You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચેતેશ્વર પૂજારાની ટેસ્ટ કારકિર્દીનો અંત આવી રહ્યો છે?
- લેેખક, સંજય કિશોર
- પદ, વરિષ્ઠ ખેલ પત્રકાર, બીબીસી ગુજરાતી માટે
જીવનમાં સફળતા માત્ર તમારી પ્રતિભા પર આધાર રાખતી નથી. તમારી સફળતામાં તમારું વ્યક્તિત્વ પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
વિશ્વ તમારા ખુદની નહીં પણ તમારી જે છબી બનેલી હોય છે એની ચાહક હોય છે. આ છબી તમારી સફળતા અને વ્યક્તિત્વ બંનેથી ભેગી થઈને બને છે.
વ્યક્તિત્વમાં 'ઍક્સ ફૅક્ટર' એટલે કે ખાસ પરિબળ હોય તો, છબી એક સિક્સરથી પણ બની શકે છે અને ન હોય તો સદી ફટકાર્યા બાદ પણ નથી બની શકતી.
35 વર્ષના શાંત અને સૌમ્ય ચેતેશ્વર અરવિંદ પૂજારાના વ્યક્તિત્વ અને રમતે પણ તેમની એક ક્લાસિકલ ક્રિકેટર તરીકે છબી ઘડી.
પણ આક્રમક અને શૉર્ટ ફૉર્મેટ ક્રિકેટના જમાનામાં તેમની આ છબી તેમના માટે ઘાતક સાબિત થઈ. તેઓ 13 વર્ષ સુધી જૂના જમાનાનું ક્રિકેટ રમતા રહ્યા, જ્યારે બીજી તરફ ડિફૅન્સિવ અને ધૈર્યપૂર્વક બૅટિંગનો સમય હવે નથી રહ્યો.
પૂજારાના બૅટથી ‘ટક’ની જગ્યાએ ‘ટુક’નો અવાજ આવતો રહ્યો અને ‘ટેટૂ’વાળા આગળ નીકળતા ગયા.
બૉલ તેમના બૅટથી ટકરાઈને હવાની જગ્યાએ ઘાસને સ્પર્શ થઈને બાઉન્ડ્રી પાર કરતો રહ્યો છે.
ટીમ ઇન્ડિયાની 'નવી વૉલ'
ચેતેશ્વરની 19 ટેસ્ટ સદી લાંબી ઇનિંગો રમ્યા પછી બની જેના કદરદાન આજની પેઢીમાં ઘણા ઓછા છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમે એ વાતથી અંદાજો લગાવી શકો છો કે વિશ્વ ક્રિકેટમાં માત્ર કેટલાક જ ક્રિકેટરો છે, જેઓ માત્ર ટેસ્ટ ક્રિકેટ રમે છે. તેઓ વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગ – આઈપીએલમાં ક્યારેય પગ જમાવી ન શક્યા.
પિતા અને કોચ અરવિંદ પૂજારા રણજી ટ્રૉફીના પૂર્વ ખેલાડી રહ્યા છે. શરૂઆતથી જ ચેતેશ્વર લાંબી ઇનિંગ અને ધૈર્ય માટે જાણીતા રહ્યા છે.
અન્ડર-14માં ત્રેવડી સદી ઇંગ્લૅન્ડ વિરુદ્ધ અને અન્ડર-19માં બેવડી સદી ફટકારી હતી.
તમે કદાચ આશ્ચર્ય પામશો કે, 2010માં ટેસ્ટ કૅપ મળ્યા પછી પૂજારાએ મોટી ઇનિંગના સથવારે સૌથી ઝડપી 1000 રન બનાવવાનો સંયુક્ત રૅકર્ડ પોતાના નામે કર્યો. શું તમે જાણો છો કે તેમને નંબર 3ની જગ્યા કયા ખેલાડીએ આપી હતી?
ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ પહેલી ટેસ્ટમાં પૂજારાએ આઠ નંબર પર બૅટિંગ કરી અને ચાર રન બનાવી શક્યા હતા.
બીજી ઇનિંગમાં તેમને કપ્તાન મહેન્દ્રસિંહ ધોનીએ નંબર ત્રણ પર બૅટિંગ કરવા મોકલ્યા હતા.
બેંગ્લુરુની મુશ્કેલ પીચ પર યુવા પૂજારાએ 72 રન બનાવીને ભારતને સિરીઝમાં વિજય અપાવ્યો હતો.
જોકે પછીનાં વર્ષે તેમણે ઘૂંટણનું ઑપરેશન કરાવવું પડ્યું. 2012માં ન્યૂઝીલૅન્ડ વિરુદ્ધ સદી ફટકારીને પૂજારાએ સારી વાપસી કરી હતી.
એ જ વર્ષે ઇંગ્લૅન્ડના બૉલરો સામે ભારતીય બૅટ્સમેનોએ ઘૂંટણિયા ટેકવી દીધા ત્યારે પૂજારાએ એ જ સિરીઝમાં એક સેદી અને એક બેવડી સદી ફટકારી હતી.
2013 આવતાં-આવતાં નંબર ત્રણ પર પૂજારાની જગ્યા પાક્કી થઈ ગઈ હતી.
ઑસ્ટ્રેલિયા સાથે ઘરેલૂ સિરીઝમાં સાત ઇનિંગમાં 84ની સરેરાશથી 419 રન બનાવ્યા.
દક્ષિણ આફ્રિકાના પ્રવાસમાં જોહૅનિસબર્ગની મુશ્કેલ પીચ પર અને પરિસ્થિતિમાં 153 રનની ઇનિંગ લાજવાબ કહી શકાય.
વળી, સામે ડેલ સ્ટેન, વેરોન ફિલેન્ડર, મોર્ની મર્કેલ અને જેક કાલિસ જેવા બૉલરો હતા.
ચેતેશ્વર પૂજારાની કારકિર્દી બુલંદી પર હતી. પણ 2014માં તેમને બીજા ઘૂંટણની પણ સર્જરી કરાવવી પડી.
ઘૂંટણમાં બીજા ઑપરેશન પછી 2014માં જ વનડે કારકિર્દી ખતમ થઈ ગઈ હતી.
પૂજારા ટેસ્ટ ખેલાડી બનીને રહી ગયા. જોકે રાહુલ દ્રવિડ પાસેથી મળેલા નંબર-3ની વિરાસતને ચેતેશ્વર પૂજારાએ બખૂબી આગળ વધારી.
103 ટેસ્ટમાં 43.60ની સરેરાશે 7195 રનમાં 19 સેન્ચૂરી અને 35 અર્ધસદી સામેલ છે જે તેમની શાનદાર સફરની કહાણી વર્ણવે છે.
એક રસપ્રદ વાત એ છે કે, પૂજારાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન વિરાટ કોહલીના સમયમાં જોવા મળ્યું.
કોહલી આક્રમક બ્રાન્ડ ક્રિકેટ રમતા રહ્યા અને ટીમ પાસે પણ ધમાકેદાર બૅટિંગની આશા રાખતા હતા.
લાગ્યું કે ટીમમાં પૂજારાની જગ્યા નહીં બચે. પણ 2016થી 2019 વચ્ચે પૂજારાની કારકિર્દીનો સ્વર્ણિમકાળ હતો. આ દરમિયાન તેમણે 11 સેન્ચૂરી ફટકારી.
શું તમને યાદ છે એ ઑસ્ટ્રેલિયાની ભૂમિ પર પહેલી ટેસ્ટ સિરીઝમાં મળેલી જીત?
2018-2019માં ભારતે ઑસ્ટ્રેલિયામાં ચાર ટેસ્ટ સિરીઝ જીતી. આ ઐતિહાસિક જીતમાં પૂજારાએ 1258 બૉલમાં ત્રણ સદી ફટકારી હતી.
પૂજારા મૅન ઑફ ધ મૅચ પણ રહ્યા હતા. એક મોટું સત્ય એ પણ છે કે ટેસ્ટ ક્રિકેટમાં પૂજારા જેવા ખેલાડીઓ આજે પણ નકારી ન શકાય.
પૂજારાનો દમ
2018માં દક્ષિણ આફ્રિકામાં એક રસપ્રદ કિસ્સો બન્યો.
જોહૅનિસબર્ગમાં વૉન્ડરર્સ પીચ પર ચેતેશ્વર પૂજારા 53મા બૉલ પર પોતાનું ખાતું ખોલાવી શક્યા હતા.
દર્શકોએ તાળીઓ પાડીને તેમને વધાવ્યા પણ હતા. પૂજારા 179 બૉલ પર 50 રન બનાવીને આઉટ થયા.
તેમની ધીમી રમતની ઘણી ટીકા થઈ. પણ ભારતીય ટીમ ટેસ્ટ જીતવામાં સફળ રહી. ભારત સિરીઝ 1-2થી હારી ગયું પરંતુ ક્લીન સ્વીપથી બચી ગયું.
તો હવે એવું શું થયું કે બીસીસીઆઈ પસંદગીકર્તાઓએ તેમને વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસમાં બે ટેસ્ટમાંથી બહાર કરી દીધા.
તત્કાલિક કારણ એવું માનવામાં આવી રહ્યું છે કે વર્લ્ડ ટેસ્ટ ચૅમ્પિટનશિપની ફાઇનલમાં પૂજારા નિષ્ફળ રહ્યા. ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ 14 અને 27 રનોની ઇનિંગ રમી હતી.
હાસ્યાસ્પદ એ છે કે બાકીના બૅટ્સમૅન પણ ફ્લૉપ રહ્યા. રોહિત શર્મા 15 અને 43 અને વિરાટ કોહલીએ 14 તથા 49 રનની ઇનિંગ રમી.
જોકે ચેતેશ્વર પૂજારા ગત ત્રણ વર્ષથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છે. વર્ષ 2020 પછી તેઓ માત્ર એક સદી ફટકારી શક્યા.
ગત 28 ટેસ્ટમાં તેમની સરેરાશ 30થી ઓછી રહી છે. 45થી50 વચ્ચે રહેતી તેમની કારકિર્દીની સરેરાશ 43.60 સુધી ગગડી ગઈ છે.
પરંતુ શું આ જ એકમાત્ર કારણ છે જેના લીધે તેમને આ દિવસ જોવો પડ્યો.
જો આંકડાઓ પર ધ્યાન આપીએ તો ગત ત્રણ વર્ષોમાં વિરાટ કોહલી અને પૂજારાની ટેસ્ટ સરેરાશમાં વધુ ફરક નથી.
ગત ત્રણ વર્ષોમાં સૌથી વધુ રન રોહિત શર્માએ બનાવ્યા છે. 18 ટેસ્ટમાં 43.20ની સરેરાશથી ત્રણ સદી અને ચાર અર્ધસદી સહિત 1296 રન બનાવ્યા.
કે.એલ. રાહુલે 11 મૅચોમાં 30.28ની સરેરાશથી 636 રન બનાવ્યા, જેમાં બે સદી સામેલ છે.
શુભમન ગિલે 16 ટેસ્ટમાં 32ની સરેરાશથી બે સદી સાથે 921 રન કર્યા.
વિરાટ કોહલીએ 25 ટેસ્ટમાં 29.69ની સરેરાશથી 1277 રન કર્યા જેમાં એક સદી અને 6 અર્ધસદી સામેલ છે.
જ્યારે ચેતેશ્વર પૂજારાએ 28 મૅચમાં 29.69ની સરેરાશથી 1455 રન બનાવ્યા છે. આ દરમિયાન એક સદી સિવાય 11 અર્ધસદી ફટકારી.
ભવિષ્ય પર નજર
ચેતેશ્વર પૂજારા માટે ઊંધી ગણતરી શરૂ થઈ ગઈ છે. એ પહેલાં વર્ષ 2022ના દક્ષિણ આફ્રિકા પ્રવાસ પછી પણ ટેસ્ટ ટીમથી બહાર કરી દેવાયા હતા.
જોકે કાઉન્ટી ચૅમ્પિયનશિપમાં સફળતા માટે શાનદાર પ્રદર્શન બાદ તેઓ ફરીથી ભારતીય ટીમમાં પરત આવ્યા હતા.
આ વખતે પણ કાઉન્ટીમાં તેમનું પ્રદર્શન સારું રહ્યું હતું. જોકે કેટલાક નિષ્ણાતોનું કહેવું છે કે કાઉન્ટીમાં સાધારણ બૉલરો રમી રહ્યા છે.
વેસ્ટ ઇન્ડિઝના પ્રવાસ માટે પસંદગીકર્તાઓએ પૂજારાની જગ્યાએ બે યુવા બૅટ્સમૅને અજમાવવાનો નિર્ણય કર્યો છે. યશસ્વી જાયસવાલ અને ઋતુરાજ ગાયકવાડ.
ઘરેલુ ક્રિકેટ સિવાય બંનેએ હાલમાં જ આઈપીએલમાં ઘણો પ્રભાવ છોડ્યો હતો.
યશસ્વી ડાબોડી બૅટ્સમૅન છે અને એટલે તેનો ફાયદો મળ્યો હોઈ શકે.
કહેવાય રહ્યું છે કે ભવિષ્યની ટીમ તૈયાર કરવામાં આવી રહી છે. ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે પહેલી ટેસ્ટ મૅચ 12 જુલાઈથી રમાશે.
ચેતેશ્વર પૂજારા હજુ 35 વર્ષના છે. પૂર્વ ભારતીય ક્રિકેટ કપ્તાન સુનીલ ગાવસ્કરનું માનવું છે કે બાકી ખેલાડીઓની જેમ તેમની પાસે લાખો ચાહકો નથી, જે તેમના માટે શોર કરશે.
એટલે વાત ફરી-ફરીને છબી પર આવે છે, જેની ચર્ચા આપણે શરૂઆતમાં કરી હતી.
શૉર્ટ લૅગ અને નંબર ત્રણના આ ખેલાડીની ઇનિંગ થોડી જલ્દી ખતમ થતી દેખાય છે.