણે આગળ કહ્યું, "માનવામાં આવે છે કે આ બીમારી મેલી (પ્લેસેન્ટા) ના કારણે થાય છે. કારણ કે ડિલિવરી બાદ મેલી છૂટી પડ્યા બાદ મહિલાની તબિયત સુધરવા લાગે છે. મેલી (પ્લેસેન્ટા)માં ટ્રોફો બ્લાસ્ટ આવતાં હોય છે. જે પુરુષ તરફથી મળતા હોય છે."

પોતાના કિસ્સાને ટાંકીને ડૉ. શ્રદ્ધા અગ્રવાલ જણાવે છે કે "એક વખત પ્રૅગ્નેન્સી દરમિયાન અક્લૅમ્પસિયા થયા બાદ બીજી પ્રૅગ્નેન્સીમાં પણ તે થવાની શક્યતા રહેલી છે."

તેઓ આગળ કહે છે, "પ્રૅગ્નેન્સી દરમિયાન થયેલી લીવર, કિડની, બ્લડપ્રેશરની તકલીફ કે પછી ડાયાબિટીસ જેવી બીમારી ડિલિવરી બાદ સામાન્ય થઈ જાય છે, પરંતુ બાદમાં બ્લડપ્રેશર તેમજ ડાયાબિટીસની તકલીફ ફરીથી થવાની શક્યતા રહેલી છે."

"પણ જો લીવર, કિડની કે પછી ફેફસાંને પહોંચેલું નુકસાન વધારે હોય તો સ્થિતિ સામાન્ય થતા વધારે સમય લાગી જાય છે. ક્યારેક મલ્ટીઑર્ગન ફેઇલિયર થવાની પણ શક્યતા છે. જેના લીધે પ્રસૂતાનું મૃત્યુ થઈ શકે છે."

અમેરિકાની સ્વાસ્થ્ય બાબતોની સરકારી વેબસાઇટ અનુસાર પ્રિઅક્લૅમ્પસિયામાં અચાનક બ્લડ પ્રેશરમાં વધારો જોવા મળી શકે છે. જ્યારે અક્લૅમ્પિયામાં વધુ ગંભીર લક્ષણો જોવા મળી શકે છે જેમાં કોમામાં જવું કે વાઈ આવવા જેવી સમસ્યા થઈ શકે છે.

ત્યારે આ વેબસાઇટ મુજબ આ બીમારી પ્લેસેન્ટામાં સમસ્યાઓ ( જેમકે લોહી પૂરતા પ્રમાણમાં ન પહોંચવું), જેનેટિક કારણો, પોષણનાં કારકો, હોર્મોનમાં અસંતુલન, હૃદયસંબંધિ અથવા સોજાને સંબંધિત સમસ્યાઓ હોઈ શકે છે.

બ્રિટનની સરકારી આરોગ્ય સંસ્થા એનએચએસ મુજબ પ્રિઅક્લૅમ્પિયાના શરૂઆતનાં લક્ષણોમાં બ્લડ પ્રેશર વધવાની સાથે-સાથે પેશાબમાં પ્રોટીનનું પ્રમાણ દેખાવું પણ સામેલ છે. અને જો લક્ષણો વધુ ગંભીર બને તો માથોમાં અતિશય દુખાવાની તકલીફ પણ થઈ શકે છે. આ સિવાય દૃષ્ટિ સંબંધિત સમસ્યાઓ, ઊલટી અને ચહેરા તથા હાથ-પગમાં સોજા આવવા જેવી તકલીફો થઈ શકે છે.

એનએચએસ મુજબ, ગર્ભ રહે તે પહેલાં ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશન, કિડની સંબંધિત રોગ હોય તો આ બીમારી થવાની શક્તા હોઈ શકે છે. 40 વર્ષથી વધુ ઉંમરમાં ગર્ભવતી થવું, પ્રથમ પ્રેગ્નેન્સીના 10 વર્ષ બાદ ફરીથી ગર્ભવતી થવું, જોડિયાં બાળકો વગેરે જેવી પરિસ્થિતિમાં આ બીમારી થવાની શક્યતામાં થોડો વધારો થઈ શકે છે.

"સમયસર નિદાન જરૂરી"

અક્લૅમ્પસિયા થવા પાછળનાં ચોક્કસ કારણો હજુ સુધી જાણી શકાયાં નથી અને ગર્ભાવસ્થા દરમિયાન ક્યારેય પણ થઈ શકે છે. તેથી તેનું સમયસર નિદાન થાય તે જરૂરી છે.

નિદાન અને સારવાર અંગે વાત કરતા ડૉ. એ. યુ. મહેતા કહે છે, "અક્લૅમ્પસિયાની સીધી અસર મગજ પર થાય છે. પ્રિ-અક્લૅમ્પસિયાનાં 15 ટકા દર્દીઓમાં ઍક્લેમ્પસિયા થવાની શક્યતા છે. જેથી તેનું સમયસર નિદાન થવું જરૂરી છે."

સમયસર નિદાન વિશે તેઓ કહે છે, "દરેક ગર્ભવતી મહિલાએ પ્રથમ વખત પીરિયડ્સ મિસ થાય ત્યારથી ડિલિવરી સુધી ચૅકઅપ માટે ઓછામાં ઓછી 10 વિઝિટ કરવી જોઈએ, સમયાંતરે બ્લડપ્રેશર ચૅક કરાવતાં રહેવું જોઈએ. સાથે જ જરૂર પડે તો અન્ય ટેસ્ટ પણ કરાવવા જોઈએ."

તેમણે આગળ કહ્યું, "જો ટેસ્ટમાં પ્રિ-અક્લૅમ્પસિયાનું નિદાન થાય તો મહિલાઓએ ઘરે ડિલિવરી ન કરાવવી જોઈએ. જેથી મૃત્યુનું જોખમ ઓછું કરી શકાય."

ડૉ. એ. યુ. મહેતા અનુસાર, માતા કુલ મૃત્યુદરના 30 ટકા મૃત્યુ પાછળ અક્લૅમ્પસિયા જવાબદાર છે.

તો બીજી તરફ તેમની વાતથી સહમત થતાં ડૉ. શ્રદ્ધા અગ્રવાલ જણાવે છે કે, અક્લૅમ્પસિયા માતા મૃત્યુદર પાછળનું એકમાત્ર કારણ તો નથી પરંતુ મહત્ત્વપૂર્ણ કારણ છે.

નેશનલ લાઇબ્રેરી ઑફ મેડિસન પર પ્રકાશિત એક સ્ટડી અનુસાર ભારતમાં અક્લૅમ્પસિયાનું પ્રમાણ 1.5 ટકા છે. તથા આ બીમારીને કારણે માતાનાં મૃત્યુનો દર પણ ઊંચો છે.

31 માર્ચ 2023ના રોજ લોકસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં કેન્દ્ર સરકારના સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ વિભાગે સૅમ્પલ રજિસ્ટ્રેશન સિસ્ટમ, 2020ના આંકડાને ટાંકીને જણાવ્યું હતું કે વર્ષ 2014થી 2016 દરમિયાન દેશમાં માતા મૃત્યુદર 130 હતો. જે 2018-20 સુધીમાં ઘટીને 97 થયો હતો.

આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં માતા મૃત્યુદર 57 હતો. જે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલા લક્ષ્યાંક (70ની નીચે)થી ઘણો ઓછો હતો. ગુજરાત સહિત માત્ર આઠ રાજ્યો જ આ લક્ષ્યાંકને હાંસલ કરી શક્યા છે.

બાળક પર કેવી અસર પડે?

જો પરિવારના કોઈ મહિલા સભ્યને અગાઉ અક્લૅમ્પસિયા કે પ્રિ-અક્લૅમ્પસિયા થયો હોય તો આ રોગ થવાની શક્યતા વધી જાય છે. વળી પ્રથમ પ્રૅગ્નેન્સીમાં થયા બાદ બીજી વખત થવાની શક્યતા પણ રહેલી છે.

આ બીમારી ન થાય અને જો થઈ જાય તો કેવી રીતે કાળજી રાખવી? આ પ્રશ્નના જવાબમાં ડૉ. એ. યુ. મહેતા જણાવે છે કે "પ્રિ-અક્લૅમ્પસિયા" ધરાવતી ગર્ભવતીઓએ નિયમિતપણે દૂધ પીવું જોઈએ. ડૉક્ટરની સલાહ મુજબ કૅલ્શિયમના સપ્લિમૅન્ટ્સ લેવા જોઈએ."

તેઓ આગળ કહે છે, "જો મહિલાનું બ્લપ્રેશર વધતું જતું હોય અને દવાઓથી કાબૂમાં ન રહે તો તેની એકમાત્ર સારવાર એ છે કે જલદીથી પ્રસૂતી કરાવવી. કેટલાક કિસ્સામાં એવું પણ બને છે કે માતા અથવા તો બાળક એમાંથી કોઈ એકનો જ જીવ બચી શકે. જોકે, પ્રસૂતિ બાદ માતાની તબિયત સુધરવા લાગે છે."

તેઓ અંતે કહે છે, "અક્લૅમ્પસિયા ધરાવતી મહિલાનાં બાળકોમાં ઓછો વિકાસ થવો, ગર્ભમાં મૃત્યુ થવું, બાળકોનો માનસિક વિકાસ રૂંધાવા જેવી સમસ્યા થઈ શકે છે."