પાસવર્ડ કેવો હોવો જોઈએ? હેકિંગથી બચવા સુરક્ષિત પાસવર્ડ કેવી રીતે બનાવવો?

    • લેેખક, અમૃતા દુર્વે
    • પદ, બીબીસી મરાઠી

આપણી ડિજિટલ ઇન્ફૉર્મેશન, ટ્રાન્ઝેક્શનની ગોપનીય માહિતીઓ સુરક્ષિત રાખવા માટે પાસવર્ડ અગત્યની ભૂમિકા ભજવે છે.

પછી તે એમેઝોન કે ફ્લિપકાર્ટ જેવી શૉપિંગ ઍપ્સ હોય, ફેસબુક, ઇન્સ્ટગ્રામ કે ટ્વિટર જેવી સોશિયલ મીડિયા ઍપ્સ હોય, તમારું ઇ-મેઈલ આઈ-ડી હોય કે પછી ઑનલાઇન બૅન્કિંગ- દરેક માટે આપણે પાસવર્ડ બનાવવો જ પડે છે.

પછી દરેક વખતે આપણે પાસવર્ડ યાદ રાખવો પડે છે અને તેના લીધે આપણે ઘણા શૉર્ટકટ વાપરતા હોઈએ છીએ. પણ આ ટેવ ઘણી વાર આપણને મોટી મુશ્કેલીમાં મૂકી શકે છે.

આ પાસવર્ડ ક્યારેય વાપરવા ન જોઈએ

તમારો પાસવર્ડ ક્યારેય તમારું નામ કે તમારી અટક ન હોવો જોઈએ અને તેની પાછળ કૉમન આંકડાઓ 123 ન હોવા જોઈએ. ઉદાહરણ તરીકે Rahul123 કે Deepal789.

asdfg કે qwerty જેવા ખૂબ વપરાશમાં લેવાતા સહેલા પાસવર્ડનું લોકો આસાનીથી અનુમાન લગાવી શકે છે, એટલા માટે તેને પાસવર્ડ તરીકે ક્યારેય ન રાખવા જોઈએ.

આ સિવાય પાસવર્ડમાં તમારું નામ, તમારી પત્ની કે તમારા પતિનું નામ, તમારા પાળેલા પ્રાણીનું નામ, તમારી જન્મતારીખ જેવી માહિતીઓ ક્યારેય ન રાખવી જોઈએ.

ઉપરાંત ક્યારેય તમારો જૂનો પાસવર્ડ પણ ન રાખવો જોઈએ.

કઈ રીતે મજબૂત પાસવર્ડ બનાવવો?

પાસવર્ડ એવો હોવો જોઈએ કે તેનું કોઈ આસાનીથી અનુમાન લગાવી ન શકે, પરંતુ તમને આસાનીથી યાદ રહી જાય.

એક શ્રેષ્ઠ પાસવર્ડમાં અક્ષરો, આંકડાઓ અને સ્પેશિયલ કેરેક્ટર્સ એમ ત્રણેયનું મિશ્રણ હોવું જોઈએ.

તમે તમારું કોઈ ગમતું ગીત કે કોઈ સ્લોગન પસંદ કરો. ઉદાહરણ તરીકે- Twinkle Twinkle Little Star.

હવે, દરેક શબ્દોનો પહેલો અક્ષર પસંદ કરો તથા પહેલો અક્ષર કૅપિટલ રાખો – Ttls.

ત્યારપછી કોઈ એવો નંબર તેની પાછળ ઉમેરો કે જે તમને યાદ રહે. જેમ કે તમારા કોઈ વાહનનો નંબર, કોઈ બીજી વ્યક્તિની જન્મતારીખ. અને કોઈ સ્પેશિયલ કેરેક્ટરનો પણ ઉમેરો કરો એટલે પાસવર્ડ આવો બનશે - Ttls*2208

હવે બનેલો પાસવર્ડ કોઈ આસાનીથી અનુમાન લગાવી શકે તેવો નહીં રહે.

પાસવર્ડ વાપરતી વખતે શું યાદ રાખશો?

તમારાં ઇ-મેઈલ, સોશિયલ મીડિયાના એકાઉન્ટ માટે ક્યારેય એકસરખો પાસવર્ડ ના રાખવો જોઈએ.

જો તમે બધાં જ એકાઉન્ટ્સ માટે એકસરખો પાસવર્ડ રાખ્યો હોય તો એવું બની શકે કે જો તમારું એક એકાઉન્ટ હેક થઈ જાય તો હેકર્સ તમારાં બીજાં એકાઉન્ટ્સ પણ આસાનીથી હેક કરી શકે.

એકસરખો પાસવર્ડ વારાફરતી પણ અલગઅલગ એકાઉન્ટ્સ માટે ન રાખવો જોઈએ.

ક્યારેય તમારું લૉગિન આઇ-ડી અને પાસવર્ડ કોઈ એક જ ઇ-મેઈલ, મૅસેજ કે મોબાઇલ નોટ્સમાં લખીને ન રાખો.

જો તમારે તમારો પાસવર્ડ લખીને રાખવાની જરૂર પડતી હોય તો જાહેરમાં કોઈ એવી જગ્યાએ ન રાખો કે કોઈ પણ તેને જોઈ શકે.

ભલે તમે આસાનીથી લૉગિન કરી શકો પરંતુ ક્યારેય તમારો પાસવર્ડ બ્રાઉઝરમાં સેવ કરીને ન રાખો. તમારું લૅપટૉપ કે પીસી કોઈ અન્ય વ્યક્તિ વાપરતા હોય અથવા તો તમે ઑફિસમાં કામ કરતા હોવ એ સંજોગોમાં ક્યારેય તમારો પાસવર્ડ બ્રાઉઝરમાં સેવ કરીને ન રાખો.

ટુ- ફેક્ટર ઓથેન્ટિકેશન

સરળ ભાષામાં કહીએ તો ટુ- ફેક્ટર ઓથેન્ટિકેશન એ જાણે કે તમારા તાળું મારેલા મુખ્ય દરવાજાની બહાર બીજો સેફ્ટી માટે રાખેલો દરવાજો છે.

ટુ- ફેક્ટર ઓથેન્ટિકેશનની સુવિધા હોય તો તમે માત્ર પાસવર્ડથી જ લૉગિન કરી શકતા નથી.

તમે તમારા મોબાઇલ નંબરને તમારા એકાઉન્ટ સાથે જોડી શકો છો, જેથી તમને લૉગિન કરવા માટે ઓટીપી મળી શકે.

આ સુવિધા એક્ટિવ રાખવાથી તમારે દર વખતે લૉગિન કરતા સમયે પાસવર્ડ સાથે તમે મોબાઇલ નંબર પર મેળવેલો ઓટીપી પણ દાખલ કરવો પડશે.

પાસવર્ડ મૅનેજર

જો તમે દરેક એકાઉન્ટ માટે તમારા અલગઅલગ પાસવર્ડ બનાવો છો તો તમારે ઓછામાં ઓછા સાતથી આઠ પાસવર્ડ યાદ રાખવા પડશે જે જરાય સહેલું કામ નથી.

આ માટે તમે પાસવર્ડ મૅનેજરની મદદ લઈ શકો છો.

પાસવર્ડ મૅનેજર તમારા માટે અલગઅલગ પાસવર્ડ બનાવી શકે છે અને તે તમારા પાસવર્ડ યાદ પણ રાખે છે અને સુરક્ષિત પણ રાખે છે.

તમે કોઈ પણ એકાઉન્ટમાં પાસવર્ડ મૅનેજરની મદદ લઈને લૉગિન કરી શકો છો.

તેનો મહત્ત્વનો ફાયદો એ છે કે તમારે દર વખતે નવા પાસવર્ડ બનાવવા પડતા નથી અને જો તમે પહેલા બનાવેલા પાસવર્ડ જો કદાચ સુરક્ષિત નથી તો પણ પાસવર્ડ મૅનેજર તમને એ બાબતે સૂચિત કરે છે.

આ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ

આપણે આપણા ફોનમાં ઘણી બધી ઍપ્લિકેશનો ડાઉનલોડ કરતા હોઈએ છીએ. આ દરેક ઍપ્લિકેશનમાં આપણે લૉગિન માટે નવો પાસવર્ડ બનાવવો પડે છે.

ઘણી વાર આપણે એવું કરીએ છીએ કે દરેક ઍપ્સ માટે અલગ પાસવર્ડ બનાવવો ન પડે એટલા માટે જી-મેઇલ કે ફેસબુકથી જ લૉગિન કરીએ છીએ.

પરંતુ આ પરિસ્થિતિમાં આપણે વારંવાર એ ચેક કરતા રહેવું જોઈએ કે આપણે કેટલી ઍપ્લિકેશનમાં આ રીતે લૉગિન કરેલું છે. જે ઍપ્લિકેશનો આપણે ઉપયોગમાં ન લેતા હોઈએ તે ડિલીટ કરી દેવી જોઈએ.

જો તમે એકથી વધુ ડિવાઇસનો ઉપયોગ કરતા હોવ તો એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે તમે કઈ ડિવાઇસમાં ક્યારે લૉગિન કર્યું હતું. જે ડિવાઇસનો ઉપયોગ ન કરતા હોવ તેમાંથી લૉગિન દૂર કરી દેવું જોઈએ.

ઘણી વાર તમે ફિંગરપ્રિન્ટ કે બાયોમેટ્રિક્સથી પણ લૉગિન કરી શકો છો, એ પણ ઉપયોગમાં લેવું જોઈએ.

દરેક એકાઉન્ટમાં રીકવરી સેટિંગ્સ હોય છે. જ્યારે તમે પાસવર્ડ ભૂલી જાઓ અથવા તો તમારું એકાઉન્ટ હેક થઈ જાય ત્યારે તમે તમારું એકાઉન્ટ રીકવરી સેટિંગ્સમાં તમે સેટ કરેલા મોબાઇલ નંબર કે ઇ-મેઈલથી કરી શકો છો. એટલે તેને પણ અપડેટેડ રાખવું જોઈએ.