'મૅનોપૉઝ પહેલાં મને એટલો રક્તસ્ત્રાવ થયો કે લોહી ચઢાવવું પડ્યું'

હેલેન જેમ્સ

ઇમેજ સ્રોત, HELEN JAMES

ઇમેજ કૅપ્શન, હેલેન જૅમ્સ
    • લેેખક, જ્યોર્જિના ડેવિયાસ
    • પદ, બીબીસી ન્યૂઝ, સ્કોટલેન્ડ
ગ્રે લાઇન

હેલેન જૅમ્સ 43 વર્ષનાં હતાં ત્યારે માસિક રક્તસ્ત્રાવને લીધે એટલાં ગંભીર રીતે એનેમિક થઈ ગયાં હતાં કે તેમને લોહી ચડાવવું પડ્યું હતું.

બીબીસી સાથે વાત કરતાં હેલેને જણાવ્યું હતું કે તેમણે માસિક દરમિયાન આટલા ભારે રક્તસ્ત્રાવ વિશે ક્યારેય સાંભળ્યું ન હતું, પરંતુ એનો અનુભવ તેમને ખુદને થયો હતો.

હવે હેલેનને લાગે છે કે પેરીમૅનોપૉઝ એટલે કે મૅનોપૉઝ આવતા પૂર્વેનાં વર્ષોમાં સ્ત્રીઓએ તેમના શરીરમાં થતા ફેરફાર વિશે વધુ માહિતગાર બનવું જોઈએ.

હેલેન કહે છે, “મને હંમેશા હેવી પિરિયડ્ઝ આવતા હતા, તેમ છતાં એ તો ક્યાંક બહારથી જ આવ્યું હોય એવું મને લાગ્યું હતું.”

હેલેનના જણાવ્યા મુજબ, અનેક દિવસ ભારે રક્તસ્ત્રાવ પછી તેમણે પગથિયાં ચડવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમને શક્તિહિનતાનો અનુભવ થયો હતો. ડૉક્ટરની ઍપોઇન્ટમૅન્ટ લેવામાં પણ મુશ્કેલી થઈ હતી.

હેલેન કહે છે, “એ સમયે હું બહુ ઍનેમિક થઈ ગઈ હતી. થાકી ગઈ હતી, પૂરતી ઊંઘ લઈ શકતી ન હતી, કારણ કે સેનેટરી પેડ બદલવા દર કલાકે પથારીમાંથી ઊભા થવું પડતું હતું. મારી અવસ્થા દયનીય હતી અને મને મદદની જરૂર છે એ હું જાણતી હતી.”

હેલેનના પરીક્ષણ બાદ તેમના રક્તમાં આયર્નનું પ્રમાણ અત્યંત ઓછું જણાયું ત્યારે તેમને લોહી ચડાવવા માટે ઇમરજન્સી રૂમમાં મોકલવામાં આવ્યાં હતાં.

હેલેન જણાવે છે કે ચાર બૅગ રક્તદાન મળ્યું એ માટે તેઓ આભારી છે.

ઇંગ્લૅન્ડના લૅન્કેશાયરમાં રહેતાં આ મહિલાને પ્રોજેસ્ટેરોન નામના હોર્મોનના કૃત્રિમ સ્વરૂપ નોરેથિસ્ટેરોનનો હાઈ ડોઝ પણ આપવામાં આવ્યો હતો. તેનાથી હેલેનનો રક્તસ્ત્રાવ 24 કલાકમાં બંધ થઈ ગયો હતો. એ સમયે તેમને ખ્યાલ ન હતો કે તેઓ પેરીમૅનોપૉઝના તબક્કામાં છે. એ સમયગાળામાં સ્ત્રીનું શરીર મૅનોપૉઝ એટલે કે રજોનિવૃત્તિ તરફ સંક્રમણ શરૂ કરતું હોય છે.

હેલેન કહે છે, “મને લાગ્યું કે મારામાં કંઈક ખોટું છે. હું જે રીતે કામ કરી રહી હતી તે યોગ્ય નથી અને તેથી હું ભાંગી પડી હતી. હું સમજી શકી ન હતી અને શું ચાલી રહ્યું છે તેની વાત મારી આસપાસનું કોઈ કરતું ન હતું.”

ગ્રે લાઇન

હોર્મોનલ ફેરફાર

પોતાનાં અનુભવન બાદ હેલેન ન્યુટ્રીશન થેરપિસ્ટ તરીકે કામ કરે છે

ઇમેજ સ્રોત, HELEN JAMES

ઇમેજ કૅપ્શન, પોતાનાં અનુભવન બાદ હેલેન ન્યુટ્રીશન થેરપિસ્ટ તરીકે કામ કરે છે
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

બાદમાં હેલેનના ગર્ભાશયમાં એક ઇન્ટ્રાયુટેરિન ઉપકરણ(આંતરસ્ત્રાવીય ગર્ભનિરોધક)નું પ્રત્યારોપણ કરવામાં આવ્યું હતું, પરંતુ એ માટે લેવામાં આવેલા ટાંકાથી પીડા થતી હોવાને કારણે તેને ત્રણ વર્ષ બાદ કાઢી નાખવામાં આવ્યું હતું. ત્યાં સુધીમાં હેલેને પોષણ ઉપચારક્ષેત્રે કારકિર્દી શરૂ કરી હતી અને પેરીમૅનોપૉઝ દરમિયાન હોર્મોનમાં થતા ફેરફાર વિશેની માહિતી મેળવી હતી.

હેલેન એકાઉન્ટ મૅનેજમૅન્ટ આસિસ્ટન્ટ તરીકે કામ કરતાં હતાં, પરંતુ આ અનુભવને કારણે તેઓ ન્યુટ્રીશન થેરપિસ્ટ બન્યાં હતાં અને તેમણે પેરીમૅનોપૉઝલ સ્ત્રીઓના ઉપચારનું કામ શરૂ કર્યું હતું.

હેલેન કહે છે, “હું આયુષ્યની ત્રીસીના દાયકામાં હોય તેવી સ્ત્રીઓ સાથે સંવાદનો પ્રયાસ કરું છું, જેથી તેઓ જાણી શકે કે ઉંમરના એ તબક્કા દરમિયાન તેમના શરીરમાં કેવા ફેરફાર અપેક્ષિત હોય છે. તેઓ તેને પેરીમૅનોપૉઝ ભલે ન કહે, પરંતુ તેની શરૂઆત એ જ સમયગાળામાં થતી હોય છે. મને મળેલું જ્ઞાન વહેંચવા બાબતે હું હવે ખરેખર ઉત્સાહી છું.”

સ્કૉટલૅન્ડના ઍડિનબર્ગમાં 'એમઆરસી સેન્ટર ફૉર રિપ્રોડક્ટિવ હેલ્થ'ના પ્રિન્સિપલ ઇન્વેસ્ટિગેટર અને માનદ કન્સલ્ટન્ટ ગાયનેકોલોજિસ્ટ ડૉ. જેકલીન મેબિન કહે છે, “પેરીમૅનોપૉઝ દરમિયાન ભારે માસિક રક્તસ્ત્રાવ સામાન્ય બાબત છે અને તે ખરેખર અશક્ત બનાવી શકે છે.”

ગ્રે લાઇન

સમસ્યારૂપ માસિક રક્તસ્ત્રાવ

 કિર્સ્ટી મેકનીલ કહે છે કે મેનોપોઝના લક્ષણો વિશે સ્ત્રીઓએ વધુ મોકળાશથી વાત કરવી જોઈએ

ઇમેજ સ્રોત, KIRSTY MCNEIL

ઇમેજ કૅપ્શન, કિર્સ્ટી મેકનીલ કહે છે કે મૅનોપોઝનાં લક્ષણો વિશે સ્ત્રીઓએ વધુ મોકળાશથી વાત કરવી જોઈએ

પ્રત્યેક ત્રણમાંથી એક સ્ત્રી તેમના પ્રજનનકાળમાં કોઈ તબક્કે અસામાન્ય માસિકસ્ત્રાવનો અનુભવ કરતી હોવાનો અંદાજ છે. એવું સામાન્ય રીતે છોકરીને માસિક શરૂ થાય ત્યારે અને મૅનોપૉઝ પહેલાં થાય છે. માસિકસ્ત્રાવ સંબંધી ખોટી માન્યતાને કારણે તેનું મહત્ત્વ ઓછું આંકવામાં આવે છે.

ડૉ. મેબીન કહે છે, “મૅનોપૉઝ પહેલાં અનુભવાતો મુશ્કેલીભર્યો માસિક રક્તસ્ત્રાવ સામાન્ય રીતે ઓવ્યુલેટરી ડિસફંક્શનને કારણે થાય છે. તેનાથી પ્રજનન હોર્મોન્સમાં વિક્ષેપ સર્જાય છે. તેના પરિણામે ભારે અને અનિયમિત માસિક રક્તસ્ત્રાવ થાય છે.” સ્કૉટલૅન્ડમાં વધુ પડતા, વારંવાર અને અનિયમિત માસિકસ્ત્રાવને કારણે ગયા વર્ષે 175 મહિલાઓને લોહી ચડાવવું પડ્યું હોવાની 'સ્કૉટલેન્ડની નેશનલ બ્લડ ટ્રાન્સફ્યુઝન સર્વિસે' પુષ્ટિ કરી છે.

બીબીસીએ બ્રિટનના માહિતી સ્વાતંત્ર્યના કાયદા હેઠળ વિનંતી કરી એ પછી આ આંકડો જાહેર કરવામાં આવ્યો હતો.

સ્કૉટલૅન્ડના ગ્લાસગોમાં રહેતાં કિર્સ્ટી મૅકનીલ 40 વર્ષનાં હતાં ત્યારે તેણે પ્રથમ વખત ભારે રક્તસ્ત્રાવનો અનુભવ કર્યો હતો અને આવું પાંચ વર્ષ સુધી ચાલ્યું હતું. હવે 49 વર્ષનાં થયેલાં મૅકનીલ કહે છે, “મારા પિરિયડ્ઝનો પહેલો દિવસ કાયમ ભારે રહેતો હતો, પરંતુ મારી બીજી તકલીફ પણ હતી. લોહી બહાર ધસી આવતું હતું.”

પિરિયડ્ઝની શરૂઆતના પહેલા કેટલાક દિવસોમાં કિર્સ્ટીને 'હેવી બ્લીડિંગ' થતું હતું, પરંતુ પછી પરિસ્થિતિ અણધારી બની ગઈ હતી.

કિર્સ્ટી કહે છે, “મારે કામમાંથી રજા લેવી પડતી હતી અથવા બાથરૂમની નજીક રહેવાય તેવી વ્યવસ્થા કરવી પડતી હતી. પછી મને થાક લાગતો હતો. મારા રક્તમાં આયર્નનું સ્તર ઘટી જતું હતું અને આ બધું એકસાથે થતું હતું. તે સમય પસાર થઈ જતો હતો, પરંતુ એ દિવસો દુઃસ્વપ્ન જેવા અને થકવી નાખનારા હતા.”

કિર્સ્ટી ડૉક્ટર પાસે ગયાં ત્યારે તેમને કહેવામાં આવ્યું હતું કે તેમની વય મૅનોપૉઝ શરૂ થવા જેટલી નથી. છતાં કિસ્ટ્રીએ હોર્મોન પરીક્ષણ માટે વિનંતી કરી હતી.

45 કે 46 વર્ષની વયે માસિક આવતું બંધ થઈ ગયું હોવાનું જાણ્યા બાદ કિર્સ્ટી રોષે ભરાયાં હતાં. કિર્સ્ટીના કહેવા મુજબ, મૅનોપૉઝનાં લક્ષણો વિશે સ્ત્રીઓએ વધુ મોકળાશથી વાત કરવી જોઈએ.

‘ડોક્ટર સાથે વાત કરો’

આરોગ્ય બાબતે મહિલાઓ ડૉક્ટરની મુલાકાત લેતાં રહેવી જોઈએ

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, આરોગ્ય બાબતે મહિલાઓ ડૉક્ટરની મુલાકાત લેતાં રહેવી જોઈએ

મહિલાઓના આરોગ્ય વિશેના બ્રિટનના આરોગ્ય મંત્રાલયના 2022ના સર્વેક્ષણમાં જાણવા મળ્યું છે કે પ્રત્યેક દસમાંથી એક જ મહિલાએ પોતે મૅનોપૉઝ વિશે પૂરતી સમજ ધરાવતી હોવાનું જણાવ્યું હતું.

ડૉ. મેબીનના જણાવ્યા મુજબ, માસિકસ્ત્રાવ સંબંધી વિકૃતિમાં લેવોનોર્જેસ્ટ્રેલ ઇન્ટ્રાયુરેટિન ડિવાઇસ અથવા પ્રોજેસ્ટિન ટેબ્લેટેસ જેવી હોર્મોનલ સારવારનો સારો પ્રતિસાદ મળે છે.

કેટલાક કિસ્સામાં ઍન્ડોમેટ્રાયલ ઍબ્લેશન (ગર્ભાશયનું અસ્તર શસ્ત્રક્રિયા દ્વારા કાઢી નાખવું) અથવા હિસ્ટરેક્ટોમી જેવી સર્જિકલ સારવાર કરવી પડે છે.

ડૉ. મેબીન કહે છે, “કોઈ સ્ત્રીને હેવી પિરિયડ્ઝ આવતા હોય અને તેની તેના જીવન પર નકારાત્મક અસર થતી હોય અથવા સેક્સ પછી બે પિરિયડ્ઝ વચ્ચે બ્લીડિંગ થતું હોય અથવા મૅનોપૉઝ દરમિયાન પણ બ્લીડિંગ થતું હોય તો તેણે તેના ડૉક્ટર સાથે વાત કરવી જોઈએ.”

રેડ લાઇન
રેડ લાઇન