પિતા અને બે દીકરા જનરેટર ચાલુ કરીને સૂઈ ગયા અને સવારે મૃત મળ્યા, કેવી રીતે મોત થયું?

- લેેખક, વિજયાનંદ અરુમુગમ
- પદ, બીબીસી પ્રતિનિધિ
ચેન્નાઈમાં જુલાઈ મહિનાની શરૂઆતમાં એક જ પરિવારનાં ત્રણ સભ્યોનાં મોત થયાં હતાં. એના બીજા જ દિવસે શહેરના જ અલાંદુર વિસ્તારમાં સાત લોકોએ તેમના ઘરમાં શ્વાસ રુંધાવાની ફરિયાદ કરી હતી.
એ પછી આ સાત લોકોને પહેલાં સરકારી હૉસ્પિટલમાં અને પછી ખાનગી હૉસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.
બંને ઘટનામાં પોલીસ તપાસ દરમિયાન ઘરમાં રહેલું જનરેટર જ આ પરિવારોનાં મૃત્યુ અને આરોગ્ય કથળવા માટે કારણભૂત હતું.
નિષ્ણાતોના કહેવા પ્રમાણે, જો ઘરના જનરેટર તથા અન્ય ગૅસનાં ઉપકરણોનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં ન આવે તથા તેની બરાબર રીતે સંભાળ લેવામાં ન આવે તો તે ખતરનાક નીવડી શકે છે.
ત્યારે આ બે ઘટનાના આધારે જાણો કે જનરેટરોનો ઉપયોગ કરતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તથા આ બંને ઘટનાઓ કેવી રીતે ઘટી હતી.
પિતા અને બે દીકરાનાં 'જનરેટરથી મોત' કેવી રીતે થયાં?

મૂળ અરિયાલ્લુરના સેલ્વરાજ પુઝલના કથિરવેદુ વિસ્તારમાં રહેતા અન ટ્રક ટ્રાન્સપૉર્ટના બુકિંગનો વ્યવસાય કરતા હતા.
પહેલી જુલાઈની રાત્રે જમવાનું પતાવીને સેલ્વરાજ તેમના બે દીકરા સાથે ઊંઘી ગયા, જ્યારે તેમનાં પત્ની તથા પુત્રી બીજા રૂમમાં સૂવા જતાં રહ્યાં.
બીજા દિવસે સવારે ખાસ્સો સમય થવા છતાં સેલ્વરાજ જાગ્યા ન હતા એટલે તેમનાં પત્નીએ પાડોશના લોકોની મદદથી રૂમનો દરવાજો તોડીને અંદર પ્રવેશ કર્યો હતો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
પુઝલ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, અહીં તેમના પતિ તથા બે પુત્રો મૃતાવસ્થામાં મળી આવ્યા હતા અને તેમના મોઢામાંથી ફીણ આવી ગયાં હતાં.
પોલીસે ઘટનાસ્થળે પહોંચીને મૃતદેહોનો કબજો લીધો હતો અને તેમને ચેન્નાઈસ્થિત સરકારી હૉસ્પિટલ સ્ટેનલી ખાતે મોકલી આપ્યા હતા. મૃતકોના શરીર પર કોઈ પણ પ્રકારની ઈજા ન હતી, એટલે પોલીસે તેમનાં મૃત્યુનું કારણ શોધવા માટે તજવીજ હાથ ધરી હતી.
પુઝલ પોલીસ સ્ટેશનના કૉન્સ્ટેબલે નામ ન છાપવાની વિનંતી સાથે જણાવ્યું, "સેલ્વરાજ તથા તેમના દીકરા જે રૂમમાં ઊંઘી રહ્યા હતા, તે ખૂબ જ નાનો હતો. જ્યારે પોલીસે તેમાં પ્રવેશ કર્યો ત્યારે ધુમાડાની વાસ આવી રહી હતી."
"એ રાત્રે લાઇટ ગઈ હતી, એટલે સેલ્વરાજે નાનું ડીઝલ જનરેટર ચાલુ કર્યું હતું."
તેમણે જણાવ્યું હતું કે રૂમ નાનો હતો અને તેમાં હવાની અવરજવર થઈ શકે તેવી કોઈ જગ્યા ન હતી.
તેમણે ઉમેર્યું, "એટલે અમે એવા નિષ્કર્ષ ઉપર પહોંચ્યા હતા કે જનરેટરના ધુમાડાને કારણે આ ત્રણેય લોકોનાં મૃત્યુ થયાં હશે."
ઑટોપ્સી રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, જનરેટરમાંથી નીકળતા કાર્બન મૉનોક્સાઇડ ગૅસને કારણે આ ત્રણેય લોકોનાં મૃત્યુ થયાં હતાં.
શ્વાચ્છોશ્વાસ દરમિયાન દરમિયાન કાર્બન મૉનોક્સાઇડ ગૅસ ત્રણેય લોકોનાં ફેફસાં સુધી પહોંચી ગયો હતો.
'છ લોકો જનરેટરમાંથી નીકળતા ધુમાડાને કારણે બેભાન થઈ ગયા'

આ ઘટનાના બીજા દિવસે સવારે ચેન્નાઈના અલ્લાન્દુર વિસ્તારમાં વીજળી ગુલ થઈ હતી. ત્યારે જીએસટી રોડ પર આવેલી ખાનગી હૉસ્ટેલના રૂમોમાં જનરેટર મારફત વીજળી પૂરી પાડવામાં આવી હતી.
આ દરમિયાન હૉસ્ટેલના રિસૅપ્શનિસ્ટ તથા એક જ રૂમમાં રહેતાં છ લોકો જનરેટરમાંથી નીકળતા ધુમાડાને કારણે બેભાન થઈ ગયા હતા.
ફાયરબ્રિગેડ તથા રાહત વિભાગ અને પોલીસે તેમને બચાવી લીધા હતા. એમાંથી અમુકને સરકારી હૉસ્પિટલમાં તો બીજા કેટલાકને ખાનગી દવાખાનામાં દાખલ કરવામાં આવ્યા હતા.
તબીબના જણાવ્યા પ્રમાણે, ધુમાડાને કારણે તેમનો શ્વાસ રુંધાયો હતો, પરંતુ તેમની તબિયત હવે સારી છે.
ડૉક્ટર્સ ફૉર ઇકૉલૉજી ઍસોસિયેશનના ડૉ. વી. પુગાઝેન્ડીના કહેવા પ્રમાણે, "હવાની અવરજવર વગરના રૂમમાં જનરેટરનો ઉપયોગ કરવામાં આવે તો કાર્બન મૉનોક્સાઇડ ગૅસને કારણે માણસો તથા પશુઓને નુકસાન થઈ શકે છે."
બીબીસી સાથેની વાતચીતમાં ડૉ. પુગાઝેન્ડીએ જણાવ્યું, "આ ગૅસ લોહીમાં રહેલાં હિમોગ્લોબિન સાથે ભળી જાચ છે, જેના કારણે લોહીમાં ઑક્સિજનનો અભાવ સર્જાય છે. કાર્બન મૉનોક્સાઇડ ગૅસ ઑક્સિજન કરતાં 200 ગણી ઝડપે લોહીમાં રહેલાં હિમોગ્લોબિન સાથે ભળે છે."
આ માટે તેઓ કોઈ બિલ્ડિંગમાં આગ લાગવા દરમિયાન ન દાઝવા છતાં મૃત્યુ પામનારા લોકોનું ઉદાહરણ ટાંકે છે.
ડૉ. પુગાઝેન્ડીએ ઉમેર્યું, "જ્યારે આગ લાગે છે, ત્યારે રૂમમાં કાર્બન મૉનોક્સાઇડ ગૅસ છૂટો પડે છે અને મૃત્યુનું કારણ બને છે."
બંધ રૂમ હોય તો ગૅસની કેવી શરીર પર અસર થાય છે?

ડૉ. પુગાઝેન્ડીના કહેવા પ્રમાણે, "આ ગૅસ બંધ રૂમમાં વધુ ઝડપથી ફેલાય છે અને તેની વધુ ગંભીર અસર જોવા મળે છે. આ ગૅસ શ્વાસમાં ભળે તેના બહુ થોડા સમયમાં મૃત્યુ થઈ શકે છે. તેના કારણે શ્વાચ્છોશ્વાસમાં અવરોધ ઊભો થાય છે અને ફેફસાંને પણ અસર થઈ શકે છે."
"જ્યારે પેટ્રોલ કે ડિઝલનો વપરાશ થાય, ત્યારે કાર્બન મૉનોક્સાઇડનું ઉત્સર્જન થાય છે. જે જોખમની હોય છે. જો બૅટરીનો ઉપયોગ કરવામાં આવે, તો સામાન્ય રીતે આટલું મોટું જોખમ ઊભું નથી થતું."
આસામમાં આવેલી નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેડિકલ ઍજ્યુકેશન ઍન્ડ રિસર્ચ ખાતે વરિષ્ઠ વિજ્ઞાની પાર્થિવનના કહેવા પ્રમાણે, "કાર્બન મૉનોક્સાઇડ રંગવિહીન તથા ગંધવિહીન વાયુ છે. જ્યારે હવાની ઓછી અવરજવર વાળા વિસ્તારમાં આ ગૅસ છોડવામાં આવે, ત્યારે તે માણસના શ્વસનતંત્રને નુકસાન પહોંચાડી શકે છે."
પાર્થિવનના કહેવા પ્રમાણે, કાર્બન મૉનોક્સાઇડ ગૅસ તથા સાઇનાઇડના ઝેરની સરખી અસર હોય છે.
તેઓ ઉમેરે છે, "તેના કારણે શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને કલાકોમાં મૃત્યુ થવાની શક્યતા રહે છે."
ગૅસ માણસ માટે જીવલેણ ક્યારે સાબિત થઈ શકે?

ઇમેજ સ્રોત, Getty Images
અમેરિકાની નૅશનલ સેફ્ટી કાઉન્સિલની વેબસાઇટ પર આ વાયુ અંગે માહિતી આપવામાં આવી છે, જે મુજબ, આ ગૅસના ગળતર વિશે ઘણી વખત માહિતી નથી મળતી, જેના કારણે તેની અવગણના થાય છે અને ઊંગમાં વિક્ષેપ ઊભો થઈ શકે છે.
કાઉન્સિલ દ્વારા આ ગૅસને 'અદૃશ્ય હત્યારા' તરીકે જણાવવામાં આવ્યો છે. કાર, ટ્રક, નાના એન્જિન, સ્ટવ, ફાનસ, આગ, નાના જનરેટર કે ભઠ્ઠીઓમાંથી ઈંધણ સળગવાને કારણે આ ગૅસ ઉત્પન્ન થાય છે.
જ્યારે બંધિયાર જગ્યામાં કાર્બન મૉનોક્સાઇડ ઉત્પન્ન થાય છે, ત્યારે તે માણસો તથા પશુના શ્વાસમાં પ્રવેશી તેમને નુકસાન પહોંચાડી શકે છે.
અમેરિકાના સેન્ટર ફૉર ડિસીઝ કંટ્રૉલ ઍન્ડ પ્રિવેન્શનના (સીડીસી) જણાવ્યા પ્રમાણે, નાનાં બાળકો, વૃદ્ધો, હૃદયની બીમારી ધરાવનારા, લોહીની ઊણપવાળાં લોકો તથા શ્વાચ્છોશ્વાસની તકલીફ ધરાવનારા લોકો માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
વેબસાઇટ પર જણાવ્યા પ્રમાણે, શિયાળામાં કાર્બન મૉનોક્સાઇડનું સ્તર ખૂબ જ ઊંચું હોય છે, કારણ કે આ ગાળા દરમિયાન લોકો પોતાનાં ઘરોને ગરમ રાખવા માટે પ્રયાસ કરતા હોય છે.
જનરેટરના ઉપયોગ સમયે શું ધ્યાન રાખવું જોઈએ?

ઇમેજ સ્રોત, Getty Images
સીડીસીપી દ્વારા કાર્બન મૉનોક્સાઇડથી બચવા માટે કેટલાક ઉપાયો સૂચવ્યા છે. જેમ કે:
ઘરનાં ગૅસઆધારિત સાધનો, જેમ કે ચૂલો, વૉટર હીટર તથા તાપણાંની નિયમિત રીતે સર્વિસ કરાવડાવી જોઈએ.
બંધ રૂમોમાં કેમિકલ હીટરોનો વપરાશ ન કરવો જોઈએ.
ઘરનાં બારી-બારણાં ખુલ્લાં હોય, તો પણ 20 ફૂટના વિસ્તારમાં જનરેટરનો ઉપયોગ ન કરવો જોઈએ, કારણ કે ગણતરીની મિનિટોમાં કાર્બન મૉનોક્સાઇડનું સ્તર વધી જતું હોય છે.
યુએસ સીડીસીપીના કહેવા પ્રમાણે, શ્વાસમાં કાર્બન મૉનોક્સાઇડ ગયો હોય, ત્યારે જે હળવાં લક્ષણ જોવાં મળે છે, તે ઘણી વખત ફ્લૂ જેવાં જ હોય છે.
જેમાં માથાનો દુખાવો, શ્વાસ લેવામાં તકલીફ, થાક, ઊબકાં આવવાં તથા ઘેન જેવું લાગે છે.
જો શરીરમાં કાર્બન મૉનોક્સાઇડનું પ્રમાણ થોડું વધુ વધી ગયું હોય તો શું થઈ શકે, તેના વિશે પણ સીડીસીપીની વેબસાઇટ પર માહિતી આપવામાં આવી છે.
જેમ કે માણસ અસહજ બની જાય છે, ઊલટી થવા લાગે છે, સ્નાયુઓમાં દુખાવો થાય છે તથા ધીમે-ધીમે ભાન ગુમાવે છે.
સંસ્થાની વેબસાઇટ પર જણાવ્યા પ્રમાણે :
"જો તમને આમાનું કોઈ પણ લક્ષણ જણાય, તો તમારે તત્કાળ ઘરમાંથી બહાર નીકળીને ખુલ્લી જવામાં જવું જોઈએ. જો તમે અંદર ને અંદર રહેશો તો બેભાન થવાની અને મૃત્યુની શક્યતા રહેલી છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












