You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ભારતની ગાય બ્રાઝિલમાં 41 કરોડ રૂપિયામાં વેચાઈ, આ ગાયની વિશેષતા શું છે?
- લેેખક, જી ઉમાકાંત
- પદ, બીબીસી
આંધ્ર પ્રદેશના ઓંગોલ ગામની એક ગાય બ્રાઝિલના બજારમાં 41 કરોડની અધધ કિંમતે વેચાતાં આ ગામ લાઇમલાઇટમાં આવી ગયું છે.
ઓંગોલ ઓલાદની આ ગાય બ્રાઝિલમાં વિયાતિના-19 તરીકે ઓળખાય છે. ફેબ્રુઆરી, 2025માં બ્રાઝિલમાં યોજાયેલી એક હરાજીમાં તે વિશ્વની સૌથી મોંઘી ગાય તરીકે વેચાઈ હતી.
આટલી ઊંચી કિંમતે ગાય વેચાતાં આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લાના અને ખાસ કરીને કારાવાડના રહીશોમાં આનંદનું મોજું ફરી વળ્યું હતું.
તેમણે કહ્યું હતું કે, ભારતની આ ઓંગોલ ઓલાદની ગાય પર તેમને ગર્વ છે.
ગાયે અપાવ્યું દેશને સન્માન
કારાવાડ ગામ પ્રકાશમ જિલ્લાના વડા મથક એવા ઓંગોલથી આશરે 12 કિલોમીટરના અંતરે આવેલું છે.
આ ગામના પોલાવરાપુ ચેંચુરામૈયાએ 1960માં આ ઓંગોલ જાતિની ગાય અને એક બળદ બ્રાઝિલની એક વ્યક્તિને વેચ્યાં હતાં.
ચેંચુરામૈયાને આનંદ છે કે, આંતરરાષ્ટ્રીય બજારમાં તેમની ગાય આટલી ઊંચી કિંમતે વેચાઈ છે.
પોલાવરાપુ વેંકટરામૈયા ગામના ભૂતપૂર્વ સરપંચ છે. તેઓ કહે છે કે, ગાયને કારણે અમારા રાજ્ય અને દેશને વ્યાપક પ્રસિદ્ધિ મળી રહી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આંધ્ર પ્રદેશમાં ચાર લાખ ઓંગોલ પશુધન
ઓંગોલ ઓલાદ પર સંશોધન કરી રહેલા ડૉક્ટર ચુંચુ ચેલામૈયાએ બીબીસીને જણાવ્યું હતું, "ટીકો નામની વ્યક્તિ પોલાવરાપુ હનુમૈયા પાસેથી સાઠ હજાર રૂપિયામાં એક બળદ ખરીદીને તેને બ્રાઝિલ લઈ ગઈ હતી. ટીકોએ બળદનું વીર્ય સુરક્ષિત કરી લીધું, જે હજુયે બ્રાઝિલના લોકો પાસે છે."
88 વર્ષીય ચેલામૈયા કહે છે, "મેં પણ તે બળદ જોયેલો છે. દિલ્હીમાં યોજાયેલા પશુમેળામાં તે બળદે પ્રથમ ક્રમ મેળવ્યો હતો. તત્કાલીન વડા પ્રધાન પંડિત જવાહરલાલ નહેરુએ પણ તે સમયે અભિનંદન પાઠવ્યાં હતાં. આથી જ બ્રાઝિલના લોકોએ તે બળદને ખરીદી લીધો હતો."
લામ ફાર્મના મુખ્ય વિજ્ઞાની ડૉક્ટર મુથારાવના જણાવ્યા મુજબ, આંધ્ર પ્રદેશમાં ઓંગોલ જાતિનાં પશુઓની વસ્તી ચાર લાખ છે.
બ્રાઝિલનાં કુલ 220 મિલિયન પશુઓમાંથી 80 ટકા ઢોરઢાંખર ઓંગોલ જાતિનાં છે.
ઓંગોલ જાતિની વિશેષતા શું છે?
ઓંગોલ ઓલાદની ગાય હોય કે બળદ, તેમનો શ્વેત રંગ, ઘાટીલો દેહ, રતાશપડતો ચહેરો અને ઊંચી પીઠ જોઈને સૌ હેરતમાં મુકાઈ જાય છે. ગાયની અન્ય પણ ઘણી ઓલાદો હોય છે, પણ ઓંગોલ તેમાં સૌથી નોખી તરી આવતી પ્રજાતિ છે.
- ઓંગોલ ગાયનું વજન આશરે 1100 કિલોગ્રામ હોય છે
- ઓંગોલ ગાય અને બળદ ઘણાં ખડતલ ગણાય છે
- અત્યંત ગરમ પ્રદેશોમાં પણ તે અનુકૂલન સાધી લે છે
- ઓંગોલ ઓલાદનાં પશુ સહેલાઈથી બીમાર પડતાં નથી અને તે ચપળ હોય છે
- ઓંગોલ બળદ એકસામટી પાંચથી છ એકર જમીન ખેડી શકે છે
- પ્રકાશમ જિલ્લો આ પ્રજાતિનું જન્મસ્થળ છે
ઓંગોલના ખેડૂત સંગઠનના નેતા ડુગ્ગીનેની ગોપીનાથ કહે છે કે, ઓંગોલ ઓલાદનો ઉદ્ભવ બે નદી - ગંડાલખલકમા અને પાલીરો વચ્ચેના પ્રદેશમાં થયો હતો.
ઓંગોલ પ્રજાતિને આ પ્રદેશની જમીન, માટીમાં રહેલી મીઠાની માત્રા તથા ઘાસચારામાંથી શક્તિ મળે છે.
શું ઓંગોલ બળદની સંખ્યા ઘટી રહી છે?
આંધ્ર પ્રદેશના કોઈ પણ સ્થળે ઓંગોલ બળદની જોડી જોવા મળી શકે છે. પરંતુ કૃષિમાં યાંત્રીકરણના પ્રવેશથી તેમનો ઉપયોગ ઓછો થઈ ગયો છે.
રોકડિયા પાકોની વધી રહેલી માગ અને ચોખાની ઘટી રહેલી ઊપજને કારણે આ પશુધનની કાળજી લેવા માટે આવશ્યક ઘાસચારો મળવાનું મુશ્કેલ બન્યું છે. આ કારણસર જ તેમની વસ્તી હવે ઘટવા માંડી છે.
મંડાવા શ્રીનિવાસ રાવ નામના એક ખેડૂત જણાવે છે, "હું છેલ્લાં 40 વર્ષોથી ખેતી કરી રહ્યો છું. બાળપણમાં અમે બળદને હળ સાથે જોતરીને ખેતર ખેડતા હતા. હવે ટ્રેક્ટરો આવી જતાં ખેતીમાંથી બળદો અદૃશ્ય થઈ રહ્યા છે."
ગામના ખેડૂત નગિની સુરેશ જણાવે છે કે, અગાઉ બળદોને મોટા પાયે કારાવાડથી બ્રાઝિલ લઈ જવાતા હતા, પણ હવે સ્થિતિ બદલાઈ ગઈ છે.
ચેલામૈયા કહે છે, "1990 પછી ખેતર ખેડવા માટે બળદનો ઉપયોગ લગભગ બંધ થઈ ગયો છે અને ટ્રેક્ટરનો વપરાશ વધી ગયો છે. સાધન-સંપન્ન લોકો હવે બળદદોડ માટે તેમને રાખે છે."
હજી ઘણી જગ્યાએ બળદોનો ઉપયોગ થાય છે. ખાસ કરીને તમાકુનાં ખેતરોમાં બળદનો ઉપયોગ કરવામાં આવે છે. દેશમાં તમાકુના ઉત્પાદન મામલે આંધ્ર પ્રદેશ મોખરે છે.
સિંગમસેટ્ટી અનકમ્મા રાવ ખેડૂત છે. તેઓ કહે છે, "હું હજીયે ચાર બળદો વડે ખેતી કરું છું. એક દિવસમાં અમે ચારથી પાંચ એકર જમીન ખેડી લઈએ છીએ."
માંસ માટે પણ પ્રખ્યાત
ભારતમાં પશુધનનો ઉપયોગ માત્ર ખેતીકામ અને દૂધ માટે જ થતો હોય છે, પણ બીજા દેશોમાં આવું નથી.
ચેલામૈયા કહે છે, "બ્રાઝિલમાં 80 ટકા ઓંગોલ ગાય અને બળદનો ઉપયોગ તેના માંસ માટે થાય છે. કેટલાક બળદોને ખૂંધ નથી હોતી અને તેમનું વજન પણ 450થી 500 કિલો જેટલું હોય છે."
ઓંગોલ બળદનું વજન વધીને 1100થી 1200 કિલો જેટલું થતું હોય છે. આ પ્રજાતિના બળદોના આહાર પાછળ ખાસ ખર્ચ કરવામાં આવતો નથી. તેના માંસમાં ચરબીનું પ્રમાણ ઓછું હોય છે. આથી લોકોને તેનું માંસ ઘણું પસંદ આવે છે.
ચેલામૈયા કહે છે કે, ઓંગોલ બળદનો ઉપયોગ કરીને નવી પ્રજાતિઓ પેદા કરવામાં આવી રહી છે.
બ્રાઝિલ ઓંગોલમાંથી નવી પ્રજાતિઓ વિકસાવી રહ્યું છે
પશુધન પર મોટા પાયે નભતા બ્રાઝિલ જેવા દેશોમાં ઓંગોલની નવી પ્રજાતિઓ વિકસાવવામાં આવી રહી છે.
ડૉક્ટર ચેલામૈયા જણાવે છે, "બ્રાઝિલના 80 ટકા કરતાં વધુ ઢોરઢાંખરનું ઓંગોલ સાથે ક્રૉસબ્રીડિંગ કરવામાં આવે છે. મુખ્યત્વે માંસ માટે તેનો ઉપયોગ થાય છે.
સામાન્ય રીતે એક ગાય છ વખત બચ્ચાંને જન્મ આપે છે, પણ ચેલામૈયાના જણાવ્યા અનુસાર, બ્રાઝિલમાં નવો પ્રયોગ શરૂ થયો છે.
તેમણે કહ્યું હતું, "ઓંગોલ બળદોનું વીર્ય સુરક્ષિત કરીને સ્થાનિક ગાયોના ગર્ભાધાન માટે તે વાપરવામાં આવે છે. આ રીતે, ઓંગોલ પ્રજાતિનું પશુધન વધારવામાં આવી રહ્યું છે."
સરકારે ધ્યાન આપવું જોઈએ
કિસાન સંગઠનના આગેવાન એસ ગોપીનાથ જણાવે છે કે, સરકારે રાષ્ટ્રીય અર્થતંત્ર માટે ઓંગોલ ગાયોની વસ્તી વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. તેમણે કહ્યું હતું, "આ માટે ભારતમાં બ્રાઝિલની માફક અભ્યાસો અને સંશોધન હાથ ધરાવાં જોઈએ."
ડૉક્ટર ચેલામૈયાએ ઉમેર્યું હતું કે, ઓંગોલ પ્રજાતિને બચાવવા માટે સરકાર કોઈ પ્રયત્ન નથી કરી રહી, તે દુઃખની વાત છે.
જોકે, લામ ફાર્મ એનિમલ રિસર્ચ સેન્ટરના મુખ્ય વિજ્ઞાની ડૉક્ટર મુથારાવે બીબીસીને કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર ઓંગોલ પ્રજાતિના સંરક્ષણ માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે.
સાથે જ તેમણે માહિતી આપી હતી કે, સરકારે ઓંગોલ ગાય અને બળદના સંરક્ષણ માટે ત્રણ કેન્દ્ર બનાવ્યાં છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન