You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજીવ ગાંધીથી નરેન્દ્ર મોદી સુધી: ભારતે સંકટમાં ફસાયેલા માલદીવને ક્યારે અને કેવી મદદ કરી?
- લેેખક, અભિનવ ગોયલ
- પદ, બીબીસી સંવાદદાતા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના લક્ષદ્વીપ પ્રવાસની તસવીરો પર કેટલાક દિવસ પહેલાં આપત્તિજનક ટિપ્પણીઓ થઈ હતી. આ પ્રકારનું કામ એક એવા પડોશી દેશનાં મંત્રીઓ અને નેતાઓ તરફથી કરવામાં આવ્યું કે જે દેશનો સાથ ભારતે ઘણી વાર મુશ્કેલ સમયમાં આપ્યો છે.
કદાચ એ જ કારણ હતું કે થોડા જ સમયમાં સોશિયલ મીડિયા પર બૉયકૉટ માલદીવ અને ઍક્સપ્લોર લક્ષદ્વીપ ટ્રેન્ડ કરવા લાગ્યું હતું.
માત્રા સામાન્ય લોકો જ નહીં પણ દેશની મોટી હસ્તીઓએ પણ પીએમ મોદીનો સાથ આપીને માલદીવનો વિરોધ કર્યો.
માલદીવની સરકારે પણ આ ટિપ્પણીઓથી પોતાને અલગ કરીને તેમનાં મંત્રીઓ અને નેતાઓને પદ પરથી હઠાવી દીધાં.
પોતાના ચૂંટણીપ્રચારમાં ‘ઇન્ડિયા આઉટ’નો નારો આપનાર મુઇઝ્ઝુ નવેમ્બર, 2023માં રાષ્ટ્રપતિ બન્યા હતા. ત્યારબાદ ભારત અને પાકિસ્તાનના સંબંધો પર સવાલો ઊઠી રહ્યા છે પણ જો ઐતિહાસિક દૃષ્ટિએ જોવા જઈએ તો બંને દેશો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો જોવા મળ્યા છે.
આપત્તિજનક ટિપ્પણીઓ બાદ માલદીવનાં પૂર્વ રક્ષામંત્રી મારિયા અહમદ દીદીએ આપેલું નિવેદન આ વાતને વધુ પ્રસ્થાપિત કરે છે. તેઓ કહે છે કે ભારત અમારા માટે 911 નંબરના કૉલની જેમ છે. જ્યારે પણ અમને જરૂર હોય છે ત્યારે અમે ભારતની મદદ માગીએ છીએ.
આ લેખમાં એ ચાર ઘટનાનો ઉલ્લેખ છે કે સંકટમાં ફસાયેલા માલદીવે ભારતની મદદ માગી હતી અને ભારતે આગળ વધીને તેની મદદ કરી હતી.
ઑપરેશન કૅક્ટસ
1988ની એક ઘટના બંને દેશોના સંબંધોમાં સીમાચિહ્નરૂપ ગણાય છે. તે વખતે માલદીવમાં એક વિદ્રોહ થયો હતો, જેને ભારતની સેનાની મદદથી નિષ્ફળ બનાવાયો હતો. આ અભિયાનનું નામ હતું – ‘ઑપરેશન કૅક્ટસ’.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
3 નવેમ્બર, 1988ના રોજ માલદીવના રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયૂમ ભારતયાત્રાએ આવવાના હતા. તેમને લાવવા માટે એક વિમાન દિલ્હીથી માલે જવા ઉડાન ભરી ચૂક્યું હતું. તેઓ હજુ અડધે રસ્તે જ હતા ત્યારે ભારતના વડા પ્રધાન રાજીવ ગાંધીને અચાનક ચૂંટણીના સંબંધે દિલ્હીની બહાર જવું પડ્યું. ગયૂમ સાથે વાત કર્યા બાદ રાજીવ ગાંધીએ નક્કી કર્યું કે તેઓ ફરીથી ભારત આવશે.
પરંતુ ગયૂમ સામે વિદ્રોહની યોજના બનાવનાર માલદીવના વેપારી અબ્દુલ્લા લુથૂફી અને તેમના સાથી સિક્કા અહમદ ઇસ્માઇલ માણિકે નક્કી કર્યું હતું કે આ વિદ્રોહને સ્થગિત ન કરવો.
તેમણે શ્રીલંકાના ચરમપંથી સંગઠન ‘પ્લૉટ’ (પીપલ્સ લિબરેશન ઑર્ગેનાઇઝેશન ઑફ તમિલ ઈલમ)ના ભાડાના લડવૈયાઓને પર્યટકોના વેશમાં સ્પીડ બૉટ્સ મારફતે પહેલાં જ માલે પહોંચાડી દીધા હતા.
જોતજોતામાં જ રાજધાની માલેના રસ્તાઓ પર વિદ્રોહ શરૂ થઈ ગયો અને આ ભાડાના લડવૈયાઓએ ગોળીઓ છોડવાની શરૂ કરી દીધી. આ મુશ્કેલ સમયમાં માલદીવના તત્કાલીન રાષ્ટ્રપતિ મૌમૂન અબ્દુલ ગયૂમ એક સેફ હાઉસમાં જઈને છુપાઈ ગયા.
રાષ્ટ્રપતિ ગયૂમે તેમને અને તેમની સરકારને બચાવવા માટે ભારત પાસે મદદ માગી ત્યાં સુધીમાં સેંકડો બળવાખોરોએ રાજધાની માલેના હુલહુલે ઍરપૉર્ટ અને ટેલિફૉન ઍક્સચેન્જ પર કબજો કરી લીધો હતો.
આવી સ્થિતિમાં ભારતના તત્કાલીન વડા પ્રધાન રાજીવ ગાંધીએ ભારતીય સેનાને માલદીવ મોકલવાનો નિર્ણય કર્યો અને થોડા જ સમયમાં આગ્રાના ખેરિયા ઍરપૉર્ટ પરથી 6 પૅરાના 150 કમાન્ડોથી ભરેલું વિમાન માલદીવ જવા માટે રવાના થયું.
થોડી વાર પછી જ બીજું વિમાન માલદીવ ઊતર્યું અને તેણે ઍર ટ્રાફિક કંટ્રોલ, જેટી અને હવાઈપટ્ટીના ઉત્તર અને દક્ષિણ બંને ભાગો પર નિયંત્રણ મેળવી લીધું.
ત્યારબાદ ભારતીય સૈનિકોએ રાષ્ટ્રપતિના સેફ હાઉસને સુરક્ષિત કર્યું. થોડા જ કલાકોમાં ભારતીય સૈનિકોએ માલદીવની સરકાર પાડી દેવાની કોશિશને નિષ્ફળ કરી દીધી.
તોફાની મોજા વચ્ચે ‘ઑપરેશન સી વેવ્ઝ’
26 ડિસેમ્બર, વર્ષ 2004નો છેલ્લો રવિવાર હતો.
સમાચાર ચેનલો પર એક સમાચાર જોવા મળ્યા કે ચેન્નાઈમાં ભૂકંપના ઝટકા આવ્યા છે પણ જોતજોતામાં આ સમાચાર મોટી હોનારતમાં બદલાઈ ગયા, જેની કોઈએ કલ્પના નહોતી કરી.
ખરેખર એ દિવસે સમુદ્રમાં ભૂકંપ આવ્યો હતો, જેની તીવ્રતા શરૂઆતમાં 6.8 માપવામાં આવી હતી પરંતુ ત્યારબાદ તેનું અનુમાન 9.3 લગાવવામાં આવ્યું હતું.
આ ભૂકંપથી અંદાજે 55 ફૂટ ઊંચાં મોજાં ઊછળ્યાં, જેણે ઇન્ડોનેશિયા, થાઇલૅન્ડ, ટાન્ઝાનિયા અને માલદીવ જેવા દેશોના કિનારાને તબાહ કરી દીધા.
ભૂકંપ પછી આવેલી સુનામીમાં સૌથી વધુ મૃત્યુ જ્યાં નોંધાયેલા હતા એ દેશોમાં માલદીવ એક હતું અને આ મુશ્કેલ સમયમાં ભારત મદદ માટે આગળ આવ્યું અને 'ઑપરેશન સી વેવ્સ' શરૂ કર્યું.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતીય કૉસ્ટ ગાર્ડ ડૉર્નિયર ઍરક્રાફ્ટ અને ઍરફોર્સના બે ઍવરૉસ ઍરક્રાફ્ટ 24 કલાકની અંદર જ એટલે કે 27 ડિસેમ્બરના રોજ રાહતસામગ્રી સાથે માલદીવ પહોંચ્યાં. આ વિમાનો માલદીવમાં જ રહ્યાં, જેથી રાહત કામગીરી ચાલુ રહે.
બીજા દિવસે એટલે કે 28 ડિસેમ્બરે આઇએનએસ મૈસૂર અને બે હેલિકૉપ્ટર 20 બૅડની હૉસ્પિટલની સુવિધા સાથે માલદીવ પહોંચ્યા.
મંત્રાલયના જણાવ્યા અનુસાર, આ રાહત કામગીરીને બીજા દિવસે આઇએનએસ ઉદયગિરિ અને આઇએનએસ આદિત્યનો સાથ મળ્યો અને આ જહાજોએ માલદીવના સૌથી પ્રભાવિત વિસ્તાર દક્ષિણ એટોલમાં કામ કર્યું હતું.
આ જહાજોની મદદથી ખોરાક અને તબીબી વસ્તુઓ પહોંચાડવામાં આવી હતી અને હેલિકૉપ્ટરની મદદથી લોકોને બચાવવામાં આવ્યા હતા.
ભારતીય વિદેશ મંત્રાલય પ્રમાણે આ રાહત કામગીરીમાં લગભગ 36.39 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો. આ પછી વર્ષ 2005માં જ્યારે માલદીવના રાષ્ટ્રપતિ ગયૂમે ભારતને કહ્યું કે તેઓ સુનામી પછી સિસ્ટમના સમારકામમાં નાણાકીય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, ત્યારે ભારતે માલદીવને 10 કરોડ રૂપિયાની આર્થિક સહાય આપી હતી.
આ સિવાય વર્ષ 2007માં ફરી એક વાર ભારતે માલદીવને 10 કરોડ રૂપિયાની આર્થિક મદદ કરી હતી.
જ્યારે ‘ઑપરેશન નીરે’ છીપાવી માલદીવની તરસ
4 ડિસેમ્બર, 2014ના રોજ માલદીવની રાજધાની માલેમાં આવેલા સૌથી મોટા વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં આગ લાગી હતી. ત્યારપછી માલેના અંદાજે એક લાખ લોકો સામે પીવાના પાણીની તંગી ઊભી થઈ ગઈ હતી.
સંયુક્ત રાષ્ટ્ર પ્રમાણે માલદીવ પાસે તેની સ્થાયી નદીઓ નથી જ્યાંથી તે પાણી લઈ શકે. વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની મદદથી જ તે પાણીને પીવા યોગ્ય બનાવે છે અને તેના નાગરિકો સુધી પહોંચાડે છે.
જ્યાં સુધી પ્લાન્ટ ફરી શરૂ ન થાય ત્યાં સુધી સમગ્ર શહેરને દરરોજ 100 ટન પાણીની જરૂર હતી.
આ મુશ્કેલ સમયમાં માલદીવના વિદેશમંત્રી દુન્યા મૌમુને તત્કાલીન ભારતીય વિદેશમંત્રી સુષમા સ્વરાજને ફોન કરીને મદદ માગી હતી.
માલદીવની મદદ માટે ભારતે ‘ઑપરેશન નીર’ શરૂ કર્યું. ભારતીય વાયુસેનાએ પૅક્ડ વૉટરને દિલ્હીથી અરક્કોનમ અને ત્યાંથી ત્રણ C-17 અને ત્રણ IL-76 ઍરક્રાફ્ટ દ્વારા માલે મોકલ્યું.
કટોકટી બાદ પહેલા બાર કલાકમાં જ ભારતીય વિમાનો પાણી લઈને માલદીવ પહોંચી ગયાં હતાં. આ સમયગાળા દરમિયાન વાયુસેનાએ 374 ટન પાણી માલેને પહોંચાડ્યું હતું.
ત્યારપછી ભારતીય જહાજો આઇએનએસ દીપક અને આઇએનએસ શુકન્યાની મદદથી લગભગ 2 હજાર ટન પાણી માલદીવ પહોંચાડવામાં આવ્યું હતું.
એટલું જ નહીં, ભારતે વૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના સમારકામ માટે પોતાના જહાજ મારફતે સ્પૅરપાર્ટ્સ પણ મોકલ્યા હતા.
કોરોનામાં પણ ભારતે કરી હતી મદદ
વર્ષ 2020માં જ્યારે સમગ્ર દુનિયા કોરોનાના ચપેટમાં હતી એ વખતે ભારતે ‘પડોશી પહેલા’ એ નીતિ અનુસાર આગળ વધીને માલદીવની મદદ કરી હતી.
માલદીવમાં ભારતના હાઇ કમિશન પ્રમાણે ભારત સરકારે કોવિડ-19ની સ્થિતિને પહોંચી વળવા માટે એક મોટી મેડિકલ ટીમ મોકલી હતી, જેમાં પલ્મોનોલૉજિસ્ટ, ઍનેસ્થેસિસ્ટ, ચિકિત્સક અને લૅબ-ટેકનિશિયન સામેલ હતા.
16 જાન્યુઆરી, 2021ના રોજ પીએમ મોદીએ દેશમાં રસીકરણ અભિયાનની શરૂઆત કરી હતી. આ અભિયાનના પછીના 96 કલાકની અંદર ભારતે સૌથી પહેલા માલદીવમાં રસી પહોંચાડી હતી.
માલદીવ એ પહેલો દેશ હતો કે જેને ભારતે 20 જાન્યુઆરી, 2021ના રોજ કોવિડ રસીના એક લાખ ડોઝ ભેટમાં આપ્યા હતા. આ રસીઓની મદદથી માલદીવની સરકારે વિશ્વમાં સૌથી ઝડપી રસીકરણ અભિયાન શરૂ કર્યું અને લગભગ પચાસ ટકા વસ્તીને રસી અપાવી.
ત્યારબાદ જ્યારે વિદેશમંત્રી ડૉ. જયશંકર 20 ફેબ્રુઆરી, 2021ના રોજ માલદીવ ગયા હતા ત્યારે એક લાખ ભારતીય નિર્મિત કોવિડ રસીનો બીજો જથ્થો ભેટ તરીકે આપવામાં આવ્યો હતો.
કોરોનાની રસીનો જ્યારે બીજો ડોઝ લગાવવાનો સમય આવ્યો ત્યારે પણ ભારતે માલદીવનો સાથ આપ્યો.
6 માર્ચે ભારતે 12 હજાર અને 29 માર્ચ 2021ના રોજ માલદીવને એક લાખ કોવિડ રસી મોકલી હતી.
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ભારતે માલદીવને કુલ 3 લાખ 12 હજાર રસીના ડોઝ મોકલ્યા છે, જેમાંથી 2 લાખ રસીના ડોઝ ભેટમાં આપવામાં આવ્યા છે.
આ સમયગાળા દરમિયાન ભારતે માલદીવને 250 મિલિયન યુએસ ડૉલર એટલે કે લગભગ બે હજાર કરોડ રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડી, જે અન્ય કોઈ પણ દેશની સરખામણીમાં સૌથી વધુ હતી.
આ વાતનો ઉલ્લેખ માલદીવના તત્કાલીન વિદેશમંત્રી અબ્દુલ્લા શાહીદે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં પણ કર્યો હતો.
તેમણે કહ્યું હતું કે આ મુશ્કેલ સમયમાં ભારતે અમને સૌથી વધુ આર્થિક મદદ કરી છે.