કચ્છના રણમાં રસ્તો ભટકી જવાને કારણે મૃત્યુ પામનાર સર્વેયરનો મૃતદેહ પોલીસ કૉન્સ્ટેબલે ફિલ્મીઢબે કેવી રીતે શોધ્યો?

કચ્છના મોટા રણમાં સરહદની રક્ષા કરનારા બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ (બીએસએફ) માટે એક રસ્તો બનાવવા માટે એક પ્રાઇવેટ કંપનીના સર્વેયર અર્નબ પાલ બે સાથીઓ મદદનીશ સર્વેયર અને ગાડીના ડ્રાઇવર સાથે 6 એપ્રિલે સવારે 7. 40 કલાકે રાપર નજીક આવેલ બેલા ગામ પાસેના રણમાં નીકળી પડ્યા હતા.

જેમાંથી અર્નબ પાલ વિખૂટા પડી ગયા હતા અને તેમનો કોઈ પતો મળતો ન હતો. પાંચમા દિવસે એટલે કે દસ એપ્રિલે સાંજે(ગુરુવારે) સંધ્યા ટાણે અર્નબ પાલ મૌવાણા ગામથી બે કિલોમીટર દૂર આવેલા રણમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.

તેમના મૃતદેહની ભાળ રાપર પોલીસ મથકમાં ફરજ બજાવતા કૉન્સ્ટેબલ નવરજી ઠાકોરે મેળવી હતી. મૃતદેહની ભાળ મેળવવા બદલ તેમનું 21 હજાર રૂપિયા આપીને સન્માન કરવામા આવ્યું હતું. જે રૂપિયા તેમણે ગાયોના ચારા માટે દાનમાં આપી દીધા હતા.

125 લોકોની ટીમ અર્નબ પાલને શોધવા કામે લાગી હતી

પોલીસ, બીએસએફ અને વન વિભાગના કર્મચારીઓ સહિતના લગભગ 125 લોકોની ટીમ અર્નબ પાલને શોધવા ચાર દિવસથી મથામણ કરતી હતી.

તેમણે ડ્રૉન પણ ઉડાડ્યાં છતાં તેમની કોઈ ભાળ મળતી નહોતી.

કઈ રીતે તમને મૃતદેહનું પગેરું મળ્યું? એ સવાલના જવાબમાં નવરજી ઠાકોરે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "હું રણ વિસ્તારમાં લાંબા સમયથી ફરજ બજાવું છું. મેં આડેસર, બાલાસર, રાપર જેવા રણ વિસ્તારમાં ફરજ બજાવી છે. તેથી આ વિસ્તારથી હું સારી રીતે વાકેફ છું. મેં અગાઉ ફતહગઢ પાસેના રણમાં મૃતદેહ શોધ્યો હતો. તેથી જે તપાસ ટીમ હતી તેમાં હું પણ અર્નબ પાલની શોધખોળમાં લાગ્યો હતો."

અર્નબ પાલ અને તેના સાથીઓની બૂટની છાપના આધારે તેઓ મૃતદેહ સુધી પહોંચ્યા હતા પણ ત્યાં સુધી પહોંચવાની પ્રકિયા જટીલ હતી.

નવરજી ઠાકોરે કહ્યું હતું કે, "અર્નબ પાલ અને તેમની સાથે બે મદદનીશ હતા તેઓ બૉર્ડર સિક્યૉરિટી ફોર્સ(બીએસએફ)ના કૅમ્પ પર આવી ગયા હતા. ત્યાં તેમણે પહેરેલાં બૂટની છાપ હતી તે બીએસએફે નોંધી હતી જે મેં મેળવી હતી. એ પછી પાલ અને બે સાથીઓ જે જગ્યા પર સર્વેનું કામ કરતા હતા ત્યાં પણ એ પગલાંની છાપ જોઈ હતી. એ નિશાનને અનુસરતો હું આગળ વધતો ગયો હતો. તેમાં અન્ય કેટલાંકનાં પગલાંની છાપ પણ અમુક જગ્યાએ મળતી હતી જેને લીધે ગૂંચવણ ઊભી થતી હતી."

"જોકે, આ ત્રણેય જણા બીએસએફ કૅમ્પ પર આવી ગયા હતા તેથી ત્યાંથી તેમનાં પગલાંની છાપ મેં નોંધી લીધી હતી. જેનો મને ફાયદો એ મળ્યો કે અર્નબ પાલનાં પગલાંની છાપ હું અલગ પાડી શકતો હતો. તેથી એ અલગ છાપનાં નિશાનને હું અનુસરતો હતો. બે સાથીઓથી વિખૂટા પડી ગયા હતા તેથી એક તબક્કા પછી માત્ર અર્નબ પાલનાં પગલાનાં નિશાન જ મળતાં હતાં. તેને લીધે પણ પગેરું ઊઘડતું જતું હતું."

જમીનમાં મીઠું જામી જતું હોય ત્યારે પગલાંની છાપ મેળવવી મુશ્કેલ

રણમાં કેટલીક જગ્યાએ મીઠું જામી જતું હોય છે. જેને લીધે પગલાંની છાપ ભૂંસાઈ જાય છે. પરિણામે પગેરું મેળવવું કઠીન બની જતું હોય છે. તેથી જ અર્નબ પાલને ખોળવામાં વખત લાગ્યો હતો. અંતે તેમનો મૃતદેહ મળ્યો હતો.

નવરજી જણાવે છે કે, "મીઠું જામી જતું હોય ત્યાં પગલાંની છાપ નહોતી જોવાં મળતી તેથી સમસ્યા એ હતી કે જમીન પર પગલાં જતાં હોય તેવી સળંગ છાપ - જોવાં નહોતી મળતી. જોકે, જ્યાં કાદવનો કળણવાળો ભાગ હતો ત્યાં બૂટ અંદર ખૂંપી જતાં હતાં."

"તેને લીધે એવા કળણવાળી જગ્યા પર પગેરું જોવાં મળ્યું હતું. એની આસપાસમાં પછી કંઈ નિશાન મળે તો હું તે જે જગ્યા પર છાપ મળે એની ચારેય દીશામાં હું થોડું આગળ ચાલતો હતો. જ્યાં પગલાંની છાપનું અનુસંધાન મળે ત્યાં ફરી આગળ વધતો હતો. એ રીતે આગળ વધતા વધતા હું છેક મૃતદેહ સુધી પહોંચ્યો હતો."

મૃતદેહ મળ્યો તેના દસ મીટર છેટે મીઠાં પાણીનો ધોરીયો હતો

મૃતદેહ જ છે તે કેવી રીતે ખબર પડી? તેના જવાબમાં ઠાકોરે કહ્યું કે "મને દૂરથી કાળું કાળું કશુંક દેખાયું. નજીક જઈને જોયું તો અર્નબ પાલનો મૃતદેહ હતો. મેં તરત મારા સાહેબને ફોન કરીને વાકેફ કર્યા હતા."

મૃતદેહની પાસે પગલાંનાં નિશાન હતાં.

નવરજીએ કહ્યું હતું, "એ સિવાય મૃતદેહથી ત્રણસોએક મીટર દૂર પગલાંનાં નિશાન જોવાં મળ્યાં હતાં. જ્યાં મૃતદેહ મળ્યો એના દસ મીટર છેટે જ મીઠા પાણીનો ધોરીયો(નાની નહેર) હતો. હું રણની આ ભૂગોળથી વાકેફ હતો. અર્નબ પાલ પણ પાણી શોધવા જ ગયા હશે એમ માનતો હતો. અને મારી એ ધારણા કદાચ સાચી ઠરી હતી."

કચ્છના રણમાં શા માટે આવ્યા હતા અર્નબ પાલ?

બીએસએફે નવરજીનું સન્માન કર્યું હતું. નવરજી જણાવે છે કે 21000 રૂપિયાનું મને ઇનામ આપવામાં આવ્યું હતું. જે રકમ મેં નજીકની ગૌશાળામાં ગાયના ચારા માટે દાનમાં આપી દીધી હતી.

પૂર્વ કચ્છ પોલીસ વિભાગના રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે. બી. બુબડિયાએ બીબીસી ગુજરાતીને અગાઉ જણાવ્યું હતું કે અર્નબ પાલ, આસિસ્ટન્ટ સર્વેયર છેલારામ તેનવર અને શાહરુખ ગની નામના ડ્રાઇવર એમ ત્રણ લોકો ત્રીજી તારીખે કચ્છમાં આવ્યા હતા. આ ત્રણેય ભાસ્કરમ્ જ્યોતિષ અનુસંધાન કેન્દ્ર પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીના કર્મચારીઓ છે.

બિહારના પટણામાં ઑફિસ ધરાવતી આ કંપની સિવિલ એંજિનિયરિંગને લગતી સેવાઓ પૂરી પડે છે. અર્નબ પાલ પશ્ચિમ બંગાળના વર્ધમાન જિલ્લાના કાલનાના રહેવાસી હતા. ચેલારામ અને શાહરુખ રાજસ્થાનના રહેવાસી છે.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કચ્છ પૂર્વ પોલીસના વડા સાગર બાગમારે કહ્યું હતું કે, "બીએસએફ માટે એક રસ્તો બનાવવા માટે સેન્ટ્રલ પબ્લિક વર્કસ ડિપાર્ટમેન્ટે ભાસ્કરમને કચ્છના મોટા રણમાં જમીનનો સર્વે કરવાનો કૉન્ટ્રેક્ટ આપ્યો હતો અને આ ત્રયેણ કર્મચારીઓ તે કામ માટે કચ્છ આવી પહોંચ્યા હતા."

છેલરામે બીબીસી ગુજરાતીને ફોન પર જણાવ્યું હતું કે, "અમે ત્રણ તારીખે અમારા માટે રહેવાની સગવડ કરી અને ચાર તારીખે સર્વે માટે ઉપકરણો ગોઠાવી દીધાં અને પાંચ તારીખે થોડું કામ કર્યું. છ તારીખે અમે બીએસએફની બેલા આઉટપોસ્ટ પાસેથી મંજૂરી લઈને રણમાં સર્વેની કામગીરી ચાલુ કરી."

"અમારો ટાર્ગેટ ચાર દિવસમાં બેલાથી પાકિસ્તાનની સરહદ સુધી ચાલીસેક કિલોમીટર વિસ્તારની જમીનનો પગે ચાલીને સર્વે કરવાનો ટાર્ગેટ હતો. પરંતુ, પ્રથમ દિવસે જ અમને કામમાં ભારે મુશ્કેલી જણાઈ અને અમારા સર્વેયર સાહેબનું મૃત્યુ થયું."

કચ્છના રણમાં કેવી રીતે ભૂલા પડ્યા સર્વેયર?

છેલરામે બીબીસીને જણાવ્યું હતું, "રવિવારે સવારે 7.40 વાગ્યે તે, અર્નબ પાલ અને શાહરુખ ગાડી લઈને બેલા પાસેના કુંડના રણમાં કામ માટે નીકળી પડ્યા હતા. રણમાં અડધોએક કિલોમીટર આગળ જતા ગાડી ચાલે તેવી જમીન ન રહેતા શાહરૂખે ગાડી રોકી અને અર્નબ પાલ અને છેલારામ ચાલીને પાકિસ્તાની સરહદ તરફ આવેલા રણના ભાગનો સર્વે કરવા નીકળી પડ્યા હતા."

તેમણે વધુમાં જણાવ્યું, "રણમાં ચાલવામાં મુશ્કેલી પડતી હતી અને ખૂબ ગરમી લાગતી હતી. અમે 9.50 વાગ્યે છેલ્લી વાર પાણી પીધું હતું. લગભગ સાડાબાર વાગ્યા એટલે મને ખૂબ જ થાક લાગી ગયો અને મેં સર્વેયર સાહેબને કહ્યું કે ગરમી વધી ગઈ છે અને હું થાકી ગયો છું એટલે આપણે પાછા વળી જઈએ. તે વખતે અમે પાંચેક કિલોમીટરનું અંતર કાપી નાખ્યું હતું. પરંતુ, સર્વેયર સાહેબે કહ્યું કે થોડે દૂર જ એક રસ્તો મળી જશે અને આપણે ત્યાં સુધી સર્વેનું કામ પૂરું કરી નાખીએ."

"મેં હા પાડી અને અમે આગળ વધ્યા. પરંતુ અડધોએક કિલોમીટર ચાલ્યા ત્યાં મને શ્વાસ ચડવા લાગ્યો. મેં સર્વેયર સાહેબને કહ્યું કે મારાથી હવે વધારે નહીં ચલાય. અમારી પાસે પીવાનું પાણી પણ ન હતું. તેથી, હું પાછો વળી ગયો, પરંતુ સાહેબ આગળ ચાલતા રહ્યા."

"હું બેલા તરફ એકાદ કિલોમીટર પાછો ચાલ્યો ત્યાં સુધીમાં સાવ થાકી ગયો અને મારી પાસે રહેલો ટુવાલ માથે ઓઢી બેસી ગયો. મેં શાહરૂખને ફોન કરી મને તેડી જવા વિનંતી કરી. પરંતુ શાહરૂખે કહ્યું કે ગાડી રણમાં નહીં ચાલે. તેથી, મેં તેને કહ્યું કે બીએસએફ પાસે જઈને મદદ માંગ. મેં તેને મારા ફોનથી મારું લોકેશન પણ માકલ્યું હતું.

37 વર્ષના છેલરામે કહ્યું, "બીએસએફના અધિકારીઓએ અઢી વાગ્યે મને શોધીને બચાવી લીધો અને મને પાણી પાયું. પછી અમે બધા પાલ સાહેબને રણમાં શોધવા લાગ્યા પણ તે ક્યાંય મળી આવ્યા નહીં."

ઉલ્લેખનીય છે કે કચ્છ જિલ્લામાં તાજેતરના દિવસોમાં કાળઝાળ ગરમી પડી રહી હતી અને તાપમાનનો પારો પિસ્તાલીસ ડિગ્રી સેલ્સિયને પણ વટાવી ચુક્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન