સુરત શહેરમાં જળબંબાકાર : ભારે વરસાદને કારણે સુરતની કેવી હાલત થઈ જુઓ 10 તસ્વીરોમાં

સુરતમાં રવિવાર રાતથી શરૂ થયેલા વરસાદને કારણે સોમવારે જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ હતી. જોકે સોમવારે વરસાદ ધીમો પડ્યા બાદ ઠેરઠેર ભરાયેલાં પાણી ઓસરવાનું શરૂ થયું હતું.

સુરતમાં સોમવાર બપોર બાદ વરસાદે વિરામ લીધો હતો. જોકે, રાત્રિના બે વાગ્યા બાદ ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. 24 જૂનની સવારે 4 વાગ્યાથી 6:00 વાગ્યા સુધીમાં સુરતમાં વધુ 4 ઇંચ વરસાદ ખાબક્યો હતો.

તો 6ઃ00 વાગ્યાથી 8ઃ00 વાગ્યા સુધીમાં 1 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદના પગલે સુરતના નીચાણવાળા વિસ્તારમાં ઘૂટણથી લઈને ગળા સુધી પાણી ભરાઈ ગયાં છે.

ચોમાસાની શરૂઆતમાં જ સુરત શહેર અને જિલ્લામાં રેકૉર્ડબ્રેક વરસાદ નોંધાયો છે. જે અંતર્ગત સોમવારે સવારના 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં શહેરમાં નવ ઇંચ વરસાદ પડ્યો છે.

ભારે વરસાદને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ભારે વરસાદના કારણે અનેક નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા.

જોકે સુરતથી બીબીસી ગુજરાતીના સહયોગી પત્રકાર રૂપેશ સોનવણેએ જણાવ્યું કે કેટલાક વિસ્તારોમાંથી પાણી ઓસરવાનું શરૂ થઈ ગયું હતું.

કતારગામમાં સાડા આઠ ઇંચ વરસાદ પડતાં જ શહેરના રસ્તાઓ નદીમાં ફેરવાઈ ગયા હતા. કતારગામ વિસ્તારમાં પાણી ભરાતાં લોકોને ટ્રેક્ટરથી અન્યત્ર ખસેડાયા હતા.

અડાજણની અંદાજે એક હજાર દુકાનોમાં પાણી ઘૂસી જતાં સામાન પલળી ગયો હતો. એક કાપડના વેપારીના જણાવ્યા પ્રમાણે "વરસાદનું પાણી માર્કેટ કૉમ્પ્લેક્સમાં અને ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી લગભગ બધી દુકાનોમાં ઘૂસી ગયું હતું અને 25,000-30,000 જેટલો સાડીઓનો સ્ટૉક બગડી ગયો હતો."

બીજા વેપારીના કહેવા પ્રમાણે ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી લગભગ 1000 દુકાનોમાં વરસાદનું પાણી ઘૂસી ગયું છે. મોટાભાગના વેપારીઓને ભારે નુકસાન થયું છે.

સોમવાર સવારના છથી સાંજના છ સુધીના બાર કલાકની વાત કરીએ તો, સુરત શહેરમાં સાડા નવ ઇંચ વરસાદ વરસ્યો છે. સુરત જિલ્લાના કામરેજમાં સાડા સાત ઇંચ વરસાદ નોંધાયો છે. પલસાણામાં સવા છ ઇંચ વરસાદ વરસ્યો છે. બારડોલીમાં પાંચ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. ઓલપાડમાં સવા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે.

મંગળવારે પણ સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં વરસાદ ચાલી રહ્યો હતો.

દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં તારીખ 24 જૂન, સવારના છથી સાંજના ચાર કલાક સુધીમાં પડેલા વરસાદની વાત કરીએ તો, સ્ટેટ ઇમરજન્સી ઑપરેશન સેન્ટર-ગાંધીનગરની માહિતી પ્રમાણે સુરત શહેરમાં મંગળવારે સવારના છથી સાંજના ચાર કલાક સુધીમાં 2.6 ઇંચ વરસાદ પડ્યો હતો.

વલસાડના કપરડા તાલુકામાં 2.44 ઇંચ, સુરતના કામરેજમાં 2.44 ઇંચ, તાપીના દોલવનમાં 2.24 ઇંચ, તાપી જિલ્લાના વાલોદમાં 2.13 ઇંચ અને કુકરમુંદામાં 2.13 ઇંચ, નર્મદાના સાગબારામાં 2.2 ઇંચ, સુરતના ઉમરપાડામાં 3.62 ઇંચ, વલસાડના ધરમપુરમાં 3.9 ઇંચ તેમજ પારડીમાં 4.25 ઇંચ વરસાદ નોંધાયો હતો તો વાપીમાં 6.02 ઇંચ વરસાદ નોંધાયો હતો.

નર્મદા જિલ્લાના નાંદોદમાં 8.66 ઇંચ અને તિલકવાડામાં 7.13 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.

સુરત મહાનગર પાલિકાના જણાવ્યા પ્રમાણે તારીખ 23 જૂનના રોજ સુરત શહેરમાં અવિરતપણે પડેલા વરસાદને કારણે ઠેર-ઠેર પાણી ભરાયાં હતાં જેને પગલે સુરત મહાનગર પાલિકાના ફાયર વિભાગ દ્વારા સ્કૂલો, રહેણાક વિસ્તારોમાંથી બપોરે ચાર કલાક સુધીમાં કુલ 112 વ્યક્તિઓ, બાળકોને સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે ભારે વરસાદને કારણે શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ એએનઆઈને જણાવ્યું હતું કે, શાળાઓમાં વિદ્યાર્થી અને શિક્ષકો માટે રજા જાહેર કરવામાં આવી છે.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, "આજની સ્થિતિ જોતા સ્કૂલોમાં રજા જાહેર કરાઈ હતી. વરસાદની આગાહી છે ત્યારે આજ જેવી સ્થિતિ થાય તો સ્કૂલો સ્થાનિક સ્થિતિ પ્રમાણે શાળામાં રજા રાખવી કે ચાલુ રાખવી તેનો નિર્ણય કરી શકે છે."

સુરત શહેરમાં ભારે વરસાદના પગલે મ્યુનિસિપલ કમિશનર પરિસ્થિતિ પર નજર રાખી રહ્યાં છે.

બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા સુરત મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, "સુરતમાં બધા જ રસ્તાઓ ક્લિઅર કર્યા છે અને રેસ્કયુ કરવામાં આવ્યા છે. છેલ્લાં દસ વર્ષમાં આ સૌથી વધુ વરસાદ છે. જેમાં દસ કલાકમાં દસ ઇંચ વરસાદ પડ્યો છે. જોકે હાલ પાણી ઓસરી ગયાં છે. અત્યારે ફિલ્ડ ટીમ કામગીરી કરી છે અને રસ્તાઓ ખોલી દેવામાં આવ્યા છે. જોકે, વરસાદમાં કોઈ જાનહાનિ થઈ નથી. ટીમ ફિલ્ડમાં અને આઈસીસીસી ખાતે પણ પરિસ્થિતિ સંભાળી રહી હતી."

અવિરત વરસાદને કારણે સુરતના અનેક વિસ્તારો પાણીમાં ડૂબી ગયા હતા.

સુરતમાં અવિરત વરસાદને કારણે શહેરના વિવિધ ભાગોમાં પાણી ભરાઈ ગયા હતા અને શહેરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી.

ભારતીય હવામાન વિભાગ અનુસાર, બુધવારે પણ વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે. એએનઆઈ સાથે વાતચીત કરતા સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ જિજ્ઞા પરમારે પાણી ભરાયાની માહિતી આપી અને કોઈ જાનહાનિ ન થઈ હોવાની જાણકારી આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે, "100 મીમીથી વધુ વરસાદને કારણે, રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાં છે. નીચાણવાળા વિસ્તારમાં ચારથી પાંચ સોસાયટીઓમાં પાણી ભરાઈ ગયાં છે. પરંતુ અત્યાર સુધી કોઈ નુકસાન થયું નથી."

તેમણે વધુમાં કહ્યું હતું કે, "હું લોકોને બચાવ કામગીરી દરમિયાન અધિકારીઓને સહકાર આપવા અપીલ કરું છું. વરસાદ ધીમેધીમે બંધ થતા પાણીનું સ્તર ઘટવાની શક્યતા છે''

આઈએમડી હવામાન આગાહી મુજબ, ગુજરાત અને રાજસ્થાનના ઘણા ભાગોમાં 27 જૂન સુધી વાવાઝોડા સાથે વરસાદ પડવાની સંભાવના છે.

ઉલ્લેખનીય છે કે પૂરની સમીક્ષા કરવા માટે ધારાસભ્ય કુમાર કાનાણીએ પાણીમાં ગરકાવ સ્થળની મુલાકાત લીધી હતી.

સુરત શહેરના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા છે. આ સાથે લોકોનો ઘરો અને દુકાનોમાં પણ વરસાદી પાણી છે. આ તરફ કાપડ બજારમાં પણ વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો છે.

વરાછા ખાંડ બજાર સર્વોદય બૅન્કમાંથી રૅસ્ક્યુ કામગીરી હાથ ધરવામાં આવી હતી.

સુરત મહાનગરપાલિકાના જણાવ્યા પ્રમાણે સુરતમાં ભારે વરસાદને કારણે ઘણા મુખ્ય રસ્તાઓ બંધ કરવા પડ્યા હતા. જોકે પરિસ્થિતિને કાબુમાં લેવા માટે કમાન્ડ ઍન્ડ કંટ્રોલ સેન્ટર (ICCC) થી મ્યુનિસિપલ કૉર્પોરેશન દ્વારા દેખરેખ રાખવામાં આવી હતી અને ઋષભ ચાર રસ્તા, ગુજરાત ગેસ સર્કલ, ગલ્લા મંડી જેવા વિસ્તારોના રસ્તાઓ ફરીથી ખોલવામાં આવ્યા છે.

રાંદેર ઝોનના અડાજણ પાટિયા, ધનમોર કૉમ્પ્લેક્સ, પ્રાઇમ આર્કેડ, મોટા ભાગલ, સુભાષ ગાર્ડન, રાંદેર રોડ, સાંઈ આશિષ શાકભાજી બજાર જેવા વિસ્તારોમાં પાણી દૂર કર્યા પછી રસ્તાઓ ફરીથી ખોલવામાં આવ્યા હતા. કતારગામના સૈયદપુરા, હોદી બંગલા, ગોટાલાવાડી વિસ્તારના રસ્તાઓ પણ ફરીથી ખોલવામાં આવ્યા છે.

સુરતમાં ભારે વરસાદને કારણે રોડ પર પાણી ભરાઈ ગયા હતા અને શહેર જાણે વેનિસ હોય એવી પરિસ્થિતિ સર્જાઈ હતી. લોકોના ઘરો અને વાહનો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા પરિણામે લોકોના વેપાર-ધંધા, નોકરીયાત વર્ગને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

ભારે વરસાદને કારણે સરથાણા પોલીસ સ્ટેશન પણ પાણીમાં ગરકાવ થઈ ગયું હતું. વરાછાના સીમાડા ગામની સોસાયટીમાં પણ પાણી ઘૂસી જતાં લોકો પરેશાન થયા હતા.

સુરત શહેરની આ સ્થિતિને કારણે સ્થાનિકોમાં રોષની લાગણી જન્મી છે અને તંત્ર સામે સવાલો ઊઠી રહ્યા છે.

બીબીસી ગુજરાતી માટે કલેકટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન