વંદે ભારત ટ્રેનોના ઉદ્ઘાટન કાર્યક્રમોમાં કેટલા કરોડનો ખર્ચ થયો?

વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપતા પીએમ નરેન્દ્ર મોદી (15 ફેબ્રુઆરી, 2019)

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપતા પીએમ નરેન્દ્ર મોદી (15 ફેબ્રુઆરી, 2019)
    • લેેખક, અર્જુન પરમાર
    • પદ, બીબીસી સંવાદદાતા

ગત મહિને ગુજરાતની પોતાની મુલાકાત વખતે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતે આયોજિત એક સમારોહમાં એક સાથે દસ વંદે ભારત ટ્રેનો સહિત અન્ય કેટલાક પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કર્યું.

આ સાથે જ સમગ્ર દેશમાં વંદે ભારત ટ્રેનોની કુલ સર્વિસની સંખ્યા 100 થઈ ગઈ.

એક તરફ જ્યાં આ ટ્રેનો તેમની ઝડપ, ફીચર અને ડિઝાઇનને લઈને ચર્ચામાં રહે છે, ત્યાં બીજી બાજુ તેના ઉદ્ઘાટન સમારોહો પર થતા ખર્ચની વાત ઝાઝી બહાર આવતી નથી.

માહિતીના અધિકારના કાયદા, 2005 અંતર્ગત બીબીસીએ કરેલી એક અરજીના જવાબમાં જાણવા મળ્યું હતું કે પાછલાં માત્ર બે વર્ષમાં જ ભારતીય રેલવેએ વંદે ભારત ટ્રેનોના દસ ઉદ્ઘાટન સમારોહ પાછળ 1.89 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

અહીં નોંધનીય છે કે આ અગાઉનાં વર્ષોના ડેટાની માગણી કરાયા છતાં રેલવેએ એ આપ્યા નહોતા. માહિતી અધિકારના કાયદામાં જોગવાઈ હોવા છતાં રેલવેની ઘણી ઝોનલ ઑથૉરિટીએ આ અંગે કોઈ જવાબ આપ્યો નહોતો.

નોંધનીય છે કે વંદે ભારત ટ્રેનનો “ભારતની પ્રથમ સેમિ હાઇસ્પીડ ટ્રેન” તરીકે પ્રચાર કરાયો હતો. આ ટ્રેનની મહત્તમ ઝડપ 160 કિમી પ્રતિ કલાક છે.

વડા પ્રધાન મોદીએ વર્ષ 2019માં નવી દિલ્હીથી વારાણસી વચ્ચે પ્રથમ વંદે ભારત ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું એ બાદથી આ શ્રેણીની સંખ્યાબંધ ટ્રેનોનું કાં તો વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે કાં તો જાતે હાજર રહીને ઉદ્ઘાટન કર્યું છે.

ભારતીય રેલવે અનુસાર આ ટ્રેનો અન્ય દેશોની જેવી પૅસેન્જર કમ્ફર્ટ અને સુરક્ષા જેવી સેવાઓ ઓછી કિંમતે પૂરી પાડવાના ઇરાદે શરૂ કરાઈ હતી.

કયા ઝોનમાં કેટલા પૈસા વપરાયા?

વંદે ભારત ટ્રેન નરેન્દ્ર મોદી ભારત

ઇમેજ સ્રોત, ARJUN PARMAR

ઇમેજ કૅપ્શન, દક્ષિણ રેલવે દ્વારા આપવામાં આવેલો આરટીઆઈનો જવાબ

બીબીસીએ સૌપ્રથમ આ ટ્રેનોના ઉદ્ઘાટનમાં થયેલા ખર્ચ અંગે માહિતી મેળવવા માટે રેલવે મંત્રાલયને માહિતી અધિકારના કાયદા અંતર્ગત અરજી કરી હતી. જેમાં વંદે ભારત ટ્રેનોના ઉદ્ઘાટન સમારોહો પર જાન્યુઆરી, 2019થી થયેલ ખર્ચ અંગે માહિતી માગવામાં આવી હતી.

જોકે, મંત્રાલયે આ માહિતી આપવાનો ઇનકાર કરી દીધો હતો. મંત્રાલયે પોતાના જવાબમાં જણાવ્યું હતું કે વડા પ્રધાને આ સમારોહોમાં અન્ય પણ ઘણા પ્રોજેક્ટોનું ઉદ્ઘાટન કર્યું હતું, તેથી માત્ર વંદે ભારતના ઉદ્ઘાટન મામલે અલગ તારવેલી માહિતી આપી શકાય એમ નથી.

આ જવાબ બાદ બીબીસીએ સમગ્ર દેશમાં કોંકણ રેલવે અને 16 રેલવે ઝોન સહિતની રેલવે ઑથૉરિટીને માહિતી અધિકારના કાયદા અંતર્ગત અરજી કરી.

જે પૈકી માત્ર છ ઑથૉરિટીએ જ જવાબ આપ્યો.

આ ઑથૉરિટી દ્વારા અપાયેલા જવાબના વિશ્લેષણ અનુસાર વર્ષ 2022 અને 2023માં વંદે ભારતનાં દસ ઉદ્ઘાટન કાર્યક્રમો પાછળ રેલવે 1.89 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

વંદે ભારત

ઇમેજ સ્રોત, ANI

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

રેલવે ઑથૉરિટીએ આપેલા જવાબની વિગતો નીચે પ્રમાણે છે :

કોંકણ રેલવેએ આપેલા જવાબ અનુસાર તેમણે વર્ષ 2023માં જ વંદે ભારત ટ્રેનોના ઉદ્ઘાટન સમારોહોના આયોજન પાછળ 1,06,23,000નો ખર્ચ કર્યો હતો. જેમાં કૅટરિંગ સર્વિસનો ખર્ચ સામેલ નહોતો કરાયો.

આ સિવાય વર્ષ 2022માં દક્ષિણ પશ્ચિમ રેલવે દ્વારા બે વંદે ભારત ટ્રેનોના ઉદ્ઘાટન પાછળ 49,29,682 રૂપિયાનો ખર્ચ કરાયો હતો.

દક્ષિણ-મધ્ય રેલવેએ વર્ષ 2023માં બે વંદે ભારત ટ્રેનોના ઉદ્ઘાટન પાછળ 16,58,953 રૂપિયાનો ખર્ચ કર્યો હતો.

ઉપરાંત મધ્ય રેલવે, પશ્ચિમ રેલવે અને ઉત્તર રેલવેએ આ હેતુ માટે અનુક્રમે 4,46,083 રૂ., 7,44,084 રૂ. અને 5,52,450 રૂ.નો ખર્ચ કર્યો હતો.

આ સિવાય દક્ષિણ પશ્ચિમ રેલવે ઝોને આપેલી વધારાની માહિતી અનુસાર રેલવે ઑથૉરિટીએ વધુ 90,05,915 રૂ.નો ખર્ચ કર્યો હતો. ઝોનલ ઑથૉરિટીએ પોતાના લેખિત જવાબમાં જણાવ્યું હતું કે વર્ષ 2023માં આ રકમ વંદે ભારત સહિત અન્ય રેલવે પ્રોજેક્ટના ઉદ્ઘાટન માટે કર્યો હતો.

તમામ રેલવે ઑથૉરિટી પાસેથી આ ખર્ચની વિગતો માગવામાં આવી હતી, જોકે, મોટા ભાગની ઑથૉરિટીએ માત્ર આ હેતુ માટે ખર્ચાયેલી કુલ રકમ જ પૂરી પાડી હતી.

ઉપરોક્ત રેલવે ઑથૉરિટી સિવાય અહીં આગળ જણાવેલી ઑથૉરિટીઓએ બીબીસીની આરટીઆઇની અરજીનો જવાબ આપ્યો નહોતો.

મેદાનમાં હવે ઇવેન્ટ મૅનેજમૅન્ટ કંપનીઓ

વંદે ભારત

ઇમેજ સ્રોત, ANI

જવાબ ન આપનાર ઑથૉરિટીમાં પૂર્વ, પૂર્વ મધ્ય, ઇસ્ટ કોસ્ટ, ઉત્તર મધ્ય, ઉત્તર પૂર્વ, ઉત્તરપૂર્વ ફ્રન્ટિયર, ઉત્તર પશ્ચિમ, દક્ષિણ, દક્ષિણ પૂર્વ, દક્ષિણ પૂર્વ મધ્ય અને મધ્ય પશ્ચિમ રેલવે સામેલ છે.

રેલવેના ભૂતપૂર્વ કર્મચારી અને આરટીઆઇ ઍક્ટિવિસ્ટ અજય બોઝના જણાવ્યાનુસાર, “રેલવે આ પ્રકારના મોટા કાર્યક્રમોનું આયોજન કરવા માટે પાછલાં કેટલાંક વર્ષોથી ઇવેન્ટ મૅનેજમૅન્ટ કંપનીઓને કામ સોંપે છે. આ એજન્સીઓ ઇવેન્ટની કૅટરિંગ, જરૂરિયાતના સામાન, ફિલ્મિંગ અને તેના પ્રસારણને લગતી જવાબદારી ઉઠાવે છે. સુનિશ્ચિત કરાય છે કે આ કાર્યક્રમોમાં વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે કાં તો વાસ્તવિક રીતે મોટા પ્રમાણમાં ભીડ એકઠી થાય.”

બીજા કેટલાક રેલવે અધિકારીઓએ બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે કેવી રીતે પહેલાં આ પ્રકારનાં ઉદ્ઘાટનો માત્ર સામાન્ય કાર્યક્રમો હતા, જેમાં પ્રેસ રિલીઝ અને વિજ્ઞાપનો જાહેર કરાતાં હતાં.

બિનજરૂરી કાર્યક્રમો?

વંદે ભારત ટ્રેન બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ભારતીય રેલવેના ભૂતપૂર્વ સીઇઓ અને રેલવે બોર્ડના ભૂતપૂર્વ ચૅરમૅન આર. એન. મલ્હોત્રાએ બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું કે, “આ પ્રોગ્રામો પર હવે રાજકારણના રંગમાં રંગાયેલા જોવા મળે છે. મારા સમય દરમિયાન મને યાદ નથી કે વડા પ્રધાને ક્યારેય ટ્રેનોનાં ઉદ્ઘાટન કર્યાં હોય.”

અન્ય એક ભૂતપૂર્વ અધિકારીએ નામ ન જણાવવાની શરતે કહ્યું કે, “આવા પ્રકારના કાર્યક્રમો પર ખર્ચ કરવાને સ્થાને રેલવે પબ્લિસિટી માટેના પોતાના તંત્ર પર આધાર રાખી શકે છે, જેથી નાગરિકોને ઓછા ખર્ચે માહિતગાર કરી શકાય.”

શિવસેના (યુબીટી)ના નેતા સંજય રાઉત દ્વારા નૉમિનેટ કરાયેલા વેસ્ટર્ન રેલવેની રેલવે યૂઝર્સ કમિટીના સભ્ય અનિલ તિવારીએ બીબીસી સાથેની વાતચીતમાં આ ખર્ચને “સદંતર બિનજરૂરી” ગણાવ્યો હતો.

તેમણે કહ્યું કે, “વંદે ભારત પહેલાં શતાબ્દી, દુરંતો અને ગરીબ રથ જેવી ઘણી ટ્રેનોના ઉદ્ઘાટન માટે આવા ભપકાદાર સમારોહોનું આયોજન નહોતું કરાતું. આ હાલમાં જોવા મળી રહેલું વલણ છે.”

બીબીસી સાથેની વાતચીતમાં રેલવેના એક સિનિયર અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું હતું કે, “પહેલાં આવા કાર્યક્રમોમાં થોડા પ્રમાણમાં તો ઉજવણી થતી જ, પરંતુ અત્યારે થાય છે એ પ્રકારના મોટા કાર્યક્રમો હાથ નહોતા ધરાતા. ટ્રેનમાં મુસાફરી કરનારા પ્રથમ કેટલાક મુસાફરોને મીઠાઈ આપવાનું જ પૂરતું મનાતું.”

ભૂતકાળના કેટલાક અહેવાલો અંગે તપાસ કરતા બીબીસીને જાણવા મળ્યું હતું કે સપ્ટેમ્બર 2009માં ભૂતપૂર્વ રેલવેમંત્રી મમતા બેનરજીએ દેશની સૌપ્રથમ સુપરફાસ્ટ પેસેન્જર ટ્રેન “દુરંતો એક્સપ્રેસ”નું ઉદ્ઘાટન કર્યું હતું.

આવી જ રીતે 16 એપ્રિલ, 2002ના રોજ ભૂતપૂર્વ રેલવેમંત્રી નીતીશકુમારે તેમજ અન્ય મંત્રીઓએ પણ ટ્રેનો લૉન્ચ કરી હતી. જોકે, આ સમારોહો અંગે ખૂબ જ મર્યાદિત માહિતી ઉપલબ્ધ હતી.

બીબીસીએ માહિતી અધિકારની અરજીના જવાબ ન મળવાનો તેમજ ભૂતપૂર્વ રેલવે અધિકારીઓ દ્વારા ઉઠાવાયેલા મુદ્દા અંગે રેલવે પાસેથી પ્રતિક્રિયા માગી હતી.

જોકે, હજુ સુધી એ અંગે કોઈ જવાબ મળ્યો નથી.

રેલવે પોતાનાં નિવેદનોમાં કહ્યું છે કે મંત્રાલયના બજેટમાં વધારો થયો છે જેના કારણે રેલવેને પોતાની પહોંચમાં વધારો કરવામાં મદદ મળી છે.

પ્રેસ ઇન્ફૉર્મેશન બ્યૂરોની એક પ્રેસ રિલીઝ અનુસાર નાણાકીય વર્ષ 2023-24 દરમિયાન રેલવેના બજેટમાં વર્ષ 2003-04ની સરખામણીએ 30 ગણાનો વધારો થયો છે.

આધિકારિક નિવેદનોમાં એ બાબત પર પણ ભાર અપાયો છે કે મંત્રાલયે નવી ટ્રેનો શરૂ કરવાની સાથે, વધુ ઝડપે ટ્રૅક પાથરવા અને રેલવે ઑપરેશનની સુરક્ષા વધારવાની દિશામાં પગલાં લીધાં છે.