સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરી: વિદ્યાર્થી નેતાથી રાષ્ટ્રીય નેતા સુધીની સફર

ભારતીય કૉમ્યુનિસ્ટ પાર્ટીના (માર્ક્સવાદી) મહાસચિવ સીતારામ યેચુરીનું અવસાન થયું છે. 72 વર્ષીય યેચુરી છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને નવી દિલ્હીમાં ઑલ ઇન્ડિયા મેડિકલ સાયન્સિસ ખાતે તેમની સારવાર ચાલી રહી હતી.

સીપીએમનાં વરિષ્ઠ નેતા પુણ્યવતીએ બીબીસી તેલુગુના સંપાદક જીએસ રામમોહન સાથે વાત કરતાં જણાવ્યું હતું કે યેચુરીનું અવસાન ગુરુવારે બપોરે એઇમ્સ ખાતે થયું હતું.

મંગળવારે સીપીએમ દ્વારા સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં જણાવવામાં આવ્યું હતું કે યેચુરીને શ્વાસનળીમાં ગંભીર ચેપ લાગ્યો છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈના રિપોર્ટ પ્રમાણે, યેચુરીને તા. 19 ઑગસ્ટના રોજ એઇમ્સના ઇમર્જન્સી વૉર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા, જ્યાંથી તેમને આઈસીયુમાં (ઇન્ટૅન્સિવ કૅર યુનિટ) શિફ્ટ કરવામાં આવ્યા હતા.

એઇમ્સ દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિ પ્રમાણે, ન્યુમોનિયાના કારણે તા. 19 ઑગસ્ટના તેમને એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમણે તા. 12 સપ્ટેમ્બરના બપોરે ત્રણ વાગ્યા અને પાંચ મિનિટે છેલ્લા શ્વાસ લીધા. યેચુરીના પરિવારજનોએ તેમનો પાર્થિવદેહ સંશોધન અને અભ્યાસ માટે એઇમ્સને દાન આપી દીધો છે.

સીપીઆઈ-એમ દ્વારા બહાર પાડવામાં આવેલી પ્રેસ વિજ્ઞપ્તિ પ્રમાણે, યેચુરીના મૃતદેહને તા. 14 સપ્ટેમ્બરના સવારે 11 વાગ્યાથી બપોરે ત્રણ વાગ્યા સુધી અંતિમદર્શન માટે નવી દિલ્હીસ્થિત પાર્ટીના મુખ્યાલય ગોપાલન ભવન ખાતે રાખવામાં આવશે. જ્યાંથી એઇમ્સ લઈ જવામાં આવશે.

સીતારામ યેચુરી ભારતીય રાજકારણના દિગ્ગજ નેતાઓમાં સામેલ હતા. તેઓ 32 વર્ષથી સીપીઆઈએમના પોલિટ બ્યૂરોના સભ્ય હતા. વર્ષ 2015થી તેઓ પક્ષના મહાસચિવપદે હતા. યેચુરી વર્ષ 2005થી 2017 દરમિયાન રાજ્યસભાના સભ્ય પણ રહ્યા.

યેચુરીએ તા. 22 ઑગસ્ટના એઇમ્સમાંથી વીડિયો નિવેદન બહાર પાડીને પશ્ચિમ બંગાળના પૂર્વ મુખ્ય મંત્રી બુદ્ધદેવ ભટ્ટાચાર્યને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સીતારામ યેચુરીના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું છે. તેમણે યેચુરીને ડાબેરી દળોનાં અગ્રણી નેતા ગણાવ્યા છે.

વડા પ્રધાન મોદીએ લખ્યું, "યેચુરી બધાં રાજકીય દળો સાથે સંપર્કમાં રહેવા માટે ઓળખાતા હતા. તેમણે એક સાંસદ તરીકે પોતાની અલગ છાપ ઊભી કરી હતી. આ શોકની પળોમાં મારી સંવેદના તેમના પરિવાર અને પ્રશંસકોની સાથે છે."

ગૃહમંત્રી અમિત શાહે લખ્યું કે, "પૂર્વ રાજ્યસભા સાંસદ અને સીપીએમના મહાસચિવ સીતારામ યેચુરીજીના નિધન પર દુ:ખ થયું. તેમના જવાથી રાજનીતિને નુકસાન થયું છે. હું તેમના પરિવારના સભ્યો અને મિત્રો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઈશ્વર તેમના પરિવારને આ મુશ્કેલ સમયમાં શક્તિ પ્રદાન કરે."

વિદ્યાર્થીથી રાજનેતા સુધીની સફર

સીતારામ યેયુરીનો પરિવાર મૂળ અવિભાજિત આંધ્ર પ્રદેશનો હતો, જે તામિલનાડુના તત્કાલીન મદ્રાસમાં આવીને વસ્યો હતો. તેમનાં માતાનું નામ કલ્પગમ તથા પિતાનું નામ સર્વેશ્વર સોમિયાજી હતું.

તા. 12 ઑગસ્ટ 1952ના રોજ સીતારામનો જન્મ થયો હતો. વર્ષ 1969માં અલગ તેલંગણાની માગ ચાલી રહી હતી, ત્યારે તેઓ દિલ્હી આવીને પ્રૅસિડન્ટ્સ ઍસ્ટેટ સ્કૂલમાં જોડાયા.

તેમણે દિલ્હીની બહુપ્રતિષ્ઠિત સૅન્ટ સ્ટિફન્સ કૉલેજમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતકની તથા જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં જ અનુસ્નાતકની પદવી મેળવી. એ પછી તેમણે જેએનયુમાંથી જ પીએચડી કરવા માટે પ્રવેશ તો લીધો, પણ પૂર્ણ ન કરી શક્યા.

વર્ષ 1975માં દેશભરમાં કટોકટી લાદવામાં આવી, ત્યારે તેમની ધરપકડ કરવામાં આવી. વર્ષ 1974માં તેઓ ડાબેરીઓની વિદ્યાર્થી પાંખ સ્ટુડન્ટ્સ ફૅડરેશન ઑફ ઇન્ડિયા સાથે જોડાયા. એ પછીના વર્ષે માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટી જોઇન કરી. પાર્ટીમાં જોડાયાના થોડા સમયમાં જ તેમણે ભારે લોકપ્રિયતા હાંસલ કરી હતી અને તેમને એસએફઆઈના અધ્યક્ષ બનાવવામાં આવ્યા.

કટોકટી પછી ત્રણ વખત તેઓ જેએનયુ વિદ્યાર્થીસંઘના અધ્યક્ષ બન્યા હતા. વર્ષ 1984થી તેઓ કમ્યુનિસ્ટ પાર્ટીની કેન્દ્રીય કમિટીમાં હતા અને વર્ષ 1992થી પોલિટ બ્યૂરોના સભ્ય હતા.

ઇંદિરા ગાંધીને રાજીનામું આપવા મજબૂર કર્યાં

વર્ષ 1977માં કટોકટી પાછી ખેંચી લેવાઈ અને ઇંદિરા ગાંધી ચૂંટણી હારી ગયાં. તેઓ જેએનયુના ચાન્સેલર પદે યથાવત્ હતાં, ત્યારે સીતારામ યેચુરીના નેતૃત્વમાં લગભગ 500 જેટલા વિદ્યાર્થીઓએ ઇંદિરા ગાંધીના ઘરની બહાર દેખાવો કર્યા હતા.

બાદમાં તેઓ ઇંદિરા ગાંધીને મળ્યા. ઇંદિરા ગાંધીએ શા માટે જેએનયુના ચાન્સેલરપદેથી રાજીનામું આપી દેવું જોઈએ, એવા મતલબનું આવેદનપત્ર યેચુરીએ વાચી સંભળાવ્યું. ઇંદિરાએ તેને ભાવવિહીન ચહેરે સાંભળ્યું. ઇંદિરા ગાંધીએ આવેદનપત્ર સ્વીકાર્યું અને થોડાં દિવસ પછી યુનિવર્સિટીના ચાન્સેલરપદેથી રાજીનામું આપી દીધું.

સીતારામ યેચુરી વર્ષ 2005માં પશ્ચિમ બંગાળમાંથી રાજ્યસભાના સભ્ય બન્યા અને બીજી વખત વર્ષ 2011માં ચૂંટાઈ આવ્યા હતા.

સંસદના ઉપલાગૃહમાં તેમણે ખેડૂતો, શ્રમિક વર્ગ, સરકારની આર્થિક અને વિદેશ નીતિ સહિત અનેક મુદ્દે નોંધપાત્ર ચર્ચાઓ કરી અને ભાષણો આપ્યા, જેની મીડિયા અને રાજકીય વિશ્લેષકોએ નોંધ લીધી.

તેઓ પરિવહન, પર્યટન તથા સાંસ્કૃતિક બાબતોની સંસદીય સ્ટૅન્ડિંગ કમિટીના ચૅરમૅનપદે પણ રહ્યા.

વર્ષ 1996માં કેન્દ્રમાં યુનાઇટેડ ફ્રન્ટની સરકાર બની, તેમાં સીતારામ યેચુરીએ ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. વર્ષ 2004માં યુપીએની સરકારના ગઠન સમયે પણ તેમણે નોંધપાત્ર ભૂમિકા ભજવી હતી.

વર્ષ 2015માં તેઓ કમ્યૂનિસ્ટ પાર્ટી ઑફ ઇન્ડિયાના પાંચમાં મહાસચીવ તરીકે ચૂંટાઈ આવ્યા. વર્ષ 2018માં બીજી અને વર્ષ 2022માં ત્રીજી વખત ચૂંટાઈ આવ્યા હતા.

યેચુરીએ ઇંદ્રાણી મજૂમદાર સાથે પહેલાં લગ્ન કર્યાં હતાં અને તેમને બે સંતાન હતાં. એપ્રિલ-2021માં તેમના મોટા દીકરા આશીષ કોરોનાની બીમારીને કારણે 34 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યા. તેમનાં પુત્રી અખિલા ઇંગ્લૅન્ડની સૅન્ટ ઍન્ડ્રુસ યુનિવર્સિટી ખાતે વ્યાખ્યાતા છે. ઇંદ્રાણી સાથે અલગ થયાં બાદ સીતારામ યેચુરીએ પત્રકાર સીમા ચિશ્તી સાથે લગ્ન કર્યાં હતાં.

યેચુરીએ 'વ્હૉટ ઇઝ હિંદુ રાષ્ટ્ર', 'કાસ્ટ ઍન્ડ ક્લાસ ઇન ઇન્ડિયન પોલિટિક્સ' જેવાં પુસ્તક પણ લખ્યાં છે.

રાજનેતાઓએ આપી શ્રદ્ધાંજલિ

સીપીઆઈ-એમે તેના સત્તાવાર ઍક્સ હેન્ડલ પર લખ્યું, "આપણા પ્રિય કૉમરેડ સીતારામ યેચુરી, સીપીઆઈ-એમના મહાસચિવનું એઇમ્સ ખાતે અવસાન થયું છે. કૉમરેડ સીતારામ યેચુરીને લાલ સલામ."

સીપીએમની વિદ્યાર્થી પાંખ એસએફઆઈએ યેચુરીના અવસાન વિશે ઍક્સ ઉપર લખ્યું, "સ્ટુડન્ડ્સ ફેડરેશન ઑફ ઇન્ડિયાએ તેમના પ્રિય તથા એસએફઆઈના પૂર્વ અધ્યક્ષ, સીપીઆઈએમના મહાસચિવ યેચુરીના સન્માનમાં તેનાં બૅનર ઝુકાવી દીધા છે."

કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ટ્વીટમાં સીતારામ યેચુરીને પોતાના મિત્ર ગણાવ્યા હતા.

ગાંધીએ લખ્યું, "આઇડિયા ઑફ ઇન્ડિયાના સંરક્ષણકર્તા, જેમને દેશ વિશે ઊંડી સમજ હતી. અમારી વચ્ચે થયેલી લાંબી ચર્ચાઓને હંમેશાં યાદ રાખીશ. દુખની આ ઘડીએ તેમના પરિવાર, મિત્ર અને સમર્થકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું."

પશ્ચિમ બંગાળનાં મુખ્ય મંત્રી તથા ટીએમસીનાં વડાં મમતા બેનરજીએ ટ્વીટ કરીને લખ્યું, "સીતારામ યેચુરીના અવસાન વિશે જાણીને દુખ થયું. એમનું અવસાન થવાથી રાષ્ટ્રીય રાજકારણને મોટી ખોટ પડી છે. તેમના પરિવારજનો, મિત્રો અને સહયોગીઓ પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

તમે બીબીસી ગુજરાતીને સોશિયલ મીડિયામાં Facebook પર , Instagram પર, YouTube પર, Twitter પર અને WhatsApp પર ફૉલો કરી શકો છો.