You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ટ્રમ્પે ભારતને આપવાની વાત કરી એ F-35 સ્ટીલ્થ ફાઇટર જેટની ખાસિયત શું છે?
ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે આજે વ્હાઇટહાઉસમાં દ્વિપક્ષીય મંત્રણા કરી હતી.
આ દ્વિપક્ષીય મંત્રણામાં વેપાર, સુરક્ષા, ઇમિગ્રેશન સહિતના અનેક વિષયો પર ચર્ચા થઈ હતી અને જાહેરાત કરવામાં આવી હતી.
સુરક્ષા મામલે અગત્યની જાહેરાત કરતા ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, "આ વર્ષે ભારતને કરવામાં આવતું મિલિટરી સાધનોના વેચાણમાં અબજો ડૉલરનો વધારો કરવામાં આવશે. જેના કારણે ભારતને F-35 ફાઇટર જેટ આપવાનો માર્ગ પણ મોકળો થશે."
પરંતુ F-35 ફાઇટર જેટ શું છે અને કેમ તેને વિશ્વનાં શ્રેષ્ઠ ફાઇટર વિમાનો પૈકીના એક ગણવામાં આવે છે? શા માટે તેને સૌથી મોંઘાંમાં મોંઘાં ફાઇટર જેટ ગણવામાં આવે છે અને તેની કિંમત કેમ સતત વધતી જઈ રહી છે?
F-35 ફાઇટર જેટ એ ફિફ્થ જનરેશન સ્ટીલ્થ ફાઇટર જેટ છે અને તે પોતાની સુપરસોનિક ગતિને કારણે જાણીતું છે.
દૂરના ટાર્ગેટને સાધી શકવામાં તેની સફળતાને કારણે મૉર્ડન યુદ્ધક્ષેત્રમાં ટોચનાં વિમાનો પૈકીનું એક ગણવામાં આવે છે.
સ્ટીલ્થ ટેકનૉલૉજી, ઍડ્વાન્સ સૅન્સર, શસ્ત્રક્ષમતા અને રેન્જના હિસાબે લૉકહીડ માર્ટિન F35 લાઇટનિંગ-2 એ અત્યાર સુધીનું સૌથી ખતરનાક યુદ્ધવિમાન હોવાનું કંપનીની વેબસાઇટ જણાવે છે.
આ વિમાનોની ઉત્પાદક કંપની લૉકહીડ માર્ટિનની વેબસાઇટ પર જણાવ્યા અનુસાર, આ ફાઇટર જેટના મુખ્યત્વે ત્રણ વેરિયન્ટ્સ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અમેરિકાની ઍરફૉર્સ, મરિન કૉર્પ્સ અને નેવી તથા મરિન કૉર્પ્સ સહિત 15 દેશોમાં આ કંપનીએ પોતાનાં વિમાનો વેચ્યાં છે, જેમાં ઇઝરાયલ, બેલ્જિયમ, ડેનમાર્ક, ઇટાલી, જાપાન, નેધરલૅન્ડ, પોલૅન્ડ, સાઉથ કોરિયા, નોર્વે જેવા દેશોની વાયુસેના આ વિમાનની સેવા લઈ રહી છે. હવે ભારતનું નામ પણ આ યાદીમાં જલ્દી ઉમેરાઈ શકે છે.
- F-35A: આ વિમાનો સામાન્ય રન-વે પરથી પણ આસાનીથી ઊડાણ ભરી શકે છે. અમેરિકાની વાયુસેના આ વિમાનો સૌથી વધુ પ્રમાણમાં વાપરે છે.
- F-35B: આ વિમાનો હૅલિકૉપ્ટરની જેમ સીધા જ લૅન્ડ કરી શકવાની ક્ષમતા ધરાવે છે. જેના કારણે ઓછી જગ્યામાં તે ઊતરાણ કરી શકે છે. તેની આ ક્ષમતાને કારણે તે યુદ્ધજહાજો પર પણ લૅન્ડ થઈ શકે છે. અમેરિકાની મરીન કૉર્પ્સ, ઇટાલીની ઍરફૉર્સ અને યુનાઇટેડ કિંગ્ડમ આ વિમાનોનો ઉપયોગ કરે છે.
- F-35C: આ શ્રેણીના તૈયાર થયેલા વિમાનો અમેરિકન નેવીનું પહેલું સ્ટીલ્થ ફાઇટર જેટ અને વિશ્વનું એકમાત્ર ફિફ્થ જનરેશન ફાઇટર વિમાન છે. ઍરક્રાફ્ટ કેરિયર ઑપરેશન માટે જ ખાસ તેમને તૈયાર કરવામાં આવ્યા છે.
વિમાનમાં 25 એમએમની તોપ, હવામાંથી હવામાં પ્રહાર કરી શકતી મિસાઇલ, 907 કિલોના ગાઇડેડ બૉમ્બ વહન શકાય છે.
F35 એ 1.6 મૅક એટલે કે 1975.68 કિલોમીટરની ઝડપે ઊડી શકે છે, કારણ કે તેનું ઍન્જિન ખૂબ જ શક્તિશાળી છે. પોતાની ફુલ કૅપેસિટીમાં શસ્ત્રો અને બળતણ સાથે પણ આ વિમાનો આટલી ઝ઼ડપ હાંસલ કરી શકે છે.
આ ફાઈટર જેટમાં ઍક્ટિવ ઇલેક્ટ્રોનિકલી સ્કેનડ ઍરે રડાર, ઇલેક્ટ્રો ઑપ્ટિકલ ટાર્ગેટિંગ સિસ્ટમ અને હૅલ્મેટ માઉન્ટેડ ડિસપ્લે સિસ્ટમ જેવા ફીચર્સ છે.
તેની ઇલેક્ટ્રોનિક વૉરફેર સિસ્ટમ માત્ર દુશ્મનોના સ્થાનને લોકેટ કે ટ્રેક કરી શકે છે એટલું જ નહીં, પરંતુ રડાર પણ જામ કરી શકે છે હુમલાઓને ખાળી પણ શકે છે.
તેની સ્ટીલ્થ ટેકનૉલૉજીને કારણે, એટલે કે સ્પેશિયલ રડાર કૉટિંગને કારણે તે દુશ્મનોના રડારમાં પણ પકડાતું નથી.
'યુનાઇટેડ સ્ટેટ્સ ગવર્મેન્ટ અકાઉન્ટેબિલિટી ઑફિસ' (GAO) ના અહેવાલ પ્રમાણે અમેરિકાએ અત્યાર સુધીમાં 2700 F-35 ફાઇટર જેટનો ઑર્ડર આપેલો છે જેમાંથી તેને 900 વિમાનો મળી ચૂક્યાં છે.
આ રિપોર્ટ અનુસાર અમેરિકાને આ એક ફાઇટર જેટ 82.5 મિલિયન ડૉલર એટલે કે અંદાજે 7.16 અબજ રૂપિયામાં પડ્યું છે. એ સિવાય તેની પ્રતિકલાક ફ્લાઇટ કોસ્ટ 40 હજાર અમેરિકી ડૉલર એટલે કે 34 લાખ કરતાં વધુ રૂપિયા છે. ભારતને અમેરિકા આ વિમાનો કેટલા રૂપિયામાં વેચશે એ હજુ સ્પષ્ટ નથી.
પરંતુ એ વાત સ્પષ્ટ છે કે આ વિમાનોને હાલમાં પૃથ્વી પરનાં સૌથી મોંઘાંમાં મોંઘાં ફાઇટર જેટ ગણાવાઈ રહ્યાં છે.
જીએઓના અહેવાલ પ્રમાણે, દર વર્ષે તેના પાછળનો ખર્ચ સતત વધતો જઈ રહ્યો છે. આ ઍરક્રાફ્ટનું અંદાજિત આયુષ્ય 66 વર્ષ છે. આટલા સમયગાળા સુધીમાં તેની જાળવણી પાછળ થનારા અંદાજિત ખર્ચને કારણે, ઉત્પાદન ખર્ચને કારણે અને સતત તેના ઉત્પાદનમાં લાગી રહેલા સમયને કારણે તેનો ખર્ચ વધી રહ્યો છે. જેના કારણે સુરક્ષા ક્ષેત્રના નિષ્ણાતોએ પણ તેના પર સવાલો ઉઠાવ્યા છે.
2022માં ઇઝરાયલને મળેલા આ વિમાનોના જથ્થામાં તેની પાઇલટ ઇજેક્શન સિસ્ટમમાં ખામી હોવાની વાત સામે આવી હતી.
ભૂતકાળમાં આ જ અમેરિકી વિમાનોને હાલમાં અમેરિકાની સરકારમાં સામેલ ઉદ્યોગપતિ ઇલોન મસ્ક જ 'ભંગાર' ગણાવી ચૂક્યા છે. તેમણે આ વિમાન બનાવનારાઓને મૂર્ખ કહીને પણ સંબોધ્યા હતા.
છેલ્લા કેટલાક સમયથી આ ફાઇટર જેટની ઑપરેશન ક્ષમતા સામે પણ સવાલો ઊઠતા રહ્યા છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન