You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
બ્રા ન પહેરવાથી સ્તન ઢીલાં થઈ જાય છે? બ્રાથી સ્તનને લગતી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે?
મહિલાઓને સ્તનના સ્વાસ્થ્ય વિશે ઘણી મૂંઝવણ અને શંકા હોય છે. ખાસ કરીને 'બ્રા' પહેરવા સંદર્ભે.
બ્રા મહિલાઓને તેમના કપડાં યોગ્ય રીતે અને આરામથી પહેરવામાં મદદ કરે છે.
સ્કૂલ-કૉલેજમાં અભ્યાસ કરતી છોકરીઓથી નોકરી કરતી મહિલાઓ સુધી, મોટાભાગની મહિલાઓ રોજ બ્રા પહેરે છે, તેમ છતાં તેમને બ્રાના ઉપયોગને લઈને અનેક શંકાઓ હોય છે.
દર વર્ષે 13 ઑક્ટોબરને 'નો બ્રા ડે' તરીકે ઉજવવામાં આવે છે. મહિલાઓમાં બ્રેસ્ટ કેન્સર વિશે જાગૃતિ લાવવા અને મહિલાઓને તેમનાં સ્તનના ચૅકઅપ માટે પ્રોત્સાહિત કરવા માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.
જોકે, બ્રાથી સ્તન કેન્સર થતું હોવાના કોઈ નક્કર પુરાવા નથી. અલબત્ત, હવે 'નો બ્રા ડે' માત્ર સ્વાસ્થ્યના ખ્યાલો પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ કેટલાક દેશોમાં તેને લિંગ સમાનતા સાથે પણ જોડી દેવામાં આવ્યો છે.
કેટલીક મહિલાઓ એવી પણ હોય છે જે બ્રા પહેરતી નથી કારણ કે કેઓ અસ્વસ્થતા અનુભવે છે અને તેમને બ્રા આરામદાયક લાગતી નથી.
કારણો અલગ-અલગ હોવા છતાં, એક શંકા ઘણા લોકોના મનમાં હોય છે. શું લાંબા સમય સુધી બ્રા ન પહેરીએ તો સ્તનનો આકાર બદલાઈ જશે અથવા તો ઢીલાં થઈ જશે?
શું બ્રા પહેરવા કે ન પહેરવાથી ખરેખર મહિલાના શરીરનો આકાર બદલાય છે? ડૉક્ટરો મુજબ મહિલાઓએ તેમનાં સ્તનો વિશે શું જાણવું જોઈએ?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'તમારા શરીરને સમજવું જરૂરી છે'
ગાયનેકૉલોજિસ્ટ બાલકુમારી કહે છે, "આવી ઘણી મૂંઝવણો ટાળવા માટે આપણે સૌપ્રથમ આપણા શરીરને જાણવું જરૂરી છે. ખાસ કરીને મહિલાઓને તેમનાં સ્તન વિશે જાણવાની જરૂર છે."
તેઓ આગળ કહે છે, "મહિલાના સ્તન ચરબી અને પેશીઓથી બનેલાં હોય છે. જેમાં સ્તનધારી ગ્રંથીઓ હોય છે. જે રીતે મોંમાં લાળને શોષવા માટે ગ્રંથીઓ હોય છે, તેમ સ્તનમાં દૂધસ્ત્રાવ માટે ગ્રંથીઓ હોય છે."
બાલકુમારીના કહેવા પ્રમાણે, "કેટલાક લોકોના સ્તનમાં વધુ પેશીઓ અને ઓછી ગ્રંથીઓ હોય છે તો કેટલાકના શરીરમાં તેનાથી વિપરિત. તેનો તમામ આધાર વ્યક્તિની શારીરિક રચના પર આધાર રાખે છે."
આ પેશીઓ વય સાથે કુદરતી રીતે ઘટે છે. આનો અર્થ છે કે ઉંમરની સાથે સ્તન નમી જવા સ્વાભાવિક છે.
બાલકુમારી જણાવે છે, "તેથી એમ કહેવું યોગ્ય નથી કે બ્રા ન પહેરીએ તો સ્તન ઢીલા થશે."
શું બ્રા પહેરવાથી બ્રેસ્ટ કેન્સર થાય છે?
બાલકુમારી જણાવે છે, "એ જ રીતે એ કહેવું પણ સાચું નથી કે ટાઇટ બ્રા પહેરવાથી બ્રેસ્ટ કેન્સર થઈ શકે છે. જ્યારે ખુબ ટાઇટ અંતવસ્ત્રો પહેરવામાં આવે ત્યારે ત્વચા સાથે ઘર્ષણ થાય છે. પરસેવો થવાથી ત્યાં ખંજવાળ અને બળતરા થાય છે. ટાઇટ બ્રા પહેરવાથી સ્તનમાં દુખાવો પણ થઈ શકે છે. તેથી મહિલાઓએ યોગ્ય સાઇઝની બ્રા પહેરવી જોઈએ. ડરવાની જરૂર નથી કે આનાથી બ્રેસ્ટ કેન્સર થશે."
જો તમે જાણવા માગતા હો કે યોગ્ય સાઇઝની બ્રા કેવી રીતે ખરીદવી? તો અહીં ક્લિક કરો.
ડૉ. બાલકુમારીના કહેવા પ્રમાણે, "મોટા સ્તન ધરાવતી સ્ત્રીઓ માટે બ્રેસ્ટ ડિસ્ચાર્જ થવું એ કુદરતી અને સામાન્ય છે. તેથી જ્યારે બ્રા પહેરવામાં આવે ત્યારે તે તેને ટેકો આપે છે. જેથી પીઠના દુખાવા જેવી સમસ્યાથી બચી શકાય છે. પરંતુ આપણે સમજવું જોઈએ કે બ્રા પહેરવી સામાન્ય રીતે કામચલાઉ રાહત હોય છે. જો તેમાં અસ્વસ્થતા અનુભવાતી હોય તો એ પહેરવાની જરૂર નથી."
તેઓ અંતે કહે છે, "બ્રા પહેરવાથી સ્તનને કોઈ અસર થતી નથી. તેનો કોઈ ફાયદો કે નુકસાન નથી."
અન્ય એક ડૉક્ટર કાવ્યા કૃષ્ણન જણાવે છે, "સૌપ્રથમ તો આપણે એ સમજવાની જરૂર છે કે સ્તન ઢીલા થવા એ પણ કુદરતી અને સામાન્ય બાબત છે. પુરુષોએ ખાસ કરીને આ અંગે જાગૃત રહેવાની જરૂર છે. સ્ત્રીઓના શરીર પ્રત્યે પુરુષોની અપેક્ષા સ્ત્રીઓમાં ચોક્કસ મનોવૈજ્ઞાનિક દબાણ ઊભું કરે છે."
તેઓ ઉમેરે છે, "આજકાલ બજારમાં સ્તન ઢીલાં ન થાય અને મક્કમ રહે તે માટે જાતભાતની ક્રીમ મળે છે પરંતુ તેનો કોઈ અર્થ નથી. આવી ક્રીમ અસરકારક હોવાના કોઈ તબીબી પુરાવા નથી. આવી જાહેરાતોથી લોકોએ મૂર્ખ ન બનવું જોઈએ. લોકો શરીરમાં કુદરતી રીતે થતા ફેરફારોને સ્વીકારવા માટે પૂરતા પરિપક્વ હોવા જોઈએ."
તેઓ આગળ કહે છે, "જેમ મહિલાઓને ઉંમર સાથે સ્તન ઢીલાં થવાનો અનુભવ થવા લાગે છે, તે જ રીતે સ્તનપાન કરાવતી મહિલાઓ પણ તેમનાં સ્તન ઢીલાં થઈ જતાં હોવાનું અનુભવે છે. આ સમસ્યા વિશ્વની તમામ મહિલાઓને થઈ શકે છે. તેમાં કોઈ અપવાદ નથી. જેથી કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. એક ગેરસમજ એ પણ છે કે સ્તનપાનથી જ સ્તન ઢીલાં થઈ જાય છે. પણ આપણે સમજવું જોઈએ કે તે સત્ય નથી."
"દાખલા તરીકે જો કોઈ મહિલાઓનાં સ્તન મોટાં હોય અને તેના કારણે તેઓ કમર અથવા તો ખભાના દુખાવાથી પીડાય છે. આ કિસ્સામાં તેમનાં સ્તનનું કદ શસ્ત્રક્રિયા દ્વારા ઘટાડી શકાય છે. જેને 'બ્રેસ્ટ રિડક્શન સર્જરી' કહેવાય છે."
તે જ રીતે નાના સ્તન ધરાવતી મહિલાઓમાં ગંભીર હતાશા અથવા તો માનસિક તણાવ હોય તો
'બ્રેસ્ટ ઍનલાર્જમેન્ટ સર્જરી' કરાવી શકાય છે. જોકે, આમાંથી કોઈપણ વસ્તુ ડૉક્ટર્સ સૂચવતા નથી. સંપૂર્ણપણે વ્યક્તિગત પસંદગી અને તેમની જરૂરિયાતો પર આધાર રાખે છે.
ડૉક્ટર પણ ભારપૂર્વક કહે છે કે તે એક ગેરસમજ છે કે નાના સ્તન ધરાવતી મહિલાઓ ઓછું દૂધ ઉત્પન્ન કરે છે અને મોટા સ્તન ધરાવતી મહિલાઓ વધુ દૂધ ઉત્પન્ન કરે છે. આ તદ્દન ખોટી બાબત છે.
દરેક મહિલાઓનાં સ્તનમાં તેના બાળકને પૂરતું સ્તનપાન કરાવવા માટે પૂરતી ગ્રંથીઓ હોય છે. ડૉ. કાવ્યાના કહેવા પ્રમાણે, "સ્તનના કદને સ્તનપાન સાથે કોઈ લેવાદેવા નથી."