You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાકિસ્તાનમાં પૂર્વ જેહાદી કમાન્ડરોનાં રહસ્યમય મૃત્યુ, 'મોસાદ'ની માફક ભારતે શરૂ કર્યું સિક્રેટ મિશન?
- લેેખક, અબ્દુલ સૈયદ
- પદ, રિસર્ચર, બીબીસી ઉર્દૂ માટે
- તારીખ: 26 ફેબ્રુઆરી, 2023. સ્થળ: કરાચી, ગુલિસ્તાન જૌહર. ઘટના: 55 વર્ષીય ખાલિદ રઝાની હત્યા. આરોપી: અજાણ્યો મોટરસાયકલ ચાલક.
- તારીખ: 20 ફેબ્રુઆરી, 2023. સ્થળ: રાવલપિંડી. ઘટના: 60 વર્ષીય બશીર અહેમદની હત્યા. આરોપી: અજાણ્યો મોટરસાયકલ ચાલક.
- તારીખ: માર્ચ, 2022. સ્થાન: કરાચી, અખ્તર કૉલોની. ઘટના: મિસ્ત્રી ઝાહિદ ઇબ્રાહિમની હત્યા. આરોપી: અજાણ્યો મોટરસાયકલ ચાલક.
હત્યાની આ ત્રણ ઘટનાઓમાં સ્થળ અલગ છે, પરંતુ ઘટનાની પદ્ધતિ એક જ છે. અજાણ્યા લોકોએ ટાર્ગેટ કિલિંગમાં લક્ષ્યને નિશાન બનાવ્યું હતું. પાકિસ્તાનમાં આવી ઘટનાઓ નવી નથી. માર્યા ગયેલા લોકોના ભૂતકાળને જોવામાં આવે તો એક વાત સામાન્ય છે, જેના સગડ મેળવવા અઘરા નથી.
ખાલિદ રઝા, બશીર અહેમદ અને મિસ્ત્રી ઝાહિદ… ત્રણેય ભારત પ્રશાસિત કાશ્મીરમાં સક્રિય જેહાદી સંગઠનો સાથે સંકળાયેલા હતા.
ભારતનું સિક્રેટ મિશન
શું ભારતે પાકિસ્તાનમાં જેહાદી સંગઠનોના સભ્યો વિરુદ્ધ સિક્રેટ મિશન શરૂ કરી દીધું છે?
અજાણ્યા હુમલાખોરોએ 55 વર્ષીય ભૂતપૂર્વ કાશ્મીરી જેહાદી કમાન્ડર સૈયદ ખાલિદ રઝાને કરાચીના ગુલિસ્તાન જૌહર વિસ્તારમાં રવિવાર, 26 ફેબ્રુઆરીના રોજ તેમના દરવાજે ઘાતક હુમલામાં ઠાર કર્યા હતા.
સૈયદ ખાલિદ રઝા 90ના દાયકામાં ભારત પ્રશાસિત કાશ્મીરમાં ભારતીય સૈનિકો સામે અલ બદર મુજાહિદ્દીન સંગઠનના અગ્રણી નેતા હતા, પરંતુ 9/11 પછી કાશ્મીરી જેહાદી સંગઠનો પરના સરકારી પ્રતિબંધોને પગલે હથિયારધારી જીવનથી અલગ થઈને શિક્ષણ ક્ષેત્રથી દૂર જતા રહ્યા હતા.
સૈયદ ખાલિદ રઝાની હત્યાની જવાબદારી સરકાર વિરોધી જાતીય અને અલગતાવાદી સશસ્ત્ર સંગઠન સિંધુ દેશ આર્મીએ સ્વીકારી પરંતુ આ પ્રકારની આ પહેલી ઘટના નથી. હકીકતમાં, સૈયદ ખાલિદ રઝાની હત્યા એ છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી ભૂતપૂર્વ ભારત પ્રશાસિત કાશ્મીરના જેહાદી કમાન્ડરોના રહસ્યમય મૃત્યુની શ્રેણીની એક કડી માત્ર છે.
છેલ્લા એક સપ્તાહમાં આ બીજી અને એક વર્ષમાં પાંચમી ઘટના છે જેમાં કાશ્મીરી જેહાદી સંગઠનોના વર્તમાન અને ભૂતપૂર્વ ટોચના કમાન્ડરોને અજાણ્યા હુમલાખોરો દ્વારા રહસ્યમય રીતે ટાર્ગેટ કિલિંગમાં નિશાન બનાવવામાં આવ્યા છે. આ હુમલાઓમાં સૈયદ ખાલિદ રઝા સહિત ત્રણ મોટા કમાન્ડર માર્યા ગયા છે.
સૈયદ ખાલિદ રઝા કોણ હતા?
સૈયદ ખાલિદ રઝાના અવસાન પર દુ:ખ વ્યક્ત કરતા કરાચી જમાતે ઈસ્લામીના નેતા એન્જિનિયર નઈમુર રહેમાને સોશિયલ મીડિયા સંદેશમાં જણાવ્યું હતું કે તેઓ બંને જમાતે ઈસ્લામીના વિદ્યાર્થી સંગઠન ઈસ્લામી જમાતે તલબામાં સાથી હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કરાચી સ્થિત વરિષ્ઠ પત્રકાર ફૈઝુલ્લાહ ખાનના જણાવ્યા અનુસાર, "સૈયદ ખાલિદ રઝા કરાચીના બિહારી સમુદાયના હતા અને 90ના દાયકાની શરૂઆતમાં અફઘાનિસ્તાનમાં અલ બદ્ર સંગઠનની તાલીમ શિબિરોમાં તાલીમ લીધા બાદ ભારત પ્રશાસિત કાશ્મીરમાં ભારતીય સૈનિકો સામેની લડાઈમાં જોડાયા હતા."
"પરંતુ 1993માં પાકિસ્તાનમાં પાછા ફર્યા પછી તેમને પેશાવરમાં સંગઠનના પદાધિકારી બનાવવામાં આવ્યા હતા."
અલ બદ્ર મુજાહિદ્દીન જમાતે ઈસ્લામીની સહયોગી સશસ્ત્ર પાંખ રહી ચૂકી છે અને તે 80ના દાયકાની શરૂઆતથી અફઘાનિસ્તાન અને ત્યારબાદ ભારતીય પ્રશાસિત કાશ્મીરમાં સક્રિય રહ્યું છે પરંતુ અલ બદ્ર મુજાહિદ્દીન કેટલાક આંતરિક મતભેદોને કારણે 90ના દાયકાના અંતમાં જમાતે ઈસ્લામીથી અલગ થઈ ગયું.
તે સમયે જમાતે ઇસ્લામી સૈયદ સલાહુદ્દીનની આગેવાની હેઠળના હિઝબુલ મુજાહિદ્દીનને સમર્થન આપી રહ્યું હતું અને જમાત ઇચ્છતી હતી કે અલ બદ્ર હિઝબુલ મુજાહિદ્દીન સાથે ભળી જાય.
ફૈઝુલ્લાહ ખાન અનુસાર, જ્યારે સૈયદ ખાલિદ રઝાને 90ના દાયકાના અંતમાં કરાચી વિભાગ માટે અલ બદ્રના વડા નીમવામાં આવ્યા ત્યારે તેઓ સમગ્ર રાજ્યમાં સંગઠનના સૌથી પ્રભાવી નેતા હતા.
9/11 બાદ જ્યારે પૂર્વ સેના પ્રમુખ પરવેઝ મુશર્રફ દ્વારા પાકિસ્તાનમાં જેહાદી સંગઠનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો ત્યારે તે સંગઠનોના સેંકડો લોકોની ધરપકડ કરવામાં આવી હતી.
તેમાં સૈયદ ખાલિદ રઝા પણ હતા, જેઓ થોડાં વર્ષો જેલમાં રહ્યા પછી ધીમે ધીમે ઉગ્રવાદી જીવનથી અલગ થઈ ગયા અને શિક્ષણક્ષેત્રે જોડાઈ ગયા.
બશીર અહેમદની હત્યા
સૈયદ ખાલિદ રઝાની હત્યા પહેલા 20 ફેબ્રુઆરીના રોજ કાશ્મીરી કમાન્ડર બશીર અહમદ પીર ઉર્ફે ઇમ્તિયાઝ આલમને પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદને અડીને આવેલા રાવલપિંડી શહેરમાં મગરીબ (સૂર્યાસ્ત)ની નમાજ પછી ઘરે જતા સમયે અજાણ્યા મોટરસાઇકલ સવારોએ પિસ્તોલથી ગોળી મારીને હત્યા કરી અને ભાગી ગયા હતા.
પત્રકાર જલાલુદ્દીન મુગલના અહેવાલ મુજબ, 60 વર્ષીય બશીર અહેમદનો સંબંધ ભારત પ્રશાસિત કાશ્મીરના શ્રીનગર જિલ્લાના કુપવાડા વિસ્તાર સાથે હતો અને 80ના દાયકાના અંતથી સૌથી મોટા કાશ્મીરી જેહાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન સાથે સંકળાયેલા હતા.
તેઓ 90ના દાયકાની શરૂઆતમાં તેમના પરિવાર સાથે પાકિસ્તાન ગયા હતા અને સુપ્રીમ કાઉન્સિલના સભ્ય હોવા ઉપરાંત તેના સ્થાપક પ્રમુખ બન્યા બાદ હિઝબુલ મુજાહિદ્દીનના ભારે પ્રભાવી કમાન્ડર માનવામાં આવતા હતા.
પાકિસ્તાન સરકારના ભારત પર આરોપ
ગયા વર્ષે માર્ચમાં કરાચીની અખ્તર કૉલોનીમાં જેહાદી સંગઠન જૈશે મોહમ્મદના સભ્ય એક મિસ્ત્રી ઝાહિદ ઇબ્રાહિમની હત્યા કરવામાં આવી હતી. ટાર્ગેટ કિલિંગમાં બે સશસ્ત્ર મોટરસાયકલ સવારોએ તેમને ફર્નિચરની દુકાનમાં ગોળી મારીને હત્યા કરી હતી.
ડિસેમ્બર 1999માં, મિસ્ત્રી ઝાહિદ ઇબ્રાહિમ નેપાળથી કાબુલ લઈ જવામાં આવેલા ભારતીય પૅસેન્જર વિમાનના અપહરણમાં સામેલ હતો.
અપહરણકર્તાઓએ વર્ષોથી ભારતીય જેલમાં બંધ જૈશે મોહમ્મદના સ્થાપક પ્રમુખ મૌલાના મસૂદ અઝહર અને અન્ય બે કમાન્ડર મુશ્તાક ઝરગર અને ઉમર સઈદ શેખને મુક્ત કરાવ્યા હતા.
મિસ્ત્રી ઝાહિદની હત્યા કેવી રીતે થઈ અને કોણે કરી તે વિશે કંઈ કહી શકાય તેમ નથી પરંતુ આ અગાઉ અન્ય મહત્ત્વપૂર્ણ જેહાદી સંગઠનના કમાન્ડરને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો પાકિસ્તાને ભારત પર આરોપ લગાવ્યો હતો.
જૂન 2021માં લાહોરના જૌહર ટાઉન વિસ્તારમાં કાર બૉમ્બ બ્લાસ્ટ થયો હતો.
આ વિસ્ફોટમાં જેહાદી સંગઠન લશ્કરે તૈયબા અને જમાત-ઉદ-દાવાના પ્રમુખ હાફિઝ સઈદના ઘરને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેમાં હાફિઝ સઈદ અને તેમનો પરિવાર સુરક્ષિત રહ્યો હતો પરંતુ અન્ય ચાર લોકો માર્યા ગયા હતા.
ડિસેમ્બર 2021માં, પાકિસ્તાનના વિદેશ રાજ્યમંત્રી હિના રબ્બાની ખારે એક પ્રેસ કૉન્ફરન્સમાં દાવો કર્યો હતો કે એજન્સીઓના અહેવાલો અનુસાર આ હુમલામાં ભારત સામેલ હતું.
તે ઘટનાની પ્રતિક્રિયામાં હિના રબ્બાની ખારે સંયુક્ત રાષ્ટ્રને ભારત વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની અપીલ કરી હતી.
લાહોર સ્થિત વરિષ્ઠ પત્રકાર માજિદ નિઝામીના જણાવ્યા અનુસાર, પાકિસ્તાનમાં કાશ્મીરી જેહાદી સંગઠનો વિરુદ્ધ ભારતની કથિત કાર્યવાહીની પહેલી ઘટના 2013માં લાહોરમાં હાફિઝ સઈદના નજીકના સાથી ખાલિદ બશીરનું અપહરણ અને ક્રૂર હત્યા તરીકે સામે આવી હતી. જેંમની લાશ બે દિવસ બાદ લાહોરને અડીને આવેલા જિલ્લા શેખપુરામાંથી મળી હતી.
હાફિઝ સઈદની સુરક્ષાની માહિતી ઓકાવવા માટે આરોપીઓએ કરેલી જોરદાર મારપીટમાં હાફિઝ ખાલિદ બશીરના હાડકાંમાં ફ્રૅક્ચર થઈ ગયું હતું અને પછી તેમની આંખમાં પિસ્તોલથી ગોળી મારીને તેમની હત્યા કરી દેવાઈ હતી.
માજિદ નિઝામીના જણાવ્યા અનુસાર, જો કે ખાલિદ બશીરની હત્યાની જવાબદારી કોઈએ સ્વીકારી નથી, પરંતુ સુરક્ષા એજન્સીઓની તપાસ અનુસાર આ ઘટનાના તાર ભારતીય ગુપ્તચર એજન્સીઓ સાથે જોડાયેલા હતા.
માજિદ નિઝામીના જણાવ્યા અનુસાર, આ ઘટનામાં ધરપકડ કરાયેલા બે આરોપીઓને બાદમાં મૃત્યુદંડની સજા સંભળાવવામાં આવી હતી, જેમણે સુરક્ષા એજન્સીઓને જણાવ્યું હતું કે તેમને આ કાર્યવાહીનું કામ એક ખાડી દેશમાંથી ભારતીય ગુપ્તચર એજન્સી 'રૉ'ના અધિકારીઓએ સોંપ્યું હતું.
એવી ઘટનાઓ જે જાહેરમાં નથી આવી
જાહેરમાં આવેલી આ ઘટનાઓ સિવાય તાજેતરમાં એવી કેટલીક અન્ય ઘટનાઓ બની છે જેમાં આ સંગઠનોના અગ્રણી કમાન્ડરોને નિશાન બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો પરંતુ તે ઘટનાઓ મીડિયામાં સામે આવી નથી.
ઉદાહરણ તરીકે, માજિદ નિઝામીના જણાવ્યા અનુસાર, "ગયા વર્ષે પાકિસ્તાન પ્રશાસિત કાશ્મીરમાં હિઝબુલ મુજાહિદ્દીનના સ્થાપક સૈયદ સલાહુદ્દીનની કારને બૉમ્બથી ઉડાવી દેવાની યોજના તેમના સુરક્ષા કર્મચારીઓ દ્વારા નિષ્ફળ કરવામાં આવી હતી."
એ જ રીતે પત્રકાર ફૈઝુલ્લા ખાને જણાવ્યું હતું કે "ત્રણ હુમલાખોરોએ લગભગ બે અઠવાડિયા પહેલાં જૈશે મોહમ્મદના નજીકના સાથી ઝાહિદ ઇબ્રાહિમ મિસ્ત્રીને અને ભારતીય વિમાન હાઈજૅક કેસના અન્ય એક શકમંદને કરાચીની અખ્તર કૉલોનીમાં તેમના ઘરે નિશાન બનાવવાની યોજના બનાવવામાં આવી હતી પરંતુ કૉલ ટ્રેસના કારણે સુરક્ષા એજન્સીઓને હાથે હુમલાખોરો પકડાઈ ગયા હતા."
આ રહસ્યમય ઘટનાઓમાં કોણ સામેલ છે?
જોકે સિંધુ દેશ સંગઠને સૈયદ ખાલિદ રઝાની હત્યાની જવાબદારી સ્વીકારી છે, પરંતુ આ નિવેદનમાં કોઈ નક્કર કારણ મળ્યું નથી, જેથી જાણી શકાય કે આ સંગઠને ખરેખર આ હુમલાની યોજના બનાવી હતી.
સંગઠનના નિવેદનમાં સૈયદ ખાલિદ રઝાની હત્યાને સિંધમાં ધાર્મિક કટ્ટરપંથીઓ અને સંસ્થાનવાદીઓ સામેની કાર્યવાહીનો ભાગ ગણાવવામાં આવ્યો છે.
પરંતુ આ દૃષ્ટિકોણથી તો કરાચી અને સિંધમાં કરોડો લોકો આ સંગઠનના નિશાન હેઠળ આવી શકે તેમ છે તો માત્ર સૈયદ ખાલિદ રઝાને જ કેમ ટાર્ગેટ કરવામાં આવ્યા?
બીજી તરફ, ઉપરોક્ત ઘટનાઓના સંદર્ભમાં જો આ હત્યાને જોવામાં આવે તો પાકિસ્તાનની ધરતી પર તેના સશસ્ત્ર વિરોધીઓ સામે ભારતની સક્રિય કાર્યવાહીની શરૂઆત જણાય છે, જેથી ભારત પ્રશાસિત કાશ્મીરમાં કોઈપણ હિંસક ચળવળની શક્યતાનો રસ્તો જ બંધ કરી દેવામાં આવે.
આની એક રસપ્રદ પૃષ્ઠભૂમિ ભારતીય મીડિયામાં હુમલાઓ પછી તરતની ઉજવણી છે જેને ભારતીય એજન્સીઓ દ્વારા તેમના દુશ્મનો વિરુદ્ધ સફળ કામગીરીની શ્રેણી તરીકે વર્ણવવામાં આવી છે.
કેટલાક ભારતીય લોકોએ પેલેસ્ટાઈનના નેતૃત્વ અને સભ્યો વિરુદ્ધ ઈઝરાયેલની ગુપ્તચર સંસ્થા 'મોસાદ'ની કાર્યવાહી સાથે પણ તે હુમલાઓની સરખામણી કરી છે, જોકે ભારત તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા સામે આવી નથી.
માજિદ નિઝામીના જણાવ્યા અનુસાર, "માર્યા ગયેલા લોકોના અંતિમ સંસ્કારમાં સામેલ સંગઠનોના લોકોએ પણ તે ઘટનાઓમાં ભારતની સંડોવણી તરફ ધ્યાન દોર્યું હતું અને કહ્યું હતું કે અન્ય લોકોને તેમના સંગઠનો તરફથી જ્યાં-ત્યાં આવવા-જવાનું ટાળવાની અને સુરક્ષા વધારવાની સલાહ આપવામાં આવી છે."