ઊંટડીના દૂધને 'સફેદ સોનું' કેમ કહેવામાં આવે છે, દૂધમાં એવું શું છે જે ગાય કે ભેંસના દૂધમાં નથી?

ઇમેજ સ્રોત, mahesh garva/sahjivan
- લેેખક, અપૂર્વ અમીન
- પદ, બીબીસી ગુજરાતી માટે
"ઊંટ મેલે આંકડો ને બકરી મૂકે કાંકરો". ગુજરાતનાં ઘણાં ગામોમાં આ શબ્દપ્રયોગ ઘણી વાર થાય છે. ઊંટડીનું દૂધ એ 'સફેદ સોનું' તરીકે ઓળખાય છે, તેનું કારણ છે કે કચ્છનો ઊંટ વિવિધ પ્રકારની જુદી જુદી વનસ્પતિ ખાય છે.
ઊંટડીનું દૂધ ભારે આરોગ્યવર્ધક મનાય છે અને એના લીધે ઘણા જટિલ રોગો મટી શકતા હોવાનો દાવો કરાય છે, ઉપરાંત 'એક પરફેક્ટ ડાયટ'માં પોતાનું સ્થાન નિશ્ચિત કરે છે તેવું નિષ્ણાતોનું માનવું છે.
ઊંટડીના દૂધ અંગે બીબીસીએ નિષ્ણાતો સાથે વાત કરી હતી તેમાં તેનાથી થતા ફાયદાઓ વિશે માહિતી મળી છે.
ગુજરાત અને રાજસ્થાનમાં ભારતના 90 ટકા ઊંટ વસે છે. જોકે ઊંટોની ઘટતી વસ્તી ચિંતાનો વિષય છે. અત્યાર સુધી તેનો એક વાહન અને માલસામાનની હેરફેર માટે ઉપયોગ થતો હતો. જોકે હવે ઊંટડીના દૂધનો વ્યાપક ઉપયોગ વધવાની શક્યતા છે.
વિશ્વના ઘણા ભાગોમાં, ખાસ કરીને શુષ્ક અને અર્ધ-શુષ્ક વિસ્તારોમાં ઊંટડીનું દૂધ મુખ્ય આહારનો એક મહત્ત્વપૂર્ણ ભાગ છે.
ન્યૂઝ વેબસાઇટ સ્ક્રોલના એક અહેવાલ અનુસાર, ઊંટડીનું દૂધ ભારત વાર્ષિક લગભગ 7,000 ટનનું ઉત્પાદન કરે છે, જે વૈશ્વિક ઉત્પાદનના 0.2% કરતાં પણ ઓછું છે.
ભારતે 1984માં ઊંટ પર રાષ્ટ્રીય સંશોધન કેન્દ્રની સ્થાપના કરી હતી.
અહેવાલ અનુસાર, ઑક્ટોબર 2019માં જાહેર કરાયેલા 20મી પશુધન વસ્તીગણતરીના ડેટા અનુસાર, 1970ના દાયકામાં અંદાજે 11 લાખથી, ભારતમાં ઊંટોની વસ્તી ચાર દાયકામાં 75% ઘટીને માત્ર 2.5 લાખ થઈ ગઈ. ફક્ત 2012 અને 2019ની વચ્ચે ઊંટોની વસ્તીમાં 37% ઘટાડો થયો.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઊંટડીના દૂધના ફાયદા અને તેનાં પોષકતત્ત્વો

ઇમેજ સ્રોત, mahesh garva/sahjivan
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
સાઉદી જર્નલ ઑફ બાયૉલૉકલ સાયન્સમાં પ્રકાશિત રિસર્ચ અનુસાર, ઊંટના બે પ્રકાર છે, બેક્ટ્રિયન બે ખૂંધવાળો ઊંટ ( કેમલસ બેક્ટ્રિયનસ ) અને અરબી અથવા ડ્રોમેડરી એક ખૂંધવાળો ઊંટ ( કેમલસ ડ્રોમેડેરિયસ )
આ રિસર્ચ અનુસાર, ઊંટડીના દૂધમાં વિટામિન સીનું પ્રમાણ ગાયના દૂધ કરતાં ત્રણથી પાંચ ગણું વધારે હોય છે. તે pH 6.2થી 6.5ની વચ્ચે હોય છે, જે ગાયના દૂધ (6.5-6.7) કરતાં થોડું ઓછું હોય છે.
આ ઉપરાંત ગાય અને ભેંસના દૂધમાં રહેલું β-લેક્ટોગ્લોબ્યુલિન એ એક એવું પ્રોટીન છે જે ઘણા લોકોમાં (ખાસ કરીને નાનાં બાળકોમાં) ઍલર્જી પેદા કરવા માટે મુખ્યત્વે જવાબદાર માનવામાં આવે છે.
માતાના દૂધમાં પણ β-લેક્ટોગ્લોબ્યુલિન પ્રોટીન હોતું નથી. ઊંટડીના દૂધનું પ્રોટીન માળખું ગાયના દૂધ કરતાં માનવદૂધ સાથે વધુ સામ્યતા ધરાવે છે.
β-લેક્ટોગ્લોબ્યુલિનની ગેરહાજરીને કારણે ઊંટડીનું દૂધ પચવામાં હળવું રહે છે. જે લોકોને દૂધ પીધા પછી ગૅસ, ઍસિડિટી કે પેટ ભારે લાગવાની સમસ્યા થતી હોય, તેમના માટે ઊંટડીનું દૂધ એક ઉત્તમ વિકલ્પ સાબિત થાય છે. તેમાં ગાય કે ભેંસના દૂધ કરતાં ચરબીનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે,
ઊંટના દૂધમાં વિટામિન B1, B2 અને C જેવા વિટામિન્સ ભરપૂર હોય છે. ગાયના દૂધ કરતાં વિટામિન C ત્રણ થી પાંચ ગણું વધારે હોય છે, જે તેને શુષ્ક વિસ્તારોમાં ખોરાકનો એક મહત્ત્વપૂર્ણ ભાગ બનાવે છે
મેડિકલ કન્સલ્ટન્ટ ડૉ. પ્રશાંત પનારા બીબીસીને કહે છે કે, "ઊંટડીનું દૂધ માનવ દૂધની સૌથી નજીક છે. ઊંટડીના દૂધમાં વિટામિન બી12, ઝીંક, કૅલ્શિયમ સાથે પ્રોટીન તેમજ સ્ટેચ્યુરેટેડ પ્રોટીન પણ પૂરતા પ્રમાણમાં મળી રહે છે. તેનો કોઈ ગેરલાભ નથી. ઉપરાંત ઊંટડીનું દૂધ ડાયાબિટીસમાં પણ અસરકારક સાબિત થઈ રહ્યું છે."
"વિશિષ્ટ ગુણધર્મોને કારણે તે લેક્ટોઝ અસહિષ્ણુતા ધરાવતા લોકો માટે પણ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ દૂધ શરીરની રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવામાં મદદ કરે છે."
ફૂડ્સ અને ન્યુટ્રિશન વિષયમાં પીએચ.ડી. (ડાયેટ અને ન્યુટ્રિશન કન્સલ્ટન્ટ) ડૉ. પૂર્વી પરીખ બીબીસીને જણાવે છે કે, "શરીર દરેક દૂધ સામે સમાન રીતે પ્રતિક્રિયા આપતું નથી. ઊંટના દૂધમાં રહેલાં પોષકતત્ત્વો હાડકાંની મજબૂતાઈ, સ્નાયુઓ, નર્વ બેલેન્સમાં મદદરૂપ થાય છે."
"ઊંટડીનું દૂધ A2 પ્રકારનું, બીટા-લેક્ટોગ્લોબ્યુલિનથી મુક્ત, વિટામિન સી, ઝીંક અને આયર્નથી સમૃદ્ધ, અને ઓછી ચરબીવાળું હોય છે."
ગુજરાતમાં ઊંટડીના દૂધનો વ્યવસાય કોણ કરે છે?

ઇમેજ સ્રોત, mahesh garva/sahjivan
ગુજરાતમાં ઊંટની મુખ્યત્વે બે નસલ જોવા મળે છે. ખારાઈ અને કચ્છી. જ્યારે આખા ભારતમાં ઊંટની કુલ નવ નસલ જોવા મળે છે.
કચ્છ ઊંટ ઉછેરક માલધારી સંગઠનના પ્રમુખ આશાભાઈ રબારી કહે છે, "કચ્છમાં 350 જેટલા પરિવારો ઊંટપાલન સાથે સંકળાયેલા છે. એક ઊંટડી દૈનિક 4થી 5 લિટર દૂધ આપતી હોય છે."
ઊંટો અને તેના પાલકો માટે કાર્યરત્ સંસ્થા 'સહજીવન' સાથે સંકળાયેલા મહેશભાઈ ગરવા કહે છે કે, "એકલા કચ્છ સિવાયના અન્ય જિલ્લાઓમાં 100 પરિવારો છે જે આ ઊંટ ઉછેર સાથે સંકળાયેલા છે."
ગુજરાતમાં કચ્છમાંથી બધું દૂધ એકત્રિત કરીને સરહદ ડેરીમાં આપવામાં આવે છે.
ઊંટ એ ફક્ત આકડાને છોડીને, બાકીની કેટલીક વનસ્પતિનો ખોરાકમાં ઉપયોગ કરે છે, જેમાં ખારી જાર, મીઠી જાર, દેશી બાવળ, દૂધી વલ, ચેરિયા, ભૂમિગત ચેરિયા, કેરડો, ઉઇન, કુંધેર, ગાંગણી, થોર, બોરડી, ખેર, લીમડો, ખારિયો, ખીજડો, ફાગ, ફૂટી વલ, ફોગવેલ, રતિવલ, લઈ, લાણો, લિયાર, વિકડો, ધામુર, વડ અને ટંકારો જેવી વિવિધ વનસ્પતિઓનો સમાવેશ થાય છે. તેથી ઊંટડીના દૂધની ગુણવત્તા પણ ઊંચા પ્રકારની છે અને ન્યુટ્રિશન વેલ્યૂ પણ વધારે હોવાનું માનવામાં આવે છે.
ગરવા ઉમેરે છે, "ગુજરાતમાં ઊંટના ઉછેર સાથે મુખ્યત્વે 'ફકીરાણી જત' અને 'રબારી' સમુદાયો સંકળાયેલા છે. આ ઉપરાંત કચ્છના ખાવડા વિસ્તારમાં 'સમા' સમુદાય પણ ઊંટ ઉછેરનું કાર્ય કરે છે."
ગુજરાતમાં જોવા મળતી ખારાઈ ઊંટની નસલને ભારતમાં જોવા મળતી નવ નસલો પૈકીની એક તરીકે માન્યતા મળી છે.
ગુજરાતમાં ઊંટડીનું દૂધ એકત્રિત કરવાની પ્રક્રિયા વિશે માહિતી આપતાં મહેશભાઈ ગરવા જણાવે છે કે, "હાલમાં કચ્છ જિલ્લામાં મુખ્યત્વે પાંચ સ્થળોએથી દૂધ ભેગું કરવામાં આવે છે. આમાં રાપર-કોટડા ચક્કા, નખત્રાણા, ગઢસીસા અને દયાપર ખાતે આવેલી દૂધ મંડળીઓનો સમાવેશ થાય છે."
હિન્દુ-મુસ્લિમ એકતાનું પ્રતીક: 'લાકડીભાઈ' સંબંધ

ઇમેજ સ્રોત, mahesh garva/sahjivan
કચ્છમાં ઊંટો વિશેની એક પ્રચલિત દંતકથા વિશે જણાવતા મહેશભાઈ કહે છે કે, "ફકીરાણી જત સમુદાયના ધર્મગુરુ આગાખાન સાંવલા પીરને માને છે. એક લોકકથા અનુસાર, એક વખત કચ્છમાં ભયંકર દુષ્કાળ પડ્યો, મોટા ભાગના ઊંટો મૃત્યુ પામ્યા. એક માલધારી પાસે માત્ર એક જ ઊંટ બચ્યો. તે માલધારી પીર પાસે મદદ માટે ગયો ત્યારે પીરે તેમને 'જીવિત ઊંટ' આપ્યો. એક નાના ભાઈને મીણનો બનાવેલો એક ઊંટ આપ્યો અને કહ્યું કે તેને લઈને કચ્છના બેટ (ટાપુ) પર જાઓ અને પાછળ ફરીને ન જોશો, પરંતુ માલધારીએ પાછળ વાળીને જોયું, ત્યારે તેને ત્યાં હજારોની સંખ્યામાં ઊંટ દેખાયા હતા. ત્યારે આટલા વધારે ઊંટની અંગે પીરે તેમના અનુયાયી ફકીરાણી જત સમુદાયને ઊંટ સાચવવાની જવાબદારી સોંપી હતી."
મહેશભાઈ જણાવે છે કે, "આ ઊંટ ઉછેરક સમુદાયો વચ્ચેનો સંબંધ હિન્દુ-મુસ્લિમ એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. આ સંબંધને તેઓ "લાકડીભાઈ" તરીકે ઓળખાવે છે. ઊંટ સાથે સંકળાયેલા લગભગ 350 પરિવારો હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના છે અને તેઓ તમામ નિર્ણયો સાથે મળીને લે છે. આ પ્રદેશમાં લોકો ઊંટને 'માતાજીના વાહન' તરીકે પણ પૂજતા હોય છે."
ઊંટના દૂધનો સ્વાદ અને કિંમતમાં તફાવત

ઇમેજ સ્રોત, mahesh garva/sahjivan
મહેશભાઈ કહે છે કે, "ઊંટડીના દૂધમાંથી બનતી વિવિધ ચીજવસ્તુઓ હવે બજારમાં ઉપલબ્ધ છે. જેમાં કેમલ મિલ્કની ચોકલેટ, રૉ (કાચું) દૂધ, કેસર ફ્લેવરનું દૂધ અને દૂધનો પાવડર મુખ્ય છે. આ બનાવટો હાલમાં ઑનલાઇન વેબસાઇટ્સ પર પણ સરળતાથી ઉપલબ્ધ છે."
રમેશભાઈ ભાટી વધુમાં ઉમેરે છે કે, "ઊંટડીના દૂધમાંથી હાલમાં ખીર, આઇસક્રીમ અને ચોકલેટ જેવી વિવિધ ખાદ્ય વસ્તુઓ પણ બનાવવામાં આવી રહી છે."
ઊંટના દૂધ માટે પ્રખ્યાત સરહદ ડેરીના સ્થાપક ચૅરમૅન વલમજી હુંબલ બીબીસી સાથે વાત કરતા કહે છે કે, "ઊંટડીનું દૂધ અગાઉ નાની હોટલો પર 20થી 25 રૂ. પ્રતિ લિટરના ભાવે વેચાતું હતું. શરૂઆતમાં 300 લિટરથી કલેક્શનની શરૂઆત કરી હતી તે હવે તેનું 5 હજાર લિટર પ્રતિ દિન કલેક્શન થાય છે, કચ્છનું 70 ટકા દૂધ સરહદ ડેરી કલેક્ટ કરે છે."
વલમજી હુંબલ જણાવે છે કે, કચ્છમાં પાંચ વર્ષ પહેલાં યુવાનો આ ધંધાથી વિમુક્ત થઈ અન્ય ધંધા તરફ વળી ગયા હતા.
2019માં ઊંટના દૂધને ખાદ્ય પદાર્થ તરીકે ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનક પ્રાધિકરણ (એફએસએસએઆઇ)ની માન્યતા મળી હતી.
તેઓ કહે છે કે, "હવે ઊંટડીના દૂધનો પાવડર બનાવીને દેશ બહાર પણ તેનો વ્યવસાય અર્થે પ્રયત્નશીલ છીએ. યુવાનો આ ધંધા તરફ વળી રહ્યા છે. વેચવાને બદલે હવે લોકો ઊંટ ખરીદી રહ્યા છે. "
સહજીવન સંસ્થાના કર્મશીલ અને પર્યાવરણવાદી રમેશભાઈ ભાટી બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે કે, "ગુજરાતમાં કચ્છ સિવાય મુખ્યત્વે જામનગર, દ્વારકા, ભરૂચ, ભાવનગર તેમજ બનાસકાંઠાના ડીસા અને પાલનપુર ઊંટ માલધારીઓ વસે છે."
ઊંટોમાં જોવા મળતા રોગ

ઇમેજ સ્રોત, mahesh garva/sahjivan
પશ્ચિમ બંગાળના સુંદરવન બાદ કચ્છમાં ચેરનાં સૌથી વધારે જંગલો આવેલાં છે અને જંગલો પર ખારાઈ ઊંટ નભે છે.
ગુજરાતમાં જોવા મળતી એક અનોખી નસલ ખારાઈ ઊંટની વિશેષતા એ છે કે તે દરિયાના પાણીમાં તરી શકે છે. જોકે, કચ્છમાં ખારાઈ ઊંટની વસ્તી ખૂબ ઓછી છે. રમેશભાઈ ભાટી સમજાવે છે કે ઊંટના દૂધનો સ્વાદ ઊંટે કરેલા આહાર પર આધાર રાખે છે.
ખારાઈ ઊંટ અઠવાડિયે એક વખત તો ખારા વિસ્તારમાં ચરવા જશે જ.
તેઓ કહે છે કે, "ઊંટને પોતાના આહારની જરૂર પ્રમાણે અઠવાડિયામાં એક દિવસ તો ફરજિયાતપણે ખારા વિસ્તારમાં ચરવા જવું પડે છે. આ તેમની ખારું ખાવાની કુદરતી જરૂરિયાત છે, જેને કારણે દૂધનો સ્વાદ થોડો ખારો થાય છે."
કચ્છ જિલ્લા પશુપાલન વિભાગ અધિકારી ડૉ. રાજેશ પટેલ કહે છે કે ઊંટોમાં મુખ્યત્વે બે રોગ વધારે જોવા મળે છે.
"સરા (Surra) રોગ ટ્રાયપેનોસોમિયાસિસ, તે ગુજરાતીમાં 'ફિટડા' તરીકે ઓળખાય છે, જે સામાન્ય રીતે મગજનો તાવ હોય છે. તે એક પ્રજીવજન્ય રોગ છે. જેમ માણસને મલેરિયા થાય તે પ્રકારે થાય છે, તેમાં ચક્કર આવે શરીર સુકાતું જાય અને ઘણી વાર ઊંટ મરી પણ જાય છે. આ રોગની સારવારનાં ઇન્જેકશન સરકાર વિનામૂલ્યે આપતી હોય છે."
"ત્યારે બીજો રોગ છે ખસ/ખાજી (Mange). આ ચામડીનો ચેપી રોગ છે, આ ઊંટોમાં ખૂબ જ સામાન્ય છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન












