CTC શું હોય છે અને દર મહિને હાથમાં આવતો પગાર સીટીસી કરતાં કેમ ઓછો હોય છે?

તમે જ્યારે પહેલી વખત પર નોકરી પર જોડાવ અથવા નોકરી ચેન્જ કરો ત્યારે સૌથી વધારે રસ એ જાણવામાં હોય છે કે હવે તમને કેટલો પગાર મળશે.

આખા વર્ષ માટે કેટલા રૂપિયાનું પેકૅજ છે અને તેમાંથી દર મહિને હાથમાં કેટલા રૂપિયા આવશે તે સવાલ ઘણાને મૂંઝવે છે.

કંપનીઓ જોબ ઑફર કરતી વખતે તમને નવા પગારનું બ્રેકઅપ પણ આપે છે જેને સીટીસી અથવા 'કોસ્ટ ટુ કંપની' કહેવામાં આવે છે. જોકે, નવી કંપનીમાં પહેલો પગાર હાથમાં આવે ત્યારે ઘણા લોકોને આશ્ચર્ય થાય છે, કારણ કે તેમને સીટીસી કરતાં ઓછી રકમ હાથમાં મળે છે.

તેથી જોબ કરતી વખતે સીટીસી અને ટેક-હોમ-સેલરી વચ્ચેના તફાવતને જાણવાની ખાસ જરૂર છે.

અહીં તમને સીટીસી, તેના અલગ-અલગ ઘટકો અને ટેક-હોમ-સેલેરી વિશે માહિતી આપવા પ્રયાસ કરવામાં આવ્યો છે.

તમારી સેલરી સ્લીપને સમજો

તમારી સેલરીમાં સ્લીપમાં કેટલાક ઘટકો હોય છે જેને સમજવા જરૂરી છે. જેમ કે,

બેઝિક સેલરી એ સૌથી મહત્ત્વનો કમ્પોનન્ટ છે. તે એક ફિક્સ્ડ રકમ હોય છે જે દર મહિને તમારી કંપની તમને ચૂકવે છે. તેના પરથી જ તમારા બીજા બધા લાભો, જેવા કે પ્રોવિડન્ટ ફંડ અને હાઉસ રેન્ટ ઍલાઉન્સ (એચઆરએ) નક્કી થાય છે.

ગ્રેડ પેઃ સરકારી નોકરીમાં સામાન્ય રીતે કર્મચારીઓને ગ્રેડ પે ચૂકવવામાં આવે છે અને તે કર્મચારીની સિનિયોરિટી પર આધારિત હોય છે.

કંપનીઓ તમારી કરપાત્ર આવક ઘટાડવા માટે તમારા સીટીસીમાં એસઆરએ સમાવે છે, જે ટૅક્સ ફ્રી બેનિફિટ હોય છે. સામાન્ય રીતે બેઝિક પગારના 40 ટકાથી લઈને 50 ટકા સુધીનો HRA હોય છે. કેટલીક શરતોને આધીન રહીને પગારદાર વ્યક્તિ મકાન ભાડું ચૂકવતી હોય તો HRA કરમુક્ત હોય છે.

આ ઉપરાંત તમારા સીટીસીમાં લીવ ટ્રાવેલ ઍલાઉન્સ (એલટીએ) પણ સામેલ હોય છે. તમે અને તમારો પરિવાર દર ચાર વર્ષના ગાળામાં બે વખત LTA ક્લૅમ કરી શકે છે, પરંતુ તેના માટે ટિકિટો અને બધી રિસિપ્ટના પુરાવા આપવા પડે છે. માત્ર ડોમેસ્ટિક ટ્રાવેલિંગને તેમાં કવર કરવામાં આવે છે. LTA ક્લેમ ન કરો તો તમારા સ્લેબ પ્રમાણે ટૅક્સ કાપીને રકમ ચૂકવી દેવાય છે.

તમારા સીટીસીમાં સ્પેશિયલ ઍલાઉન્સ પણ હોય છે જે સંપૂર્ણપણે કરપાત્ર એટલે કે ટૅક્સેબલ છે. કંપની અથવા વ્યક્તિના પર્ફૉર્મન્સના આધારે સ્પેશિયલ ઍલાઉન્સ નક્કી થાય છે.

આવી જ રીતે તમારા સીટીસીમાં મોબાઇલ અને ઇન્ટરનેટ ઍલાઉન્સ તથા ફૂડ ઍલાઉન્સ પણ સામેલ હોઈ શકે છે. કંપનીના સત્તાવાર કામ માટે તમને જે મોબાઇલ અને ઇન્ટરનેટ બિલ આવે અને તે તમારા નામે હોય તો આ ઍલાઉન્સ તમને મળે છે અને તે ટૅક્સ ફ્રી હોય છે.

કંપનીઓ કામના કલાકો દરમિયાન ભોજનના ખર્ચને કવર કરવા માટે ફૂડ ઍલાઉન્સ પણ આપે છે અને તે તમારા કુલ પૅકેજનો હિસ્સો હોય છે.

તેવી જ રીતે તમારા સીટીસીમાં કન્વેયન્સ ઍલાઉન્સ પણ સામેલ હોય છે.

તમને સીટીસીના ભાગરૂપે મેડિકલ ઍલાઉન્સ ચૂકવવામાં આવે છે. પોતાના માટે તથા પરિવારના સભ્યો (પતિ/પત્ની, બાળકો, આશ્રિત પરિવરજનો)ના મેડિકલ ખર્ચના બિલ સામે મેડિકલ ઍલાઉન્સ મેળવવામાં આવે છે.

આ ઉપરાંત તમે કયા લોકેશન પર કામ કરો છો તેના આધારે તમારા પગારમાંથી પ્રોફેશનલ ટૅક્સ કાપવામાં આવે છે.

ઍમ્પ્લૉઇઝ પ્રોવિડન્ટ ફંડ (ઇપીએફ) પણ સીટીસીનો હિસ્સો છે. તેમાં કર્મચારી અને ઍમ્પ્યોર બંને બેઝિક સેલરીના 12 ટકા યોગદાન આપે છે.

તમારી આવકના સ્લેબ પ્રમાણે દર મહિને હાથમાં આવતા પગારમાંથી ટીડીએસ (ટૅક્સ ડિડક્ટેડ એટ સોર્સ) કાપવામાં આવે છે.

સીટીસી અને ટેક હોમ સેલરી

તમારા સીટીસીમાંથી કંપનીના પીએફ કન્ટ્રિબ્યુશન અને ગ્રેચ્યુઇટીની રકમ બાદ કરવાથી ગ્રોસ સેલરી મળે છે.

ગ્રોસ સેલરીમાંથી તમારું પીએફ યોગદાન, પ્રોફેશનલ ટૅક્સ, ઇન્કમ ટૅક્સ (ટીડીએસ) અને હેલ્થ ઇન્સ્યોરન્સની રકમ બાદ કરો એટલે દર મહિને ટેક હોમ સેલરી મળે છે.

સીટીસી વિશેની ગેરમાન્યતા

સીટીસીમાં જેટલો વધારો થાય તેટલા જ પ્રમાણમાં ટેક હોમ સેલરી પણ વધે એવી એક ગેરમાન્યતા છે. ઘણી વખત બે વ્યક્તિના સીટીસીમાં મોટો તફાવત હોવા છતાં તેમનો ટેક હોમ સેલરી એક સરખો હોય એવું પણ બની શકે.

કોઈ કર્મચારી માટે કંપની કુલ મળીને જે રકમ ખર્ચ કરે તેને સીટીસી કહે છે.

તેમાં ઇપીએફ, ઇન્સ્યોરન્સ પ્રીમિયમ અને બીજાં ભથ્થાં સામેલ છે. કેટલીક કંપનીઓ પોતાના સીટીસીમાં પર્ફૉર્મન્સ આધારિત વેરિયેબલ પેનો મોટો હિસ્સો રાખે છે. તેના કારણે સીટીસી મોટો હોવા છતાં દર મહિને પ્રમાણમાં ઓછી રકમ હાથમાં આવે એવું બની શકે.

ગ્રેચ્યુઇટી એ સીટીસીનો હિસ્સો છે?

જી હા, ગ્રેચ્યુઈટી એ તમારા સીટીસીનો જ હિસ્સો છે. તે દર મહિને ચૂકવવામાં નથી આવતી, પરંતુ તમે સળંગ પાંચ વર્ષની સર્વિસ પૂરી કરો (નવા લેબર કોડ પ્રમાણે માત્ર એક વર્ષની સર્વિસ) તો તમને છેલ્લા બેઝિક પગારના આધારે ગ્રેચ્યુઈટી મળે છે. આ એક લમ્પસમ રકમ હોય છે.

ગ્રેચ્યુઇટી એ કાનૂની બેનિફિટ છે અને તમારા માસિક ટેક-હોમ પગારનો હિસ્સો નથી. ભારતમાં મોટા ભાગના ઑર્ગેનાઇઝેશન એક ફિક્સ ટકાવારીમાં ગ્રેચ્યુઇટીની રકમ સમાવે છે જે બેઝિકના 4.81 ટકા વત્તા ડીએ જેટલી હોય છે.

ગ્રેચ્યુઇટી એ કરમુક્ત અને કરપાત્ર બંને હોઈ શકે છે. તેનો આધાર ગ્રેચ્યુઇટીની રકમ, ઍમ્પ્લૉયર (સરકારી અથવા ખાનગી) અને બીજાં પરિબળો પર રહેલો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન