રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનો બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડ માટે સંદેશ

ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, બીબીસી ન્યૂઝ, બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડ, બીબીસી ગુજરાતી, મહિલા ખેલાડીઓનું સન્માન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યરની પહેલ કરવા માટે બીબીસીની પ્રશંસા કરી છે

ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ બીબીસીની સમગ્ર ટીમની બીબીસી 'ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર'ના આયોજનની સરાહનીય પહેલ માટે પ્રશંસા કરી છે.

બીબીસી 'ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2024'નાં વિજેતાના નામની જાહેરાત આજે એટલે કે સોમવારે સાંજે દિલ્હીમાં થશે.

વિજેતાની પસંદગી માટે બે સપ્તાહ સુધી ચાલેલા મતદાનમાં દર્શકોએ પોતાની પસંદગીનાં ખેલાડીઓને મત આપ્યા હતા.

બીબીસી 'ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર' પુરસ્કારની પાંચમી આવૃત્તિનાં નૉમિની ખેલાડીઓમાં ગોલ્ફર અદિતિ અશોક, ક્રિકેટર સ્મૃતિ મંધાના, શૂટર અવનિ લેખરા, શૂટર મનુ ભાકર અને પહેલવાન વીનેશ ફોગાટ છે.

ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, બીબીસી ન્યૂઝ, બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડ, બીબીસી ગુજરાતી, મહિલા ખેલાડીઓનું સન્માન

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બીબીસી ઇન્ડિયન 'સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2024'ની જાહેરાત આજે રાત્રે દિલ્હીમાં કરવામાં આવશે

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂનો સંદેશ

'બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર' કાર્યક્રમના આયોજનની સરાહનીય પહેલ બદલ હું બીબીસીની સમગ્ર ટીમને બિરદાવું છું.

મને જાણીને આનંદ થયો કે વર્ષ 2020થી દર વર્ષે બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડનું આયોજન કરીને બીબીસીએ મહિલાઓની સિદ્ધિઓને ઉજાગર કરવા પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી છે.

આ પહેલ દ્વારા જેમની ઓળખ બની છે તેવાં અસાધારણ ઍથ્લીટોએ માત્ર પોતાની રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે એટલું જ નહીં, યુવા મહિલાઓને હિંમતપૂર્વક પોતાનાં સપનાં પૂરાં કરવાં માટે પ્રેરિત પણ કર્યાં છે.

આપણી છોકરીઓ અને મહિલાઓ જ્યારે રમતગમતમાં પુરસ્કાર મેળવે ત્યારે મને ખાસ ખુશી અનુભવાય છે. ભારતીય મહિલાઓને ખેલાડીના રૂપમાં વિશ્વસ્તરે પોતાની પ્રતિષ્ઠા વધારતી જોઈને મને બહુ આનંદ થાય છે. તેઓ જ્યારે આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓમાં પદક જીતે અને રાષ્ટ્રગીતની ધૂન પર તિરંગો લહેરાય ત્યારે દરેક ભારતીયનું હૃદય એક વિશેષ ગર્વની ભાવનાથી છલકાય છે.

મહિલાઓ સાથે સંકળાયેલી પરંપરાગત ભૂમિકાઓ અને ધારણાઓને પડકારવાની દૃષ્ટિથી રમતગમતની બહુ સકારાત્મક ભૂમિકા હોય છે. ભારતીય મહિલાઓ આંતરરાષ્ટ્રીય રમતોના મંચ પર સરહદો પાર કરી રહી છે અને નવા રેકૉર્ડ સ્થાપી રહી છે. કૉમનવેલ્થ ગેમ્સ, ઑલિમ્પિક અને પૅરાલિમ્પિક સ્પર્ધાઓમાં તેમના પ્રદર્શનથી ભારતમાં મહિલા ખેલાડીઓ દ્વારા કરવામાં આવેલી પ્રભાવશાળી પ્રગતિ અને ભારત સરકારની પ્રતિબદ્ધતાની ઝલક મળે છે.

અસાધારણ મહિલા ખેલાડીઓની પ્રેરક કહાણીઓને જેટલું સંભવ હોય ત્યાં સુધી વ્યાપક સ્તરે પ્રચારિત કરવાનું બહુ મહત્ત્વપૂર્ણ છે. તેનાથી ઍથ્લીટોની પ્રતિષ્ઠા વધશે અને યુવા પેઢીને પ્રેરણા મળશે.

માતા-પિતા, શાળાઓ અને કૉલેજો, ઍમ્પ્લૉયર્સ અને અન્ય સંસ્થાઓને મારો અનુરોધ છે કે તેઓ છોકરીઓને રમતગમતમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે. રમતનો સંબંધ માત્ર જીતવા સાથે નથી, રમતગમત આપણી છોકરીઓને સશક્ત બનાવે છે.

ભારતનાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, બીબીસી ન્યૂઝ, બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર ઍવૉર્ડ, બીબીસી ગુજરાતી, મહિલા ખેલાડીઓનું સન્માન

ઇમેજ સ્રોત, presidentofindia.gov.in

ઇમેજ કૅપ્શન, રાષ્ટ્રપતિનો સંદેશ

આજે સાંજે દિલ્હીમાં પુરસ્કારની જાહેરાત થશે

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બીબીસી ઇન્ડિયન 'સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2024'ની જાહેરાત આજે રાત્રે દિલ્હીમાં કરવામાં આવશે. દર્શકોએ બે સપ્તાહ સુધી તેમનાં મનપસંદ મહિલા ખેલાડીઓને મત આપ્યા બાદ આ જાહેરાત કરવામાં આવશે.

બીબીસી ઇન્ડિયન 'સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર'ની પાંચમી આવૃત્તિ માટેનાં પાંચ નૉમિની ખેલાડીઓમાં ગોલ્ફર અદિતિ અશોક, શૂટર્સ મનુ ભાકર અને અવનિ લેખરા, ક્રિકેટર સ્મૃતિ મંધાના અને કુસ્તીબાજ વીનેશ ફોગાટ સામેલ છે.

તમામ નૉમિની વિશે વધુ અહીં જાણો - બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર 2024 : પાંચ નૉમિની ખેલાડી કોણ છે?

જાણીતા સ્પૉર્ટ્સ પત્રકારો, લેખકો અને નિષ્ણાતોની બનેલી જ્યુરી પેનલ દ્વારા પાંચ નૉમિનીની જાહેરાત જાન્યુઆરીમાં કરવામાં આવી હતી. તે પછી વિજેતા નક્કી કરવા દર્શકો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતું.

આ પ્રતિષ્ઠિત પુરસ્કાર દ્વારા 2024માં ભારતીય મહિલા ખેલાડીઓનાં યોગદાનને સન્માનિત કરવામાં આવે છે તથા દેશમાં રમતગમતમાં સામેલ તમામ મહિલાઓની સિદ્ધિઓની ઉજવણી કરે છે.

આ વર્ષના ઍવૉર્ડ માટેની થીમ 'ચૅમ્પિયન્સ ચૅમ્પિયન' છે, જે મેડલ વિજેતાની કારકિર્દીને ટેકો આપનાર અને તેને ઘડનારાઓને પણ બિરદાવે છે.

વીડિયો કૅપ્શન, Kabaddi: અનોખી કબડ્ડી ક્લબ જે ફક્ત છોકરીઓ માટે છે, કેવી રીતે બદલાયું આ છોકરીઓનું જીવન?

આજે સાંજે યોજાનારા સમારોહમાં બીબીસી જ્યુરી દ્વારા નૉમિની અન્ય ત્રણ સ્પૉર્ટ્સવુમનને પણ સન્માનિત કરશે જેમની કૅટેગરી હશે: યુવા ઍથ્લીટની સિદ્ધિઓને બિરદાવવા માટે 'બીબીસી ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યર' ઍવૉર્ડ, રમતગમતમાં દિગ્ગજોનાં અપ્રતિમ યોગદાનને બિરદાવવા માટે 'બીબીસી લાઇફટાઇમ અચીવમેન્ટ' ઍવૉર્ડ, અને પૅરા-સ્પૉર્ટ્સમાં ઉત્તમ દેખાવને બિરદાવવા માટે 'બીબીસી પેરા-સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર' ઍવૉર્ડ.

આ ઍવૉર્ડ સમારોહનું પ્રસારણ બીબીસીની ભારતીય ભાષાઓની વેબસાઇટ્સ અને બીબીસી સ્પૉર્ટ વેબસાઇટ પર કરવામાં આવશે.

'બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર'ની પ્રારંભિક આવૃત્તિમાં તત્કાલીન રમતગમત મંત્રી કિરેન રિજિજુ મુખ્ય અતિથિ હતા અને બૅડમિન્ટન ખેલાડી પીવી સિંધુને વિજેતા જાહેર કરવામાં આવ્યાં હતાં.

વર્લ્ડ ચેસ ચૅમ્પિયન કોનેરુ હમ્પી 2020ની આવૃત્તિનાં વિજેતા હતાં, જ્યારે વેઇટલિફ્ટર મીરાબાઈ ચાનુએ 2021 અને 2022નો 'બીબીસી ઇન્ડિયન સ્પૉર્ટ્સવુમન ઑફ ધ યર' ઍવૉર્ડ જીત્યો હતો.

ક્રિકેટર શેફાલી વર્મા અને શૂટર મનુ ભાકરે પાછલાં વર્ષોમાં 'ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યર'નો ઍવૉર્ડ જીત્યો છે.

ઍથ્લીટ્સ પીટી ઉષા, અંજુ બૉબી જ્યોર્જ, વેઇટલિફ્ટર કર્ણમ મલ્લેશ્વરી અને હૉકી પ્લેયર પ્રિતમ સિવાચને અગાઉની આવૃત્તિઓમાં 'લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવૉર્ડ' આપવામાં આવ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.