જસપ્રીત બુમરાહ ટીમ ઇન્ડિયા માટે 'અજોડ' કેમ છે?

    • લેેખક, સુરેશ મેનન
    • પદ, ખેલ પત્રકાર

એક વર્ષમાં બે ભારતીય ક્રિકેટરોએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો અને ટૂંક સમયમાં જ બંનેની ગણતરી ભારતના સૌથી મહત્ત્વના ક્રિકેટરોમાં થવા લાગી.

જ્યારે ઋષભ પંત તેમના સાહસિક સ્ટ્રૉક્સને કારણે વિશ્વભરના ક્રિકેટપ્રેમીઓના પ્રિય બની ગયા છે ત્યારે જસપ્રીત બુમરાહ તેમની અસાધારણ બૉલિંગ ઍક્શન, ગતિ અને નિયંત્રણને કારણે ટૂંક સમયમાં જ ભારતીય બૉલિંગ આક્રમણના મુખ્ય આધાર બની ગયા છે.

મૂળ ગુજરાતથી ક્રિકેટની શરૂઆત કરનાર જસપ્રીત બુમરાહ ટીમમાં પુનરાગમન કરી ચૂક્યા છે અને ઋષભ પંત પણ તેમના પુનરાગમનની તૈયારીમાં વ્યસ્ત છે.

25 વર્ષીય ઋષભ પંતનો ગયા ડિસેમ્બરમાં ભયાનક અકસ્માત થયો હતો.

બેંગલુરુની નેશનલ ક્રિકેટ ઍકેડૅમીમાં પરત ફરવાની તૈયારી કરી રહેલા ઋષભ પંતે તાજેતરમાં જ બેટિંગ અને વિકેટકિપિંગ પણ કર્યું છે.

ઍકેડૅમીમાં તેમના પર નજર રાખનારા લોકોનું કહેવું છે કે ઋષભ પંતની પુનરાગમનની તૈયારીઓ 'સમય કરતાં આગળ' ચાલી રહી છે.

કૅપ્ટન તરીકે ટીમમાં પુનરાગમન

29 વર્ષીય જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને કારણે લગભગ એક વર્ષ સુધી ક્રિકેટથી દૂર રહ્યા હતા. આયર્લૅન્ડ સામેની શ્રેણીમાં તેઓ કૅપ્ટન તરીકે ટીમમાં પાછા ફર્યા.

સિરિઝ દરમિયાન એવું લાગ્યું કે તેમણે બૉલિંગ માટે પોતાનો રનઅપ થોડો વધાર્યો છે અને પોતાની મર્યાદામાં રહીને બૉલિંગ કરી રહ્યા છે. ભારતની ટીમ આયર્લૅન્ડ સામે ટી-20 મૅચની શ્રેણી જીતી ગઈ.

હવે તેમને એશિયા કપની ટીમમાં પણ જગ્યા મળી ગઈ છે. વન-ડે ક્રિકેટ ટીમમાં પણ તેમના પુનરાગમનની અપેક્ષા રાખવામાં આવી રહી હતી, કારણ કે ભારતને પહેલા એશિયા કપ અને પછી વર્લ્ડકપમાં રમવાનું છે.

ભારતીય ક્રિકેટ ટીમનું ફોકસ આ બંને ટુર્નામેન્ટ પર છે. આ બધી બાબતો એવી છે કે જેમાં ઉતાવળ ન કરી શકાય.

ભૂતપૂર્વ મુખ્ય પસંદગીકાર ચેતન શર્માએ એક વાર એવું કહી દીધું હતું કે, બુમરાહને ટી-20 વર્લ્ડકપમાં ઑસ્ટ્રેલિયા સામે રમાડવા એ થોડો વહેલો નિર્ણય હતો. અંતે ચેતન શર્માને પોતાનું પદ ગુમાવવું પડ્યું.

આયર્લૅન્ડ સામે

પરંતુ તેઓ એ વાત પર પણ ભારે મૂકે છે કે ખેલાડીઓને ઈજા બાદ પુનરાગમનની તૈયારી માટે પૂરતાં આરામ અને સમય આપવાની જરૂર છે.

આ સાથે જ ખેલાડીઓના શરીરનું પણ ધ્યાન રાખવું જોઈએ, કેમ કે તેમની તંદુરસ્તી રમત માટે એટલી જ મહત્ત્વપૂર્ણ છે. ઘણી વખત સિનિયર ક્રિકેટરોને તબીબી સલાહની અવગણના કરવાની છૂટ આપવામાં આવે છે અને પછી આ વાત આગળ જતાં નડે છે.

આયર્લૅન્ડ સામેની સિરીઝમાં બુમરાહનું પુનરાગમન નાટકીય હતું. તેમણે પહેલી જ ઓવરમાં બે વિકેટ લીધી હતી. ઍન્ડ્રુ બલબિર્નીએ ચોગ્ગા સાથે શરૂઆત કરી હતી. બુમરાહે મર્માળું સ્મિત કર્યું અને પછી એક જોરદાર બૉલ ફેંકીને સ્ટમ્પ ઉખાડી નાખ્યું.

આ બૉલની ગતિ 129 કિલોમિટર પ્રતિ કલાક હતી એટલે કે તે પ્રમાણમાં ધીમો બૉલ હતો. પરંતુ જો તમે આ પ્રકારના નિયંત્રણ સાથે બૉલિંગ કરી શકો છો તો ગતિથી કોઈ ફરક પડતો નથી.

‘પર્સન ઑફ ધ મૅચ’

140 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હંમેશાં પ્રાપ્ત કરી શકાતી નથી.

બુમરાહે લોર્કન ટકરને કૅચ આઉટ કર્યા બાદ તેઓ 'પર્સન ઑફ ધ મૅચ' ઍવોર્ડ જીતવા પૂરતી બૉલિંગ કરી ચૂક્યા હતા.

આ એક સુંદર પુનરાગમનની સ્ક્રિપ્ટ લખાઈ હોય એવું લાગતું હતું.

ગયા વર્ષના ટી-20 વર્લ્ડ કપમાં ઑસ્ટ્રેલિયા સામે તેમનું પુનરાગમન દરેકના મનમાં હજી તાજું જ છે.

પ્રદર્શનથી ટોચના ખેલાડીઓ ઘણી વાર રિસ્ક લેનારા હોય છે, કારણ કે તેમને આરામ કરવાને બદલે રમવું હોય છે.

જરૂરી ફિટનેસથી ઓછી ફિટનેસ હોય ત્યારે જોરદાર રમતનું પ્રદર્શન કરવું એ રમતગમતની દુનિયાની સૌથી રોમૅન્ટિક કહાણી છે.

ખાસ પ્રકારની બૉલિંગ ઍક્શન

વર્ષ 2001માં કોલકાતા ટેસ્ટમાં વીવીએસ લક્ષ્મણે તે સમયે 281 રનની ઇનિંગ રમી હતી. જ્યારે આ ટેસ્ટના થોડાક દિવસ પહેલાં જ તેમની પીઠ પર ઈજા થઈ હતી.

સુનીલ ગાવસ્કરે વેસ્ટ ઇન્ડીઝ સામે ત્યારે બેવડી સદી ફટકારી હતી જ્યારે તેઓ દાંતના દુખાવાથી પીડાતા હતા.

ખાસ બૉલિંગ ઍક્શનના કારણે બુમરાહની પીઠ પર દબાણ વધી રહ્યું હતું. આવનારા સમયમાં બની શકે કે બુમરાહને આ ઍક્શન બદલવી પડે.

બની શકે કે પછી તેમને બૉલિંગની ગતિ ઓછી કરવી પડે અને તેમને પોતાની સ્ટાઇલ પર પણ નવેસરથી કામ કરવું પડે. તેમાં યૉર્કર, સ્લો બૉલ, સીમર, કટર અને બ્લાઇન્ડરનો સમાવેશ થાય છે.

વિકેટ ઝડપનાર બુમરાહ ભારતીય ટીમ માટે એક રન બનાવનાર બૅટ્સમૅન કરતાં વધુ મૂલ્યવાન છે.

ભારત પાસે ઘણા બૅટ્સમૅન છે જેઓ એકબીજાની ગેરહાજરીને પૂરી શકે છે. પરંતુ બુમરાહ બૉલર તરીકે અજોડ છે.

ભારતીય કૅપ્ટન

તેમની ઈજાની પૃષ્ઠભૂમિ અને આયર્લૅન્ડમાં ઉત્સાહવર્ધક પ્રદર્શનને ધ્યાનમાં રાખતા બુમરાહ બૅટ્સમૅનોને મુશ્કેલીમાં મૂકે તેવું લાગે છે.

પરંતુ હજુ પણ ઘણા પ્રશ્નો છે. ટીમમાં પસંદગીના સંદર્ભમાં અને મેદાન પર કૅપ્ટનની દૃષ્ટિએ પણ બુમરાહનો સંભાળીને ઉપયોગ કરવો પડશે.

તેમની પાસેથી એવી અપેક્ષા રાખી શકાય નહીં કે તેઓ સતત બૉલિંગ કરતા રહે. સામાન્ય રીતે એવો ટ્રેન્ડ રહ્યો છે કે ભારતીય કૅપ્ટન પોતાના મુખ્ય બૉલરનો વધુ ઉપયોગ કરે છે.

ઉપરાંત તેમના પર સતત મૅચ રમવા માટે દબાણ ન કરવું જોઈએ. તેમની અમૂલ્ય પ્રતિભાનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.

વર્કલોડ

પુનરાગમનની તૈયારી માટે બુમરાહ પર ધીમે ધીમે વર્કલોડ વધારવામાં આવ્યો.

તેમની તૈયારી માત્ર ટી-20 મૅચો માટે જ ન હતી.

જેમ કે એમણે કહ્યું હતું, "હું વર્લ્ડકપ માટે 10 ઓવર ફેંકવાની તૈયારી કરી રહ્યો હતો. હું 10, 12 અને 15 ઓવર સુધી બૉલ ફેંકી રહ્યો છું. હું વધારે ઓવર્સ ફેંકી રહ્યો હતો, જેથી જ્યારે આનાથી ઓછી ઓવર્સ ફેંકીએ તો તે તમારા માટે આસાન થઈ જાય."

આયર્લૅન્ડ સામેની મૅચ પહેલાં બુમરાહે કહ્યું, "હું કોઈ બોજ અથવા અપેક્ષાઓનું દબાણ લઈને નથી ચાલતો."

કદાચ તેમના આ વલણને કારણે જ તેમનું વર્તન શાંત થઈ ગયું છે અને તેમનું ખાસ સ્મિત તો છે જ.

આ એક એવું વલણ છે જે એક બૉલર અને ભારતીય ક્રિકેટ બંને માટે મહત્ત્વપૂર્ણ છે.