અરબી સમુદ્રમાં 24 કલાકમાં બનશે વાવાઝોડું, ગુજરાત પર આવશે કે ઓમાન તરફ જશે?

હવામાન વિભાગે આગાહી કરી છે કે અરબી સમુદ્રમાં ચોમાસા બાદનું પ્રથમ વાવાઝોડું સર્જાશે અને હાલ આ સિસ્ટમ મજબૂત બનીને ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે.

હવામાન વિભાગે હાલ આપેલી માહિતી પ્રમાણે અરબી સમુદ્રમાં ગઈ કાલે જે લૉ પ્રેશર એરિયા બન્યો હતો તે સિસ્ટમ ગઈ રાત્રે મજબૂત બની હતી. જે હવે ડિપ્રેશનમાં ફેરવાઈ ગઈ છે.

આ સિસ્ટમ વાવાઝોડામાં પરિવર્તિત થયા બાદ તેનું નામ 'તેજ' રાખવામાં આવશે અને આ નામ ભારત તરફથી આપવામાં આવ્યું છે. આ વર્ષનું ચોમાસા બાદનું તે પ્રથમ વાવાઝોડું હશે.

હવામાન વિભાગનું કહેવું છે કે આ સિસ્ટમ હજી મજબૂત થશે અને આવનારા 24 કલાકમાં તે વાવાઝોડું બની જશે અને અરબી સમુદ્રમાં આગળ વધશે.

ભારતમાં દર વર્ષે ચોમાસા પહેલાં અને ચોમાસા બાદ કુલ મળીને ચારથી પાંચ વાવાઝોડાં સર્જાતાં હોય છે. સામાન્ય રીતે બંગાળની ખાડીમાં અરબી સમુદ્ર કરતાં વધારે વાવાઝોડાં સર્જાય છે.

તેજ વાવાઝોડું ગુજરાત પર આવશે કે ઓમાન તરફ જશે?

હવામાન વિભાગે આ વાવાઝોડું કઈ તરફ જશે તેનો સંભવિત માર્ગ નક્કી કરતો નકશો જાહેર કર્યો છે. આ સિસ્ટમ વાવાઝોડું બન્યા બાદ અરબી સમુદ્રમાં ઉત્તરપશ્ચિમ તરફ આગળ વધશે.

અરબી સમુદ્રમાં આગળ વધ્યા બાદ આ વાવાઝોડું વધારે તીવ્ર બને તેવી શક્યતા છે. હવામાન વિભાગનું કહેવું છે કે આ વાવાઝોડું અતિ ભીષણ ચક્રવાતમાં ફેરવાઈ જશે.

22 ઑક્ટોબરની સાંજ સુધીમાં તે વધારે ભીષણ બનશે અને ઓમાનના દરિયાકિનારા તરફ આગળ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે.

હવામાન વિભાગે નકશો જાહેર કર્યો છે તે મુજબ આ વાવાઝોડું હાલ ઓમાન અને યમનના દરિયાકિનારા તરફ જાય તેવી શક્યતા છે. એટલે કે ભારતના દરિયાકિનારાથી દૂર જશે.

24 કે 25 ઑક્ટોબરની આસપાસ તે ઓમાન અને યમનના દરિયાકિનારા પાસે પહોંચે તેવી શક્યતા છે અને કાંઠે પહોંચતાની સાથે થોડો વળાંક લે તેવી પણ શક્યતા દેખાઈ રહી છે.

અમદાવાદ ખાતેના ભારતીય હવામાન વિભાગનાં વડાં મનોરમા મોહંતીએ અરબી સમુદ્રમાં સર્જાઈ રહેલી સિસ્ટમ અંગે માહિતી આપી હતી.

તેમણે કહેલું કે, “અરબી સમુદ્રમાં સર્જાયેલું સર્ક્યુલેશન અગાઉ લૉ-પ્રેશરમાં ફેરવાયું હતું, જે હાલ ડીપ્રેશન બની ચૂક્યું છે. હાલ ડિપ્રેશન દક્ષિણ-પશ્ચિમ અરબી સમુદ્રમાં છે.”

તેમણે કહ્યું હતું કે, “આગામી 24 કલાકમાં તેની તીવ્રતામાં વધારો થશે. આગામી સમયમાં તે સાયક્લોનિક સ્ટોર્મ બનવાની સંભાવના છે. જે હાલની સ્થિતિ અનુસાર ઉત્તર-પૂર્વ થી ઉત્તર તરફ આગળ વધશે.”

મનોરમા મોહંતી આ અંગે વધુ જણાવતાં કહે છે કે, “તે બાદ 22મીની સાંજે તે તીવ્ર સાયક્લોનિક સ્ટોર્મ બને તેવી સંભાવના છે. હાલની પરિસ્થિતિ અનુસાર દક્ષિણ ઓમાન અને યમન તરફ આગળ વધે તેવી શક્યતા છે.”

ગુજરાત પર વાવાઝોડાની કોઈ અસર થશે?

સામાન્ય રીતે દરિયામાં બનેલી સિસ્ટમ જ્યારે ડિપ્રેશનમાં ફેરવાય તે બાદ તેનો રસ્તો નક્કી થતો હોય છે કે તે કઈ તરફ જશે અને ક્યાં ત્રાટકશે. એટલે હવે ડિપ્રેશન બન્યા બાદ હવામાન વિભાગે તેનો રસ્તો જાહેર કર્યો છે.

અરબી સમુદ્રમાં સર્જાતાં વાવાઝોડાંનો રસ્તો નક્કી કરવો મુશ્કેલ હોય છે અને એક વખત નક્કી થયા બાદ પણ વાવાઝોડું વળાંક લેતું હોય છે.

હાલની સ્થિતિ પ્રમાણે અરબી સમુદ્રમાં રહેલી સિસ્ટમ વાવાઝોડું બનશે અને તે ઓમાન અને યમનના દરિયાકિનારા તરફ જશે એટલે કે ભારતના દરિયાકિનારાથી દૂર જવાની શક્યતા છે.

જોકે, હવામાનનું એક મૉડલ એવું પણ દર્શાવી રહ્યું છે કે તે ઓમાનની નજીકથી વળાંક લઈને ગુજરાત પાસે પાકિસ્તાન સુધી પહોંચે તેવી શક્યતા છે.

હાલની સ્થિતિ મુજબ ગુજરાતને કોઈ સીધો ખતરો દેખાતો નથી પરંતુ ચોમાસા પહેલાં સર્જાયેલું બિપરજોય વાવાઝોડું પણ પહેલાં ઓમાન તરફ જાય તેવું લાગતું હતું. જે બાદ વળાંક લઈને તે ગુજરાત પર ત્રાટક્યું હતું.

વાવાઝોડું દરિયામાં વળાંક લઈ શકે?

હાલ હવામાનનાં વિવિધ મૉડલ આ સિસ્ટમ વળાંક લેશે કે નહીં તેના પર એકમત નથી. હવામાન વિભાગનું કહેવું છે કે તે ઓમાન તરફ જશે. ઓમાનની પાસે પહોંચતા જ વાવાઝોડું થોડું વળાંક લેતું દેખાય છે.

ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટના અહેવાલ પ્રમાણે GFS મૉડલ એવું દર્શાવી રહ્યું છે કે અરબી સમુદ્રમાં પશ્ચિમ તરફ ગયા બાદ આ વાવાઝોડું વળાંક લઈને પાકિસ્તાન તરફ આવી શકે છે. આ વાવાઝોડું ઓમાનના દરિયાકાંઠાની ખૂબ નજીક ગયા બાદ વળાંક લઈને ફરીથી અરબી સમુદ્રમાં આવી શકે છે.

વેધર ચેનલના એક રિપોર્ટ પ્રમાણે અરબી સમુદ્રમાં સર્જાતાં વાવાઝોડાં કેટલાં તીવ્ર બનશે અને કઈ તરફ જશે તેની આગાહી કરવી ખૂબ મુશ્કેલ હોય છે. નિષ્ણાતોનું માનવું છે કે જળવાયુ પરિવર્તનને કારણે આવું બની રહ્યું છે.

અહેવાલ મુજબ તાજેતરના એક સંશોધનમાં એવું જાણવા મળ્યું છે કે અરબી સમુદ્રમાં વાવાઝોડાની સંખ્યા વધી રહી છે અને તેનું મુખ્ય કારણ દરિયાની જળસપાટીનું વધી રહેલું તાપમાન છે.

2022માં ચોમાસા બાદ અરબી સમુદ્રમાં એક પણ વાવાઝોડું સર્જાયું ન હતું, જ્યારે વર્ષ 2019માં અરબી સમુદ્રમાં પાંચ વાવાઝોડાં સર્જાયાં હતાં તેમાં ચાર ચોમાસા બાદ સર્જાયાં હતાં. હિક્કા, કયાર, મહા અને પવન નામનાં વાવાઝોડાં ચોમાસા બાદ સર્જાયાં હતાં.