You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ચીનથી પરત ફરીને માલદીવના રાષ્ટ્રપતિએ ભારતનું નામ લીધા વગર શું કહ્યું?
ચીનના પાંચ દિવસીય પ્રવાસેથી શનિવારે પાછા ફરેલા માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝ્ઝુએ એક નોંધપાત્ર નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે તેમનો દેશ નાનો હોઈ શકે છે પરંતુ તેનો મતલબ એવો નથી કે તેના કારણે અમારા પર કોઈને ધાક જમાવવાનું લાઇસન્સ મળી જાય.
તેમનું આ નિવેદન એ સમયે આવ્યું છે કે જ્યારે ભારત અને માલદીવ વચ્ચે કૂટનીતિક સંબંધોમાં તણાવ ઊભો થયો છે. હાલમાં જ મુઇઝ્ઝુ સરકારના ત્રણ મંત્રીએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને લઈને સોશિયલ મીડિયા પર આપત્તિજનક ટિપ્પણી કરી હતી.
ગત નવેમ્બરમાં જ રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ મુઇઝ્ઝુ પહેલી વાર ચીનના અધિકૃત પ્રવાસે ગયા હતા.
ચીનથી પરત ફરીને તેમણે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, “અમે સમુદ્રમાં આવેલા નાના-નાના દ્વીપોનો પ્રદેશ છીએ. અમારી પાસે 9 લાખ વર્ગ કિલોમીટરનો એક્સક્લુસિવ ઇકૉનૉમિક ઝોન છે. માલદીવ એ દેશોમાંથી એક છે જેની પાસે સમુદ્રનો મોટો હિસ્સો છે.”
તેમણે કહ્યું, “આ સમુદ્ર કોઈ એક ખાસ દેશનો નથી. આ હિન્દ મહાસાગર એ તમામ દેશોનો છે જે અહીં અને તેની આસપાસ વસેલા છે.” એવું માનવામાં આવે છે કે તેમની આ ટિપ્પણી ભારતને લઈને હતી.
માલદીવ સન ઑનલાઇન પોર્ટલમાં છપાયેલા એક રિપોર્ટ અનુસાર મુઇઝ્ઝુએ કહ્યું, “અમે કોઈ ઘરની પાછળ વાડામાં રાખી દેવામાં આવેલો દેશ નથી. અમે પણ એક સ્વતંત્ર અને સંપ્રભુ દેશ છીએ.”
મુઇઝ્ઝુના ચીન પ્રવાસમાં શું-શું થયું?
તેમના ચીન પ્રવાસમાં મુઇઝ્ઝુએ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત કરી હતી. ત્યાર બાદ બંને દેશોએ ઓછામાં ઓછા 20 કરારો પર હસ્તાક્ષર કર્યા હતા.
ટોચના ચીની નેતાઓ સાથે મુઇઝ્ઝુની વાતચીત પછી એક સંયુક્ત નિવેદન પણ બહાર પાડવામાં આવ્યું હતું જેમાં કહેવામાં આવ્યું હતું કે "બંને પક્ષો સહમત થયા હતા કે તેઓ એકબીજાનાં હિતોની સુરક્ષા માટે એકબીજાને સમર્થન આપવાનું ચાલુ રાખશે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
કોઈ દેશનું નામ લીધા વિના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "ચીન માલદીવની સાર્વભૌમત્વ, સ્વતંત્રતા અને રાષ્ટ્રીય સન્માનનું સમર્થન કરે છે. પોતાનાં રાષ્ટ્રીય હિતોને ધ્યાનમાં રાખીને વિકાસના માર્ગ પર આગળ વધી રહેલા માલદીવને ચીન સમર્થન અને સન્માન આપે છે. માલદીવના આંતરિક મામલામાં કોઈ પણ પ્રકારની અન્ય શક્તિઓના હસ્તક્ષેપનો કડક વિરોધ કરે છે.”
માલદીવમાં ચીનના રાજદૂત વાંગ લિક્સિને કહ્યું છે કે રાષ્ટ્રપતિ શી જિનપિંગની પહેલમાં સામેલ થવાથી માલદીવને વધુ વિકાસ પ્રોજેક્ટ્સ માટે ચીન પાસેથી વધુ આર્થિક મદદ મળશે.
વાંગ લિક્સિન ચીનની મુલાકાત દરમિયાન મુઇઝ્ઝુની સાથે હતા. તેમણે કહ્યું કે ચીન અને માલદીવ વચ્ચે મજબૂત સંબંધો માટે ત્રણ મુખ્ય પરિબળો છે.
તેમણે કહ્યું, "પહેલું તો પરસ્પર રાજકીય વિશ્વાસ કે જે અત્યંત મહત્ત્વનું છે, બીજું કે માલદીવના લોકો માટે વધુ પ્રોજેક્ટ્સ મળી શકે તેના માટે રાષ્ટ્રપતિ શીની પહેલ અને રાષ્ટ્રપતિ મુઇઝ્ઝુની વિકાસ વ્યૂહરચનાનું સંકલન મજબૂત બનાવવું અને ત્રીજું, વ્યાપક પરામર્શ તથા સંયુક્ત હિતો અને સિદ્ધાંતોનું પાલન કરવું."
ચીન અને માલદીવ વચ્ચે થયેલા કરારો
માલેમાં આયોજિત એક પ્રેસ-કૉન્ફરન્સમાં મુઇઝ્ઝુએ જણાવ્યું કે ચીને માલદીવને 13 કરોડ અમેરિકી ડૉલરની આર્થિક સહાય આપવા સંમતિ આપી છે. તેમણે કહ્યું કે આ મદદનો મોટો હિસ્સો રાજધાનીમાં રસ્તાઓના પુનઃનિર્માણ માટે વાપરવામાં આવશે.
આ મુલાકાત દરમિયાન માલદીવની રાષ્ટ્રીય ઍરલાઇન માલદીવ દ્વારા ચીનથી ડૉમેસ્ટિક ફ્લાઇટ્સ શરૂ કરવા અંગે બંને દેશો વચ્ચે સમજૂતી પણ થઈ હતી.
બંને દેશોએ હુલહુમાલેમાં એક સંકલિત પ્રવાસનક્ષેત્ર વિકસાવવા માટેના કરાર પર પણ હસ્તાક્ષર કર્યા છે, જેના માટે ચીન 50 મિલિયન યુએસ ડૉલરની સહાય આપશે.
આ સિવાય ચીન વિલીમાલેમાં 100 બૅડની હૉસ્પિટલ માટે ગ્રાન્ટ પણ આપશે.
માલેમાં ભારતીય સહાયથી બનેલી ઇન્દિરા ગાંધી મેમોરિયલ હૉસ્પિટલ (આઇજીએમએચ) દેશની સૌથી મોટી હૉસ્પિટલ ગણાય છે. 300 બૅડની આ હૉસ્પિટલ 1992માં ભારતની મદદથી બનાવાઈ હતી. બાદમાં 2018માં ફરી એક વાર ભારતની મદદથી આ હૉસ્પિટલમાં આધુનિક સેવાઓનો વિસ્તાર કરવામાં આવ્યો હતો.
વિવાદો વચ્ચે ચીન યાત્રા
મુઇઝ્ઝુની ચીન યાત્રા એવા સમયે થઈ હતી જ્યારે ભારત અને માલદીવ વચ્ચે સંબંધોમાં તણાવ જોવા મળ્યો છે. પીએમ મોદીને લઈને કરવામાં આવેલી અપમાનજનક ટિપ્પણી પછી માલદીવમાં ત્રણ મંત્રીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
બીજી તરફ, યુરોપિયન યુનિયનના ઇલેક્શન ઑબ્ઝર્વેશન મિશન ઑફ માલદીવના તાજેતરમાં બહાર પાડવામાં આવેલા અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે અહીંની સત્તારૂઢ પ્રોગ્રેસિવ પાર્ટી ઑફ માલદીવ્સ (પીપીએમ) અને પીપલ્સ નેશનલ કૉંગ્રેસ (પીએનસી) ભારત વિરોધી વલણ ધરાવે છે અને તેનો વિરોધ કરે છે. તેમણે રાષ્ટ્રપતિની ચૂંટણી વખતે પણ ભ્રામક જાણકારીઓ ફેલાવવાની કોશિશ કરી હતી.
આ ચૂંટણીમાં મુઇઝ્ઝુએ પીપીએમ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી હતી. તે સમયે પાર્ટીનું નેતૃત્વ પૂર્વ રાષ્ટ્રપતિ અબ્દુલ્લા યામીન કરી રહ્યા હતા, જેને ચીન તરફી વ્યક્તિ તરીકે જોવામાં આવે છે. અબ્દુલ્લા યામીન હાલ ભ્રષ્ટાચારના આરોપમાં જેલની સજા ભોગવી રહ્યા છે.
તાજેતરમાં માલદીવ સરકારનાં મંત્રી મરિયમ શિયુના અને અન્ય નેતાઓએ પીએમ મોદીની લક્ષદ્વીપ મુલાકાત પર વાંધાજનક ટિપ્પણી કરી હતી, જેને લઈને ભારતમાં રોષ જોવા મળ્યો હતો.
માલદીવની મોહમ્મદ મુઇઝ્ઝુ સરકારે નુકસાનની ભરપાઈ કરવાનો પ્રયાસ શરૂ કર્યો. પહેલા તેમણે ટિપ્પણીથી પોતાને દૂર રાખીને એક નિવેદન જાહેર કર્યું અને પછી ટિપ્પણી કરનાર ત્રણ મંત્રીઓને સસ્પેન્ડ કર્યાં.
ભારતમાં આ મુદ્દાને લઈને ઉગ્ર પ્રતિક્રિયા જોવા મળી હતી. લોકોએ માલદીવની તેમની મુલાકાત કૅન્સલ કરી દીઘી હતી અને કૅન્સલ થયેલી ટિકિટની તસવીરો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવાનું શરૂ કરી દીધું.
ઘણી સેલિબ્રિટીઓએ પણ આ વિવાદમાં ઝંપલાવ્યું હતું અને લક્ષદ્વીપ વિશે લખ્યું હતું. તેમણે લખ્યું કે જો ભારતમાં ફરવા માટે લક્ષદ્વીપ જેવી જગ્યા હોય તો માલદીવ જવાની જરૂર નથી.
મુઇઝ્ઝુ સરકારને ઝટકો
શનિવારે માલે શહેરમાં મેયર પદ માટેની ચૂંટણી સંપન્ન થઈ. રાષ્ટ્રપતિ બન્યા પહેલાં મુઇઝ્ઝુ માલેના મેયર હતા. ત્યાર બાદ આ પદ ખાલી પડ્યું હતું.
આ ચૂંટણીઓમાં વિપક્ષી માલદિવિયન ડેમૉક્રેટિક પાર્ટી (એમડીપી)ના ઉમેદવાર આદમ અઝીઝને મોટી જીત મળી છે.
માલદીવ સન ઑનલાઇન પોર્ટલ અનુસાર 41 મતપેટીની ગણતરીઓમાં આદમ અઝીઝને 5303 મત મળ્યા છે જ્યારે પીપલ નેશનલ કૉંગ્રેસના ઉમેદવારને 3301 મત મળ્યા છે.
એમડીપીનું નેતૃત્ત્વ મોહમ્મદ ઇબ્રાહીમ સોલિહના હાથમાં છે જેને ભારત સમર્થક માનવામાં આવે છે. રાષ્ટ્રપતિપદની ચૂંટણીમાં તેમની પાર્ટી મુઇઝ્ઝુની પીપલ્સ નેશનલ કૉંગ્રેસ સામે હારી ગઈ હતી.