સુરત : યુક્રેનના યુદ્ધમાં મૃત્યુ પામનારા ગુજરાતી યુવક હેમિલ માંગુકિયાનો પરિવાર ભારત છોડી રશિયા કેમ જવા માગે છે?

રશિયા-યુક્રેન યુદ્ધ, સુરત, ભારતીય યુવાનો, નાગરિકત્ત્વ, વળતર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE

ઇમેજ કૅપ્શન, હેમિલ માંગુકિયાનું (વચ્ચે) 21 ફેબ્રુઆરીએ મિસાઇલ હુમલામાં મૃત્યુ થયું હતું
    • લેેખક, શીતલ પટેલ
    • પદ, બીબીસી ગુજરાતી માટે, સુરતથી

"અહીં રહેવા જેવું નથી. મારા પુત્રના મૃતદેહને પરત લાવવા માટે હું રોજ ભારતીય દૂતાવાસમાં ફોન કરતો અને અપડેટ લેતો હતો પરંતુ અહીં ફક્ત મને વાયદાઓ જ મળતા, નેતાઓએ પણ કોઈ સપોર્ટ કર્યો ન હતો. તો આવા દેશમાં હું શા માટે રહું?"

રશિયા યુક્રેન યુદ્ધમાં પોતાનો જુવાનજોધ પુત્ર ગુમાવનારા સુરતના અશ્વિન માંગુકિયાના આ શબ્દો છે.

તેઓ કહે છે કે, "પુત્રના મોત બાદ તેનો મૃતહેદ ભારત લાવવા માટે મેં સ્થાનિક નેતાઓનો પણ સંપર્ક કર્યો હતો. ગૃહમંત્રી હર્ષ સંઘવી અને તે સમયના ગુજરાત પ્રદેશ પ્રમુખ તથા નવસારીના સાંસદ સી.આર. પાટિલને પત્ર પણ લખ્યો હતો."

પણ ચોંકાવનારી વાત એ છે કે જેમણે પોતાનો પુત્ર યુક્રેન યુદ્ધમાં ગુમાવ્યો તે અશ્વિનભાઈ હવે સહપરિવાર ભારત છોડીને રશિયામાં સ્થાયી થવા માંગે છે. તેમણે અને તેમનાં પત્નીએ રશિયાના નાગરિક બનવાનું મન બનાવી લીધું છે.

તેમના પુત્ર હેમિલ માંગુકિયાનું રશિયા-યુક્રેન યુદ્ધમાં રશિયન સેના વતી લડતી વખતે મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ અશ્વિનભાઈએ આ પ્રકારનો નિર્ણય લીધો હોવાનું તેઓ કહે છે.

જોકે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની રશિયા મુલાકાત દરમ્યાન આ મામલે ચર્ચા પણ થઈ અને ભારતીય વિદેશ મંત્રાયલે આ મામલો 'ખૂબ ગંભીર હોવાની' તથા રશિયન સરકાર સાથે મળીને ભારતીય નાગરિકોને પાછા લાવવા માટે પ્રયાસો કરવાની વાત કહી છે. રશિયાએ યુક્રેન વિરુદ્ધ યુદ્ધમાં ફસાઈ ગયેલા લોકો અને મૃત્યુ પામનારા ભારતીય લોકોના પરિવારજનો માટે રશિયાએ વળતર આપવાની પ્રક્રિયા શરૂ કરી દીધી છે.

અશ્વિન મંગુકિયા સહિત અન્ય એક પરિવારે આની પુષ્ટિ કરી છે.

તસવીર

બીબીસી ગુજરાતીની વૉટ્સઍપ ચેનલને સબસ્ક્રાઇબ કરવા માટે અહીં ક્લિક કરો...

કોણ હતા હેમિલ માંગુકિયા?

રશિયા-યુક્રેન યુદ્ધ, સુરત, ભારતીય યુવાનો, નાગરિકત્ત્વ, વળતર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE

ઇમેજ કૅપ્શન, હેમિલ માંગુકિયા તેમનાં માતાપિતા સાથે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સુરતના વેલંજાના ઉમરાના રહેવાસી 23 વર્ષના હેમિલ માંગુકિયા રશિયન આર્મીમાં હૅલ્પર તરીકે કામ કરતા હતા. 21 ફેબ્રુઆરી, 2024ના રોજ રશિયા–યુક્રેન બૉર્ડર પાસે આવેલા ડૉનેત્સ્ક શહેરમાં એક મિસાઇલ હુમલામાં તેમનું મૃત્યુ થયું હતું.

બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં હેમિલના પિતા અશ્વિન માંગુકિયા કહે છે, "15 ડિસેમ્બર, 2023ના રોજ હેમિલ સુરતથી રશિયા જવા નીકળ્યો હતો હતો. રશિયા જતાં પહેલાં તે અહીં ઍમ્બ્રોઇડરીના ખાતામાં કામ કરતો હતો. યુટ્યુબર બાબા વ્લૉગના વીડિયોથી હેમિલ એજન્ટના સંપર્કમાં આવ્યો હતો. એજન્ટે હેમિલને કહ્યું હતું કે રશિયન આર્મીમાં હેલ્પર તરીકે કામ કરવા બદલ સારું વળતર મળશે."

"હેમિલ રશિયા ગયા બાદ ત્યાં કામ કરવા લાગ્યો હતો. અને પછી એક દિવસ અમને જુવાનજોધ પુત્રના નિધનના સમાચાર મળતા અમે આઘાતમાં સરી પડ્યા હતા."

પુત્રનો મૃતદેહ લાવવા માટે અશ્વિનભાઈએ ઘણી જગ્યાએ મદદ માંગી હતી પરંતુ તેમને કોઈ મદદ મળી નહોતી. પુત્રના મૃતદેહ વગર પરિવારે બેસણું પણ યોજી દીધું હતું.

તેઓ કહે છે, "મેં ચૂંટાયેલા સભ્યો સહિત દરેક જગ્યાએ મદદ માટે પત્ર લખ્યો હતો પરંતુ અમને કોઈ મદદ મળી ન હતી. હું રોજ ભારતીય દૂતાવાસમાં ફોન કરતો હતો પરંતુ આપણા દૂતાવાસે મને જરાય મદદ કરી ન હતી. મને માત્ર વાયદાઓ જ આપવામાં આવતા હતા."

તેમના કહ્યા અનુસાર, "સુરતના ડાયમંડ વેપારી ભરત નારોલાના કારણે તેમના પુત્રનો મૃતદેહ ભારત લાવી શકાયો હતો."

"અમને 25 દિવસ બાદ પુત્રનો મૃતદેહ મળ્યો હતો અને અમે તેના અંતિમ સંસ્કાર કર્યા હતા."

તેઓ વધુમાં કહે છે કે, "હેમિલ સાથે દેશનાં અલગઅલગ શહેરોમાંથી 11થી 12 જેટલા યુવકો રશિયા ગયા હતા. છ યુવકોને રશિયા પહોંચ્યા બાદ યુદ્ધના મેદાનમાં તહેનાત કરી દેવામાં આવ્યા હતા."

અશ્વિનભાઈને બે પુત્રો છે. હેમિલ મોટો પુત્ર હતો અને નાનો પુત્ર રોમિલ હાલ લંડનમાં અભ્યાસ કરે છે. બંને દીકરાઓને વિદેશ મોકલવા માટે અશ્વિનભાઈએ પોતાનું ઘર ગિરવે મૂકીને પૈસા ભેગા કર્યા હતા જેના હપ્તા તેઓ આજે પણ ભરી રહ્યા છે.

હેમિલને પગાર મળ્યો હતો કે કેમ તેના સવાલના જવાબમાં તેઓ કહે છે કે બે મહિના બાદ તેના પુત્રએ બે લાખ 20 હજાર રૂપિયા મોકલ્યા હતા.

પરિવાર રશિયા કેમ જવા માગે છે?

રશિયા-યુક્રેન યુદ્ધ, સુરત, ભારતીય યુવાનો, નાગરિકત્ત્વ, વળતર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE

ઇમેજ કૅપ્શન, અશ્વિન માંગુકિયા

આ ઘટનાને ચાર મહિનાથી વધુ સમય થઈ ગયો છે. હવે હેમિલના પિતા ફરી કામધંધા તરફ વળ્યા છે.

હાલમાં અશ્વિન ભાઈ વરાછાના ઘનશ્યામનગરમાં એક ભાડાના મકાનમાં સીઝનલ વ્યવસાય કરે છે. તેઓ હાલ મિરર વર્ક અને લેસ બનાવવાનું કામ કરે છે. પરંતુ અશ્વિનભાઈનો ભારત સરકાર સામેનો રોષ ઓછો થયો નથી.

રોષ ઠાલવતાં તેઓ કહે છે, "હું અહીં શા માટે રહું? અહીં કોઈપણ કામ પૈસા વગર થતું નથી, આધારકાર્ડ કઢાવવા માટે પણ 50 રૂપિયા આપવા પડે છે. અહીં રહેવા જેવું જ નથી. એટલા માટે જ મેં બંને પુત્રોને વિદેશ મોકલ્યા હતા."

"હું જે પણ કમાઉં છું તે જીવનનિર્વાહમાં ખર્ચ થઈ જાય છે અને કંઈ જ બચત થતી નથી. આપણા દેશમાં સમસ્યા એ છે કે આપણે વધુ કમાઈ શકતા નથી."

રશિયાએ તેમને શું મદદ કરી છે?

રશિયા-યુક્રેન યુદ્ધ, સુરત, ભારતીય યુવાનો, નાગરિકત્ત્વ, વળતર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, RUPESH SONAVANE

રશિયા યુક્રેન સાથેના તેના યુદ્ધમાં મૃત્યુ પામનારા ભારતીયોના પરિવારજનોને આર્થિક મદદ કરી રહ્યું છે અને સાથે રશિયાનું નાગરિકત્વ પણ આપી રહ્યું છે.

અશ્વિનભાઈ કહે છે, "તેમણે અમને વળતર અને નાગરિકત્વની ઑફર કરી છે. રશિયા તરફથી અમને એક કરોડ 30 લાખની સહાય આપવામાં આવશે. સહાયની અમુક રકમ અમારા બૅન્ક ખાતામાં આવી પણ ગઈ છે."

"મેં મૉસ્કોમાં પોતાનું અને મારી પત્ની ભગવતી માંગુકિયાના નામથી બૅન્કમાં અલગ-અલગ ખાતાં ખોલાવ્યાં છે જેમાં 17 અને 18 જૂનના સમયગાળામાં 45 લાખ રૂપિયા જમા થયા છે. બાકીની રકમ ત્રણ મહિના સુધીના સમયગાળામાં તેમના બૅન્ક ખાતામાં આવી જશે."

"આ સહાય માટેની પ્રક્રિયા માટે હું 15 દિવસના વિઝા ઉપર 16મેના રોજ રશિયા ગયો હતો. હું રશિયન આર્મીની ઑફિસમાં પુત્રના કૉન્ટ્રાક્ટ પેપર અને મૃતકનું પ્રમાણપત્ર સહિતના જરૂરી દસ્તાવેજો જમા કરાવ્યા હતા અને સહાય મળવાનું ફૉર્મ ભર્યું હતું."

પોતે રશિયન નાગરિકત્વ સ્વીકારવા માટે તૈયાર હોવાનું જણાવતા અશ્વિનભાઈ કહે છે, "હું ભારત છોડવા માટે તૈયાર છું પરંતુ ક્યારેય રશિયાનું નાગરિકત્વ લઈશ તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લીધો નથી. મળવાપાત્ર સહાયની સમગ્ર રકમ ઍકાઉન્ટમાં જમા થઈ ગયા બાદ તેઓ રશિયન નાગરિકત્વ મેળવવાની પ્રક્રિયા શરૂ કરશે."

રશિયા સેનામાં હજુ પણ 30થી વધુ ભારતીયો

રશિયા-યુક્રેન યુદ્ધ, સુરત, ભારતીય યુવાનો, નાગરિકત્ત્વ, વળતર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ઇમેજ કૅપ્શન, હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના રશિયાન પ્રવાસે હતા

રશિયા યુક્રેન યુદ્ધમાં સામેલ થનાર હેમિલ માંગુકિયા એકમાત્ર યુવાન નથી.

ભારતના વિદેશસચિવ વિનય ક્વાતાએ પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું હતું કે રશિયાની સેનામાં હજુ 35-50 ભારતીયો હોવાની માહિતી છે, જેમાંથી 10 લોકોને ભારત પાછા લાવવામાં અમને સફળતા મળી છે. બંને દેશો બાકીના લોકોને પણ પાછા લઈ આવવા માટે કામ કરશે.

તેમણે વધુમાં કહ્યું હતું કે, "એજન્ટો દ્વારા પૈસા અને રશિયન પાસપોર્ટની લાલચ આપીને આ લોકોને રશિયા મોકલવામાં આવ્યાં હતા. મોટાભાગનાં લોકો ગરીબ પરિવારમાંથી આવે છે. આ લોકોને કહેવામાં આવ્યું હતું કે તેમને ત્યાં નોકરી આપવામાં આવશે."

હાલમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી બે દિવસના રશિયાના પ્રવાસે હતા ત્યારે તેમણે આ વિશે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી હતી. વાતચીત દરમિયાન રશિયાએ યુક્રેન યુદ્ધમાં સામેલ ભારતીયોને પરત તેમના દેશ મોકલી આપવાની બાંહેધરી આપી હતી.

ભારતના વિદેશ મંત્રાલય અનુસાર, રશિયામાં નોકરી આપતી વખતે ભારતીય નાગરિકોને કહેવામાં આવ્યું હતું કે તેમને યુદ્ધમાં મોકલવામાં આવશે નહીં. પરંતુ બાદમાં કેટલાક ભારતીયોને યુદ્ધમોરચે મોકલવામાં આવ્યાં હતા. યુક્રેન યુદ્ધ દરમિયાન ચાર ભારતીય નાગરિકોનું મૃત્યુ થયું હોવાની વિદેશ મંત્રાલયે પુષ્ટિ કરી છે.

એજન્ટોએ રશિયન આર્મીમાં 'હૅલ્પર'ની નોકરી મળશે એવું કહીને હેમિલ જેવા યુવાનો પાસેથી અંદાજિત ત્રણ લાખ રૂપિયા લીધા હતા.

રશિયામાં આવી નોકરી માટે જનારા તમામ ભારતીય યુવાનોની ઉંમર 22થી 31 વર્ષની વચ્ચે છે.

આ યુવાનોનાં માતાપિતા અથવા ભાઈબહેન નાની મોટી નોકરી કરે છે. કેટલાક રિક્ષા ચલાવીને અથવા ચા વેચીને ગુજરાન ચલાવે છે.

તેમના પરિવારજનો કહે છે કે યુવાનો રશિયા પહોંચ્યા બાદ વીડિયો સંદેશો મોકલ્યો હતો જેમાં તેમણે આક્ષેપ કર્યો હતો કે તાલીમના બહાને તેમને યુદ્ધના મોરચે મોકલવામાં આવી રહ્યા છે.

હેમિલની સાથે હૈદરાબાદ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, કાશ્મીર, પંજાબ અને કોલકાતાથી પણ યુવાનો રશિયા ગયા છે અને ત્યાંની સેના વતી લડી રહ્યા છે.

રશિયા જઈને ફસાઈ જનારાઓમાં અમદાવાદના શેખ મોહમ્મદ તાહિરની કહાણી અપવાદ છે. યુદ્ધના મોરચે જતા પહેલાં જ તેઓ મૉસ્કોથી ભાગવામાં સફળ રહ્યા હતા.

રશિયાએ અન્ય પરિવારોને પણ વળતર આપવાનું શરૂ કર્યું

યુક્રેન સામે ચાલી રહેલા યુદ્ધમાં છેતરપિંડીનો શિકાર બનેલા અને માર્યા ગયેલા ભારતીય લોકોના પરિજનોને રશિયાએ મદદ અને વળતર આપવાનું શરૂ કર્યું છે.

આ જ રીતે હૈદરાબાદના રહેવાસી મોહમ્મદ અફસાનના ભાઈ મોહમ્મદ ઇમરાને બીબીસીને જણાવ્યું હતું કે અફસાનના પરિવારને પણ વળતર અને રશિયાની નાગરિકતા આપવાની ઑફર કરાઈ છે.

તેઓ કહે છે, "અમારે આગળની પ્રોસિજર માટે રશિયા જવાની જરૂર છે. તેમણે કહ્યું છે કે અફસાનનાં પત્ની અને બે બાળકોને નાગરિકતા આપવામાં આવશે. અફસાનનો બે વર્ષનો એક પુત્ર અને એક વર્ષની પુત્રી છે."

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમની મૉસ્કો મુલાકાત દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથેની વાતચીતમાં આ ભારતીય યુવાનોનો મુદ્દો ઉઠાવ્યા બાદ પીડિતોના પરિવારોની આશાઓ અચાનક વધી ગઈ છે.

રશિયા માટે લડી રહેલા કર્ણાટકના કલબુર્ગીના સમીર અહેમદના પરિવારના સભ્યોએ બીબીસી હિન્દીને જણાવ્યું કે તેમને વડા પ્રધાન મોદીની મૉસ્કો મુલાકાતથી 'મોટી અપેક્ષાઓ' છે.

સમીર અહેમદના સંબંધી મોહમ્મદ મુસ્તફા કહે છે, "તે અમારી સાથે બે કે ત્રણ દિવસમાં એક વાર વાત કરી લે છે. અમને ઘણી આશા છે કે વડા પ્રધાન એ તમામ લોકોને ભારત લાવવા માટે કંઈક કરશે. 15 ડિસેમ્બરે તેઓ ગયા ત્યારથી જ અમે એ જ આશામાં જીવીએ છીએ."

તે દરમિયાન નવી દિલ્હીમાં રશિયન દૂતાવાસે કહ્યું છે કે તેમની સેનામાં સેવા આપતા મોટાભાગના ભારતીયો પાસે માન્ય દસ્તાવેજો નથી.

રશિયાના ચાર્જ ડી અફેર્સ રોમન બાબુશકિન અનુસાર, રશિયા તેની સેના માટે જાણીજોઈને ભારતીયોની ભરતી કરતું નથી અને આ સંઘર્ષમાં તેમની કોઈ ભૂમિકા નથી. તેમની હાજરી પાછળ તેમના વ્યાપારી હિતો છે. રશિયા એ ભારત સરકારની સાથે છે અને આ સમસ્યાના વહેલાં ઉકેલની આશા રાખે છે.

ભારત અને રશિયાની વાર્ષિક સમિટ બાદ રશિયા તરફથી આ નિવેદન આવ્યું છે.

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનએ આ ભરતી રૅકેટના સંબંધમાં ચાર લોકોની ધરપકડ પણ કરી છે.

(બીબીસી સંવાદદાતા ઋષિ બેનરજીના ઇનપુટ સાથે)