You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુરત : ગોવિંદ ધોળકિયાને રાજ્યસભામાં મોકલવા પાછળ ભાજપની શું ગણતરી છે?
- લેેખક, જયદીપ વસંત
- પદ, બીબીસી ગુજરાતી માટે
ગુરુવારે ગુજરાતમાં ભાજપના ચાર ઉમેદવારોએ રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભર્યા. જ્યારે ભાજપની યાદી સાર્વજનિક થઈ હતી, ત્યારે એક નામે ઘણાને ચોંકાવ્યા હતા.
આ નામ હતું, સુરતના હીરા ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયાનું, જેઓ સામાજિક-ધાર્મિક-આર્થિકક્ષેત્રે વ્યાપક ઓળખ ધરાવે છે. પરંતુ, ઉંમર, રાજકીય પૃષ્ઠભૂમિ, રાજ્યસભામાં ભાજપના સંસદસભ્ય માટેના પરંપરાગત ચોકઠાંમાં બંધ નહોતા બેસતા.
જાણકારોના કહેવા પ્રમાણે, ગોવિંદભાઈને સંસદના ઉપલાગૃહમાં મોકલવા પાછળ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રાજકીય કરતાં એક ફેવરિટ પ્રોજેક્ટને સફળ બનાવવા માટેની ગણતરી હોય શકે છે.
ગુરુવારે રાજ્યસભાની ઉમેદવારીના છેલ્લા દિવસે ગાંધીનગરમાં ફોર્મ ભરતી વખતે 76-વર્ષીય ગોવિંદભાઈએ પત્ની ચંપાબહેન સાથે મળીને કુલ્લે રૂ. 279 કરોડની સંપત્તિની જાહેરાત કરી હતી. ગત નાણાકીય વર્ષ દરમિયાન પતિ-પત્નીની આવક અનુક્રમે રૂ. 35 કરોડ 24 લાખ અને ત્રણ કરોડ 47 લાખ રહી હતી. ગોવિંદભાઈની સામે કોઈ એફઆઈઆર દાખલ નથી થઈ.
તા. 27મી ફેબ્રુઆરીના દિવસે ચૂંટણી પ્રસ્તાવિત છે, પરંતુ ગુજરાત વિધાનસભામાં ભાજપનું સંખ્યાબળ જોતા ચારેય ઉમેદવારોનો વિજય નિશ્ચિત જણાય છે અને ચૂંટણીની જરૂર નહીં રહે.
103 રૂપિયાના પહેલા પગારથી અબજોના સામ્રાજ્ય સુધીની સફર
સરકારી ચોપડે ગોવિંદભાઈનો જન્મ નવેમ્બર-1947માં સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના દુધાળા ગામે ગરીબ ખેડૂત પરિવારમાં થયો હતો. ગોવિંદભાઈ તેમની આત્મકથામાં લખે છે કે, વાસ્તવમાં તેમનો જન્મ વિક્રમ સંવત મુજબ વર્ષ 1949ની દેવદિવાળીના દિવસે થયો હતો.
લાલજીભાઈ અને સંતોકબાના પાંચ દીકરા અને બે દીકરીમાં ગોવિંદભાઈ પાંચમું સંતાન. એ સમયે સૌરાષ્ટ્રના કૃષિક્ષેત્રમાં સિંચાઈની અનેક સમસ્યાઓ હતી, એટલે ગોવિંદભાઈએ પોતાની અને પરિવારની ઉન્નતિ માટે અન્યત્ર નજર દોડાવી.
એ સમયના સૌરાષ્ટ્રના અનેક પાટીદાર યુવાનોની જેમ ગોવિંદભાઈને સુરતમાં ભવિષ્ય દેખાયું હતું. વર્ષ 1964માં તેઓ સુરત આવી ગયા અને હીરા પોલિશિંગનું કામ શીખવા લાગ્યા. તેઓ અનેક વખત સાર્વજનિક મંચ ઉપરથી કહી ચૂક્યા છે કે તેમનો પહેલો પગાર રૂ. 103નો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વર્ષો સુધી તેઓ આ કામ શીખતા રહ્યા. કામ કરવાની ધગશ, નિષ્ઠા અને ઈમાનદારીને કારણે તેમણે આગવી છાપ ઊભી કરી હતી. આ એ સમય હતો કે જ્યારે કેન્દ્ર સરકાર રત્ન-આભૂષણક્ષેત્રને પ્રોત્સાહન આપી રહી હતી. જેથી નિકાસ દ્વારા વિદેશી હૂંડિયામણ રળી શકાય.
ગોવિંદ ધોળકિયાની સફરની શરૂઆત કઈ રીતે થઈ?
વર્ષ 1970માં ગોવિંદભાઈ તથા તેમના બે મિત્રોએ મળીને હીરાનો ધંધો શરૂ કર્યો. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ એપીજે અબ્દુલ કલામની આત્મકથા 'વિંગ્સ ઑફ ફાયર'ના સહ-લેખક અરૂણ તિવારી તથા ગોવિંદભાઈના સહયોગી કમલેશ યાજ્ઞિકે હિરાઉદ્યોગના આ માંધાતાની આત્મકથા 'ડાયમંડ્સ આર ફૉરએવર સો આર મૉરલ્સ' લખી છે, જેના પહેલા પ્રકરણમાં તેમણે ગોવિંદભાઈના પહેલા સોદાનો કિસ્સો લખ્યો છે:
ગોવિંદભાઈ હીરા લેવા માટે ગયા, ત્યારે ઓછામાં ઓછા 10 કૅરેટના હીરા લેવા પડે તેમ હતા અને એક કૅરેટનો ભાવ રૂ. 91 હતો, આ સિવાય રૂ. 10ની દલાલી પણ ચૂકવવાની હતી. એ સમયે ગોવિંદભાઈના ખિસ્સામાં માત્ર રૂ. 500 હતા, જે તેમણે વેપારીને આપી દીધા.
ગોવિંદભાઈએ બાકી રહેતા રૂ. 420 ઘરેથી લાવી આપવાની વાત કહી, પરંતુ ઘરે કોઈ પૈસા ન હતા, આથી તેઓ મિત્ર વીરજીભાઈ પાસે ગયા. જેમણે પોતાનાં પત્નીને ઘરખર્ચ પેટે આપેલા રૂ. 200 માગી લીધા અને પોતાના પાડોશી પાસેથી વધુ રૂ. 200 ઉછીના લીધા. આ સિવાય વીરજીભાઈએ પોતાના ખિસ્સામાં રૂ. 20 કાઢીને આપ્યા.
પહેલા સોદામાં અઠવાડિયામાં 10 ટકા જેટલો નફો થયો હતો, એ પછી શાખ બંધાઈ જવાને કારણે નાણાંની સમસ્યા હળવી થવા પામી હતી. જોકે, ગોવિંદભાઈ માટે ધંધાનો આ પહેલો અનુભવ નહોતો.
તરુણાવસ્થામાં પણ નહોતા પહોંચ્યા ત્યારે ગોવિંદભાઈએ જન્માષ્ટમીના મેળા માટે લાઠીના વેપારી પાસેથી ત્રણ રૂપિયાના ફુગ્ગા, સિસોટી તથા અન્ય ચીજવસ્તુઓ જાંગડ લાવ્યા હતા. જેમાં તેમને એક જ દિવસમાં સાડા ત્રણ રૂપિયાનો નફો થયો હતો અને પહેલો વકરો પાંચ પૈસાના ફુગ્ગાનો હતો.
ગોવિંદભાઈ હીરાઉદ્યોગમાં તેમની સફળતા માટે ડી. નવીન ગ્રૂપના શાંતિભાઈ તથા નવીનભાઈ મહેતાને તેમના ગૉડફાધર માને છે.
વર્ષ 1995માં ભાગીદારોની નવી પેઢી મોટી થતાં તેમણે અલગ થઈને સ્વતંત્ર રીતે ધંધામાં આગળ વધવાનું નક્કી કર્યું. એ પછીના વર્ષે તેમણે ત્રણ માળના એકમમાં કમ્પ્યૂટર અને લેસર ટેકનૉલૉજી સાથે એકમને આધુનિક બનાવ્યું.
વર્ષ 2011માં લગભગ અઢી લાખ વર્ગફૂટમાં 'એસઆરકે ઍમ્પાયર' ઊભું કર્યું, જ્યાં હજારો હીરાઘસુ તથા કર્મચારી એકસાથે કામ કરી શકે છે. કર્મચારી નિર્વ્યસની હોય તે વાતનું કંપનીમાં ધ્યાન રાખવામાં આવે છે. એ પછી કંપની અને જ્વેલરી બ્રાન્ડના નવા લોગો અને ઓળખ બદલવામાં આવ્યા.
ગોવિંદભાઈ તેમની દીનચર્યાને ધાર્મિક-આધ્યાત્મિક, સામાજિક, આર્થિક અને પારિવારિક એમ ચાર ભાગમાં વહેંચે છે. આજે કંપનીમાં લગભગ છ હજાર કર્મચારીઓ કામ કરે છે અને તેનું વાર્ષિક ટર્ન ઑવર 14 હજાર 800 કરોડ જેટલું છે તથા મોટાભાગે નિકાસ થાય છે.
સમાજસેવા કે સરપ્રાઇઝ સિલેક્શન?
ભાજપ દ્વારા તૈયાર કરવામાં આવેલી ગોવિંદભાઈની પ્રોફાઇલ પ્રમાણે, ગોવિંદભાઈ 30થી વધુ ધાર્મિક-સામાજિક સંગઠનો સાથે અલગ-અલગ હોદ્દા ઉપર જોડાયેલા છે. તેમને વ્યક્તિગત રીતે તથા કંપનીને ક્ષેત્રના પ્રતિષ્ઠિત ઍવૉર્ડ્સથી નવાજવામાં આવ્યા છે.
ગોવિંદભાઈએ ઇસરો, આઈઆઈએમ-અમદાવાદ, આઈઆઈટી-દિલ્હી સહિત અનેક પ્રતિષ્ઠિત સંસ્થાનોમાં વ્યાખ્યાન આપ્યાં છે. તેમણે ગોધાળા ગામના તમામ ઘરમાં સોલાર રૂફટોપ નંખાવીને તેને દેશનું પ્રથમ સોલારગ્રામ બનવામાં મદદ કરી હતી અને આ રીતે પોતાના વતન પ્રત્યેનું ઋણ ઉતાર્યું હતું. આ સિવાય તેમના અલગ-અલગ સામાજિક પ્રકલ્પ ચાલે છે.
કથાકાર ડોંગરેજી મહારાજ તથા મોરારી બાપુમાં શ્રદ્ધા ધરાવતા ગોવિંદભાઈને વર્ષ 2021-2022 દરમિયાન ગુજરાતમાંથી અયોધ્યાના રામ મંદિર માટે ફાળો ઉઘરાવવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેમાં રૂ. 300 કરોડથી વધુની રકમ એકઠી થઈ હતી, જેમાં ગોવિંદભાઈએ વ્યક્તિગત રીતે રૂ. 11 કરોડનું દાન આપ્યું હતું. રામ અને કૃષ્ણમાં શ્રદ્ધા ધરાવતા ગોવિંદભાઈ માટે 'જય રામજી'એ અભિવાદન માટે પ્રચલિત શબ્દો છે.
તા. 15મી ફેબ્રુઆરીના દિવસે ગુજરાતમાંથી રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રક ભરવાનો છેલ્લો દિવસ હતો. જેના એક દિવસ પહેલાં વૅલેન્ટાઇન્સ ડેના રોજ જ ગોવિંદભાઈને તેમની ઉમેદવારી વિશે જાણ થઈ હતી, એ પહેલાં આના વિશે તેમની સાથે કોઈ ચર્ચા નહોતી થઈ. ખુદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તેમને ફોન કરીને ઉમેદવારી વિશે ચર્ચા કરી હોવાનું ગોવિંદભાઈનું કહેવું છે.
સામાન્ય રીતે પીઢ, ચૂંટણી જીતી શકે તેવા ન હોય, અથવા તો એટલા નાણાં ખર્ચી શકે તેમ ન હોય, સંગઠન માટે વર્ષો સુધી કામ કર્યું હોય તેવા લોકોને રાજ્યસભાના રસ્તે સંસદસભ્ય બનાવવાની પરંપરા રહી છે અને ભાજપે પણ મહદંશે આમ જ કર્યું છે.
આથી વિપરીત ગોવિંદભાઈની ઉંમર 76 વર્ષ છે, તેમની ભાજપ સાથે નિકટતા છે, પરંતુ રાજકીય પૃષ્ઠભૂમિ નથી. તેઓ સંપન્ન ઉદ્યોગપતિ છે એટલે તેમનું નામ જાહેર થવાથી ઘણાંને આશ્ચર્ય થયું હતું.
આ છે કારણ?
ભાજપના અધ્યક્ષ જેપી નડ્ડા ગુજરાતના રસ્તે સંસદના ઉપલાગૃહમાં જવાના છે. મૂળ સૌરાષ્ટ્રના ધોળકિયા હાલ દક્ષિણ ગુજરાતમાં સ્થાયી થયા છે. જસવંતસિંહ પરમાર મધ્ય ગુજરાતના છે, જ્યારે મયંક નાયક ઉત્તર ગુજરાતના છે. આમ ભાજપે ગુજરાતના ચારેય ભાગોને સાધવાનો પ્રયાસ કર્યો છે.
નડ્ડા બ્રાહ્મણ છે, જ્યારે ધોળકિયા પાટીદાર. પરમાર અને નાયક ઓબીસી સમાજના છે. એમાં પણ નાયક ગુજરાત ભાજપની ઓબીસી પાંખના વડા છે. આમ ભાજપે ચૂંટણી પૂર્વે ગુજરાતમાં નિર્ણાયક એવું પાટીદાર અને ઓબીસી સમીકરણ સાધવાનો પ્રયાસ કર્યો હતો.
આને પરંપરાગત રાજકીય ગણતરી માનવામાં આવે છે. જોકે ગોવિંદભાઈની પસંદગી પાછળ વડા પ્રધાનના ફેવરિટ પ્રોજેક્ટને સફળ બનાવવાની લાંબાગાળાની યોજના પણ કારણભૂત હોય શકે છે.
મોદી અને ગોવિંદભાઈના સંબંધ વર્ષ 1995 આસપાસથી છે, જ્યારે તેઓ મુખ્ય મંત્રી પણ ન હતા. ગોવિંદભાઈની આત્મકથા વિશે વડા પ્રધાન મોદીએ લખ્યું હતું કે, તેમાં યુવાનો તથા ઉદ્યોગસાહસિકો માટે અનેક પ્રેરણાદાયક વાતો છે.
સુરત ડાયમંડ બુર્સ
ડિસેમ્બર-2023માં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુરત ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન કર્યું હતું, જે વિશ્વની સૌથી મોટી ઓફિસ સ્પૅસ (કૉમર્શિયલ ઇમારત) છે. આ પહેલાં ઑક્ટોબર-2010માં મુંબઈ ખાતે ભારત ડાયમંડ બુર્સ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. જે એ સમયનું સૌથી મોટું ડાયમંડ હબ હતું.
સુરત ખાતેના હીરાના ઉદ્યોગપતિએ નામ ન છાપવાની વિનંતી સાથે જણાવ્યું, "જો બોલીવૂડ પાસે એસઆરકે (શાહરુખ ખાન) છે, તો સુરત પાસે એસઆરકે (શ્રી રામકૃષ્ણ ઍક્સ્પૉર્ટ)વાળા ગોવિંદકાકા છે. ગાંધીનગર પાસેના ગિફ્ટ સિટીની જેમ સુરત ડાયમંડ બુર્સ મોદીનો ડ્રીમ પ્રોજેક્ટ છે. બંને પ્રોજેક્ટ દ્વારા દેશમાંથી બહાર જતું વિદેશી હૂંડિયામણ બચાવી શકાય છે અને વધુ આવક રળી શકાય છે એવું તેમનું માનવું છે."
"કોવિડની મહામારી વચ્ચે સુરત ખાતે ડાયમંડ બુર્સ બની ગયું છે, પરંતુ તેને અપેક્ષિત પ્રતિસાદ નથી મળી રહ્યો. મુંબઈથી એકમો અહીં આવવા તો દૂર પરંતુ સુરતના એકમો પણ હજુ ઉદાસીન છે. ગોવિંદભાઈ ઍસોસિયેશનમાં ઍડ્વાઇઝરી કમિટીમાં જ્યારે બુર્સમાં કોર કમિટીમાં છે. મુંબઈની એક પેઢીએ તેનો વેપાર સુરતમાં ખસેડવાની જાહેરાત કરી હતી, પરંતુ ગણતરીના જ દિવસોમાં પીછેહઠ કરી હતી, જેના કારણે બુર્સને આંચકો લાગ્યો છે."
તેઓ ઉમેરે છે કે, "સુરત બુર્સને હીરાઉદ્યોગ માટે સ્પેશિયલ નોટિફાઇડ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. છતાં આ ધંધામાં સરકારી આદેશ કે દખલ કરતાં સંબંધો ઉપર કામ થતું હોય તેને વિકસાવવામાં ગોવિંદભાઈની શાખ મદદ કરી શકે છે. આ સિવાય લગભગ છ દાયકાનો અનુભવ હોવાથી તેઓ બુર્સને આકર્ષક બનાવવા માટે જરૂરી રજૂઆતો અને નીતિવિષયક સૂચનો કરી શકે તેમ છે."
આ ઉદ્યોગપતિનું કહેવું છે કે, ઇઝરાયલ-રશિયાની સ્થિતિને જોતાં મુંબઈ તથા સુરત બંને બુર્સ માટે પૂરતી તકો છે, પરંતુ તેમની વચ્ચે સમન્વય સાધવાની જરૂરિયાત છે અને આ કામ ગોવિંદભાઈ જેવા પીઢ ઉદ્યોગપતિ કરી શકે છે.
વર્ષ 1977માં ગોવિંદભાઈ બૅલ્જિયમના ઍન્ટવર્પમાં આવેલા 'ડાયમંડ ડિસ્ટ્રિક્ટ' ગયા હતા, જ્યાંનો વેપાર તથા સ્કૅલ જોઈને તેઓ ચકિત થઈ ગયા હતા. ત્યાંના વેપારીઓ પાસેથી દ્વારા તેમને નોંધપાત્ર વેપાર પણ થયો હતો.
ગોવિંદભાઈનું કહેવું છે કે, 'હું કંઈપણ નથી, પરંતુ કશુંય કરી શકું છું.' આની સિદ્ધિ માટે તેઓ પ્રમાણિકતા, નીતિમયતા અને પારદર્શકતાની 'હિટ' ફૉર્મ્યુલા ગણાવે છે. શું તેઓ સુરતના બુર્સને ચમકાવી શકશે? જેનો જવાબ કદાચ સંસદસભ્ય તરીકેના ગોવિંદભાઈના કાર્યકાળ દરમિયાન જ મળી રહેશે.