You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કૂવા અને બોરવેલમાં ગરમ પાણી મળ્યું ને ગામનું ભાગ્ય ફેરવાઈ ગયું, ગરમ પાણી ખેતીમાં કેવી રીતે વપરાય છે?
- લેેખક, ગારિકીપતિ ઉમાકાંત
- પદ, બીબીસી માટે
દરેક જગ્યાએ પીવાનું પાણી કૂવાઓમાંથી આવે છે. અન્યત્ર તે ખારું હોય છે, પરંતુ તેલંગણાના ભદ્રાડીના કોઠાગુડમ જિલ્લાના મનુગુરુ મંડલના પાગીલેરુ ગામના કેટલાક બોરવેલમાંથી ગરમાગરમ પાણી આવે છે.
ગ્રામજનો કહે છે કે છેલ્લાં લગભગ 40 વર્ષથી આ ગરમ પાણી વર્ષના 365 દિવસ મુક્તપણે વહેતું રહે છે. તેને બહાર કાઢવા મોટર કે અન્ય કોઈ સાધનની જરૂર પડતી નથી.
કોરેમ રામપાંડુ નામના એક ગ્રામજન કહે છે, "અમારો વિસ્તાર સિંગારેનીથી પ્રભાવિત છે. અહીં ખાણો હોવાથી સ્થાનિક લોકોએ 40 વર્ષ પહેલાં પરીક્ષણ માટે બોરવેલ ખોદ્યા હતા. કેટલાક બોરવેલ 1,000થી 2,000 મીટર ઊંડા ખોદવામાં આવ્યા હતા અને તેમાંથી ગરમ પાણી નીકળ્યું હતું. એ પાણી ખેતી કે અન્ય કોઈ હેતુ માટે ઉપયોગી થશે, એમ વિચારીને તે બોરવેલને છોડી દીધા હતા. એ બોરવેલમાં ત્યારથી 24 કલાક ગરમ પાણી વહેતું રહે છે."
પાગીદેરુ ગામના ભૂતપૂર્વ સરપંચ તાડી ભિક્ષમ કહે છે, "બોરવેલમાંથી ગરમ પાણી ઇલેક્ટ્રિક મોટર કે ઑઇલ એન્જિન વિના આપમેળે બહાર આવી રહ્યું છે."
પાણીનું તાપમાન લગભગ 60 ડિગ્રી સેલ્સિયસ
બીબીસી સાથે વાત કરતાં સિંગરેનીના જનરલ મૅનેજર દુર્ગમ રામચંદર કહે છે, "ભારતીય ભૂસ્તરશાસ્ત્રીય સર્વેક્ષણ (જીએસઆઈ)એ લગભગ 40 વર્ષ પહેલાં પાગીદેરુ ગામ નજીક આઠ બોરવેલ ખોદ્યા હતા. આ વિસ્તારમાં ભૂ-ઉષ્મીય ઊર્જા હોવાના કેટલાક સંકેતો મળ્યા હોવાને કારણે લગભગ એક કિલોમીટર ઊંડા બોરવેલ ખોદવામાં આવ્યા હતા. બોરવેલ ખોદવામાં આવ્યા એ દિવસથી તેમાંથી ગરમ પાણી બહાર આવી રહ્યું છે. પાણીનું ઉષ્ણતામાન 60 ડિગ્રી સેલ્સિયસ છે. એ પાણીમાં સલ્ફરની ટકાવારી વધારે છે."
જમીનમાંથી ગરમ પાણી આવવાનું કારણ શું છે?
પૃથ્વીના આંતરિક સ્તરોમાં કુદરતી રીતે વધારે ગરમી હોય છે.
રામચંદર ઉમેરે છે કે પાગીદેરુમાં ગરમ પાણીનું કારણ પૃથ્વીના આંતરિક સ્તરોમાં ઘણી બધી તિરાડો અને એકથી બે કિલોમીટરની ઊંડાઈએ ગરમ પાણીના સ્રોતની હાજરી હોવાનું માનવામાં આવે છે. આ કારણસર ગામને દુર્લભ માનવામાં આવે છે.
જોકે, ચોક્કસ કારણ શોધવા માટે આજે પણ સંશોધન અને અભ્યાસ ચાલી રહ્યાં હોવાનું રામચંદર જણાવે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ગરમ પાણીનો ખેડૂતો કેવી રીતે ઉપયોગ કરે છે?
ખેડૂતો જણાવે છે કે તેઓ પાગીદેરુ ગામમાં લગભગ 200 એકર જમીનમાં બોરવેલના ગરમ પાણીનો ઉપયોગ કરીને ખેતી કરી રહ્યા છે.
તેમના જણાવ્યા મુજબ, કૂવાઓમાંથી આવતા ગરમ પાણીને એક દિવસ તળાવમાં રાખવામાં આવે છે અને બીજા દિવસે ખેતી માટે ખેતરોમાં છોડવામાં આવે છે.
ભદ્રૈયા નામના ખેડૂત કહે છે, "પહેલાં ચોખાની ખેતી માટે પાણીની સમસ્યા હતી. હવે હું એ ગરમ પાણી ઠંડું કરીને બે એકરમાં ખેતી કરું છું. હું બે-ત્રણ પાક લઉં છું. અગાઉ તો એક પાક માટે પણ પાણીની સમસ્યા હતી. ખેતી ત્રણ-ચાર વર્ષથી સારી રીતે થઈ રહી છે. અમે ગરમ પાણી પહેલાં તળાવમાં ઠંડું કરીને ખેતરોમાં વાપરીએ છીએ."
ગયા ડિસેમ્બરમાં ગામમાં ભૂકંપ આવ્યો હતો. એ પછી ગામલોકોની માગ છે કે બોરવેલ ફરીથી ખોદવામાં આવે.
સોમા નરસૈયા નામના ખેડૂત કહે છે, "ચોથી ડિસેમ્બરમા ભૂકંપમાં બે બોરવેલ સંપૂર્ણપણે નાશ પામ્યા હતા. ઉપયોગી બોરવેલ નાશ પામ્યા હોવાથી ખેડૂતો માટે સમસ્યા સર્જાઈ છે. અમે ઇચ્છીએ છીએ કે સરકાર તે બોરવેલ રીકાસ્ટ કરે અને પાણીની વ્યવસ્થા કરે."
પી. નાગમ્મા અને વેલેતી સગુણા નામના ગ્રામજનો જૂના બોરવેલ ઉપરાંત નવા બોરવેલ ખોદવાની અપીલ સરકારને કરતાં જણાવે છે કે આ બોરવેલ તેમની આજીવિકા છે.
બોરવેલ માટે પ્રખ્યાત ગામ
ગરમ પાણીના ઝરાએ પાગીદેરુને વિશિષ્ટ ગામ બનાવ્યું છે. પ્રવાસીઓ ગરમ પાણીના કૂવાઓ જોવા આવી રહ્યા હોવાનું ગામલોકો જણાવે છે.
ભૂતપૂર્વ સરપંચ તાડી ભિક્ષમ અને કુંજા રેવતી નામની કન્યાએ પોતાની ખુશી વ્યક્ત કરતાં બીબીસીને કહ્યું, "અમારું પાગીદેરુ એક વિશિષ્ટ ગામ બની ગયું છે, કારણ કે અહીં કૂવાઓમાંથી ગરમ પાણી આવે છે. ઘણા લોકો અમારા ગામને જોવા આવે છે. તેનો અમને ખૂબ ગર્વ છે."
જોકે, સ્થાનિક લોકોએ જે કૂવા ખોદ્યા છે તેમાંથી સામાન્ય પાણી જ આવે છે. 300 મીટરની ઊંડાઈએ પણ આસાનીથી પાણી મળી આવે છે.
ગરમ પાણીથી વીજળીનું ઉત્પાદન
સિંગરેનીના જનરલ મૅનેજર એમડી રામચંદરના જણાવ્યા મુજબ, બોરવેલમાંથી લગભગ 60 ડિગ્રી સેલ્સિયસ ગરમ પાણી વહેતું રહેતું હોવાથી સિંગરેની ગરમ પાણીમાંથી વીજળી ઉત્પન્ન કરવાની યોજના બનાવી રહી છે.
તેઓ કહે છે, "અમે થર્મલ પાવર પ્લાન્ટમાં કોલસાનો ઉપયોગ કરીએ છીએ અને વીજળી ઉત્પન્ન કરવા પાણી ગરમ કરીએ છીએ. એવી જ રીતે અહીં જીઓ-થર્મલ ઊર્જાની સંભાવના હોવાથી આ ગરમ પાણીનો ઉપયોગ વીજળી ઉત્પન્ન કરવા માટે શા માટે ન કરવો જોઈએ?"
આ વિચાર દિલ્હીની શ્રીરામ ઇન્સ્ટિટ્યૂટ ફૉર સાયન્સ ઍન્ડ ટેકનોલૉજીને એક પ્રોજેક્ટ માટે આપવામાં આવ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું.
'અમે પાંચ કિલો વોટ વીજળીનું ઉત્પાદન કર્યું છે'
રામચંદરે સ્પષ્ટતા કરી હતી કે દિલ્હીની એક લૅબોરેટરીમાં પાંચ કિલોવોટનો પ્લાન્ટ સફળતાપૂર્વક બનાવવામાં આવ્યો છે અને પાગીદેરુમાં પણ એવો પ્લાન્ટ પ્રદર્શિત કરવામાં આવ્યો છે. હવે 20 કિલો વોટ વીજળી ઉત્પન્ન કરવાના ઉદ્દેશ્ય સાથે પાગીદેરુમાં જીઓ-થર્મલ પાઇલટ પાવર પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે.
તેઓ ઉમેરે છે, "કેટલીક સમસ્યાઓ સર્જાઈ રહી છે અને તેનું તબક્કા વાર નિરાકરણ કરવામાં આવી રહ્યું છે. 20 કિલોવોટ વીજળી ઉત્પન્ન કરવાનો પ્રોજેક્ટ સફળ થશે તો તે ભારતમાં આ પ્રકારનો પહેલો પ્રોજેક્ટ હશે."
પાગીદેરુનાં સરપંચ સાવિત્રી જણાવે છે કે જીઓ-થર્મલ પ્લાન્ટમાં જે વીજળી ઉત્પન્ન થાય તેનો ઉપયોગ સૌથી પહેલાં ગામમાં સ્ટ્રીટ લાઇટ માટે થવો જોઈએ.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન